સામોસ બોગદું : ભૂમધ્ય સમુદ્રના ભાગરૂપ એજિયન સમુદ્રમાં આવેલા સામોસ ટાપુમાં તૈયાર કરાયેલું બોગદું. ભૌગોલિક સ્થાન : 37° 45´ ઉ. અ. અને 26° 45´ પૂ. રે.. આ બોગદું માઉન્ટ કૅસ્ટ્રોની એક બાજુ પર ઈ. પૂ.ની છઠ્ઠી સદીમાં જુલમી રાજાના પાટનગરને તત્કાલીન પાણી પૂરું પાડવા બનાવવામાં આવેલું. હીરોડોટસના જણાવ્યા મુજબ, તેનું નિર્માણ મેગારાના ઇજનેર યુપેલિનસે કરેલું. ગુલામોની ટુકડી દ્વારા ખડકોને હથોડીઓ અને છીણીઓથી ખોદીને તે તૈયાર કરવામાં આવેલું. તેની લંબાઈ 900 મીટર અને વ્યાસ 2 મીટર જેટલો છે. તેના બંને છેડા એક સીધી રેખામાં બનાવી શકાયા નથી, બંને બાજુએથી ખોદવાનું શરૂ કરીને વચ્ચે ‘યુ’ (U) વળાંકથી તેને જોડેલું છે.

ગિરીશભાઈ પંડ્યા