સામૂહિક સલામતી (collective security) : આંતરરાષ્ટ્રીય સ્થિરતા પ્રાપ્ત કરવા માટે આક્રમણખોર રાજ્ય વિરુદ્ધ સંગઠિત બની સામૂહિક પ્રયાસો દ્વારા યુદ્ધ રોકવાના અન્ય તમામ રાજ્યોના પ્રયાસો. સામૂહિક સલામતી યુદ્ધો અટકાવવાની કે બંધ કરવાની સામૂહિક પ્રયાસોની એક વ્યવસ્થા છે. સામૂહિક સલામતીનો વિચાર પ્રથમ વિશ્વયુદ્ધ(1914-18)ને અંતે આરંભાયેલો વિચાર છે, જે વૈશ્ર્વિક કક્ષાએ જ કરી શકાય. ‘નાટો’, ‘સિયાટો’ જેવા પ્રાદેશિક કરારોથી ઉપરવટની વ્યવસ્થા તરીકે તેનો વિચાર કરાયો હતો. લીગ ઑવ્ નૅશન્સ અને યુનો  બંને સામૂહિક સલામતીના સિદ્ધાંતને આધારે રચાયાં હતાં. જોકે બેમાંથી એક પણ સંસ્થા આ સિદ્ધાંતને સફળતાથી અમલમાં મૂકી શકી નહોતી. સામૂહિક સલામતી અંગેના નિર્ણયો લેવામાં રાજ્યોનાં હિતો આડે આવતાં હતાં. આ અભિગમ એવી માન્યતાને આધારે રચાયેલો છે કે યુદ્ધો લડાતાં રહેવાનાં અને તેથી તેમને અટકાવવાની જરૂરત પણ કાયમ ઊભી થવાની. સામૂહિક બળ દ્વારા યુદ્ધને ડારવાની કે રોકવાની પ્રક્રિયા સામૂહિક સલામતીની પાયાની પ્રક્રિયા છે.

યુદ્ધનો કાયમી અંત આણવો તેમજ શાંતિ અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ખ્યાલાત્મક અને સંસ્થાગત ઉપાયો શોધવા તે આજના વિશ્વરાજકારણની તાતી જરૂરિયાત છે. કાયમી શાંતિની સ્થાપના માટે વિવિધ અભિગમો રજૂ થયા છે; જેમાં શાંતિપૂર્ણ સહ-અસ્તિત્વ, સામૂહિક સલામતી, નિ:શસ્ત્રીકરણ, પ્રતિબંધક મુત્સદ્દીગીરી, વાલીપણાનો ખ્યાલ વગેરેનો સમાવેશ થાય છે. તેના ટેકેદારોમાં અમેરિકાના પ્રમુખ થિયૉડોર રુઝવેલ્ટ, ડચ વિદ્વાન વાન વૉલેન વેવેલ તેમજ હેગ તથા અમેરિકામાં આવેલ સંસ્થાઓનો સમાવેશ કરી શકાય. અલબત્ત, લીગ ઑવ્ નૅશન્સે આ અભિગમને નવું સ્વરૂપ આપેલું. બીજી તરફ યુદ્ધો પરત્વે પ્રજાકીય અણગમાના માનસને કારણે સામૂહિક સલામતીનો ખ્યાલ વધુ લોકપ્રિય બન્યો અને વિકસ્યો. 1919માં પૅરિસ ખાતે 32 દેશોના પ્રતિનિધિઓ સંઘર્ષોના શાંતિપૂર્ણ ઉકેલ માટે એકઠા થયા. ત્યાં નક્કી થયું કે વિવિધ દેશોની સરકારો આંતરરાષ્ટ્રીય સંઘર્ષોનું નિવારણ ચર્ચા-વિચારણા દ્વારા કરશે. વધુમાં, કોઈ પણ એક દેશ યુદ્ધ ભણી લઈ જતાં પગલાં ભરશે તો તેવાં પગલાં અટકાવવા અન્ય સૌ સામૂહિક રીતે પ્રયત્ન કરશે. જિનીવા કૉન્ફરન્સ દ્વારા નિ:શસ્ત્રીકરણ અંગે વિકસેલી વિભાવનાને બાંયધરીનું મૂર્ત સ્વરૂપ અપાયું. ‘કલેક્ટિવ સિક્યૉરિટી’નો અંગ્રેજી શબ્દપ્રયોગ સૌપ્રથમ લિટવિનૉવે કર્યો હતો. તે સમયે તેનો અર્થ એ હતો કે લીગનાં સભ્ય રાજ્યોએ સામૂહિક રીતે પ્રત્યેક સભ્ય રાજ્યની સલામતીની ખાતરી પૂરી પાડવી. લીગ ઑવ્ નૅશન્સ અને પછીથી યુનોની સ્થાપનામાં આ સિદ્ધાંત વણાયેલો હતો.

1920માં લીગ સ્થપાઈ ત્યારે સામૂહિક સલામતી દ્વારા આંતરરાષ્ટ્રીય પ્રશ્ર્નોના ઉકેલ શોધવાની આશા બંધાઈ હતી; પરંતુ લીગ તેમાં નિષ્ફળ નીવડી હતી. તેનું એક કારણ એ હતું કે કોઈ પણ દેશ અન્ય દેશ પર આક્રમણ કરે ત્યારે તેને રોકનાર પોલીસતંત્ર લીગ પાસે નહોતું. જાપાને ચીન પર 1931માં અને પછી 1937માં હુમલા કર્યા ત્યારે લીગ ઑવ્ નૅશન્સ કોઈ અસરકારક પગલાં ભરી શકી નહોતી. 1936માં ઇથિયોપિયા પર ઇટાલીએ અને 1938માં ઑસ્ટ્રિયા પર જર્મનીએ હુમલો કર્યો ત્યારે લીગ આક્રમણખોર દેશને અટકાવી શકી નહોતી. 1939માં જર્મનીએ પોલૅન્ડ પર આક્રમણ કર્યું ત્યારે બીજું વિશ્વયુદ્ધ (1939-45) આરંભાયું. તે રોકવામાં પણ લીગ નાકામયાબ સાબિત થઈ હતી.

સામૂહિક સલામતીના અભિગમને ચરિતાર્થ કરવા માટે કેટલીક પાયાની બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે; જેમ કે, રાજ્યો માટે એ અનિવાર્ય છે કે તેમણે કોઈ પણ સંભવિત આક્રમણખોર અથવા તો આક્રમણખોરોના જોડાણની વિરુદ્ધમાં પ્રતિકાર ન કરી શકાય તેવી તાકાત એકત્રિત કરવી જોઈએ, જેથી કરીને તેઓ સામૂહિક સલામતી દ્વારા જે વ્યવસ્થાનું રક્ષણ કરવામાં આવ્યું હોય તેને પડકારવાની હિંમત કરી શકે નહિ. સામૂહિક કૃત્યમાં જે રાષ્ટ્રો ભાગ લેતાં હોય તેમને સલામતીની એકસરખી વિભાવનાથી જાણકાર બનાવવાં જોઈએ, રાષ્ટ્રો પોતાનાં સંકુચિત રાષ્ટ્રીય હિતોની પાર જોવા માટે ઇચ્છુક હોવા જોઈએ, સત્તાનું સારા પ્રમાણમાં વિસ્તરણ થયેલું હોવું જોઈએ. વળી સામૂહિક સલામતીની પદ્ધતિ સભ્યો પાસેથી સારા પ્રમાણમાં વૈશ્ર્વિકતાની માગણી કરે છે. સામૂહિક સલામતી અને શાંતિ માટેના અન્ય અભિગમો, ખાસ કરીને તકરારોની શાંતિમય સમજૂતી અને નિ:શસ્ત્રીકરણ સાથે રહીને કાર્ય કરે તે આવશ્યક છે.

આ સંજોગો બાદ 1945માં યુનોની સ્થાપના થઈ ત્યારે પ્રત્યેક સભ્ય રાજ્ય સામૂહિક સલામતી દ્વારા શાંતિ જાળવવાના સોગંદ લેવામાં જોડાયું હતું. જોકે આ સભ્યો પણ યુનોને માટે કાયમી પોલીસદળની જોગવાઈ કરી શક્યા નહિ અને આરંભે દર્શાવેલી પ્રતિબદ્ધતામાંથી પાછા ફર્યા. 1950માં આરંભાયેલ કોરિયન યુદ્ધમાં યુનો સામૂહિક સલામતીની નજીક હતું. ઉત્તર કોરિયાનાં દળોએ દક્ષિણ કોરિયા પર આક્રમણ કર્યું ત્યારે અમેરિકા અને યુનોના 15 સભ્ય દેશોએ તેમની લશ્કરી ટુકડીઓ ત્યાં મોકલી અને અંતે યુનોએ તેની સાથે યુદ્ધ-તહકૂબીનો કરાર કર્યો.

વિશ્વરાજકારણના પ્રવાહો પરથી જણાય છે કે શાંતિ સ્થાપવામાં સામૂહિક સલામતીનો અભિગમ અસરકારક બન્યો નથી. વિવિધ સંઘર્ષો યુદ્ધોમાં પરિવર્તિત થયા તેમજ ઠંડા યુદ્ધના વિકાસ પછી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં આર્થિક તાકાત અને સહકારની વિચારણાને પ્રાધાન્ય મળતાં આ પ્રયાસો છોડી દેવાયા. 1952માં યુનોના બે પંચોમાંથી નવું એક નિ:શસ્ત્રીકરણ પંચ રચાયું, છતાં બે મહાસત્તાઓ વચ્ચેની મડાગાંઠ ચાલુ રહી અને સામૂહિક સલામતીનું સ્થાન નિ:શસ્ત્રીકરણના પ્રયાસોએ લીધું.

દિલાવરસિંહ ઝાલા

રક્ષા મ. વ્યાસ