સામુદ્રિક તિલક : સમુદ્રે ઉપદેશેલાં સ્ત્રી-પુરુષનાં લક્ષણોનો શાસ્ત્રીય ગ્રંથ. વેંકટેશ્વર પ્રેસ દ્વારા પ્રગટ થયેલો મૂળ ગ્રંથ અને તેનો હિન્દી અનુવાદ આજે ઉપલબ્ધ નથી. રઘુનાથ શાસ્ત્રી પટવર્ધને મરાઠી ભાષા સાથે તેનું સંપાદન કર્યું છે. હિમ્મતરામ મહાશંકર જાની વડે સંપાદિત ગ્રંથ સારાભાઈ મણિલાલ નવાબે ઈ. સ. 1947માં જૈન સામુદ્રિકના પાંચ ગ્રંથોમાં પ્રકાશિત કર્યો છે. ‘સામુદ્રિક ભૂષણ’ આ ગ્રંથનો આદર્શ ગ્રંથ છે.

મૂળે આ શાસ્ત્ર શંકરના પુત્ર સ્કંદે રચ્યું છે, પણ ગ્રંથના આરંભે ગણપતિને વંદન ન કર્યાં હોઈ રુદ્રે કોપાવિષ્ટ થઈ તેને સમુદ્રમાં પધરાવી દીધો. ઇન્દ્રના આગ્રહથી સમુદ્રે તેનો પુનરુદ્ધાર કર્યો. આથી તેને સામુદ્રિક શાસ્ત્ર કહે છે.

‘સામુદ્રિક તિલક’ ગ્રંથ પાંચ અધિકારમાં વહેંચાયેલો છે. પ્રથમ અધિકારમાં મંગલાચરણ પછી સામુદ્રિક શાસ્ત્રની ઉત્પત્તિ વર્ણવી છે. પુરુષના પગની આંગળીઓ, નખ, ઘૂંટી, એડી, નળી, સાથળ, ઉત્સર્ગતંત્ર, કુક્ષી, નાભિ, જઠર, કમર, વલ્લી, હૃદય, વક્ષ:સ્થળ, ગળાની હાંસડી, ખભા, બગલ, બાહુ, હાથનો પહોંચો, ઓઠ, જીભ, ગળાની ઘંટડી, નાસિકા, આંખ, કાન, મસ્તક, કપાળની રેખાઓ, કેશ અને શરીરનું સામુદ્રિક દૃષ્ટિએ વર્ણન છે.

બીજા અધિકારમાં ક્ષેત્રના આઠ વિભાગ, સંહતિ, સાર, અનૂપ, સ્નેહ, ઉન્માન, પ્રમાણ, માન, ક્ષેત્ર, પ્રકૃતિ અને મનુષ્યનાં બત્રીસ લક્ષણો ગણાવ્યાં છે.

ત્રીજા અધિકારમાં આવર્ત (ભમરીઓ), ગતિ, કાન્તિ, સ્વર, ગંધ, વર્ણ, રુત(ધ્વનિ)ની ચર્ચા છે.

ચોથા અધિકારમાં સ્ત્રી-સામુદ્રિક-વિષયક ચર્ચામાં પગનાં તળિયાં, ચિહ્નો, આંગળીઓ, નખ, ઘૂંટી, જાંઘ, જાનુ (ઢીંચણ), ઊરુ (સાથળ), કટિ, નિતંબ, સ્ફિક (થાપો), ગુહ્યાંગ, બસ્તિ, નાભિ, કુક્ષી, પાર્શ્ર્વ, ઉદર-વલ્લી, હૃદય, વક્ષ:સ્થળ, સ્તન, ગળાની હાંસડી (જત્રુ), ખભા, બગલ, બાહુ, હાથની આંગળીઓ, નખ, હાથની પીઠ, ગરદન, ચિબુક (હડપચી), દાઢી, કપોળ, મુખ, ઓઠ, દાંત, જીભ, તાળવું, હાસ્ય, નાક, છીંક, પાંપણ, ભ્રમર, કાન, લલાટ, માથું અને કેશનાં વર્ણન છે.

પાંચમા અધિકારમાં વ્યંજન, પ્રકૃતિ, લાંછન – તલ, મસા વગેરે, વાત-પિત્ત-કફ પ્રકૃતિ, દેવ વિદ્યાધરાદિ બાર પ્રકૃતિ, ચતુર્વિધ નારી – પદ્મિની, હસ્તિની, ચિત્રિણી, શંખિનીનાં લક્ષણ, પતિઘ્ની (પતિનો નાશ કરનારી), સ્ત્રીઓનાં કુલક્ષણ, મૃગી-વડવા-કરિણી આદિ કામશાસ્ત્રોક્ત સ્ત્રીઓનાં લક્ષણ, સ્ત્રીના વર્ણ (વાન); ગંધ, આવર્ત (ભમરી), સત્ત્વ, સ્વર, ગતિ અને છાયાનું વર્ણન છે. ગ્રંથના અંતે કવિવૃત્તાંત આપવામાં આવ્યો છે.

આ ગ્રંથના અંતે આવતો કવિ-પરિચય તેમને પાટણના રાજાના દરબારી કવિ-પંડિત હોવાનું માનવા પ્રેરે છે.

‘સામુદ્રિક તિલક’ના અંતિમ દશ શ્લોકોમાં ગ્રંથકારનો પરિચય છે. તદનુસાર રાજા ભીમદેવે વાહિલ્લ નામના પુરુષને મંત્રી તરીકે નીમ્યો હતો. તેનો પુત્ર રાજપાલ નામે હતો. તેનો પુત્ર નૃસિંહ અને તેનો પુત્ર દુર્લભરાજ હતો. તે સુકવિ અને પરમમેધાવી હતો. રાજા કુમારપાળે દુર્લભરાજને આદેશ આપવાથી તેણે હસ્તિપરીક્ષા, શકુનશાસ્ત્ર, પુરુષ-સ્ત્રી-લક્ષણ-પરીક્ષાના ચાર ગ્રંથો રચ્યા હતા. તે ગ્રંથો તેના પુત્ર જગતદેવે પદ્યમાં રચી દીધા.

આઠસો આર્યામાં લખાયેલો આ ગ્રંથ દુર્લભરાજનો છે. જગદેવ પણ સુકવિ છે. ‘પુરુષ અને સ્ત્રીનાં લક્ષણરૂપ પુષ્પોની આ માળા સારા વર્ણો (રંગો) અને ગુણથી ગૂંથાયેલી છે. તે માળાને મૃગરાજ-સિંહ કે રાજાધિરાજની સભામાં વખણાતા સજ્જનો ગળામાં ધારણ કરે’ એવી કામના અંતે પ્રગટ કરી છે.

પુષ્પિકા અનુસાર નૃસિંહના પુત્ર દુર્લભરાજનો આ મૂળ ગ્રંથ છે. પાટણના રાજા કુમારપાળના સમયમાં રચાયેલો છે.

આને ‘નરસ્ત્રીલક્ષણશાસ્ત્ર’ કહેલ છે; કેમ કે, સ્ત્રીપુરુષનાં નખશિખ લક્ષણોની ચર્ચા આ ગ્રંથમાં છે.

દશરથલાલ ગૌ. વેદિયા