સામંતસિંહ (લગભગ . . 923-942) : અણહિલવાડના ચાવડા વંશનો છેલ્લો રાજા. તે રત્નાદિત્યનો પુત્ર હતો. તે ભૂભટ-ભૂયડ-ભૂયગડ-ભૂવડ-ભૂઅડ નામે પણ ઓળખાતો હતો. એક બાજુ ‘સુકૃત- સંકીર્તન’માં તેની વીરતા તથા યશસ્વિતાની સુંદર પ્રશસ્તિ કરવામાં આવી છે તો ‘ધર્મારણ્યમાહાત્મ્ય’માં એને ખાઉધરો, કામી, અવિવેકી અને ચંચળ વર્ણવવામાં આવ્યો છે. તેણે અણહિલવાડ પાટણમાં પોતાના નામ પરથી ભૂયડેશ્વર કે ભૂયગડેશ્વર નામે મંદિર બંધાવ્યું.

સોમનાથ મહાદેવની યાત્રાએથી પાછા ફરેલા રાજિની અશ્વવિદ્યાથી પ્રસન્ન થઈ સામંતસિંહે રાજિની સાથે પોતાની બહેન લીલાદેવી પરણાવી. મૂલરાજ નામે પુત્રને જન્મ આપી લીલાદેવી મરણ પામી. ભાણેજ મૂલરાજ સામંતસિંહને ખૂબ વહાલો હતો. રાજા મદિરોન્મત્ત સ્થિતિમાં ભાણેજને ગાદીએ બેસાડતો અને પછી ગાદી પરથી ઊઠાડી મૂકતો. તેથી મૂલરાજની હાંસી થતી. તેથી આખરે તે મામાને મારી નાખી ગાદીએ બેઠો  એવી અનુશ્રુતિ છે. આ ચાપોત્કટ (ચાવડા) વંશના કોઈ અભિલેખ કે સિક્કા મળ્યા નથી; પરંતુ રાષ્ટ્રકૂટ આદિ સમકાલીન રાજ્યોના અભિલેખો પરથી પ્રાપ્ત થતી માહિતી અનુસાર ચાપોત્કટોની સત્તા હાલના બનાસકાંઠા તથા મહેસાણા જિલ્લા જેટલા પ્રદેશમાં મર્યાદિત હતી.

જયકુમાર ર. શુક્લ