સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર

January, 2008

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્ર : માનવશાસ્ત્રની (નૃવંશશાસ્ત્રની) શાખાઓ. સામાજિક વિજ્ઞાનોમાં માનવશાસ્ત્ર ઘણું મોડું વિકસેલું શાસ્ત્ર છે. તે વિવિધ તબક્કાઓમાંથી પસાર થયું છે અને માનવજાતિ-વર્ણન (ethno-graphy), પ્રજાતિશાસ્ત્ર (ethnology), સાંસ્કૃતિક માનવશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર – એમ વિવિધ રીતે ઓળખાતું રહ્યું છે. આજે તેની ઘણીબધી પ્રશાખાઓ વિકાસ પામી છે અને એક અગત્યના વિજ્ઞાન તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે. માનવશાસ્ત્ર માનવજીવનનો સર્વગ્રાહી અભ્યાસ કરનારું શાસ્ત્ર છે. તેથી તેના અભ્યાસક્ષેત્રનો વ્યાપ ઘણો વિશાળ છે. તે માનવીના ઉદ્ભવથી પ્રાચીન સંસ્કૃતિ ધરાવતા આદિમ સમુદાયો તથા ગ્રામ-સમુદાય જેવા સરળ અને લઘુ સમુદાયોથી માંડીને આજના અત્યંત જટિલ અને વિશાળ એવા ઔદ્યોગિક અને વિશાળ સમુદાયોની સંરચના તથા તેમની કાર્યવ્યવસ્થા, તેમાં આવતાં પરિવર્તનો, તેમના પ્રશ્ર્નો વગેરેનો અભ્યાસ કરે છે.

પ્રારંભમાં માનવશાસ્ત્રમાં મુખ્ય બે શાખાઓ વિકાસ પામી હતી. માનવશાસ્ત્રમાં માનવશરીર અન્ય જીવસૃષ્ટિથી જુદું પડતું હોઈ તેની શરીરરચનાના સંદર્ભમાં વિકાસ અને તુલનાત્મક અધ્યયનમાંથી શારીરિક માનવશાસ્ત્ર (physical anthropology) વિકાસ પામ્યું અને માનવે વિકસાવેલી સંસ્કૃતિના અભ્યાસમાંથી સાંસ્કૃતિક માનવશાસ્ત્ર (cultural anthropology) વિકાસ પામ્યું. આમ, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર માનવશાસ્ત્રની એક પેટા શાખા છે. હવે સામાજિક માનવશાસ્ત્ર એ સાંસ્કૃતિક માનવશાસ્ત્રના વિશાળ અભ્યાસક્ષેત્રવાળા ફલકમાંથી માનવીની સામાજિક જીવનવ્યવસ્થાને કેન્દ્રમાં રાખી ઊંડાણથી અભ્યાસ કરનારું એક પેટાવિજ્ઞાન છે. આમ, સામાજિક માનવશાસ્ત્ર સાંસ્કૃતિક માનવશાસ્ત્ર કરતાં મર્યાદિત અભ્યાસ-ફલક ધરાવનારું શાસ્ત્ર છે. સાંસ્કૃતિક માનવશાસ્ત્ર માનવસંસ્કૃતિ એટલે ભૌતિક અને સામાજિક સંસ્કૃતિનો અભ્યાસ કરે છે. તેમાં માનવસ્થાપત્ય, વસવાટ, હથિયાર, ઉપકરણો, કપડાં, કલા-કારીગરી, ખાનપાન, સાધનો, વાદ્યો, પ્રતીકો અને સામાજિક સંસ્કૃતિમાં – રીતરિવાજો, પ્રથાઓ, માન્યતાઓ, નિયમો, કુટુંબસંસ્થા, આર્થિક સંસ્થા, ધર્મસંસ્થા, ન્યાયસંસ્થા, સગાઈવ્યવસ્થા, જાદુ, મંત્ર-તંત્ર, ટોટેમ-વ્યવસ્થા, સંગીત, નૃત્યો, ભાષા અને તેની અભિવ્યક્તિરૂપ સાહિત્ય – દંતકથાઓ, વાર્તાઓ, ગીતો, કહેવતો, ઉખાણાં, તેમના અર્થો વગેરેનો સર્વગ્રાહી અભ્યાસ થાય છે. તેથી તેને સંસ્કૃતિવિજ્ઞાન કે સંસ્કૃતિશાસ્ત્ર (cultureology) પણ કહેવામાં આવે છે. દુનિયાના વિવિધ ભાગોમાં જોવા મળતી આદિમ સંસ્કૃતિ ધરાવતા સમુદાયોના તથા આદિમાનવથી માંડીને આજ સુધીની માનવવિકાસયાત્રા અને સાંસ્કૃતિક નિર્માણનો પણ તે અભ્યાસ કરે છે. નામશેષ થઈ ગયેલી સંસ્કૃતિઓ વિશે માનવસંસ્કૃતિનો ઉદ્ભવ, વિસ્તાર અને વિકાસ કઈ રીતે થયો તથા તેમાં આવેલાં પરિવર્તનો, તેનું પ્રદાન, તેનું સાત્મીકરણ, અનુકૂલન વગેરેની પ્રક્રિયાઓ વિશે પણ તે અધ્યયન કરે છે. આમ, સાંસ્કૃતિક માનવશાસ્ત્ર ઘણાબધા વિશાળ ફલક પર માનવજીવન અને તેનાં કાર્યો, પરિવર્તનો વગેરેના અભ્યાસનો સમાવેશ કરે છે. તેથી તેનાં પેટાશાસ્ત્રો તરીકે માનવજાતિવિજ્ઞાન, માનવજાતિવર્ણન, પુરાતત્ત્વવિજ્ઞાન, સામાજિક માનવશાસ્ત્ર, ભાષાશાસ્ત્ર વગેરે વિકસ્યાં છે. વળી, બીજાં વિજ્ઞાનોનો ઉપયોગ કરીને પોતાના અભ્યાસફલકને વિકસાવવાનો પ્રયત્ન પણ તેમાં કરવામાં આવે છે.

જ્યારે સામાજિક માનવશાસ્ત્ર સાંસ્કૃતિક માનવશાસ્ત્રની પેટા-શાખા હોઈ તેનું અભ્યાસક્ષેત્ર માનવીના સમાજજીવન પૂરતું મર્યાદિત છે. તેથી ક્યારેક સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્ર વચ્ચે ભેદ કરવો મુશ્કેલ દેખાય છે અથવા તે બેની વચ્ચે બહુ પાતળી ભેદરેખા છે. કેટલાક વિદ્વાનો તો સામાજિક માનવશાસ્ત્રને તુલનાત્મક સમાજશાસ્ત્ર (comparative sociology) તરીકે પણ ઓળખાવે છે. સામાજિક માનવશાસ્ત્રને વિકસાવવામાં બ્રિટિશ માનવશાસ્ત્રી રેડક્લીફ બ્રાઉનનો મુખ્ય ફાળો છે. તેઓ દર્શાવે છે કે ‘ભિન્ન ભિન્ન પ્રકારના સંપૂર્ણ માનવસમાજોનું પદ્ધતિસરનું અને તુલનાત્મક દૃષ્ટિ પર આધારિત વિશ્લેષણ એટલે સામાજિક માનવશાસ્ત્ર.’ ઇંગ્લૅન્ડના સમાજ-માનવશાસ્ત્રી ઈ. ઈ. ઈવાન્સ પ્રિચાર્ડ દર્શાવે છે કે સામાજિક માનવશાસ્ત્રમાં ‘કુટુંબ, સગપણ-સંબંધો કે આપ્તજન-સંબંધો, રાજકીય વ્યવસ્થા, નિયમન-વ્યવસ્થા, ધાર્મિક વ્યવસ્થા જેવી સંસ્થાઓના પારસ્પરિક સંબંધોનો અભ્યાસ કરવામાં આવે છે.’ ન્યૂઝીલૅન્ડના સમાજ-માનવશાસ્ત્રી રાલ્ફ પિડિંગ્ટન દર્શાવે છે કે ‘આદિકાલીન પરિસ્થિતિમાંથી માનવીની કુટુંબવ્યવસ્થા, તેમની રાજનૈતિક સંસ્થા, ધર્મ, જાદુટોણાં તથા આર્થિક જીવનના પ્રકારોનો અભ્યાસ એટલે સામાજિક માનવશાસ્ત્ર.’ આમ, આ વિજ્ઞાન માનવીના સામાજિક જીવનમાં સમગ્ર પાસાંઓનું અધ્યયન કરનારું શાસ્ત્ર છે. તે સરળ અને લઘુ એવા આદિમ કે અન્ય સમુદાયોથી માંડીને ગ્રામીણ અને શહેરી તથા જટિલ અને વિશાળ સમુદાયોનો સમાજજીવન સંબંધી અભ્યાસ કરે છે. સામાજિક માનવશાસ્ત્ર આદિમ સમાજોના સમાજજીવન-વ્યવસ્થાના અભ્યાસો કરવાને પ્રાથમિકતા આપે છે. અખિલ માનવ-પદ્ધતિશાસ્ત્ર અનુસાર અભ્યાસ કરવામાં તુલનાત્મક રીતે એ સમાજોનો અભ્યાસ ઉપયોગી છે જેથી સૂક્ષ્મ રચનાત્મક અભ્યાસપદ્ધતિ(micromesmic)ની રીતે અભ્યાસ થઈ શકે. તેના દ્વારા સંપૂર્ણ માનવસમાજનો અભ્યાસ કરવાનું સરળ બને છે. આ ઉપરાંત આદિમ સમાજોમાં ખૂબ જ ઝડપથી પરિવર્તનો આવતાં જાય છે. તેમની સંસ્કૃતિ લુપ્ત થઈ જાય તે પહેલાં તેમનો આવો અભ્યાસ અતિ ઉપયોગી બની શકે. ત્રીજું કારણ આવા સમુદાયો સભ્ય સમાજના સંપર્કમાં આવવાથી તેઓ વિશિષ્ટ સમસ્યાઓનો ભોગ બને છે તેમ જોવા મળે છે. ક્યારેક આરોગ્ય-વિષયક સમસ્યાઓ બને છે, તો ક્યારેક વસ્તીમાં ઘટાડાની આકસ્મિક પ્રક્રિયા બનતી પણ જોવા મળી છે; દા.ત., આંદામાનની આંગુ જાતિ, નીલગિરિની ટોડા જાતિમાં આવી સ્થિતિ જોવા મળી છે. તે રીતે આસામની નાગા જાતિનું ધાર્મિક પરિવર્તન થવાથી તેઓ એક મનોવૈજ્ઞાનિક સમસ્યાનો ભોગ બનતા જોવા મળ્યા છે. આ રીતે વિશ્વમાં કેટલાક દેશોમાં કેટલાક આદિમ સમાજો નામશેષ થતા જાય છે જે એક ગંભીર પ્રશ્ર્ન છે. આ ઉપરાંત દરેક આદિમ સમુદાયને પોતાના સમાજનું એક આંતરિક મૂલ્ય (intrinsic value) હોય છે. વિકાસની પ્રક્રિયા, પરિવર્તન અને સંપર્કની માત્રા વધતાં સંસ્કૃતિમાં રહેલા આ તત્ત્વને ભારે અસર પહોંચે છે. તેમની જે વ્યક્તિમત્તા અને સાંસ્કૃતિક સંપન્નતા છે, તેમનું જે વાસ્તવિક જીવન છે તે જળવાઈ રહે એ જરૂરી છે. આ શાસ્ત્રના અભ્યાસ દ્વારા આવા કેટલાક પ્રશ્ર્નોનો વિશિષ્ટ સ્વરૂપે અભ્યાસ થાય તે મહત્ત્વનો માનવામાં આવે છે.

સામાજિક અને સાંસ્કૃતિક માનવશાસ્ત્રને એક વિજ્ઞાન તરીકે અંદાજે 150 જેટલાં વર્ષો થયાં હશે; છતાં વિશ્વની મોટાભાગની યુનિવર્સિટીઓમાં એક મહત્ત્વના વિજ્ઞાન તરીકે તેણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેનો વ્યવસ્થિત વિકાસ 18મી સદીમાં ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની અને અમેરિકન વિચારકોના ચિંતનમાંથી થયો છે. ફ્રેન્ચ વિચારક મૉન્ટેસ્ક્યુ અને સેન્ટ સાયમન, ઑગસ્ટ કૉમ્ટે અને દર્ખેમ દ્વારા એક વિજ્ઞાન તરીકે તેની સ્થાપના થઈ છે. પ્રાથમિક અવસ્થામાં વેપારીઓ, મુસાફરો, પાદરીઓ અને વહીવટદારોની કુતૂહલવૃત્તિથી અન્ય લોકોનાં વર્ણનોથી શરૂ કરીને વ્યવસ્થિત સંશોધનપદ્ધતિનો તેણે વિકાસ કર્યો છે. શરૂઆતમાં આદિમ સમાજો પરત્વે અભ્યાસીઓ એક વિશિષ્ટ સમાજવ્યવસ્થા અને સંસ્કૃતિને કારણે આકર્ષાયા હતા. તેને કારણે સૈદ્ધાંતિક તારણો તારવવાની એક વિશિષ્ટ અનુકૂળતા પ્રાપ્ત થઈ. અમેરિકામાં ફ્રાન્સ બોઆસે માત્ર કાલ્પનિક, તાર્કિક રીતે તારણો તારવવાને બદલે પ્રત્યક્ષ તપાસને આધારે રેડ ઇંડિયન જાતિઓના અભ્યાસો દ્વારા ક્ષેત્રકાર્ય-પદ્ધતિને વિકસાવી. તે પછી માર્ગરેટ મીડ, ક્રોબર, આર. એચ. લૉવી વગેરેએ તેનો ઉપયોગ કરી આધારભૂત માહિતી મેળવવાની આ પદ્ધતિને સ્થાપી. ત્યારબાદ ઇંગ્લૅન્ડમાં એ.સી. હેડન, આર. એચ. રિવર્સ અને સિલિંગમૅન જેવા માનવશાસ્ત્રીઓ દ્વારા એક સામૂહિક સંશોધનયાત્રા દ્વારા ક્ષેત્રકાર્ય કરવાનો પ્રયત્ન થયો અને ત્યારથી યુનિવર્સિટીના અભ્યાસોમાં વિદ્યાર્થી ઓછામાં ઓછો એક ‘મૉનોગ્રાફ’ – અભ્યાસ આપે – કોઈ એક આદિમ જાતિસમૂહનો સર્વાંગીણ અભ્યાસ કરે તેમ નક્કી કરવામાં આવ્યું. રેડક્લીફ બ્રાઉને આંદામાનના આદિવાસીઓ પર અને પછી મૅલિનૉવ્સ્કીએ પૅસિફિક સાગરના ન્યૂ ગિયાનાના આદિવાસી સમુદાયમાં સતત 4 વર્ષ સુધી રહીને એકધારું સંશોધન કર્યું અને એ રીતે ક્ષેત્રકાર્યનું મોટું ઉદાહરણ પૂરું પાડ્યું. આમ, પ્રત્યક્ષ રીતે સંશોધન-વિસ્તારમાં જઈને, લોકોની વચ્ચે રહીને, લોકો સાથે સહભાગી બનીને, સંશોધનની પદ્ધતિ તેમણે વિકસાવી. તે આજે પ્રત્યક્ષ ક્ષેત્રકાર્ય-આધારિત સહભાગી નિરીક્ષણપદ્ધતિ તરીકે ઓળખાય છે, જે આ વિજ્ઞાનોનું હાર્દ છે.

આ બંને વિજ્ઞાનોમાં પ્રારંભમાં રજૂઆતોનું સ્વરૂપ વર્ણનાત્મક હતું; પરંતુ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદી વિચારોની અસરથી ઉત્ક્રાંતિવાદી વિશ્લેષણ-પદ્ધતિ વિકાસ પામી. તેમાં તાર્કિકતા, ઉપરાંત ઐતિહાસિક અને તુલનાત્મક પદ્ધતિનો વિકાસ થયો. ઉત્ક્રાંતિવાદી અને પ્રસારવાદી વિચારધારાની વિકાસ-પ્રક્રિયામાં ઘણા અભ્યાસો બહાર આવ્યા; પરંતુ તે એકાંગી દૃષ્ટિકોણવાળા હોવા ઉપરાંત પ્રત્યક્ષ અભ્યાસવાળા ન હતા. મૅલિનૉવ્સ્કી અને રેડક્લીફ બ્રાઉનના પ્રયત્નોને પરિણામે તેમાં કાર્યાત્મક (functional) વિશ્લેષણનો વિકાસ થયો; જ્યારે રેડક્લીફ બ્રાઉને સંરચનાત્મક વિશ્લેષણનો ઉપયોગ દર્શાવ્યો અને સ્પષ્ટ કર્યું કે સંસ્કૃતિ સમાજની પેદાશ છે એટલે સમાજના તાણાવાણા અને તેની સંરચનાને અભ્યાસના કેન્દ્રમાં રાખવાં જોઈએ. બીજું, દરેક સંરચનાને પોતાનું કાર્યાત્મક પાસું હોય છે તેને સ્પષ્ટ કરવું જોઈએ. આમ સંરચના-કાર્યાત્મવાદી (structure-functional) વિચારધારા વિકાસ પામી. ફ્રેન્ચ વિચારક લૉવી સ્ટ્રૉસે બ્રાઉનના સંરચનાના વિચારમાં જૈવકીય સંરચનાની ટીકા કરી ભાષાશાસ્ત્રીય ધ્વનિ અંગેની સંરચનાને દર્શાવી માનવ-મનોવ્યાપારોનું મહત્ત્વ દર્શાવ્યું છે. આજે આ બંને વિચારધારાઓ આ વિજ્ઞાનોમાં પ્રચલિત છે. આ રીતે આ વિજ્ઞાનોએ વિશ્લેષણ માટે પોતાની આગવી સંશોધનપદ્ધતિ આપી છે.

અરવિંદ ભટ્ટ