સાધુ નવલરામ (જ. 1848, હૈદરાબાદ, સિંધ; અ. 1893) : સિંધી કેળવણીકાર, સમાજસુધારક અને સિંધમાં નવજાગૃતિના પ્રણેતા. તેઓ સાધુ હીરાનંદના વડીલ બંધુ હતા.
વિદ્યાર્થીકાળથી જ તેઓ સામાજિક સુધારાના આદર્શ સાથે સાદગીભર્યું જીવન જીવતા. સ્નાતક થતાંની સાથે તેમણે સામાજિક પ્રવૃત્તિઓમાં ઝંપલાવ્યું. તે વખતે સિંધમાં શિક્ષણનો પ્રસાર નહિવત્ હતો અને કન્યા કેળવણી પ્રત્યે દુર્લક્ષ સેવાતું હતું. તેથી તેમણે કન્યાકેળવણી પ્રત્યે વધુ ધ્યાન આપ્યું.
બંગાળમાં ધમધમતા બ્રહ્મોસમાજની પ્રવૃત્તિઓના પ્રભાવ હેઠળ તેઓ આવ્યા. સમાજસુધાર અને રાષ્ટ્રીય નવજાગૃતિ લાવવા તેમણે આ પ્રબુદ્ધ લોકોના સંગઠન-સહયોગથી સિંધમાં નવચેતનાનો પ્રસાર કર્યો અને 1875માં બ્રહ્મોસમાજની સ્થાપના કરી.
લિપિની દૃષ્ટિએ સિંધ સંક્રાંતિ કાળમાંથી પસાર થતું હતું. મુસ્લિમોમાં ફારસીનું, હિંદુ વેપારીવર્ગમાં હટાઈ લિપિનું ચલણ હતું. મઠ-મંદિરો અને મહિલાઓમાં ગુરુનાનક પંથના પ્રભાવ હેઠળ ગુરુમુખી લિપિ પ્રચલિત હતી. અંગ્રેજોએ ઍંગ્લો વર્નાક્યુલર શાળાઓ શરૂ કરીને અરેબિક લિપિને પ્રોત્સાહન આપ્યું હતું; જ્યારે બ્રાહ્મણો શાસ્ત્રી-નાગરી લિપિનો ઉપયોગ કરતા. આ સમયે મહિલાઓમાં જાગૃતિ લાવવા તેમણે 1890માં પહેલી વખત ગુરુમુખી લિપિમાં ‘સુધાર પત્રિકા’ નામના મહિલા માસિકનું પ્રકાશન શરૂ કર્યું.
એ પછી તેમણે ‘સુધાર સભા’ નામની સંસ્થાની સ્થાપના કરી તથા ‘સિંધ ટાઇમ્સ’ નામે અંગ્રેજીમાં અને ‘સરસ્વતી’ નામે સિંધીમાં વર્તમાનપત્રનો પ્રારંભ કર્યો. વળી તેમણે ‘યુનિયન અકાદમી’ની સ્થાપના કરી, જે પાછળથી ‘નવલરામ હીરાનંદ અકાદમી’ નામે પ્રસિદ્ધિ પામી. આમ શૈક્ષણિક સંકુલનું નિર્માણ કર્યું. તેમની આ બધી પ્રવૃત્તિઓમાં તેમના સહયોગીઓ હતા : સાધુ હીરાનંદ, દીવાન દયારામ સિંધુમલ, કોડીમલ ખિલમાણી વગેરે. 1885માં તેમણે પાદરી બમબ્રજના સહયોગથી ‘લિટરરી સોસાયટી’ સ્થાપી. કરાંચીમાં દર અઠવાડિયે એક વાર પ્રબુદ્ધ લોકો એકત્રિત થતા અને સિંધી તથા ભારતીય તેમજ વિશ્વસાહિત્યનું વાચન-પઠન અને વિચાર-વિમર્શ કરતા. પરિણામે સાહિત્યિક પ્રવૃત્તિઓને વેગ મળ્યો.
તેમણે ‘સિંધમાં હિંદુ કાનૂનના સિદ્ધાંતો’ (1869) નામક પુસ્તક પ્રગટ કર્યું. તેમણે ડૉ. જૉન્સનની નવલકથા ‘રાસેલાસ’નો સિંધીમાં અનુવાદ (1870) કર્યો, અનુવાદની સિંધી ભાષાશૈલી અને પ્રાદેશિક પરિવેશને કારણે આ નવલકથા સાહિત્યિક મૂલ્ય ધરાવતી કૃતિ બની રહી. તે એમ.એ.ના પાઠ્યપુસ્તક તરીકે પ્રમાણિત કરાઈ. 1891માં તેમણે સર વૉલ્ટર સ્કૉટની નવલકથા ‘તાલિસ્મૅન’નો સિંધીમાં અનુવાદ કર્યો.
તેમના સાદગીપૂર્ણ આદર્શોન્મુખ જીવન અને સમાજ-સમર્પિત કાર્ય પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે લોકો તેમને ‘સાધુ’ના બહુમાનથી સંબોધતા.
જયંત રેલવાણી