સાધુકથા : તમામ આસામી લોકકથાઓનો સંગ્રહ. કટાક્ષમય અથવા નૈતિક અથવા ચમત્કારિક એવી સઘળી કથાઓ સાધુકથા તરીકે જાણીતી છે. તેના પ્રથમ પદ ‘સાધુ’માં એક કાળે જગ્યા-જગ્યાના સમાચાર તેમજ વાર્તાઓ લાવતા સાધુઓ અથવા વેપારીઓ એવો અર્થ સમાયેલો હતો.

સાધુકથા આસામના સાહિત્યનો એક ભાગ છે. સદીઓથી લોકોના અનુભવો સંકલિત રૂપે આ સાહિત્યમાં સ્થાન પામ્યા છે. તેમાં પહેલાંના ઐતિહાસિક કાળની જીવનદૃષ્ટિની ઝાંખી થાય છે. ખેડૂત વિવિધ અનુભવોમાંથી પસાર થાય છે અને તે અનુભવોના આધારે વર્ણન રૂપે હેવાલ આપે છે. તે તેની દુનિયાની ખેતીવિષયક કે પ્રાચીન એવી જરૂરી દરેકેદરેક વસ્તુઓનો જાણકાર હતો. તેનાં દુ:ખો અને હાસ્ય, પ્રેમ અને લગ્નો, રીતરિવાજો અને ધાર્મિક વિધિઓની બનેલી તેની દુનિયા આ લોકસાહિત્યમાં અભિવ્યક્ત થાય છે.

સામાન્યત: તેમાં લોક-માન્યતાઓ અને લોક-પરંપરાનું પ્રતિબિંબ પણ જોવા મળે છે. આ સાહિત્ય સમાજની અંધશ્રદ્ધા, કહેવતો, રીતરિવાજો, ધાર્મિક પૂર્વગ્રહો, કલ્પના અને સમજણની તેની દુનિયા જેવા તેના સામાજિક જીવન માટે ‘બુરુમ્જી’ પ્રકાર પૂરો પાડે છે. આમ સાધુકથા લોકસાહિત્યના આવા ઘટકોની બનેલી છે. વિશેષણ ‘સાધુ’નો સારું, બુદ્ધિમાન, વિવેકી, સંત જેવા, જે સદાચારી અને અનુસરવા યોગ્ય હોય તેવો અર્થ ઘટાવાય છે.

જૂના વખતમાં ઘરડા લોકો ‘સાધુકથા’ને ‘સૌદા કથા’ કહેતા. સંસ્કૃતમાં ‘સાધુ’ એટલે વેપારી કે ધંધાદારી માણસ એવો અર્થ થાય છે. ધંધો કરનાર માટે ‘વણિક’ શબ્દને બદલે ‘સૌદા’ શબ્દ વધુ સામાન્ય હતો. વેપારીઓ વેપાર અર્થે ગામેગામ, દેશેદેશ પર્યટન કરીને ઘણા લાંબા સમયે ઘેર પાછા ફરતા. તે તેમની સાથે વિવિધ અનુભવો અને સંખ્યાબંધ કથાઓ લઈ આવતા અને લોકોને કહી સંભળાવતા. સમય જતાં આ ‘સૌદાકથા’ ‘સાધુકથા’ તરીકે ઓળખાવા લાગી.

આસામી ભાષામાં સાધુકથાનાં પાત્રોમાં શિયાળ, બાજ, વાંદરો અને વાઘ જેવાં પશુ-પક્ષીનો સમાવેશ થયેલો છે. તેમાં તેમની ચતુરાઈ, લુચ્ચાઈની સાથોસાથ અંતે નીતિમત્તાનો બોધ સમાયેલો હોય છે. કેટલીક કથાઓ તો અલૌકિક છે, જ્યારે અન્ય માનવનું મૂર્તસ્વરૂપ ધરાવતાં પાત્રો તરીકે પ્રાકૃતિક પદાર્થોને સ્પર્શે છે.

બળદેવભાઈ કનીજિયા