સાધુ વાસવાણી

January, 2008

સાધુ વાસવાણી (જ. 25 નવેમ્બર 1879, હૈદરાબાદ, સિંધ, પાકિસ્તાન; અ. 16 જાન્યુઆરી 1966, પુણે, મહારાષ્ટ્ર) : કેળવણીકાર, સમાજસેવક, લેખક અને વક્તા. તેમનું નામ થાંવરદાસ લીલારામ વાસવાણી હતું. તેઓ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી, એલિસ સ્કૉલર અને ડી. જે. સિંધ કૉલેજ, કરાંચીમાં ફેલો હતા. એમ.એ. થયા પછી તેઓ કોલકાતાની મેટ્રોપૉલિટન કૉલેજ(હવે વિદ્યાસાગર કૉલેજ)માં પ્રોફેસર નિમાયા. બર્લિન(જર્મની)માં વિશ્વ ધર્મ સંમેલન(વેલ્ટ કૉંગ્રેસ)માં ભારતના એક પ્રતિનિધિ તરીકે ભાગ લેવા ગયા, ત્યારે તેઓ ફક્ત 30 વર્ષના હતા.

સમય જતાં તેઓ લાહોરની દયાલસિંહ કૉલેજના આચાર્ય બન્યા. તે પછી તેઓ કૂચબિહારની વિક્ટોરિયા કૉલેજના તથા પતિયાળાની મહેન્દ્ર કૉલેજના આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયા. શરૂઆતથી વાસવાણીની તીવ્ર ઇચ્છા હતી કે ઈશ્વર તથા દુ:ખી લોકોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી દેવું. તેમની 40 વર્ષની ઉંમર હતી ત્યારે તેમની માતાનું અવસાન થયું અને તે સાથે તેમનો એકમાત્ર સાંસારિક સંબંધ તૂટી ગયો. 1919માં પોતાના હોદ્દાનું રાજીનામું આપીને તેઓ રાષ્ટ્રસેવાના વ્યાપક ક્ષેત્રમાં પ્રવેશ્યા. પ્રભુની સેવામાં કોઈ મુશ્કેલી ન આવે તે વાસ્તે તેઓ આજીવન બ્રહ્મચારી રહ્યા.

સાધુ વાસવાણી

ભારતીય રાજકારણમાં ગાંધીજી પ્રવેશ્યા ત્યારે ગાંધીજીના નિકટ સંપર્કમાં આવનાર તથા તેમના સમર્થક વાસવાણી હતા. ગાંધીજીએ ‘યંગ ઇન્ડિયા’ સામયિક શરૂ કર્યું ત્યારે તેના પ્રથમ અંકના પ્રથમ પૃષ્ઠ પર અસહકારની ચળવળના સમર્થનમાં વાસવાણીનો લેખ છપાયો હતો. તે પછી તેમણે અનેક પ્રેરક લેખો તથા ‘ઇન્ડિયા એરિઝન’, ‘ઇન્ડિયા ઇન ચેઇન્સ’, ‘અવેક યંગ ઇન્ડિયા’, ‘માઇ મધરલૅન્ડ’ વગેરે પુસ્તકો લખ્યાં. વાસવાણીમાં દેશભક્તિની ભાવના પ્રબળ હતી. તેઓ કોલકાતામાં પ્રોફેસર હતા ત્યારે તેમણે સ્વદેશીની ચળવળમાં ભાગ લીધો હતો અને બંગભંગની વિરુદ્ધ થયેલ ચળવળમાં પણ જોડાયા હતા.

વાસવાણી સમગ્ર ભારતનાં અનેક નગરો તથા શહેરોનો પ્રવાસ કરીને બધા વર્ગનાં ભાઈબહેનોના સંપર્કમાં આવ્યા હતા. ભારતના યુવકોને તેઓ કહેતા કે, ‘સાદા, નિર્ભય અને મજબૂત બનો તથા પોતાની શક્તિનો દીન, દુ:ખી અને ગરીબોની સેવામાં ઉપયોગ કરો.’ તેમણે ખેડૂતોના ઉત્કર્ષમાં રસ લીધો. તેઓ માનતા હતા કે ગરીબ ખેડૂતોને સઘન ખેતી કરતાં શીખવવું જોઈએ અને તેમનાં સહકારી સંગઠનો રચવાં જોઈએ.

વાસવાણીએ 1933માં શિક્ષણક્ષેત્રમાં ‘મીરા આંદોલન’ શરૂ કર્યું. તેનું મુખ્ય મથક પુણેમાં છે. આધુનિક જીવનમાં મહત્વપૂર્ણ સત્યોથી વિદ્યાર્થીઓનો માનસિક વિકાસ કરવાની સાથે, તેમના મનમાં ભારતીય આદર્શો તથા ભારતીય સંસ્કૃતિ તરફ પણ શ્રદ્ધા પેદા થાય, તે આ આંદોલનનો ઉદ્દેશ છે. આ ઉદ્દેશ પાર પાડવા વાસ્તે તેમણે 1962માં પુણેમાં છોકરીઓ માટે સેંટ મીરા કૉલેજ સ્થાપી.

વાસવાણીજીની પ્રેરણાથી પુણેમાં અનેક માનવતાવાદી કાર્યક્રમો ચાલે છે. તેમાં સેંટ મીરા કૉલેજ, સેંટ મીરા સ્કૂલ, દવાખાનાં વગેરે નિ:શુલ્ક ચલાવવામાં આવે છે. વળી પશુ-પક્ષીઓના કલ્યાણ માટે જીવદયા વિભાગ પણ ચલાવવામાં આવે છે.

વાસવાણીજીએ વિવિધ વિષયો પર અંગ્રેજીમાં સેંકડો પુસ્તકો તથા સિંધીમાં 300થી વધારે પુસ્તકો લખ્યાં છે. તેમનાં કેટલાંક અંગ્રેજી પુસ્તકોના જર્મન તથા ભારતની જુદી જુદી ભાષાઓમાં અનુવાદો થયા છે. તેઓ એક સારા વક્તા પણ હતા. તેઓ યોગી, મનીષી તથા ગરીબોના સાચા સેવક હતા. આયર્લૅન્ડના કવિ ડૉ. કઝિન્સે તેમને એક વિચારક અને આત્માનાં ગહન સત્યો જણાવનાર મનીષી કહ્યા છે.

મુંબઈમાં ઑલ ઇન્ડિયા હ્યુમેનિટેરિયન કૉન્ફરન્સ 1934માં ભરાઈ. તેના વાસવાણી પ્રમુખ હતા. આ પરિષદમાં ડૉ. રાજેન્દ્ર પ્રસાદ અને સરોજિની નાયડુ પણ હાજર રહ્યાં હતાં. તેમણે 1939માં શ્રીલંકાની મુલાકાત લીધી અને પાન-એશિયન કૉન્ફરન્સ ફૉર પીસનું પ્રમુખપદ સંભાળ્યું. તેમણે શ્રીલંકામાં અનેક પ્રવચનો આપ્યાં. વાસવાણીજીએ 1944માં કોલકાતામાં ગીતા જયંતી કૉન્ફરન્સનું પ્રમુખપદ સંભાળ્યું અને બંગાળામાં બે મહિના રહ્યા, તે દરમિયાન ‘ભારતનો સંદેશો’ વિષય પર ઘણાં પ્રવચનો આપ્યાં.

જયકુમાર ર. શુક્લ