સાધનવાદ : બ્રિટિશ ચિંતક ઍલેક્ઝાન્ડર બર્ડના પુસ્તક ‘ધ ફિલૉસૉફી ઑવ્ સાયન્સ (1998, 2002) મુજબ, પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો (theories) કેવળ ઘટનાઓની આગાહી (પૂર્વકથન-prediction) કરવા માટેનાં સાધનો જ છે તેવો મત (Instrumentalism). સાધનવાદ પ્રમાણે પ્રાકૃતિક વિજ્ઞાનોમાં રજૂ થતા સિદ્ધાંતો ન તો જગતની ઘટનાઓની સમજૂતી આપે છે કે ન તો તેવા સિદ્ધાંતો જગતની ઘટનાઓનું વર્ણન કરે છે.
વૈજ્ઞાનિક સિદ્ધાંતોને સાધનવાદ પ્રમાણે ‘black box’ ગણવામાં આવે છે. ચોકસાઈપૂર્વક તપાસેલ સામગ્રી(data)નો તે ‘બ્લૅક બૉક્સ’માં નિવેશ કરવામાં આવે છે અને અવલોકનિષ્ઠ આગાહીઓ આવા નિવેશ(input)ના પરિણામ રૂપે (output) મળે છે. આમ નિવેશ રૂપે ‘બ્લૅક બૉક્સ’માં નાખેલી સામગ્રી(data)માંથી પરિણામ રૂપે મળતી આગાહીઓ પ્રાપ્ત થાય છે. સામગ્રી અને આગાહી બંને અવલોકનનિષ્ઠ (observational) હોય છે, પણ સિદ્ધાંતમાં જે ધારવામાં આવે છે તે અન્-અવલોકિતક્ષમ બાબતો તરીકે ધારવામાં આવે છે. સિદ્ધાંત સાચો કે ખોટો હોતો નથી; પણ તેને લીધે ચોકસાઈપૂર્વકની સફળ આગાહીઓ મળતી હોય તો સિદ્ધાંત અવલોકનના ધોરણે પૂરતો ગણાય.
આકૃતિ : બ્લૅક બૉક્સ
ઉપર્યુક્ત આકૃતિ પ્રમાણે અવલોકનાશ્રિત સામગ્રી (data) જો ચોકસાઈપૂર્વક પ્રાપ્ત થઈ હોય તો અવલોકનક્ષમ (observable) આગાહીઓ સિદ્ધાંતના સાધન વડે તેમાંથી પ્રાપ્ત થાય છે.
સાધનવાદની મહત્ત્વની રજૂઆત એ છે કે સિદ્ધાંતોનું મૂલ્યાંકન સત્ય કે અસત્ય – એ રીતે થઈ શકે તેવું નથી. સિદ્ધાંતોને સત્ય કે અસત્ય એ રીતે મૂલવી શકાય નહિ (not truth-evaluable), પરંતુ તેમાં નિવેશ પામતી અવલોકનાશ્રિત સામગ્રીને તેમજ તેના પરિણામ રૂપે ફલિત થતી અવલોકનક્ષમ આગાહીઓને ‘સત્ય કે અસત્ય’ તે રીતે જ મૂલવી શકાય છે. સત્યનિષ્ઠ મૂલ્યાંકન કેવળ અવલોકનક્ષમ (observable) પદો કે વિધાનોનું જ થઈ શકે; બિનઅવલોકનક્ષમ પદો (terms) કે વિધાનો(propositions)નું ‘સત્ય કે અસત્ય’ એ રીતે મૂલ્યાંકન થઈ શકે જ નહિ.
આ સંદર્ભમાં સાધનવાદીઓ અવલોકનક્ષમ પદો, અને વિધાનો તેમજ બિનઅવલોકનક્ષમ સૈદ્ધાંતિક વિધાનો અને પદો વચ્ચે અત્યંત તીવ્ર ભેદ કરે છે.
અવલોકન (observation) અને સિદ્ધાંત (theory) વચ્ચેના મૂળભૂત તફાવતો સાધનવાદ મુજબ નીચે પ્રમાણે દર્શાવી શકાય છે :
(1) અવલોકનનિષ્ઠ પદો (O-terms) અસ્તિત્વ ધરાવતી વસ્તુઓ અને તેના ગુણધર્મોનો નિર્દેશ કરે છે; જેમ કે, ‘લીલું’, ‘લાલ’, ‘ગુલાબી’ વગેરે.
(2) અવલોકનનિષ્ઠ પદોનો અર્થ સીધાં અવલોકનોથી નિશ્ચિત થાય છે.
(3) અવલોકનનિષ્ઠ વિધાનો(O-propositions)ને સત્ય કે અસત્ય – તે રીતે મૂલવી શકાય છે; કારણ કે તેવાં વિધાનો અવલોકનો ઉપર આધારિત છે; જેમ કે, ‘આ લિટમસ પેપર લાલ છે.’
(4) સૈદ્ધાંતિક પદો(T-terms)નો અર્થ તેવાં પદો વિજ્ઞાનના સિદ્ધાંતમાં કઈ ભૂમિકા ભજવે છે તેના ઉપરથી નિશ્ચિત થાય છે; દા.ત., ‘muons’, ‘bases’, ‘electromotive force’ વગેરે આવાં પદો છે.
(5) સિદ્ધાંતનિષ્ઠ વિધાનો (T-propositions) સત્ય કે અસત્ય હોતાં નથી, કારણ કે તે અવલોકનક્ષમ બાબતોનો નિર્દેશ કરતાં જ નથી; દા.ત., ‘આ પ્રવાહી લાલ છે’ તે અવલોકનનિષ્ઠ વિધાન છે. આ પ્રવાહી ‘ઍસિડિક છે’ તે સિદ્ધાંતનિષ્ઠ વિધાન છે.
(6) સાધનવાદ પ્રમાણે સિદ્ધાંતનું કાર્યસામગ્રી(data)નું નિરૂપણ કરતાં અવલોકનાશ્રિત વિધાનોને આધારે આગાહીનું નિરૂપણ કરતાં અવલોકનાશ્રિત વિધાનો તારવવાનું છે. માહિતી-નિરૂપક અને આગાહી-નિરૂપક બંને પ્રકારનાં વિધાનો અવલોકનનિષ્ઠ વિધાનો છે.
(7) અવલોકનનિષ્ઠ ભાષા એ વિજ્ઞાનની મૂળભૂત ભાષા છે.
(8) સિદ્ધાંત એટલે શરતી વિધાનોનો સમુચ્ચય. ‘જો આ પ્રકારનાં અવલોકનો મળ્યાં છે તો અમુક પ્રકારનાં બીજાં અવલોકનો મળશે’ તેવું કહેવા માટે સિદ્ધાંતનો સાધન તરીકે જ ઉપયોગ થાય છે. T-પદો (વસ્તુનિર્દેશ કરતાં નથી) T-વિધાનો સત્ય/અસત્ય હોતાં નથી.
સાધનવાદની બર્ડની સમીક્ષા : (1) સૈદ્ધાંતિક અને બિનસૈદ્ધાંતિક શબ્દો – એવો તફાવત અર્થ(meaning)ની દૃષ્ટિએ પડે છે.
(2) અવલોકનક્ષમ અને બિનઅવલોકનક્ષમ એ તફાવત જ્ઞાન-વિચારની દૃષ્ટિએ પડે છે.
(3) સાધનવાદીઓ આ બે પ્રકારના તફાવતોને એક જ પ્રકારના તફાવત તરીકે ઘટાવે છે તે તેમની ભૂલ છે.
(4) સાધનવાદીઓ માની લે છે કે સૈદ્ધાંતિક છે તે બિનઅવલોકનક્ષમ છે અને જે અવલોકનક્ષમ છે તે બિનસૈદ્ધાંતિક (non-theoretical) છે.
(5) ઘણાં T-પદો સૈદ્ધાંતિક હોવા છતાં અવલોકનક્ષમ હોઈ શકે; જેમ કે, ‘gene’ અને ‘supernova’.
(6) ઘણાં પદો બિનસૈદ્ધાંતિક હોય તોપણ બિનઅવલોકનક્ષમ હોય; જેમ કે, ‘પૃથ્વીથી સહુથી દૂર આવેલો તારો’.
(7) કેટલાક શબ્દોમાં અવલોકનો અને સિદ્ધાંત બંને મિશ્રિત હોય છે; દા.ત., પગલાં (footprints). અહીં માત્ર કોઈ માણસ કે પ્રાણીના પગના પંજાના અવલોકિત છાપના આકારની જ વાત નથી, પરંતુ તે પગલાં કોઈની તે રસ્તે ચાલીને જવાની ક્રિયાથી પડ્યાં છે તેવી કાર્યકારણલક્ષી ધારણા પણ તેમાં ભળેલી છે; તેથી ‘પગલાં’ એ શબ્દ અવલોકનનિષ્ઠ તેમજ અંશત: સૈદ્ધાંતિક ગણવો જોઈએ.
(8) શું અવલોકનક્ષમ છે અને શું તેવું નથી તેનો આધાર હવે કેવળ મનુષ્યોની જ્ઞાનેન્દ્રિયો દ્વારા થતાં અવલોકનો ઉપર જ રહેતો નથી. ટેલિસ્કોપ, માઇક્રોસ્કોપ, ગાય્ગર-કાઉન્ટર, સ્પેક્ટ્રોસ્કોપ વગેરે સાધનોથી પણ અનેક પ્રકારનાં અવલોકનો થાય છે. આ સાધનો વિશ્વાસપાત્ર છે તેમ માનવાની પાછળ પણ જે સિદ્ધાંતોને આધારે તે સાધનો કાર્ય કરી શકે છે તે સિદ્ધાંતોને વાજબી માનીને જ આગળ વધવાનું હોય છે. અવલોકનો પણ કેટલાક અર્થમાં સિદ્ધાંત-આશ્રિત હોય છે તે જોતાં, એક બાજુ નર્યું અવલોકન અને બીજી બાજુ શુદ્ધ સિદ્ધાંત એવો નિરપેક્ષ અત્યંત ઉગ્ર ભેદ કરી શકાય તેમ નથી.
સિદ્ધાંતો તો માત્ર સામગ્રી નિરૂપતાં વિધાનોને આગાહી નિરૂપતાં વિધાનોમાં રૂપાંતરિત કરનાર ‘બ્લૅક બૉક્સ’ છે તેમ કેવી રીતે માની શકાય તે બર્ડનો મુખ્ય પ્રશ્ર્ન છે.
સાધનવાદ અને વાસ્તવવાદ : વીસમી સદીના વિજ્ઞાનના તત્ત્વજ્ઞાનમાં વિજ્ઞાનના વાસ્તવવાદી (realist) તત્ત્વજ્ઞાનની સામેના વાસ્તવવાદ-વિરોધી એવા ઘણા સિદ્ધાંતોમાંનો એક સિદ્ધાંત સાધનવાદ છે. તેથી વાસ્તવવાદનો વિરોધ કરનાર (anti-realist) સાધનવાદી તત્ત્વજ્ઞાનનો સ્વાભાવિક રીતે જ વાસ્તવવાદીઓ અસ્વીકાર કરે છે.
વાસ્તવવાદી વિજ્ઞાનવિચારમાં એમ માનવામાં આવે છે કે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું સત્ય/અસત્ય – એ રીતે અવશ્ય મૂલ્યાંકન કરી શકાય છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતોમાં જે બિનઅવલોકનક્ષમ પદો આવે છે તે અત્યારે જે અવલોકનક્ષમ ન હોય પણ ભવિષ્યમાં અવલોકનક્ષમ બની શકે તેવી બાબતોનો પણ ચોક્કસ વસ્તુનિર્દેશ કરી શકે છે; તેથી, સૈદ્ધાંતિક એટલે હંમેશાં બિનઅવલોકનક્ષમ અને અવલોકનક્ષમ એટલે કાયમ બિન-સૈદ્ધાંતિક એવી સાધનવાદના ચિન્તકોની અતિ સરળ રજૂઆતો કોઈ વાસ્તવવાદીઓને માન્ય નથી. વિજ્ઞાનના સિદ્ધાંતોની સફળતા એ જ તેની સત્યતાનો પુરાવો છે. વૈજ્ઞાનિક સિદ્ધાંતો સત્ય હોવાને બદલે સફળ હોય તો ચાલે તેવો વ્યવહારવાદ વાસ્તવવાદી વિજ્ઞાનવિચારને સ્વીકાર્ય નથી. વિજ્ઞાનના સિદ્ધાંતો/નિયમો ખરેખર ઘટનાઓને ઊંડાણથી સમજાવે છે તે જોતાં સિદ્ધાંતોને ‘બ્લૅક બૉક્સ’ ગણીને સત્ય સાથે તેનો કોઈ સંબંધ નથી તેવું માનનારો સાધનવાદ ઘણાને માન્ય નથી.
ખાસ તો ભૌતિકશાસ્ત્રમાં ઘણાં સિદ્ધાંતવિષયક પદો દ્વારા નિર્દેશાતી બાબતો સીધેસીધી કે જટિલ સાધનોથી પણ અવલોકનગમ્ય બનતી નથી; છતાં પણ ‘subatomic particles’ની વાસ્તવિકતાનો સ્વીકાર પ્રબળ પુરાવાઓને આધારે કરવામાં આવે છે. ‘ઇલેક્ટ્રૉન’ અને ‘મૅગ્નેટિક ફિલ્ડ’ એ ખરેખર અસ્તિત્વ ધરાવતી બાબતો છે તેવું વાસ્તવવાદી વિજ્ઞાનવિચારમાં માનવામાં આવે છે. સામે પક્ષે, સાધનવાદ પ્રમાણે પોતાની વિભાવનાઓ અને સિદ્ધાંતો જગતની વાસ્તવિકતાને સાચી રીતે પ્રતિબિંબિત કરે જ છે તેવું માનવાનો કોઈ વાજબી આધાર નથી. સાધનવાદ પ્રમાણે વિજ્ઞાનનું લક્ષ્ય સત્ય નથી, પણ અવલોકનો સાથે બંધબેસતી પર્યાપ્તતા (empirical adequacy) છે.
વિજ્ઞાનવિષયક વાસ્તવવાદ પ્રમાણે વિજ્ઞાનનું લક્ષ્ય સત્ય જ છે; સાધનવાદ પ્રમાણે અવલોકિત સામગ્રી(data)ને સિદ્ધાંત દ્વારા સુગ્રથિત કરવામાં આવે છે; એટલું જ સિદ્ધાંતનું સાધનરૂપ મહત્ત્વ છે. સિદ્ધાંતો તો ‘black box’ જેવા છે, જેમાં તમે અવલોકિત સામગ્રી નાખો છો અને ચોકસાઈપૂર્ણ અવલોકનક્ષમ આગાહીઓ મેળવો છો. પ્રશ્ર્ન એ છે કે ‘બ્લૅક બૉક્સ’નો આવો જાદુ કેમ શક્ય બને ? સફળ આગાહીઓ આ બ્લૅક બૉક્સથી શક્ય કેમ બની ? શું તેમાં કોઈ black magic છે ? અવલોકિત data અને અવલોકનક્ષમ આગાહીને જોડનાર કોણ ? શું ગમે તે તત્ત્વમાં માની શકાય ?
મધુસૂદન બક્ષી