સાધના : સાધના એટલે ઇષ્ટ સિદ્ધિ માટેનો અતિત્વરાયુક્ત વ્યાપાર. સામાન્યત: ‘આરાધના’, ‘ઉપાસના’ અને ‘સાધના’ પર્યાય જેવા છે. આરાધનામાં ઇષ્ટને પ્રસન્ન કરવાનો શ્રદ્ધાયુક્ત પ્રયત્ન છે. ઉપાસનામાં ઇષ્ટની વધુ નજીક જવા માટે નવધા ભક્તિ કે વિશેષ ક્રિયાન્વિતિ અપેક્ષિત છે; જ્યારે સાધનાનો પથ અતિ દુર્ગમ છે. આ માટે ગુરુકૃપા, દીક્ષા, દીક્ષાવિધિ પછી ગુરુના માર્ગદર્શન અનુસાર સાધનાનાં સોપાનો પાર કરતાં અંતે સિદ્ધિ મળે. આ ઇષ્ટ સિદ્ધિ અભીષ્ટની પ્રાપ્તિ કરાવે છે. ચતુર્વિધ પુરુષાર્થોની સિદ્ધિ માટે પણ સાધના પૂરી લગનીથી થવી જરૂરી છે. ચારેય પુરુષાર્થોમાં મોક્ષ કે ઇષ્ટદેવની પ્રાપ્તિ હમેશાં અધ્યાત્મ-માર્ગે થાય છે. અધ્યાત્મ-પથ એટલે પરમતત્ત્વના સાક્ષાત્કારનો પથ. આ સાક્ષાત્કાર માટે સાધકનો પુરુષાર્થ એ સાધના છે. સાક્ષાત્કારની અભીપ્સા ધરાવનાર વ્યક્તિ સાધક છે. સાધનાના માર્ગે સતત પ્રયત્ન તે પુરુષાર્થ છે. આ પુરુષાર્થ એક રીતે ઉગ્ર તપશ્ર્ચર્યા છે. આધ્યાત્મિક સાધનાનાં મુખ્યત્વે બહિર્રંગ અને અંતરંગ સ્વરૂપો વિભાજિત કરી શકાય. બહિર્રંગ સ્વરૂપમાં યજ્ઞયાગાદિ, પૂજાપાઠ, કર્મકાંડ, જપ, યમ, નિયમ, આસન, પ્રાણાયામ વગેરે બહિર્રંગ સાધનાઓ છે. માનસજપ, ચિંતન-મનન, ધ્યાન, ધારણા, સમાધિ, શરણાગતિ, પ્રપત્તિ, આત્મનિવેદન વગેરે અંતરંગ સાધનાઓ છે. સાધનાનાં વિધેયક અને નિષેધક એમ બે સ્વરૂપો છે. જપ, ધ્યાન, પૂજાવિધિ, સ્તવન વગેરેનું અનુષ્ઠાન કરવામાં આવે તે સાધના વિધાયક છે. હિંસા કરવી નહિ, ક્રોધનો ત્યાગ કરવો, તૃષ્ણા સેવવી નહિ વગેરેના મૂળમાં અશુદ્ધ તત્ત્વો પ્રતિ નકારાત્મક અભિગમ ચિત્ત માટે જરૂરી ગણવામાં આવે છે.

સાધનાનાં જ્ઞાન, ભાવ અને ક્રિયાના આધારે જ્ઞાનાત્મક, ભાવાત્મક અને ક્રિયાત્મક સ્વરૂપો પણ માનવામાં આવે છે. પરમતત્ત્વ કે બ્રહ્મવિચાર, તેનું ચિંતન, ધ્યાન એ જ્ઞાનાત્મક છે. નામસ્મરણ, સ્તવન, ભજન, માનસપૂજા, માનસજપ, કીર્તન વગેરે ભાવાત્મક સાધના છે. યજ્ઞયાગ, ક્રિયાકાંડ, વિવિધ ઉપચારોથી પૂજન વગેરે ક્રિયાત્મક સાધનાઓ છે.

સાધનાનું મહત્ત્વનું અંગ છે તન્મયતા. તન્મય બની જવું. સાધ્ય કે ઉદ્દેશ્યને અનુકૂળ બની જવું. ‘देवो भूत्वा देवं यजेत् ।’ અર્થાત્ દેવરૂપ બની દેવનું યજન કરવું. આ માટે ઋષિ, મંત્ર તથા અંગ, કર, દેવના ન્યાસ દ્વારા દેવમય કે મંત્રમય બની તન્મયતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ થવાય. પ્રાર્થનામાં પણ તન્મયતા જ આત્મનિવેદન તરફ દોરી જાય છે. સમજણપૂર્વકની પ્રાર્થના અને ગુરુનું ચોક્કસ માર્ગદર્શન ચોક્કસ દિશામાં જાગૃતિપૂર્વક ગતિ કરાવે છે.

સાધના એક જન્મે ફળતી નથી. સાધનામાં સાધક જન્મજન્માંતરે સફળ થાય છે. ગીતામાં કહ્યું છે કે

बहूनां जन्मनामन्ते ज्ञानवान् मां प्रपद्यते ।

वासुदेव: सर्वमिति स महात्मा सुदुर्लभ: ।।

સાધનામાં સાતત્ય જરૂરી છે. સ્ખલનો પ્રતિ જાગરૂકતા અને સાધનાપથે એકાગ્રતા સિદ્ધિ સુધી પહોંચાડે છે. તર્કબુદ્ધિને બદલે આત્મસૂઝનો વિકાસ થાય. ભ્રાન્તિને બદલે હૃદયમાં શાન્તિ-કાન્તિ સ્થપાય એટલે અનુભવનો પ્રદેશ ઊઘડે. ચિત્તની વ્યુત્થાન-દશાને બદલે શાંત પ્રવાહિતાની અનુભૂતિ થાય, આ માટે સાધનાની ત્રણ ભૂમિકાઓ છે : (1) પ્રાણપ્રતિષ્ઠા, (2) હૃદયગ્રન્થિભેદ, (3) કર્મમાં આત્મપ્રભા. માનવીની સાધના આરંભના તબક્કા – મન-વાણીમાં રમતી હોય છે. વાણીના પડદાને હઠાવી, આવરણ ભેદી આત્મશક્તિના શુદ્ધતત્ત્વના પ્રાગટ્ય સાથે વ્યક્તિની સાધનામાં પ્રાણપ્રતિષ્ઠા થાય છે. તર્કબુદ્ધિની સ્થૂળ ભૂમિકા ત્યજી ચિત્શક્તિ વડે પરમ તત્ત્વ પામવા સાધના આગળ વધે છે. આ જાગ્રત થયેલી શક્તિ હૃદયના સ્થૂળ ભાવને છેદવાનું અને સૂક્ષ્મ દેહને પ્રગટ કરવાનું કાર્ય આરંભે છે. જ્યારે હૃદયની સ્થૂળ ચિત્તવૃત્તિઓ સંપૂર્ણત: છેદાઈ જાય ત્યારે હૃદયગ્રંથિ ભેદાય છે; સંશયો શમી જાય છે. વ્યુત્થાન-દશાને બદલે સતત શાંત પ્રવાહિતાની અનુભૂતિ થાય છે. દેહભાન લુપ્ત થાય છે. પૂર્ણજ્ઞાનના અલૌકિક પ્રદેશનાં દ્વાર ઊઘડે છે પણ પરમતત્ત્વની પ્રાપ્તિ તો પ્રજ્ઞાચક્ષુના ઊઘડ્યા પછી થાય છે. આ માર્ગે સંચરનારને માટે આનુષંગિક સિદ્ધિઓ પતનના કારણરૂપ બને છે. સિદ્ધિઓનાં અલૌકિક સુંદર ધામોને છોડી આત્મશક્તિ સહસ્રાર શિવક્ષેત્રના આકાશમાં પહોંચે છે ત્યારે આત્મા પરમાત્મામાં – જીવ શિવમાં ભળી જાય છે.

આધ્યાત્મિક સાધનાના માર્ગમાં પંચકોષોના આવરણનો ભેદ સાધના દ્વારા થાય છે. અંતે આનંદમય સ્થિતિને કોષ કે આવરણરૂપ ગણી જીવ-શિવના અદ્વૈતને આથી પર ગણ્યા છે.

આધ્યાત્મિક સાધનાના અનેક માર્ગો ભારતમાં ખેડાયા છે. શંકરાચાર્યનો ‘જ્ઞાન’ અને ‘મનોનિગ્રહ’નો માર્ગ, બુદ્ધનો અહિંસામૂલક શૂન્યવાદનો મધ્યમ માર્ગ, મહાવીરનો શુદ્ધ અહિંસામાર્ગ, રામાનુજ અને વલ્લભાચાર્યનો ભક્તિમાર્ગ, ગીતાનો સમત્વ-યોગ-માર્ગ વગેરે સાધનાના પથોનું લક્ષ્ય તો અંતે આત્મસાક્ષાત્કાર છે.

આ દિશાના અર્વાચીન ચિંતકોમાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી રામતીર્થ, મહર્ષિ અરવિન્દ, શ્રી રમણ મહર્ષિ વગેરેને ગણાવી શકાય.

ચીમનલાલ વલ્લભરામ રાવલ

દશરથલાલ ગૌ. વેદિયા