સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત)

January, 2008

સાતવળેકર, શ્રીપાદ દામોદર (પંડિત) (જ. 1867, કોલાગાંવ, રત્નાગિરિ જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 31 જુલાઈ 1968, પારડી, જિ. વલસાડ, ગુજરાત) : સંસ્કૃતના વિદ્વાન અને વેદોના અભ્યાસના ઉત્સાહી હિમાયતી.

પંડિત શ્રીપાદ દામોદર સાતવળેકર

શ્રીપાદ સાતવળેકરનો જન્મ મધ્યમ વર્ગના કરાડે બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતા દામોદર અનંતભટ્ટ સંસ્કૃતના વિદ્વાન હતા. શ્રીપાદે મુંબઈની જે. જે. સ્કૂલમાં કલા અને ચિત્રકામનો અભ્યાસ કર્યો હતો. તેમણે હૈદરાબાદમાં ફોટોગ્રાફર અને ચિત્રકાર તરીકેની કારકિર્દી શરૂ કરી. ત્યાં તેમણે એક વ્યાયામશાળા, એક ચર્ચામંડળ તથા કેટલીક શાળાઓ સ્થાપી. તેમણે અથર્વવેદમાંથી માતૃભૂમિનું ગીત પ્રગટ કર્યું. તે માટે તેમને હૈદરાબાદમાંથી કાઢી મૂકવામાં આવ્યા. તે પછી ગુરુકુળ, કાંગડીમાં તેઓ જોડાયા. પ્રોફેસર અનંતસાહેબ વિજાપુરકરના સામયિક ‘વિશ્વવૃત્ત’માં ‘વેદોની પ્રાર્થનાઓનો વૈભવ’ નામનો લેખ પ્રગટ કરવા (એપ્રિલ, 1908) માટે કોલ્હાપુરના છત્રપતિએ તેમની સામે મુકદ્દમો ચલાવ્યો. તેમાં તેમને નિર્દોષ છોડવામાં આવ્યા. તેમના ગ્રંથ ‘વૈદિક રાષ્ટ્રગીતા’ પર સરકારે પ્રતિબંધ મૂક્યો હતો. ગુરુકુળમાંથી તેઓ લાહોર ગયા. ત્યાં તેમને આર્યસમાજીઓનો સંપર્ક થયો. તેઓ વેદોનું પંડિતજીનું અર્થઘટન સ્વીકારતા નહોતા.

મહારાષ્ટ્રના સાતારા જિલ્લાના ઔંધના શાસકના નિમંત્રણથી 1918માં પંડિતજી ઔંધ ગયા અને 1948 સુધી ત્યાં રહ્યા. મહાત્મા ગાંધીની હત્યા પછી થયેલાં બ્રાહ્મણ-વિરોધી રમખાણોને લીધે તેમણે 81 વર્ષની ઉંમરે ઔંધ છોડીને વલસાડ જિલ્લાના પારડીમાં જઈને રહેવું પડ્યું. તેમણે ત્યાં જમીન ખરીદી, ઘર બંધાવ્યું અને તેને વેદમંદિર નામ આપ્યું.

પંડિતજી સંસ્કૃતના પ્રખર વિદ્વાન અને વેદોના અભ્યાસના હિમાયતી હતા. તેમણે ઔંધમાં, 1918માં વેદો, ઉપનિષદો વગેરેના તલસ્પર્શી અભ્યાસ વાસ્તે વૈદિક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અથવા સ્વાધ્યાયમંડળ શરૂ કર્યું હતું. સામાન્ય જનતા વાંચી શકે તે માટે વૈદિક સાહિત્ય ઘણી ઓછી કિંમતે આપવાનો તેમણે ઉદ્દેશ રાખ્યો હતો, સંસ્કૃતના શિક્ષણ વિશેનાં તેમનાં પુસ્તકોની ત્રીસ કરતાં વધારે આવૃત્તિઓ થઈ છે. તેઓ સ્વાધ્યાયમંડળ તરફથી ‘વેદપરિચય’, ‘વેદપ્રવેશ’, ‘વેદપ્રજ્ઞા’, ‘વેદપારંગત’ વગેરે પરીક્ષાઓ લેતા હતા. તેમણે 1918માં મરાઠી ભાષામાં ‘પુરુષાર્થ’, હિંદી ભાષામાં ‘વૈદિક ધર્મ’ તથા 1963માં સંસ્કૃતમાં ‘અમૃત લતા’ નામનાં સામયિકો શરૂ કર્યાં હતાં. તેમણે વેદોના જ્ઞાનના ફેલાવા વાસ્તે ગુજરાતી, હિંદી અને મરાઠી ભાષામાં આશરે 300 પુસ્તકો પ્રગટ કર્યાં હતાં.

તેમણે કરેલાં ઉત્કૃષ્ટ કાર્યોની કદર રૂપે પુરીના શંકરાચાર્યે તેમને ‘મહામહોપાધ્યાય’, અલ્લાહાબાદ યુનિવર્સિટીએ ‘સાહિત્ય-વાચસ્પતિ’, યુનિવર્સિટી ઑવ્ પુણેએ ‘વિદ્યામાર્તંડ’ અને અમૃતસરના ગીતા મંડળે ‘ગીતાલંકાર’ની પદવીઓ આપીને તેમનું સન્માન કર્યું હતું. ઉત્તરપ્રદેશમાંથી તેમને ‘બ્રહ્મર્ષિ’ તરીકેનું સન્માન મળ્યું હતું. તેમને જાપાન, રશિયા, જિનીવા વગેરે સ્થળોએથી આંતરરાષ્ટ્રીય પરિષદોમાં હિંદુવાદનું પ્રતિનિધિત્વ કરવા નિમંત્રણો મળ્યાં હતાં, પરંતુ અન્ય રોકાણોને લીધે તેઓ જઈ શક્યા નહોતા.

સાતવળેકર પ્રખર રાષ્ટ્રવાદી હતા અને લોકોને જણાવતા કે સ્વતંત્રતા તથા રાષ્ટ્રની સમૃદ્ધિ બધા કરતાં ઉચ્ચ સ્થાને હોવી જોઈએ. તેઓ લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક, વિનાયક દામોદર સાવરકર, મહાત્મા ગાંધી જેવા તેમના સમકાલીન દેશનેતાઓના સંપર્કમાં રહેતા હતા. ગાંધીજીએ શરૂ કરેલ સવિનય કાનૂનભંગની ચળવળ (1930-32) તથા અસ્પૃશ્યતાનિવારણ(1932-34)માં તેમણે ભાગ લીધો હતો. ઈ. સ. 1935થી 1947 સુધી તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સક્રિય કાર્યકર હતા. તેઓ બ્રિટિશ આપખુદશાહીને ધિક્કારતા હતા કારણ કે દેશમાંના અસંતોષનું મૂળ અંગ્રેજો હતા. મહિલાઓની મુક્તિના તેઓ હિમાયતી હતા.

જયકુમાર ર. શુક્લ