સાતપુડા (હારમાળા)

January, 2008

સાતપુડા (હારમાળા) : વિંધ્ય પર્વતમાળાની દક્ષિણે તેમજ તેની દિશાને સમાંતર વિસ્તરેલી હારમાળા. આ હારમાળા પશ્ચિમ ભારતમાં આવેલી, દખ્ખણના ઉચ્ચપ્રદેશના ભાગરૂપ ટેકરીઓથી બનેલી છે. ‘સાતપુડા’ શબ્દનો અર્થ ‘સાત ગેડ’ (seven folds) થાય છે, જે આ હારમાળામાં રહેલી અનેક સમાંતર ડુંગરધારોનો ઉલ્લેખ કરે છે. આ હારમાળા પૂર્વમાં ગયા અને રેવાથી શરૂ થાય છે. તે નર્મદા ખીણની દક્ષિણે અને તાપી ખીણની ઉત્તરે ચાલી જાય છે, તેમજ આ બંને નદીઓ વચ્ચે જળવિભાજક રચે છે. પશ્ચિમે રાજપીપળાની ટેકરીઓ-સ્વરૂપે તે પશ્ચિમઘાટ (સહ્યાદ્રિ) સુધી લંબાય છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાંથી પસાર થતી આ હારમાળાની લંબાઈ દ્વીપકલ્પીય ભારતના તેના ઉત્તર તરફના પહોળા ભાગમાં 320 કિમી. જેટલી છે. 1200 મીટરની ઊંચાઈવાળાં શિખરો ધરાવતી આ હારમાળામાં મહાદેવ ટેકરીઓ, મૈકલ ટેકરીઓ તથા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશનો પણ સમાવેશ થાય છે. આ ટેકરીઓ મૂળ સાતપુડા હારમાળાની પૂર્વ તરફ વિસ્તરેલી છે. તેની ઉત્તર તરફ આવેલી વિંધ્ય હારમાળાનો કેટલોક ભાગ પણ ક્યારેક તેમાં ગણાય છે.

મધ્ય ભારતનો પીઠભાગ વિંધ્ય સહિત સાતપુડાની હારમાળાઓથી રચાયેલો છે. સાતપુડા ટેકરીઓનો પૂર્વ તેમજ પશ્ચિમ બાજુનો મોટો ભાગ સ્તરબદ્ધ પ્રવાહોવાળા બેસાલ્ટ ખડકોથી બનેલો છે; ટ્રૅપ ખડકોના આવરણ ઉપરાંત સાતપુડા ટેકરીઓનો મધ્યભાગ ગ્રૅનાઇટ જેવાં લક્ષણોવાળા ખડકોથી તથા વિકૃત ખડકોથી બનેલો છે. તેમની ઉપર ગોંડવાના રચનાના રેતીખડકો રહેલા છે. સાતપુડાના કેટલાક ભાગો ગેડીકરણ તેમજ ઊર્ધ્વગમનના પુરાવા રજૂ કરે છે. તેમાં ગેડીકરણની સ્તરનિર્દેશક દિશા હારમાળાની ભૌગોલિક દિશા સાથે એકરૂપ થતી જણાય છે; તેથી શક્ય છે કે અરવલ્લી હારમાળાની જેમ સાતપુડા હારમાળાના કેટલાક ભાગો ઘસારો પામેલી જૂની ભૂસંચલનજન્ય પર્વતમાળાના અવશેષ હોય !

સાતપુડામાં જોવા મળતી ગોંડવાના રચનાના ખડકોની વિવૃતિઓ (exposures) આ પ્રમાણે છે :

રચના શ્રેણી/કક્ષા સાતપુડા-વિસ્તાર
ઊર્ધ્વ ગોંડવાના ઉમિયા-શ્રેણી જબલપુર-શ્રેણી
રચના જબલપુર-શ્રેણી ચૌગન
રાજમહાલ-શ્રેણી
કોટા-કક્ષા
મધ્ય ગોંડવાના મલેરી-શ્રેણી બાગરા, દેનવા,
રચના મહાદેવ-શ્રેણી પંચમઢી
પંચેત-શ્રેણી પંચેત
નિમ્ન ગોંડવાના દામુદા-શ્રેણી બિજોરી
રચના મોતુર
બારાકાર
ઉમારિયા દરિયાઈ સ્તરો
કરહારવાડી
તાલ્ચીર-શ્રેણી તાલ્ચીર

આર્થિક દૃષ્ટિએ તો આ હારમાળાનો ભાગ સમૃદ્ધ નથી, તેમ છતાં તેના અગ્નિભાગમાં મૅંગેનીઝ અને કોલસાના જથ્થાનું ખનનકાર્ય થાય છે. આ ઉચ્ચપ્રદેશીય વિભાગ જંગલોથી છવાયેલો છે, તેનું ભૂપૃષ્ઠ વચ્ચે વચ્ચે છેદાયેલું છે; પશ્ચિમ ભાગમાં સાગનાં મૂલ્યવાન વૃક્ષો આવેલાં છે. મહાદેવ ટેકરીઓમાંથી વહેતી વૈનગંગા અને પેંચ નદીખીણોમાં થોડા પ્રમાણમાં ખેતી થાય છે. ઊંચી ટેકરીઓવાળા ગોંડ ટેકરી વિભાગમાંની આદિવાસી પ્રજા ઝૂમ (ફરતી) ખેતી કરે છે. મધ્યપ્રદેશમાં પંચમઢીનું વિશ્રામસ્થાન તથા છિંદવાડાનું વહીવટી કેન્દ્ર કાર્યરત છે. પંચમઢી એ ‘સાતપુડાની રાણી’ તરીકે જાણીતું બનેલું ગિરિમથક છે. મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં સાતપુડા ટેકરીઓનું ભૌગોલિક તેમજ ભૂસ્તરીય બંને રીતે મહત્ત્વ છે.

વ્રિજવિહારી દી. દવે

ગિરીશભાઈ પંડ્યા