સાચર, ભીમસેન (જ. 1 ડિસેમ્બર 1893, પેશાવર, વાયવ્ય સરહદ પ્રાંત, હાલ પાકિસ્તાન; અ. 1978) : સ્વાતંત્ર્યસેનાની, પંજાબના મુખ્યમંત્રી, ઓરિસા અને આંધ્રપ્રદેશના ગવર્નર તથા શ્રીલંકામાં ભારતના હાઈકમિશનર. તેમના પિતાજીનું નામ રાય સાહેબ નાનકચંદ સાચર અને માતાનું નામ માયાદેવી હતું. તેઓ પ્રતિષ્ઠિત હિંદુ પરિવારના સભ્ય હતા. તેમણે હાઈસ્કૂલનો અભ્યાસ પેશાવર, ક્વેટા તથા વઝીરાબાદમાં કર્યો અને વી.ડી.જે. હાઈસ્કૂલ, વઝીરાબાદમાંથી મૅટ્રિક પાસ થયા. તેમણે 1916માં ડી.એ.વી. કૉલેજ, લાહોરમાંથી ગ્રૅજ્યુએટ અને 1918માં લાહોરની લૉ કૉલેજમાંથી એલએલ.બી. થઈને તે જ વર્ષે ગુજરાનવાલા(હાલ પાકિસ્તાન)માં વકીલાત શરૂ કરી.
ભીમસેન 1918માં કૉંગ્રેસમાં જોડાયા અને અસહકારની ચળવળ વખતે ગાંધીજીના એલાનને માન આપીને 1920માં વકીલાતનો ત્યાગ કર્યો. 1921માં લાયલપુર જિલ્લાની કૉંગ્રેસની પ્રવૃત્તિઓનો હવાલો તેમને સોંપવામાં આવ્યો. તે દરમિયાન તેમણે જિલ્લામાં અસહકારની પ્રવૃત્તિઓનું આયોજન કર્યું અને ટિળક સ્વરાજ ફંડમાં મોટી રકમ ઉઘરાવી. તે પછી ભીમસેને પોતાના કાર્યક્ષેત્ર તરીકે લાહોર પસંદ કર્યું. તેમણે લાહોરમાં રાષ્ટ્રીય વિદ્યાપીઠના કુલનાયક તરીકે અને લાહોરની નૅશનલ કૉલેજના છાત્રાલયના ગૃહપતિ તરીકે સેવાઓ આપી. નવેમ્બર, 1921માં પંજાબ પ્રાંતિક કૉંગ્રેસ સમિતિના સરમુખત્યાર અને મંત્રી તરીકે તેમની નિમણૂક થઈ. અસહકારની ચળવળ દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી. ફેબ્રુઆરી, 1922માં ચળવળ પાછી ખેંચી લેવામાં આવી ત્યારે તેઓ ગુજરાનવાલા પાછા ફર્યા અને મ્યુનિસિપલ સમિતિના સેક્રેટરી તરીકે કામ કર્યું. તેમણે વકીલાત શરૂ કરી; પરંતુ 1924થી 1933 સુધી મ્યુનિસિપલ સમિતિનું સભ્યપદ ચાલુ રાખ્યું. તેઓ ગુજરાનવાલા ઇલેક્ટ્રિક સપ્લાય કૉર્પોરેશન લિમિટેડ અને પંજાબ નૅશનલ બૅંક લિમિટેડના ડિરેક્ટર તરીકે પણ સેવા આપતા હતા. આ દરમિયાન તેઓ જિલ્લા અને નગર કૉંગ્રેસ સમિતિઓમાં પણ હોદ્દેદાર હતા.
ભીમસેન સાચર
ગાંધીજીએ સવિનય કાનૂનભંગની ચળવળ 1930માં શરૂ કરી ત્યારે જુલાઈ, 1930માં તેમની ધરપકડ કરીને લાહોરની સેન્ટ્રલ જેલમાં અટકાયતમાં રાખવામાં આવ્યા. જેલમાંથી છૂટ્યા પછી તેમણે વકીલાત છોડીને ધ સનલાઇટ ઑવ્ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ શરૂ કરી અને કૉંગ્રેસની પ્રવૃત્તિઓ ચાલુ રાખી.
1940માં વ્યક્તિગત સત્યાગ્રહ દરમિયાન તેમની ફરીથી ધરપકડ કરવામાં આવી અને તેમને લાહોરની બોરસ્ટલ જેલમાં રાખવામાં આવ્યા. ‘હિંદ છોડો’ ચળવળ દરમિયાન પણ 1942માં તેમની ધરપકડ કરીને શાહપુર જેલ, લાહોરની સેન્ટ્રલ જેલ અને સિયાલકોટ જેલમાં જાન્યુઆરી, 1944 સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા.
ભીમસેન 1936માં સૌપ્રથમ પંજાબની ધારાસભામાં ચૂંટાયા હતા. 1945માં લાહોરમાંથી તેઓ ફરી બિનહરીફ ચૂંટાયા અને દેશના ભાગલા પડવાથી પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં જવાથી સપ્ટેમ્બર 1947માં તેમણે પાકિસ્તાન છોડવું પડ્યું ત્યાં સુધી ધારાસભ્ય ચાલુ રહ્યા. પાકિસ્તાનની બંધારણસભાના તેઓ સભ્ય અને કાગ્રેસ પક્ષના ઉપનેતા પણ હતા. 1946માં તેમણે યુનિયનિસ્ટ પાર્ટી સાથે જોડાણ કરીને સંયુક્ત સરકાર રચી અને તેમાં એક વર્ષ નાણામંત્રી હતા.
સપ્ટેમ્બર, 1947માં પાકિસ્તાનથી ભારત આવીને તેમણે પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિતો માટેના રાહતકાર્યની જવાબદારી સંભાળવા અમૃતસરમાં નિવાસ કર્યો. કેટલાક મહિના પછી, દિલ્હી જઈને તેમણે નિરાશ્રિતોના રાહતકાર્યની જવાબદારી નિષ્ઠાપૂર્વક ચાલુ રાખી. પાકિસ્તાનથી પાછા ફરેલા અન્ય સભ્યો સાથે ભીમસેનને પંજાબની ધારાસભાના સભ્ય બનાવવામાં આવ્યા. તેઓ એપ્રિલથી ઑક્ટોબર, 1949 સુધી અને એપ્રિલ, 1952થી જાન્યુઆરી, 1956 સુધી પંજાબના મુખ્યમંત્રી હતા. 1950માં પાકિસ્તાન મોકલેલા શુભેચ્છા-પ્રતિનિધિમંડળના આગેવાન પણ તેઓ હતા.
ભારત સરકારે સપ્ટેમ્બર, 1956થી ઑગસ્ટ, 1957 સુધી તેમને ઓરિસાના ગવર્નર અને 1957થી સપ્ટેમ્બર, 1962 સુધી આંધ્રપ્રદેશના ગવર્નર નીમ્યા હતા. એપ્રિલ, 1964થી ફેબ્રુઆરી, 1966 સુધી તેઓ શ્રીલંકામાં ભારતના હાઈકમિશનર હતા. નિવૃત્તિ બાદ તેમણે પંજાબ ખાદી ગ્રામોદ્યોગ સંઘ, આદમપુર, જિલ્લા જાલંધરના પ્રમુખ તરીકે સેવા આપી. તેમણે ગુરુનાનક ફાઉન્ડેશનની પંજાબ શાખાના પ્રમુખ તરીકે અને તેની મધ્યસ્થ સમિતિના સભ્ય તરીકે પણ સેવા આપી હતી. તેમણે પંજાબ અને હરિયાણાની ગાંધી શતાબ્દી ઉજવણી સમિતિના પ્રમુખ તરીકે અને ગુરુનાનક પંચ શતાબ્દી ઉજવણી સમિતિ, પંજાબના સભ્ય તરીકે સેવા આપી હતી.
નિવૃત્તિ બાદ તેઓ ચંડીગઢમાં રહેતા હતા. તેઓ સ્વચ્છ, કાર્યક્ષમ અને ન્યાયી વહીવટના હિમાયતી હતા.
જયકુમાર ર. શુક્લ