સાગોળ (lime) : મકાનના બાંધકામમાં વપરાતા માલસામાનમાં એક અગત્યનો પદાર્થ. તેનો ઉપયોગ પ્રાચીન કાળથી થતો રહ્યો છે. જ્યારે તે રેતી અને પાણી સાથે યોગ્ય પ્રમાણમાં ભેગો કરવામાં આવે છે ત્યારે સાગોળ કોલ બને છે. તેનો ઉપયોગ બંધક તરીકે પથ્થર, ઈંટ, દીવાલ તથા છતનું પ્લાસ્ટર કરવામાં થાય છે. સાગોળ કૉન્ક્રીટ એ બારીક ‘એગ્રીગેટ’, કપચી અને સાગોળનું મિશ્રણ છે; જેનો પાયા અને ફરસબંધીમાં ઉપયોગ થાય છે. પૉર્ટલૅન્ડ સિમેન્ટ સાથે તેનું મિશ્રણ કરવાથી સાગોળ સિમેન્ટ કોલ (મૉર્ટાર) બને છે; જેનો ઉપયોગ બંધક-સામાન અને પ્લાસ્ટરના કામમાં થાય છે.

ચૂનાના પથ્થરને હવા સાથે 900° સેન્ટિગ્રેડે ગરમ કરવાની પ્રક્રિયાને કૅલ્શિનેશન કહે છે.

ત્વરિત સાગોળ : કુદરતી ચૂનાના પથ્થરનું 2 : 1ના પ્રમાણમાં કૅલ્શિનેશન કરવાથી રાસાયણિક પ્રક્રિયાના અંતે ત્વરિત સાગોળ બને છે. ત્વરિત સાગોળ એ કૅલ્શિયમ ઑક્સાઇડ તથા થોડા પ્રમાણમાં મૅગ્નેશિયમ ઑક્સાઇડનો ભાગ છે. ભઠ્ઠીમાંથી નીકળતો ત્વરિત સાગોળ એ લમ્પ સાગોળ કહેવાય છે.

જાડો (ઘટ્ટ) સાગોળ (fat lime) : ઘટ્ટ સાગોળ વધારે કૅલ્શિયમ ઑક્સાઇડ ધરાવે છે, તેની ઠારણશક્તિ તથા કઠિનતા કાર્બન ડાયૉક્સાઇડના હવામાં થતા અવશોષણને આભારી છે. ઘટ્ટ સાગોળને સફેદ સાગોળ પણ કહેવામાં આવે છે.

Ca(OH)2 + CO2 ® CaCO3 + H2O

સ્લેક્ડ સાગોળ

પાણીનું બાષ્પીભવન થતાં તે કઠણ બને છે.

દ્રવિક સાગોળ (hydraulic lime) : થોડા પ્રમાણમાં ઍલ્યુમિના અને સિલિકા (5 %થી 30 %) તથા આયર્ન ઑક્સાઇડ સાગોળમાં હોય તો તે દ્રવિક સાગોળ કહેવાય છે.

હાઇડ્રેટેડ સાગોળ (hydrated lime) : ત્વરિત સાગોળમાં પ્રમાણસર પાણી ઉમેરતાં હાઇડ્રેટેડ સાગોળ બને છે.

આઇ. એસ. આઇ. 712 પ્રમાણે સાગોળને પાંચ જૂથમાં વહેંચવામાં આવ્યો છે :

જૂથ એ : આ દ્રવિક સાગોળ છે, જેનો સંરચનામાં ઉપયોગ થાય છે.

જૂથ બી : આ અર્ધ-દ્રવિક સાગોળ છે, જેનો ઉપયોગ ચણતરકામમાં વપરાતા કોલ તરીકે થાય છે.

જૂથી સી : આ ઘટ્ટ સાગોળ પ્લાસ્ટરના છેલ્લા અસ્તર(‘કોટ’)માં તેમજ મકાનના ચૂનાકામમાં થાય છે.

જૂથ ડી : આ સાગોળ સારા પ્રમાણમાં મૅગ્નેશિયમ ઑક્સાઇડ હોય છે. તેનો ઉપયોગ પ્લાસ્ટરના છેલ્લા અસ્તર(‘કોટ’)માં તથા મકાનમાં થતા ચૂનાકામમાં થાય છે.

જૂથ ઈ : આ કંકર સાગોળ છે, જેનો ઉપયોગ ચણતરકામમાં વપરાતા કોલ તરીકે થાય છે.

સાગોળના ભૌતિક ગુણધર્મોમાં કૅલ્શિયમ અને મૅગ્નેશિયમ ઑક્સાઇડની ટકાવારી સિલિકા, ઍલ્યુમિના અને ફેરિક ઑક્સાઇડની ટકાવારી છે; જ્યારે રાસાયણિક ગુણધર્મોમાં ફાઇનેસ રેસિડ્યૂ ઑન સ્લેકિંગ, ઠારણસમય, દાબકસામર્થ્ય, અનુપ્રસ્થસામર્થ્ય, કાર્યશક્તિ, ધ્વનિશક્તિ, પટકશક્તિ વગેરે.

નગીન મોદી