સાકેતાનંદ (એસ. એન. સિંઘ)

January, 2007

સાકેતાનંદ (એસ. એન. સિંઘ) (. 27 ફેબ્રુઆરી 1940, દરભંગા, બિહાર) : મૈથિલી ભાષાના લેખક. તેઓ મગધ યુનિવર્સિટી, બોધ-ગયામાંથી બી.એ. થયા પછી તેમણે સરકારી નોકરીમાં કારકિર્દીનો આરંભ કર્યો. 1962થી તેઓ પટના અને દરભંગા કેન્દ્રો ખાતે આકાશવાણીના કાર્યક્રમો સાથે સંકળાયેલા રહ્યા. 2002માં તેઓ આકાશવાણીના હઝારીબાગ કેન્દ્ર સાથે સંકળાયેલા હતા.

તેઓ ફોટોગ્રાફીમાં અધિક રુચિ ધરાવે છે. તેમણે 1962થી વાર્તાઓ લખવાનો પ્રારંભ કર્યો. તેઓ હિંદી તથા અંગ્રેજી બંને ભાષાઓનું સારું જ્ઞાન ધરાવે છે. તેમની માતૃભાષા મૈથિલી છે અને હિંદીમાં પણ લખે છે. ‘બરફ કી અરણિયાં’ (1967) એ હિંદીમાં કાવ્યસંચય છે. તેમનો ‘ગણનાયક’ (1997) એ મૈથિલી વાર્તાસંગ્રહ છે. ટૂંકી વાર્તાઓ અને રેડિયો-નાટકોના લેખનકાર્યમાં પ્રવૃત્ત છે.

તેમના મૈથિલી વાર્તાસંગ્રહ ‘ગણનાયક’ માટે તેમને 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો. પુરસ્કૃત વાર્તાસંગ્રહ બોલચાલની ભાષામાં પોતાના વિષયવસ્તુનું અત્યંત પ્રભાવિત રૂપે નિરૂપણ કરવા માટે ઉલ્લેખનીય છે. આ વાર્તાઓ મૈથિલી મનોવિજ્ઞાનને ઉજાગર કરે છે. મોટાભાગની વાર્તાઓનું વિષયવસ્તુ સામાજિક પરિવર્તન અને સ્થાપિત મૂલ્યો પ્રત્યે વિદ્રોહ પ્રગટ કરે છે. મૈથિલીભાષી લોકોની સામાજિક-રાજનૈતિક આકાંક્ષાઓને વ્યક્ત કરવામાં આ કૃતિ સંપૂર્ણપણે સફળ નીવડી છે. તે કારણે આ પુરસ્કૃત કૃતિ મૈથિલીમાં લખાયેલ ભારતીય વાર્તાસાહિત્યનું એક મહત્ત્વપૂર્ણ યોગદાન લેખાય છે.

મહેશ ચોકસી