સાકેત (1931) : ‘રાષ્ટ્રકવિ’ તરીકે જાણીતા મૈથિલીશરણ ગુપ્ત(જ. 1886)ની મહાકાવ્ય પ્રકારની શ્રેષ્ઠ હિંદી રચના. આ કૃતિના કેન્દ્રમાં રામકથા છે, પરંતુ તેને ભિન્ન સ્વરૂપે અને ભિન્ન ઉદ્દેશથી રચવામાં આવી છે. હિંદીના પ્રખ્યાત વિવેચક મહાવીરપ્રસાદ દ્વિવેદીના લેખ ‘કવિયા દ્વારા ઊર્મિલા કી ઉપેક્ષા’ પરથી ગુપ્તને આ પ્રબંધકાવ્ય રચવાની પ્રેરણા મળી.

તેમણે તુલસીદાસના સમયથી ચાલી આવતી મહાકાવ્ય-પરંપરાને પુન:ચેતનવંતી કરી અને રામકથાની સંરચનાને અદ્યતન બનાવવાના આશયથી થોડાઘણા ફેરફારો કર્યા. રામાયણમાંથી તેમણે તેમનાં પાત્રો અને પરિસ્થિતિઓ, ઘટનાઓ પસંદ કરી; તેમાંની મોટાભાગની રહસ્યમય અને અલૌકિક બાબતો જતી કરી અને તેને વધુ તર્કસંગત અને માનવીય પરિપ્રેક્ષ્યમાં રજૂ કરી.

રામાયણનાં યશસ્વી પાત્રોમાં ઊર્મિલાનું ચરિત્ર ઉજાગર થતું નથી તેથી તેમણે આ કથા દ્વારા ભારતીય સંસ્કૃતિના ઉમદા આદર્શોમાં શ્રેષ્ઠ એવી તમામ બાબતોનું ભારપૂર્વક વિધાન કર્યું છે. પિતાના આદેશથી રામે 14 વર્ષ વનગમન કરવું; સીતા અને લક્ષ્મણનું સાથે જોડાવું, એવા પ્રસંગોએ લક્ષ્મણ-પત્ની ઊર્મિલાના મનોમંથનનું સુંદર ચિત્રાંકન કરવાનો કવિએ નવો પ્રયોગ કર્યો છે. તે લક્ષ્મણ સાથે જોડાય તો કદાચ શ્રીરામ પ્રત્યેની તેમની ભક્તિ-સેવામાં ઊણપ આવે અને સાથે ન જોડાય તો 14 વર્ષનો વિરહનો ગાળો કેવી રીતે વિતાવવો – આ બધી તેના મનની ગડમથલ આ મહાકાવ્યમાં વર્ણવી છે.

પોતાના પતિ સાથે શુભ આશયથી નહિ જોડાવાનું વિચારવું, તેનાં સાસુ-સસરા, દિયર વગેરે કુટુંબીજનોની સેવામાં જીવન સમર્પિત કરવાની ત્યાગભાવના, પ્રેમભાવના સાથે રામ અને લક્ષ્મણની ગેરહાજરીમાં ભરતને હૂંફ રહે તે માટે અયોધ્યામાં જ રહેવાના નિર્ણય દ્વારા ઊર્મિલાના ઉદાત્ત આદર્શની કવિએ આ પ્રબંધાત્મક કથાકાવ્યમાં ઝાંખી કરાવી છે.

ઊર્મિલાએ 14 વર્ષ પોતાના પતિની પ્રતીક્ષામાં, વિરહવેદનાની પીડા સહન કરીને ગાળ્યાં. તેની માનસિક યાતનાને કવિએ વાચા આપીને કથાકાવ્યને અદ્યતન સાંસ્કૃતિક પરિમાણ આપ્યું છે.

આ કથાનો પ્રારંભ લક્ષ્મણ-ઊર્મિલાના પ્રસન્ન દાંપત્યજીવનથી કરીને રામના રાજ્યાભિષેક અને રામને વનવાસની ઘટના દ્વારા આનંદ અને ઉલ્લાસભર્યા વાતાવરણને વિષાદમાં ફેરવી નાખ્યું છે. ભરતને ગાદી અપાવવામાં કૈકેયીના પ્રબળ માતૃભાવને પ્રધાનતા આપીને તેના મનોવૈજ્ઞાનિક સ્તરનું આલેખન કર્યું છે. રામના વનગમન બાદ તરત દશરથનું અવસાન વિષાદમાં વધારો કરે છે. ચિત્રકૂટના પ્રસંગ સુધી આઠમો સર્ગ લંબાયો છે. નવમા અને દસમા સર્ગમાં ઊર્મિલાના વિરહનું વર્ણન આવે છે. તેમાં ઊર્મિલાની સ્મૃતિ રૂપે રામાયણના બાલકાંડનો સમાવેશ કરાયો છે. અગિયારમા અને બારમા સર્ગમાં સુર્પણખા-પ્રસંગ, ખરદૂષણ-વધ, સીતાહરણ, રામરાવણનું યુદ્ધ, લક્ષ્મણ માટે સંજીવની લઈ પાછા ફરતા હનુમાનને ભરત દ્વારા અયોધ્યામાં આંતરવા, વસિષ્ઠ મુનિની યોગશક્તિ દ્વારા વનવાસના પ્રસંગો તાદૃશ થવા વગેરે ઘટનાઓને આબેહૂબ વણી લેવામાં આવી છે.

આમ કવિએ નવા પ્રસંગોની ઉદ્ભાવના દ્વારા કાવ્યશાસ્ત્રના નવેનવ રસોનો આસ્વાદ કરાવ્યો છે. શૃંગાર આ પ્રબંધકાવ્યનો અંગી-રસ છે. રામકથા પર આધારિત રચનાઓમાં આમ સાકેતનું આગવું સ્થાન છે.

મહાવીરસિંહ ચૌહાણ