સાંડિલ્વી, વજાહત અલી (. 1 માર્ચ 1916, સાંડિલા, ઉત્તર પ્રદેશ; . 9 ઑક્ટોબર 1996) : ઉર્દૂ લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની પદવી મેળવી. વકીલાતની સાથોસાથ લેખનકાર્ય કર્યું.

તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમના ‘ગૂંગી હવેલી’ (1971); ‘કૂલી નં. 399’ (1980); ‘ધૂપ કી ઐનક’ (1984) નામક વાર્તાસંગ્રહો લોકપ્રિય છે. ‘રક્સ એ તમાસે’ (1980); ‘ઊંચા નીચા’ (1989) – બંને તેમની જાણીતી હાસ્યનાટિકાઓ છે. ‘બાકિયત ગાલિબ’ (1960, 1969) સાહિત્યિક વિવેચન છે, જ્યારે ‘રોશની’ (1987) તેમનો કાવ્યસંગ્રહ છે.

તેમને તેમના 6 ગ્રંથો માટે 1993માં ઉત્તરપ્રદેશ અને બિહાર ઉર્દૂ અકાદમીઓ તથા મીર અકાદમી, લખનૌ; અને સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન પત્રકારત્વમાં તેમના મહત્વના પ્રદાન બદલ ઉત્તરપ્રદેશ ગવર્નમેન્ટ સ્પેશિયલ ઍવૉર્ડ આપવામાં આવ્યો તથા 1992માં અંજુમન તરક્કી ઉર્દૂ, સાંડિલા તરફથી ‘ઇફિતખાર સાંડિલા’ નામક સનદ તેમને આપવામાં આવી હતી.

બળદેવભાઈ કનીજિયા