સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ

January, 2008

સાંડેસરા, ભોગીલાલ જયચંદભાઈ (. 13 એપ્રિલ 1917, સંડેર, તા. પાટણ; . 18 જાન્યુઆરી 1995) : વિવેચક, સંપાદક. નિવાસ વડોદરા. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. બચપણથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના વિદ્વાન શિષ્ય પુણ્યવિજયજી પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તેરમાચૌદમા વર્ષથી લેખન-પ્રવૃત્તિ. 1935માં મૅટ્રિક. 1935-37 દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. 1941માં ગુજરાત કૉલેજમાંથી ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે બી.એ.. 1943માં ગુજરાત વિદ્યાસભાના અનુસ્નાતક વર્ગમાંથી એ જ વિષયોમાં એમ.એ.. 1943થી 1950 સુધી ભો. જે. વિદ્યાભવન, અમદાવાદમાં અર્ધમાગધીના અધ્યાપક-સંશોધક. 1950માં પીએચ.ડી.. 1950થી 1975 સુધી મ. સ. યુનિવર્સિટી, વડોદરામાં ગુજરાતી વિષયના પ્રાધ્યાપક અને અધ્યક્ષ. 1958થી 1975 સુધી પ્રાચ્ય વિદ્યામંદિરના નિયામક. 1955માં નડિયાદમાં મળેલા ગુજરાતી સાહિત્ય પરિષદના 59મા અધિવેશનમાં ઇતિહાસ-પુરાતત્વવિભાગના પ્રમુખ. 1959માં ભુવનેશ્વરમાં મળેલ અખિલ ભારત પ્રાચ્યવિદ્યા પરિષદમાં પ્રાકૃત ભાષાઓ તેમજ જૈન ધર્મના વિભાગના પ્રમુખ. 1962-64 દરમિયાન ગુજરાત ઇતિહાસ પરિષદના પ્રમુખ, ‘સ્વાધ્યાય’ ત્રૈમાસિકના સંપાદક.

ભોગીલાલ જયચંદભાઈ સાંડેસરા

1956-57માં પશ્ચિમ અને પૂર્વના દેશોનો પ્રવાસ. 1953માં રણજિતરામ સુવર્ણચંદ્રક. 1962માં નર્મદ સુવર્ણચંદ્રક. 1988માં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ.

પ્રાચ્યવિદ્યા, ભારતીય વિદ્યા, ભારતીય સંસ્કૃતિ, સંસ્કૃત-પ્રાકૃત-અર્ધમાગધી સાહિત્યસંદર્ભ, જૂની ગુજરાતી, મધ્યકાલીન સાહિત્ય, ગુજરાતીનો ઇતિહાસ અને એની સંસ્કૃતિ વગેરે વિષયોમાં વ્યાપક વિદ્વત્તાથી આ લેખકે કામ કર્યું. ગુણદર્શી પ્રતિભાવ આપતું એમનું લેખન મુખ્યત્વે વસ્તુલક્ષી ગદ્યનો આશ્રય લે છે.

‘પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના’ (1941), ‘શબ્દ અને અર્થ’ (1954), ‘મહામાત્ય વસ્તુપાલનું સાહિત્યમંડળ તથા સંસ્કૃત સાહિત્યમાં તેનો ફાળો’ (1957), ‘પ્રદક્ષિણા’ (1959), ‘દયારામ’ (1960), ‘સંશોધનની કેડી’ (1961), ‘ઇતિહાસ અને સાહિત્ય’ (1966), ‘અન્વેષણા’ (1967), ‘અનુસ્મૃતિ’ (1973), ‘મુનિ જિનવિજયજી : જીવન અને કાર્ય’ (1978) એમનાં મૌલિક પુસ્તકો છે. ‘વાઘેલાઓનું ગુજરાત’ (1939), ‘ઇતિહાસની કેડી’ (1945), ‘જગન્નાથ પુરી અને ઓરિસાના પુરાતન અવશેષો’ (1951), ‘જૈન આગમ સાહિત્યમાં ગુજરાત’ (1952) એમનાં ઇતિહાસ-સંસ્કૃતિ-વિષયક ગ્રંથો છે. એમનાં સંપાદનોમાં સંઘવિજયકૃત ‘સિંહાસનબત્રીસી’ (1933), માધવકૃત ‘રૂપસુંદરકથા’ (1934), વીરસિંહકૃત ‘ઉષાહરણ’ (1938), મતિસારકૃત ‘કર્પૂરમંજરી’ (1941), ‘સત્તરમા શતકનાં પ્રાચીન ગૂર્જરકાવ્ય’ (1948), મહીરાજકૃત ‘નલદવદંતી રાસ’ (1954), ‘પ્રાચીન ફાગુ સંગ્રહ’ (1955), ‘વર્ણક સમુચ્ચય’ ભા. 1, 2 (1956, 1959), શ્રી સોમેશ્વરદેવ રચિત ‘ઉલ્લાસ-રાઘવ નાટકમ્’ (1961), યશોધરકૃત ‘પંચાખ્યાન બાલાવબોધ’ – ભા. 1 (1963), ‘મલ્લપુરાણ’ (1964), શ્રી સોમેશ્વરદેવરચિત ‘રામચરિતશતકમ્’ (1965), ગંગાધરપ્રણીત ‘ગંગાદાસપ્રતપવિલાસ-નાટકમ્’ (1973) અને અમૃતકલશકૃત ‘હમ્મીર પ્રબંધ’ (1973) મહત્વનાં છે.

સંઘદાસગણિકૃત ‘વસુદેવહિંડી’ (1946) પ્રાકૃતમાંથી એમણે આપેલો અનુવાદ છે.

કીર્તિદા શાહ