સહાની, ભીષ્મ (જ. 8 ઑગસ્ટ 1915, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં); અ. 11 જુલાઈ 2004) : હિંદી નવલકથાકાર, વાર્તાકાર અને નાટ્યકાર. 1937માં તેમણે પંજાબ યુનિવર્સિટી, લાહોરમાંથી અંગ્રેજી સાથે એમ.એ. તથા 1958માં પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. પંજાબ તથા દિલ્હી યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રાધ્યાપક રહ્યા. 1965-67 ‘નઈ કહાનિયાઁ’ નામના ટૂંકી વાર્તાઓના હિંદી જર્નલના સંપાદક. 1957-1963 દરમિયાન ફૉરિન લગ્વેજિઝ પબ્લિશિંગ હાઉસ, મૉસ્કોમાં અનુવાદક. 1993-97 દરમિયાન સાહિત્ય અકાદમીની કાર્યવાહક સમિતિના સભ્ય. લાંબો વખત પ્રગતિશીલ લેખકમંડળના જનરલ સેક્રેટરી અને રંગમંચ કલાકાર સફદર હાશ્મીની સ્મૃતિ રૂપે રચાયેલ પ્લૅટફૉર્મ ‘સહમત’ના સ્થાપક અધ્યક્ષ. 1942ની ‘ભારત છોડો’ ચળવળમાં જોડાયા અને જેલવાસ ભોગવ્યો. 7 (1957-63) વર્ષ તેમણે સોવિયેત યુનિયનમાં ગાળ્યાં. ત્યાં તેમણે સંખ્યાબંધ રશિયન અને સોવિયેત પ્રશિષ્ટ ગ્રંથોનું હિંદીમાં ભાષાંતર કર્યું. 1965-68 સુધી તેમણે ટૂંકી વાર્તાઓના સામયિક ‘નયી કહાનિયાં’નું સંપાદન કર્યું. 1993-97 દરમિયાન તેઓ સાહિત્ય અકાદમીના કારોબારી સમિતિના સભ્ય રહ્યા હતા, તેઓ લાંબો સમય પ્રોગ્રેસિવ રાઇટર્સ ઍસોસિયેશનના જનરલ સેક્રેટરી રહ્યા હતા અને રંગભૂમિ કલાકાર સફદર હાશ્મીના સ્મરણાર્થે સાંસ્કૃતિક આદાન-પ્રદાન માટેના મંચ ‘સહમત’ના તેઓ સ્થાપક અધ્યક્ષ રહ્યા; તેઓ ઉર્દૂ, સંસ્કૃત, પંજાબી અને રશિયન ભાષાના જાણકાર હતા.
નાનપણથી જ તેમને મુસ્લિમો સાથે ખૂબ નિકટનો સહવાસ રહ્યો હોવાથી જીવન તથા સાહિત્ય વિશે તેમનો અભિગમ બિનસાંપ્રદાયિક રહ્યો હતો. ભારતના ભાગલા અને સ્વાતંત્ર્યના પગલે રાવલપિંડીમાં ફાટી નીકળેલાં કોમી રમખાણ, રક્તપાત અને ભયાનક ઊથલપાથલ જોઈને તેમના મને ભારે આઘાત અને વ્યથા અનુભવ્યાં. તેનો આવિષ્કાર તેમની પ્રસિદ્ધ નવલકથા ‘તમસ’ (‘કાઇટ્સ વિલ ફલાય’) રૂપે થયો. આ કથા દૂરદર્શન પરથી શ્રેણી રૂપે પ્રસારિત કરાઈ ત્યારે અત્યંત લોકપ્રિય નીવડી હતી અને કોમી એખલાસ વિશે દર્શકોને વિચાર કરતા કરી મૂક્યા હતા.
1947માં કોમી રમખાણો વેળા રાવલપિંડીમાં તેમણે રાહત સમિતિમાં કામ કર્યું હતું. પછી તેઓ મુંબઈના ઇન્ડિયન પીપલ્સ થિયેટર ઍસોસિયેશનમાં જોડાયા હતા. જાણીતા અભિનેતા તેમના ભાઈ બલરાજ સહાનીના માર્ગદર્શન હેઠળ તેઓ અભિનયક્ષેત્રે સક્રિય બનેલા.
તેમણે 16 વર્ષની વયે વાર્તાલેખન આરંભ્યું હતું. તેમણે 100 ઉપરાંત વાર્તાઓ લખી છે. તેઓ વિશાળ પરિપ્રેક્ષ્યમાં વૈવિધ્યપૂર્ણ રીતે લખનારા લેખક હતા. તેમણે ‘તમસ’ ઉપરાંત 5 નવલકથાઓ આપી છે : ‘ઝરોખે’ (1967); ‘બસંતી’ (1978); ‘માય્યાદાસ કી મંછી’ (‘ધ હાઉસ ઑવ્ માય્યાદાસ’) (1986); ‘કાંટો’ (1994) અને છેલ્લી ‘નીલુ નિલિમા, નીલોફર’ (2000). તેમણે 9 વાર્તાસંગ્રહો આપ્યા છે, તેમાં ‘ભાગ્યરેખા’ (1953); ‘વાંગ ચુ’; ‘નિશાચર’ (1983) મુખ્ય છે. તેમણે છ ઉલ્લેખનીય હિંદી નાટકો આપ્યાં છે. તેમાં ‘હનૂશ’ (1977); ‘કબીરા ખડા બજાર મેં’; ‘માધવી’ (1984); ‘મૌવાજે’ (1993) મુખ્ય છે. બાળકો માટેનો વાર્તાસંગ્રહ ‘ગુલેલ કા ખેલ’ તેમજ ‘બલરાજ, માય બ્રધર’ (અંગ્રેજીમાં ચરિત્રકથા) આપ્યાં.
1957થી 1963 સુધી મૉસ્કોમાં રહીને તેમણે ટૉલ્સ્ટૉય, ઑસ્ટ્રૉવ્સ્કી, ઐટમાટૉવની રશિયન કૃતિઓને હિંદીમાં અનૂદિત કરી છે. તેમની સંખ્યાબંધ નવલકથાઓ અંગ્રેજી તેમજ અન્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત કરાઈ છે. તેમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મનિર્માણ કરાયું છે. તેમાં તમસને વ્યાપક આવકાર સાંપડ્યો હતો.
તેમની ‘તમસ’ (1973) નામની નવલકથાને 1975ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમના અનેકવિધ સાહિત્યિક પ્રદાન બદલ તેમને પંજાબ સરકાર તરફથી શિરોમણિ લેખક ઍવૉર્ડ (1974); કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1975), આફ્રો-એશિયન રાઇટર્સ ઍસોસિયેશન તરફથી લોટસ ઍવૉર્ડ (1980); સોવિયેત લૅન્ડ નેહરુ ઍવૉર્ડ (1983) તેમજ ‘પદ્મભૂષણ’(1998)થી સન્માનિત કરાયા હતા. 2001નો સંગીત નાટક અકાદમી એવોર્ડ અને 2004માં રશિયામાં કોલર ઑફ નેશનના એવોર્ડથી સન્માનિત કરાયા હતા.
તેમની પુરસ્કૃત કૃતિ ‘તમસ’ તેનાં કલાત્મક નિરૂપણ, વાસ્તવિકતાની નક્કર પકડ, જીવંત પાત્રાલેખન તથા અનુભવની સચ્ચાઈ અને માનવતાના ઉદાત્ત આવિષ્કારના કારણે હિંદી સાહિત્યમાં અનન્ય લેખાઈ છે.
31 મે 2017માં ભારતીય ટપાલ વિભાગે તેમના સન્માનમાં ટપાલટિકીટ બહાર પાડી છે.
મહેશ ચોકસી
બળદેવભાઈ કનીજિયા