સહા, મેઘનાદ (. 6 ઑક્ટોબર 1893, સીયોરાતલી, ઢાકા, બાંગ્લાદેશ; . 16 ફેબ્રુઆરી 1956, દિલ્હી) : મહાન શિક્ષક, લેખક, સમાજચિંતક, રાષ્ટ્રપ્રેમી તથા પ્રખર ન્યૂક્લિયર અને સમર્થ ખગોળભૌતિકવિજ્ઞાની. તેમણે શાલેય શિક્ષણ ઢાકામાં લીધું હતું. શાળાકાળ દરમિયાન મેરિટ શિષ્યવૃત્તિ મેળવતા રહ્યા. ઉચ્ચ શિક્ષણ માટે તેઓ કોલકાતાની પ્રેસીડેન્સી કૉલેજમાં દાખલ થયા. આ કૉલેજમાં અભ્યાસ કરી તેમણે 1913માં બી.એસસી. અને 1915માં એમ.એસસી.ની પરીક્ષાઓ ગણિતશાસ્ત્ર સાથે પાસ કરી. અહીં તેમને સત્યેન્દ્રનાથ બોઝ (બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્વાળા) સાથે મેળાપ થયો.

મેઘનાદ સહા

અનુસ્નાતક શિક્ષણ સાથે તેમણે સંશોધનકાર્ય ચાલુ કર્યું. 1917માં તેમનો પ્રથમ સંશોધનલેખ ‘મૅક્સવેલ્સ’ ફિલૉસૉફિકલ સામયિકમાં પ્રસિદ્ધ થયો. 1920માં તેમણે ‘સૌર ક્રોમોસ્ફિયરનું આયનીકરણ’નો સંશોધનલેખ પ્રસિદ્ધ કર્યો. આ સાથે વીસમી સદીના પ્રારંભમાં સૌપ્રથમ સૈદ્ધાંતિક મૂળભૂત સંશોધનનો પાયો નંખાયો. માત્ર 27 વર્ષની ઉંમરે મૌલિક અને નવીન સંશોધનલેખો દ્વારા તેઓ જગપ્રસિદ્ધ થયા. આ લેખોની ગુણવત્તાના આધારે તેઓ ઇંગ્લૅન્ડની રૉયલ સોસાયટીના ફેલો તરીકે ચૂંટાયા. આ લેખોમાં તેમણે ઉષ્મીય આયનીકરણ (thermal ionization)નો સિદ્ધાંત સ્થાપિત કર્યો. ત્યારબાદ તેમણે ‘સૂર્યનાં તત્ત્વો’, ‘વાયુઓનું તાપમાન-વિકિરણ’ અને ‘તારાકીય (steller) વર્ણપટનું વર્ગીકરણ’ નામના ત્રણ સળંગ સંશોધનલેખો વિજ્ઞાનજગત સમક્ષ રજૂ કર્યા.

1920માં પ્રેમચંદ રાયચંદ શિષ્યવૃત્તિ અને ઘોષ ફેલોશિપ મળતાં, તેઓ વિજ્ઞાનના ઉચ્ચ અભ્યાસાર્થે યુરોપ ગયા. ત્યાં લંડનના ખ્યાતનામ ખગોળભૌતિકશાસ્ત્રી ફાઉલર સાથે સંશોધનકાર્ય કર્યું. આ સાથે આર્થર એડિંગ્ટન અને મિલ્ને જેવા ખગોળભૌતિકશાસ્ત્રીઓના પરિચયમાં આવ્યા. ફાઉલર સાથે રહીને તેમણે ‘સ્ટેલર વર્ણપટનો સિદ્ધાંત’ લેખ પ્રગટ કર્યો. ‘સૌરક્રોમોસ્ફિયરનું આયનીકરણ’ લેખ ખગોળભૌતિક-વિજ્ઞાનનો પાયો ગણાય છે. સહાનો ઉષ્મીય આયનીકરણનો સિદ્ધાંત વ્યાપક સ્વરૂપ ધરાવે છે. તેથી તે જ્યોતની વાહકતા, વિદ્યુત-આર્ક, વિસ્ફોટક ઘટના, આયનોસ્ફિયર અને ગરમ-પ્લાઝ્માને લાગુ પાડી શકાય છે. સહાના આયનીકરણના સિદ્ધાંતને સૂત્રબદ્ધ કર્યા બાદ 70 વર્ષે તેની પ્રતીતિ થઈ. પ્રયોગશાળામાં તાપ-ન્યૂક્લિયર ઊર્જાના નિયંત્રણના પ્રયત્નો થયા તે દરમિયાન મેગ્નેટોહાઇડ્રોડાયનેમિક પ્રક્રિયા સહાના સિદ્ધાંત વડે સમજી શકાઈ. ઇંગ્લૅન્ડથી પાછા ફરતાં પહેલાં માઉન્ટ વિલ્સન વેધશાળાના નિર્દેશક ડૉ. જી. એચ. હેલ સાથે ખગોળવિજ્ઞાનના ક્ષેત્રે બીજી કેટલીક આગાહીઓ કરી અને ત્યાં જ ચકાસણી કરવામાં આવી. ઇંગ્લૅન્ડમાં સંશોધન માટે તેમને પૂરતો અવકાશ અને સુવિધા હતાં. પણ પોતાના વતનની લાગણીને વશ થઈ તેઓ હિંદ પાછા ફર્યા. જોકે તે સમયે સહાની કક્ષાના વિજ્ઞાની માટે આપણા દેશમાં સંશોધન-સુવિધાઓ અને સાધનો ટાંચાં હતાં. આમ છતાં બધા જ પડકાર ઝીલવા માટે સહા સમર્થ હતા.

1921માં સર આસુતોષ મુખરજીએ કોલકાતા યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના ખેરા પ્રાધ્યાપક તરીકે જોડાવા સહાને નિમંત્રણ આપ્યું જે તેમણે સહર્ષ સ્વીકાર્યું. કોલકાતામાં ભૌતિકશાસ્ત્રના શિક્ષણ સાથે સંશોધનની શરૂઆત કરી. ત્યારબાદ તેઓ અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં ભૌતિકશાસ્ત્રના પ્રાધ્યાપક અને તે વિભાગના અધ્યક્ષ તરીકે જોડાયા. ત્યાં પણ સંશોધનની શરૂઆત કરી.

સહાએ પોતાની કારકિર્દીના પ્રારંભમાં ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનના શિક્ષણ અને સંશોધનનો પાયો નાખ્યો. સહાએ ન્યૂક્લિયસનો વિગતવાર અભ્યાસ કરી ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી તરીકે પ્રકાશમાં આવ્યા. સહાના વડપણ નીચે કોલકાતા પછી અલ્લાહાબાદ ભૌતિકશાસ્ત્રના અભ્યાસ અને સંશોધનનું કેન્દ્ર બન્યું. તેમણે વિવિધ શાખાઓ જેવી કે અવકાશમાં સક્રિય નાઇટ્રોજન અણુઓનું ઊંચા તાપમાન વિઘટનનો અભ્યાસ, આંકડાશાસ્ત્રીય યાંત્રિકી, આયનોસ્ફીયરમાં રેડિયો-તરંગોનું સંચરણ વગેરે.

1926માં મુંબઈ ખાતે યોજાયેલી ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસમાં ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર વિભાગના અધ્યક્ષ બન્યા. તેમના સંનિષ્ઠ પ્રયાસો તથા લગનીને કારણે અલ્લાહાબાદ યુનિવર્સિટીનો ભૌતિકશાસ્ત્ર વિભાગ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યો.

1930 પછી સહા શિક્ષણ અને સંશોધન ઉપરાંત ધીમે ધીમે સામાજિક અને રાષ્ટ્રીય પ્રશ્નોના નિરાકરણની દિશામાં આગળ વધવા લાગ્યા. સૌપ્રથમ તેમણે યુ. પી. એકૅડેમી ઑવ્ સાયન્સિઝની સ્થાપના કરી, જે હાલ નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝ તરીકે ઓળખાય છે. 1934માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસના જનરલ પ્રમુખ તરીકે આવ્યા અને નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સિઝની (હાલ જેને નૅશનલ સાયન્સ એકૅડેમી કહે છે.) સ્થાપના કરી.

અલ્લાહાબાદ યુનિવર્સિટીમાં તેમણે 15 વર્ષ શિક્ષણ અને સંશોધનનું કાર્ય કર્યું. તે દરમિયાન તેમણે 45 સંશોધનલેખો લખ્યા. આ સમયે તેમણે ચુંબકીય મૉનોપોલ માટે ડિરાકની ક્વૉન્ટીકરણની શરતની પુન: તારવણી કરી. આ લેખમાં તેમણે મૉનોપોલના દળનો અંદાજ કાઢ્યો.

1937માં તેઓ કોલકાતા યુનિવર્સિટી ખાતે પાલિત પ્રાધ્યાપક તરીકે નિયુક્ત થયા. આ સમય ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનનો ઉદયકાળ હતો. આથી તેમણે કોલકાતા યુનિવર્સિટીમાં એમ.એસસી.ના અભ્યાસક્રમમાં ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાનનો વિષય શરૂ કર્યો. ભૌતિકવિજ્ઞાનની પાલિત પ્રયોગશાળામાં ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાન અને કૉસ્મિક કિરણોના ક્ષેત્રે સંશોધન શરૂ કર્યું. અહીં સાઇક્લોટ્રૉન ઉપર સહાની નિશ્રામાં સંશોધનકાર્ય પૂરજોશમાં ચાલુ થયું.

આપણા દેશમાં સંશોધનની બ્લૂપ્રિન્ટ(નકશા)ને સહાએ તૈયાર કરી. નાણાં માટે સહાએ સરકાર સાથે મસલતો કરી. પરિણામે કોલકાતામાં રાષ્ટ્રીય પ્રયગોશાળા અને સંશોધનસંસ્થાની સ્થાપના થઈ. અત્યારે આ સંસ્થા સહા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ન્યૂક્લિયર ફિઝિક્સ તરીકે ઓળખાય છે. 1944 બાદ ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર કલ્ટિવેશન ઑવ્ સાયન્સની પ્રવૃત્તિઓમાં સહા રસ લેવા માંડ્યા. આ સાથે નવોદિત સંશોધનકારોના સંશોધનલેખોની પ્રસિદ્ધિ માટે સહાએ ‘સાયન્સ ઍન્ડ કલ્ચર’ નામના સામયિકની શરૂઆત કરી. તે સાથે ‘ઇન્ડિયન સાયન્સ ન્યૂઝ ઍસોસિયેશન’ની પણ શરૂઆત કરી. સ્થાપક તંત્રી તરીકે તેઓ જીવ્યા ત્યાં સુધી પોતાના લેખોનું આ સામયિકોને પ્રદાન કરતા રહ્યા.

સહા રાષ્ટ્રીય પ્રશ્નો પરત્વે અત્યંત સભાન, સતર્ક અને સંવેદનશીલ હતા. નદીઓના પાણીના વિપુલ જથ્થાનો યોગ્ય પ્રબંધ કરવા સૌપ્રથમ તેમણે વિચાર્યું હતું. સિંચાઈ યોજનાઓ દ્વારા પાણીનો સદુપયોગ કરવા માટે તેમણે મૌલિક વિચારો રજૂ કર્યા હતા. ખનિજ ઇંધનો, વિદ્યુત ઊર્જાના સ્રોતો, ઔદ્યોગિકીકરણ અને રાષ્ટ્રીય આયોજન ઉપર તેમણે વિગતો અને વિદ્વત્તા સાથે પૂરા 51 સંશોધનલેખો તૈયાર કર્યા. ‘મેઘનાદ સહાની સંગૃહીત કૃતિઓ ભાગ-2’ નામે 637 પાનાંનો ગ્રંથ તૈયાર કરવામાં આવ્યો. રાષ્ટ્રના હિતમાં આ બધાં લખાણોનો કોઈએ આજ સુધી ઉપયોગ કર્યો હોય તેવું લાગતું નથી.

સહા તેમની શક્તિ અને સિદ્ધિઓને આધારે ભારતીય નાગરિકમાંથી વિશ્વનાગરિક બન્યા. તેમણે ઘણા બધા વિકસિત અને વિકસતાં રાષ્ટ્રોની મુલાકાત લીધી હતી. તે દરમિયાન ઘણી યુનિવર્સિટીઓએ તેમને ડૉક્ટરેટની માનદ પદવીઓ આપી. ઘણી સંસ્થાઓએ તેમને ફેલોશિપથી નવાજ્યા. તેઓ સંનિષ્ઠ શિક્ષક અને અદ્વિતીય લેખક હતા. તેમનું ‘મૉડર્ન ફિઝિક્સ’ પુસ્તક વિશાળ વ્યાપ સાથે અતિ પ્રિય પણ છે. તેમનું બીજું ચિરપ્રતિષ્ઠિત પુસ્તક ‘ટ્રીટાઇઝ ઑન હીટ ઍન્ડ થરમોડાયનૅમિક્સ’ અજોડ અને અનન્ય ગ્રંથ છે. જગતના કેટલાય દેશોમાં આ પુસ્તકોનો આધાર લેવાય છે. જર્મન અને રશિયન જેવી જગતની કેટલીક ભાષાઓમાં તેના અનુવાદ થયા છે.

સહા ડાબેરી વિચારધારા તરફ થોડાક ઢળેલા હતા. નિ:સ્પૃહભાવે તેઓ રાજકારણીઓની સાન ઠેકાણે રાખવા કઠોર બની શકતા હતા. આવા સહા કેટલીક વાર નહેરુને થોડા કઠતા હતા પણ સહાએ છેક સુધી ‘સહાપણુ’ સાચવી રાખ્યું હતું. 1952માં સહા સંસદમાં સ્વતંત્ર સભ્ય તરીકે ચૂંટાયા હતા. અસરકારક અને પરિણામલક્ષી કાર્યવાહીને કારણે તેઓની સંસદમાં હાજરી ધ્યાનાકર્ષક રહેતી. વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની રાષ્ટ્રીય નીતિ અને રાષ્ટ્રીય આયોજનની બાબતે જ્યારે તે સંસદમાં વિચારો રજૂ કરતા ત્યારે કેટલાયને તેમની હાજરીનો સન્માનનીય અનુભવ થતો. સંસદમાં તેમનો અભિગમ, દૃષ્ટિકોણ અને વ્યવહાર રચનાત્મક રહેતા. જ્યારે સંસદમાં પરમાણુ ઊર્જા, નદીઓના પાણીના વિતરણ, ખાણખનિજ યોજના, શિક્ષણ, રાજ્યોની પુન:રચના અને નિરાશ્રિતોના વસવાટને લગતી ચર્ચાઓ થતી ત્યારે સાંસદોની નજર તેમના ઉપર પડતી અને તેમનાં સૂચનો તથા અભિપ્રાયની આતુરતાપૂર્વક રાહ જોવાતી. તેનું મુખ્ય કારણ એ હતું કે તેઓ કોઈ પણ પ્રશ્ન પરત્વે રાજકીય નહિ પરંતુ રાષ્ટ્રીય અભિગમ ધરાવતા હતા. વ્યક્તિનો નહિ પણ સમદૃષ્ટિનો વિચાર કરતા હતા. તેમજ પ્રાંતનો નહિ પણ દેશનો વિચાર કરતા હતા. તે સમયે ‘કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ’ નામની સંસ્થાએ સહાને કૅલેન્ડર-સુધારા સમિતિના અધ્યક્ષ રીતે નીમ્યા. તેમણે ભારતીય ઍસ્ટ્રૉનોમી ઉપર પાંડિત્યપૂર્ણ ખતપત્ર માત્ર ત્રણ વર્ષમાં તૈયાર કરી આપ્યું. તેનો સરકારે અક્ષરશ: સ્વીકાર કર્યો હતો. આજે તેનો જાતીય પંચાંગ તરીકે ઉપયોગ થાય છે.

આઇ. સી. એસ. અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સહા સંપૂર્ણપણે સક્ષમ હતા. તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન ક્રાંતિકારી હતા, જેને કારણે તેમને આમાંની કોઈ પરીક્ષામાં અંગ્રેજ સરકારે બેસવા દીધા ન હતા. પરિણામે ભારતને મહાન વિજ્ઞાનીની ભેટ મળી. પ્રથમ કોટિના સૈદ્ધાંતિક ભૌતિકશાસ્ત્રીઓ સહા અને સત્યેન્દ્રનાથ બોઝે વિજ્ઞાનના વિદ્યાર્થીઓમાં ચાહના પેદા કરી ભારતીય ભૌતિકશાસ્ત્રીઓની એક પેઢી તૈયાર કરી. સહા ક્રાંતિકારી ખરા, પણ વિધાયક હતા.

દિલ્હીમાં પ્લાનિંગ કમિશનના કાર્યાલયમાં 16-2-56ના રોજ સવારે જતા હતા ત્યારે દિલનો દોર તૂટી જતાં તેમનું રસ્તામાં જ અવસાન થયું હતું.

પ્રહલાદ છ. પટેલ