સહાની, બીરબલ (. 14 નવેમ્બર 1891, મૅરા, પંજાબ; . એપ્રિલ 1949, લખનૌ) : ખ્યાતનામ વનસ્પતિવિદ અને પુરાવનસ્પતિવિજ્ઞાની (palaeobotanist).

1919માં પંજાબ યુનિવર્સિટીમાંથી બી.એસસી. થયા. 1919માં લંડન યુનિવર્સિટીમાંથી ડી.એસસી. અને 1929માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી એસસી.ડી. થયા.

બીરબલ સહાની

1919-20 દરમિયાન બનારસ યુનિવર્સિટીમાં વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક; 1920-21માં પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તરીકે કાર્ય કર્યું. 1921માં લખનૌ યુનિવર્સિટી વનસ્પતિવિજ્ઞાનના પ્રાધ્યાપક તરીકે જોડાયા. 1933માં ત્યાં જ વિજ્ઞાનવિદ્યાશાખાના વડા (dean) બન્યા. 1943માં ભૂસ્તરશાસ્ત્રવિભાગના અધ્યક્ષ બન્યા.

સૌપ્રથમ વાર પ્રો. સહાનીને પુરાવનસ્પતિવિજ્ઞાન(palaeo-botanical) સંસ્થા સ્થાપવાનો વિચાર આવ્યો. તેમને લાગ્યું કે આવી સંસ્થા પ્રયોગશાળાના સ્વરૂપે હોવી જરૂરી હતી. જીવાશ્મ-વનસ્પતિવિજ્ઞાન (fossil botany) માટે આ સંસ્થા પ્રગત સંશોધન-કેન્દ્ર તરીકે કાર્ય કરે તેવો તેમનો ખ્યાલ હતો. આ સાથે સાથે જગતના પુરાવનસ્પતિવિજ્ઞાનીઓનો સહયોગ મેળવી શકાય એવો આ સંસ્થાઓનો ઉદ્દેશ ખરો. આ સાથે 1946માં તેમણે પુરાવનસ્પતિવિજ્ઞાન સોસાયટીની સ્થાપના કરી. તે જ વર્ષે થોડાક સમય બાદ પ્રો. સહાની અને તેમનાં પત્ની સાવિત્રી સહાનીએ પુરાવનસ્પતિવિજ્ઞાનની સંસ્થાની સ્થાપના કરી. તે સમયે આ સંસ્થાને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વિકસાવવાનો સહાની દંપતીનો આશય પણ ખરો. આ સંસ્થાના પ્રથમ માનાર્હ નિયામક તરીકે પ્રો. સહાનીની નિયુક્તિ કરવામાં આવી હતી. પ્રો. સહાનીએ તે સમયે લખનૌ યુનિવર્સિટીના વનસ્પતિવિજ્ઞાન વિભાગમાં આ સંસ્થા શરૂ કરી. સહાની દંપતીએ તૈયાર કરેલું પુરાવનસ્પતિવિજ્ઞાનને લગતું પુસ્તકાલય આ વિભાગને સમર્પિત કર્યું. આ સંસ્થા ખાનગી સખાવતો(ધન)ને આધારે શરૂ કરેલી. બધી સખાવતોમાં સહાની દંપતીનો પોતાનો સિંહફાળો હતો. 1948ના સપ્ટેમ્બર મહિનામાં યુ. પી. સરકાર તરફથી પ્રો. સહાનીને લખનૌ ખાતે જમીનની ઉદાર સખાવત મળી. તે પછી, પ્રો. સહાનીની તજવીજને કારણે ભારત સરકાર તરફથી ગ્રાંટ(અનુદાન)ની શરૂઆત થઈ.

પ્રો. સહાનીના અચાનક અવસાન બાદ તેનો વહીવટ પુરાવનસ્પતિવિજ્ઞાની સોસાયટીના અધ્યક્ષ શ્રીમતી સાવિત્રી સહાનીએ સંભાળી લીધો.

1936માં તેઓ લંડનની રૉયલ સોસાયટી અને ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમીનાં ફેલો બન્યાં.

1930 અને 1935 એમ બે વખત તેઓ ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનના વનસ્પતિવિભાગના અધ્યક્ષ તરીકે નિમાયા હતા. 1926માં ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશનના ભૂસ્તરવિદ્યા-(geology)ના અધ્યક્ષ; 1932-38, 1943 અને 1944માં નૅશનલ એકૅડેમી ઑવ્ સાયન્સિઝના અને 1924માં ઇન્ડિયન બૉટેનિકલ સોસાયટીના અધ્યક્ષ બન્યા. બૉટેનિકલ સોસાયટી ઑવ્ અમેરિકા તથા અમેરિકન એકૅડેમી ઑવ્ આર્ટ્સ અને સાયન્સિઝના વિદેશી-સભ્ય તરીકે નિમાયા હતા. 1921માં લાહોર ફિલૉસૉફિકલ સોસાયટીના અધ્યક્ષ બન્યા.

1929માં કૅમ્બ્રિજનું સનબરી હાર્ડીમૅન રિસર્ચ પ્રાઇઝ; 1936માં એશિયાટિક સોસાયટીનો બાર્કલે (Barclay) ચંદ્રક; 1944માં સર આર. સી. રેડ્ડી નૅશનલ પ્રાઇઝ અને નેલ્સન રાઇટ ચંદ્રક મળ્યાં. આવી બીજી ઘણી સિદ્ધિઓ તેમણે ઉપલબ્ધ કરી છે.

ભૂસ્તરીય સમય-માપક્રમ (ટાઇમ-સ્કેલ) ઉપર વનસ્પતિનું સૂક્ષ્મ જીવાશ્મ (micro fossil) અને સ્થૂળ (ગુરુ) જીવાશ્મ(mega fossil)નું સાપેક્ષ સ્થાન નક્કી કરવાનું મહત્ત્વનું કાર્ય તેમણે કર્યું છે. ‘લાઉસન્સ (Lawson’s) ટેક્સ્ટ્સબુક ઑવ્ બૉટની’ પુસ્તક ભારતીય વિદ્યાર્થીઓને અનુકૂળ થાય તે રીતે તપાસીને તેની સુધારેલી આવૃત્તિ બહાર પાડી. 1945માં ન્યૂમિસમૅટિક સોસાયટી ઑવ્ ઇન્ડિયાએ તેમના ટેક્નિક ઑવ્ કાસ્ટિંગ કૉઇન્સ ઇન એન્શિયન્ટ ઇન્ડિયા ઉપરનાં સંસ્મરણો-અનુભવોનો વૃત્તાંત પ્રસિદ્ધ કર્યો. ‘લખનૌ યુનિવર્સિટી સ્ટડિઝ’ના સંપાદક તરીકે તેમણે લાંબો સમય કામ કર્યું હતું.

પ્રહલાદ છ. પટેલ