સહજિયા પંથ : મધ્યકાલીન ભારતનો એક ધાર્મિક પંથ. બંગાળમાં સહજિયા પંથનો પ્રસાર વિવિધ સ્તરોના લોકોમાં જોવા મળે છે. આ પંથના અનુયાયીઓ દિવ્ય પ્રેમના રાગાનુગી (માધુર્ય ભાવ) આદર્શમાં શ્રદ્ધા ધરાવે છે. આથી તેઓ વૈધિક કે બાહ્ય પૂજા-ભક્તિને મહત્ત્વ આપતા નથી. સહજિયા પંથના ગ્રંથ ‘રૂપાનુગભજનદર્પણ’માં ‘સહજ’ સંજ્ઞાને આ પ્રમાણે સમજાવવામાં આવી છે :

‘મનુષ્ય એ પરમ તત્ત્વનો પ્રચ્છન્ન આવિષ્કાર છે અને પ્રેમભાવ એ પરમ તત્ત્વની સ્વાભાવિક અને સહજ લાક્ષણિકતા છે, જેનો મનુષ્યમાં દિવ્ય વારસા રૂપે આવિષ્કાર થાય છે.’ જન્મથી જ માનવમાં દિવ્ય ગુણોનો અંશ હોય છે, જેનો ક્રમશ: વિકાસ થાય છે અને માનવનું સાચું ચારિત્ર્ય ઘડાય છે. એ દિવ્ય ચારિત્ર્ય માનવને ઈશ્વર બનાવે છે. આ દેવ સમાન માનવોને સહજિયા અનુયાયીઓ સ્વત:સિદ્ધ, શુદ્ધ સત્ત્વ તથા સહજ કહે છે. માનવદેહ મંદિર છે. એમાં દેવતાનો વાસ છે. આ દેવતા મનુષ્યની અંતરતમ સત્તા છે. એ અટલ અધર આત્મા છે. પૂર્ણાનંદરૂપ ચિત્-સત્તા આ દેહમાં વિરાજમાન છે. દેહમાં રહેલો અંતરતમ આત્મા દ્વિદલરૂપે શોભે છે. તેનું રૂપ જ્યોતિર્મય છે. આ રૂપની જેઓ ઉપલબ્ધિ કરી શકે તેઓ સાધક કહેવાય. સહજ રાગના રસિક થયે આ જાણી શકાય. હૃદય-સમુદ્રમાં ડૂબકી માર્યે અંતરતમ પરમ સત્ય પમાય છે. આમ દેહ રૂપ છે અને દેહમાં રહેલો આત્મા સ્વરૂપ છે. આઠ પ્રકારની ભક્તિવૈધી, સેવા, ભાવ, સાધન, આરોપ, પ્રેમ, રાગ અને સહજ ભક્તિમાંથી પ્રેમભાવયુક્ત રાગાનુગા ભક્તિને સહજિયા અનુયાયીઓ સાચી ભક્તિ કહે છે. આ ભક્તિના પાંચ પ્રકારના ભાવશાન્ત, દાસ્ય, સખ્ય, વાત્સલ્ય અને મધુરમાંથી મધુર અર્થાત્ માધુર્યના ભાવને જ અનંત અને શ્રેષ્ઠ ભાવ કહે છે. આત્મિક અને દિવ્ય પ્રેમનું મહત્ત્વ સમજવા માટે શુદ્ધ પરકીયા પ્રકારની ભક્તિનો તેઓ સ્વીકાર કરે છે.

ઈ. સ.ની 9મીથી 13મી સદી દરમિયાન બૌદ્ધ ધર્મસમાજમાં સહજિયા સિદ્ધાંત પ્રચલિત હતો. ડૉ. એચ. પી. શાસ્ત્રીના મતે તિબેટમાં સંત લુઈએ ઈ. સ.ની 9મી સદીમાં બૌદ્ધોમાં સહજિયા સંપ્રદાયનો ઉપદેશ આપ્યો. સંસ્કૃત અને બંગાળીના ગ્રંથોના તિબેટી ભાષામાં થયેલા અનુવાદો પરથી બૌદ્ધ સહજિયા સિદ્ધાંતોનો પ્રસાર અહીં ઈ. સ.ની 13મી સદી સુધી રહ્યો હોવાનું જણાય છે. વજ્ર-પદ્મના મિલન જેવો મધુર ભાવ બૌદ્ધ સહજિયા સંપ્રદાયમાં જોવા મળે છે. એમાં માનવપ્રકૃતિની મહત્તા દર્શાવાઈ છે. નેપાળના વજ્રયાનના ગ્રંથ ‘ચંડરોષણ મહાતંત્ર’માં આ બૌદ્ધ સહજિયાના સિદ્ધાંતોનું નિરૂપણ કરવામાં આવ્યું છે.

આધુનિક વૈષ્ણવ સહજિયા સંપ્રદાયના સિદ્ધાંતો બૌદ્ધ સહજિયાના સિદ્ધાંતો સાથે સામ્ય ધરાવે છે. બંનેમાં માધુર્યના ભાવનો આદર્શ સ્વીકારાયો છે. બંને વૈદિક યજ્ઞયાગાદિનો નિષેધ કરે છે. બૌદ્ધ સહજિયા ઈશ્વરના અસ્તિત્વનો સ્વીકાર કરતા નથી. વૈષ્ણવ સહજિયાઓને મન માનવ કરતાં કોઈ મહાન નથી. ઈશ્વરી તત્ત્વનો ભાવ પણ એમના સંપ્રદાયમાં પાર્શ્ર્વભૂમાં રહી જાય છે. ગુરુના ઉપદેશનું મહત્ત્વ બંને સંપ્રદાયોમાં છે. છતાં બૌદ્ધ સહજિયા સંપ્રદાયના સિદ્ધાંતો તાત્ત્વિક ભૂમિકા પર સમજાવવામાં આવ્યા છે, જ્યારે વૈષ્ણવ સહજિયા સંપ્રદાયના સિદ્ધાંતો પ્રેમ અને માધુર્યને કેન્દ્રમાં રાખી સમજાવવામાં આવ્યા છે.

સહજિયા સંપ્રદાયનું સાહિત્ય એના અનુયાયીઓના અંગત સંગ્રહમાં હસ્તપ્રતો સ્વરૂપે સચવાયું છે. કૃષ્ણદાસ કવિરાજના ‘ચૈતન્ય-ચરિતામૃત’માં વર્ણવેલ સિદ્ધાંતો સહજિયા સંપ્રદાયના સિદ્ધાંતોને મળતા આવે છે. રસિકદાસના ‘રતિવિલાસપદ્ધતિ’ અને ‘રસતત્ત્વસાર’ ગ્રંથ (ઈ. સ. 17મી સદીનો આરંભ), અકિંચનદાસનો ‘વિવર્ત-વિલાસ’ ગ્રંથ (ઈ. સ. 17મી સદીનો મધ્ય ભાગ), રાધાવલ્લભદાસનો ‘સહજતત્ત્વ’ ગ્રંથ (ઈ. સ. 17મી સદી), કૃષ્ણદાસનો ‘સ્વરૂપવર્ણન’ ગ્રંથ (17મી સદી), સ્વરૂપ ગોસ્વામીના ‘સાધન-ભક્ત કડચા’ અને ‘ધાતુતત્ત્વ’ ગ્રંથો (ઈ. સ. 18મી સદીનો મધ્ય ભાગ) વગેરે સહજિયા સંપ્રદાયના પ્રસિદ્ધ ગ્રંથો છે.

ભારતી શેલત