સર્વધર્મસમભાવ
January, 2007
સર્વધર્મસમભાવ : વિવિધ ધર્મોને સમાન ગણી તેમાંનાં શ્રેષ્ઠ તત્ત્વોના સમન્વયથી ઉદ્ભવતી વિભાવના, જેની રાજકીય અભિવ્યક્તિ બિનસાંપ્રદાયિકતાના રૂપમાં ભારતીય બંધારણે માન્ય રાખી છે. ગાંધીજીના એકાદશ વ્રતોમાંનું એક વ્રત, સમન્વય : ભારતીય સંસ્કૃતિનું સર્વોચ્ચ ધ્યેય.
આર્યોએ ભારતવર્ષમાં આવી સંસ્કૃતિનું નિર્માણ કર્યું, ત્યારે આ દેશમાં કેટલીક જાતિઓ રહેતી હતી. આર્યોના આગમન બાદ નિગ્રોથી માંડીને હૂણ સુધીની બીજી અનેક જાતિઓ પોતપોતાની સંસ્કૃતિઓ, ધર્મો, ભાષાઓ, રહેણીકરણી અને આચારવિચાર સાથે આવી. પરંતુ ભારતીય સંસ્કૃતિની સમન્વયપરંપરાને કારણે એ બધી જાતિઓ એના વિશાળ ઉદરમાં એવી રીતે સમાઈ ગઈ કે એમનું કોઈ આગવું અસ્તિત્વ ન રહ્યું. એનો અર્થ એવો નથી કે એમાં સંઘર્ષો થયા જ નથી. પ્રારંભમાં સંઘર્ષો અવદૃશ્ય થયા. પણ સહઅસ્તિત્વ અને સહવાસને કારણે પરસ્પર સમભાવ વિકસતો ગયો અને અંતે એ સંઘર્ષો સમન્વયમાં પરિણમ્યા, અનુદારતાઓ ઉદારતામાં પરિણમી, વિવિધતામાંથી એક સાંસ્કૃતિક એકતા પાંગરતી રહી અને સહુને સમાવી લેતી, આત્મસાત્ કરતી રહેતી સમન્વયની એક પ્રક્રિયા છેક વેદકાળથી વિવેકાનંદ સુધી અખંડ ચાલતી રહી. સમન્વય એ ભારતીય સંસ્કૃતિનું ધ્યેય (મિશન) છે, વિશ્વને તેની વિશિષ્ટ દેણ છે. સર્વધર્મસમભાવ સમન્વયનો જ પરિપાક છે.
મહાત્મા ગાંધીજી આ મહાન સંસ્કૃતિના સંતાન હતા એનું એમને ભારે ગૌરવ હતું. એ વારસાને લાયક બનવું એટલું જ નહિ, એમાં અભિવૃદ્ધિ કરવી એને એ પોતાનું કર્તવ્ય માનતા હતા. એમના જમાનામાં પાશ્ચાત્ય સંસ્કૃતિ અને ઇસ્લામી સંસ્કૃતિ પડકાર રૂપે એમની સામે ઊભી હતી. એમની સાથે મેળ પાડવો કે આભડછેટ રાખવી, એ બેમાંથી એક વિકલ્પ એમને પસંદ કરવાનો હતો. ભારતીય સંસ્કૃતિના વફાદાર ફરજંદ તરીકે પરાયી સંસ્કૃતિઓ સાથે આભડછેટ રાખવાનું તો એમને માટે શક્ય જ નહોતું. એટલે એમને માટે એક જ વિકલ્પ હતો : સમન્વય. સમન્વયનું આ કામ સર્વધર્મસમભાવના મંત્ર દ્વારા પોતાની અનોખી ઢબે કરીને વિવેકાનંદના સમન્વયના તંતુને એમણે આગળ વધાર્યો, સર્વધર્મસમભાવ એ સમન્વયનો જ પરિપાક છે.
સર્વધર્મસમભાવનો પહેલો પ્રયોગ : સર્વધર્મસમભાવનો પહેલો પ્રયોગ ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાના એમના બે આશ્રમો ફિનિક્સ આશ્રમ અને ટૉલ્સ્ટૉય આશ્રમમાં કર્યો. સાંજની સર્વધર્મપ્રાર્થના એ આશ્રમી જીવનનું એક અનિવાર્ય અંગ હતું. દૈવયોગે બંને આશ્રમોમાં હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી વગેરે વિવિધ ધર્મના અનુયાયીઓનો સમુદાય એકઠો થયો હતો. ત્યાં ઇમામસાહેબ અને શેઠ અબદુલ્લા જેવા ચુસ્ત મુસલમાન અને રુસ્તમજી શેઠ જેવા પારસી હતા; આલ્બર્ટ વેસ્ટ, જોસેફ રોયપન ને કેલનબેક જેવા ખ્રિસ્તી અને પોલાક જેવા યહૂદી પણ હતા. હિંદુઓની સંખ્યા તો સવિશેષ હતી જ. રોજ સાંજે પ્રાર્થનામાં ગીતા, બાઇબલ, કુરાન, અવેસ્તા એમ જુદા જુદા ધર્મના ધર્મગ્રંથોનું પારાયણ થતું. ભિન્ન ભિન્ન ધર્મનાં અને જુદી જુદી ભાષાનાં ભજનો પણ ગવાતાં. ‘વૈષ્ણવજન તો તેને કહીએ’, ‘અપૂર્વ અવસર એવો ક્યારે આવશે.’ ‘હૈ બહારે બાગ દુનિયા ચંદ રોજ’ જેવાં ગુજરાતી હિંદી ભજનો ઉપરાંત ‘Take my life and let it be’; ‘Lead kindly light’; ‘When I survey the wondrous cross’ જેવાં ખ્રિસ્તી ભજનો ખૂબ ભાવપૂર્વક ગવાતાં. પ્રાર્થના દરમિયાન થોડા સમયને માટે સૌ ધર્મ, વર્ણ કે જાતિના ભેદ ભૂલી કોઈ જુદી જ દુનિયામાં પહોંચી જતાં. એ સમયનાં સંસ્મરણો નોંધાતાં શ્રીમતી પોલાક લખે છે : ‘‘પ્રાર્થના એ પૂર્વ-પશ્ચિમના મિલનરૂપ હતી. પ્રાર્થના આશ્રમવાસીઓના મનમાં એકબીજાની નજીક આવ્યાનો ભાવ પેદા કરતી ને દિવસ ખૂબ શાંતિથી પસાર થતો.’’
સર્વધર્મપ્રાર્થનાનાં સુફળ : સર્વધર્મપ્રાર્થનાના આ પ્રયોગે જુદા જુદા ધર્મના અનુયાયીઓને નિકટ લાવવાનું તથા તેમનામાં ભાવાત્મક એકતા પેદા કરવાનું ઉમદા કાર્ય કર્યું; એટલું જ નહિ પણ એ સૌએ ધર્મ ને કોમના ભેદ ભૂલી ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહમાં સક્રિય સાથ આપ્યો. સરકારે અનેકો પર અમાનુષી અત્યાચાર ગુજાર્યા. લાઠીઓ ને બંદૂકોના કુંદાથી ઢોર માર માર્યો. કેટલાકને ભાલા ને ગોળીઓથી વીંધ્યા, જેલોમાં પૂર્યા. પરંતુ આ બધાં કષ્ટો એમણે ગાંધીજીના આદેશ અનુસાર સંપૂર્ણ તથા અહિંસક રીતે સહન કર્યાં અને ગાંધીજીના રંગદ્વેષના અન્યાય સામેના અહિંસક પ્રતિકારના પહેલા પ્રયોગને સફળતા અપાવવામાં નોંધપાત્ર યોગદાન કર્યું.
સર્વધર્મસમભાવ એક વ્રત તરીકે : ઈ. સ. 1914ના અંતમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારતમાં આવ્યા અને 1915ના મેની 25મી તારીખે અમદાવાદમાં એમણે સત્યાગ્રહાશ્રમની શરૂઆત કરી. ભારતમાં આવીને પ્રત્યક્ષપણે એમણે જોયું કે ભારતની બે મહાન કોમો હિંદુ અને મુસલમાન વચ્ચે વૈમનસ્ય ચાલતું હતું અને અંગ્રેજ સરકારે એમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું હતું. આ બંને કોમોમાં ભાઈચારાની ભાવના પેદા થાય અને તે એકબીજાની નિકટ આવે એ દેશની એકતા માટે અનિવાર્ય હતું. વળી, જગતના મહાન ધર્મોનું અધ્યયન કરતાં ગાંધીજીને જણાયું હતું કે ભૂતકાળમાં ધર્મને નામે બે ધર્મો વચ્ચે લોહિયાળ સંઘર્ષો થયા છે. એટલું જ નહિ, એક જ ધર્મના બે પંથો રોમન કૅથલિક ને પ્રોટેસ્ટંટ, શિયા અને સુન્ની, શૈવો ને વૈષ્ણવો – પણ અંદરો-અંદર ઝઘડતા રહ્યા છે. ભારત એ જગતના તમામ ધર્મો ને સંપ્રદાયોનું આશ્રયસ્થાન રહ્યું છે. અહીં તમામ ધર્મ-સંપ્રદાયના અનુયાયીઓ સદીઓથી સાથે વસી રહ્યા છે. તેઓ જો આપસમાં ધર્મને નામે લડતા રહે તો દેશમાં કદાપિ શાંતિ રહે નહિ અને એ પરિસ્થિતિમાં સાચા સ્વરાજનું નિર્માણ થઈ શકે નહિ. એ તો ત્યારે જ શક્ય બને જ્યારે તમામ ધર્મોના અનુયાયીઓ પોતપોતાના ધર્મનું નિષ્ઠાપૂર્વક પાલન કરતા રહી અન્ય ધર્મો પ્રત્યે પોતાના ધર્મ જેવો જ ભાવ ને પ્રેમ રાખે. આ માટે સર્વધર્મસમભાવ વ્રતની એમને અનિવાર્ય આવદૃશ્યકતા જણાઈ અને આશ્રમવાસીઓ માટેનાં એકાદશ વ્રતોમાં એને એક વ્રત તરીકે સ્થાન આપ્યું.
ભારતમાં સર્વધર્મસમભાવના પ્રયોગો : દક્ષિણ આફ્રિકાની જેમ ભારતમાં પણ ગાંધીજીએ સત્યાગ્રહાશ્રમ, સાબરમતી અને સેવાગ્રામ આશ્રમમાં સર્વધર્મપ્રાર્થના દ્વારા સર્વધર્મસમભાવના પ્રયોગો કર્યા. ગાંધીજીની સૂચનાથી આશ્રમના સંગીતશાસ્ત્રી પંડિત નારાયણ મોરેશ્વર ખરેએ ભિન્ન ભિન્ન ધર્મો ને સંપ્રદાયોનાં જુદી જુદી ભાષાઓમાં લખાયેલાં ભજનો ને પ્રાર્થનાઓનો એક સંગ્રહ ‘આશ્રમ ભજનાવલિ’ તૈયાર કર્યો હતો. આ પ્રાર્થનાઓ તથા ભજનો તેઓ સવાર-સાંજની આશ્રમની સામુદાયિક પ્રાર્થનામાં ભાવવિભોર બનીને ગાતા અને આશ્રમવાસીઓને ભક્તિરસમાં તરબોળ કરી મૂકતા. એટલે સુધી કે પોતાની જાતને નાસ્તિક તરીકે ઓળખાવનાર પંડિત જવાહરલાલ નહેરુને પણ આશ્રમની પ્રાર્થનાનું આકર્ષણ રહેતું અને એમાં એમને શાંતિનો અનુભવ થતો. આશ્રમની મુલાકાતે આવનાર ભિન્ન ભિન્ન ધર્મના લોકો પણ પ્રાર્થનામાં જોડાતા. સર્વ ધર્મો પ્રત્યેનો આશ્રમવાસીઓનો આદર તથા એમની વચ્ચેનો બંધુભાવ એમને સ્પર્શી જતો. આનું કારણ ગાંધીજીનું પોતાનું સર્વધર્મસમભાવી વ્યક્તિત્વ હતું. એ પ્રભાવ એ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં પ્રસરતો. ગાંધીજીના અંગ્રેજ અનુરાગી હોરેસ ઍલેક્ઝાંડરે ગાંધીજીના આશ્રમજીવનના અનુભવો ટાંકતાં લખ્યું છે : ‘સાબરમતી અથવા સેવાગ્રામના આશ્રમોમાં રહેનાર કોઈ પણ વ્યક્તિ મનુષ્યના ધર્મ કે જાતિનો વિચાર કરતી નહોતી.’ બધાં ભગવાનનાં સંતાન છે અને તેથી એ બધાં ભાઈ-બહેન છે એમ તે માનતાં. હું મારા પોતાના વિશે તો એમ કહી શકું છું કે ભિન્ન ભિન્ન ધર્મના લોકોની સાથે સામુદાયિક પ્રાર્થના કરવાથી સત્સંગની જે પ્રાપ્તિ થાય છે એથી અધિક ઉચ્ચ અનુભવ બીજો હોઈ શકે નહિ.’’
આમ, આશ્રમી જીવનમાં સર્વધર્મસમભાવના પ્રયોગથી આશ્રમવાસીઓમાં કોમવાદ કે સાંપ્રદાયિક સંકુચિતતાને મહદંશે જાકારો મળ્યો. જુદી જુદી કોમો ને ધર્મોના આશ્રમવાસીઓને સહજીવનથી એટલી તો પ્રતીતિ થઈ કે પોતપોતાના ધર્મને ચુસ્તપણે વળગી રહીને પણ કુટુંબભાવથી સાથે રહી શકાય છે અને સાથે મળીને દેશસેવાનાં કાર્યો કરી શકાય છે.
પરંતુ ગાંધીજીનો સર્વધર્મસમભાવનો આ પ્રયોગ આશ્રમ પૂરતો સીમિત રહે એવી એમની કલ્પના નહોતી. એમની આકાંક્ષા તો એ પ્રયોગ સારાયે રાષ્ટ્રમાં ને વિશ્વભરમાં વિસ્તરે એવી હતી, અને એ માટે તેઓ જીવનના અંત સુધી પ્રયત્નશીલ રહ્યા. આશ્રમની બહાર જ્યાં જ્યાં ગાંધીજીને જવાનું થતું ત્યાં ત્યાં સામુદાયિક સર્વધર્મપ્રાર્થના યોજાતી અને એમાં હજારો લોકો ભાગ લેતા. આ પ્રાર્થનામાં તેઓ સર્વધર્મસમભાવનો આચરણ દ્વારા પ્રચાર કરતા. કોઈ રાજકીય કે સામાજિક કારણસર તેમને ઉપવાસ કરવા પડતા ત્યારે ઉપવાસના આરંભે ને અંતે સર્વધર્મપ્રાર્થના થતી. એમાં તમામ ધર્મ-સંપ્રદાયના ધર્માચાર્યો ને અનુયાયીઓ ભાગ લેતા. કોઈ કાર્યક્રમને નિમિત્તે કોઈ પણ ધર્મના અનુયાયીઓનું એમને નિમંત્રણ મળતું તો તેનો તે સ્વીકાર કરતા અને ત્યાં જઈને સર્વધર્મસમભાવનો સંદેશ આપવાનું ચૂકતા નહિ.
સર્વધર્મસમભાવમાં એમણે ભારતીય સંસ્કૃતિની સર્વધર્મ સમન્વયકારી ને સર્વસમાવેશક ઉદાર પરંપરાનું તથા ‘वसुधैव कुटुम्बकम्’ની એની સુવિશાળ ભાવનાનું પ્રતિબિંબ પાડ્યું છે. આ સર્વધર્મસમભાવમાંથી જ કાકાસાહેબે સર્વધર્મમમભાવ ઘટાવ્યો છે. ગાંધીજીએ ભારતને, એમાં સદીઓથી સાથે સાથે વસતા તમામ ધર્મ ને કોમના લોકોના સહિયારા દેશ તરીકે ઓળખાવ્યો છે. એ રીતે એમાં રહેવાનો જેટલો અધિકાર હિંદુઓનો છે તેટલો જ મુસ્લિમ, ખ્રિસ્તી, યહૂદી, પારસી, શીખ, જૈન, બૌદ્ધ વગેરેનો હોવાનું પણ જણાવ્યું છે.
ગાંધીજીનું બલિદાન એળે નથી ગયું. ગાંધીજી સર્વધર્મસમભાવના સિદ્ધાંત માટે જીવ્યા. તેને ઉત્તમ અને સર્વોચ્ચ સિદ્ધાંત તરીકે સ્વીકારીને ભારતના બંધારણના ઘડવૈયાઓએ ભારતને બિન-સાંપ્રદાયિક (સેક્યુલર) રાજ્ય જાહેર કર્યું. અને ભારતના કોઈ પણ નાગરિકને કોઈ પણ જાતના ભેદભાવ વિના પોતાની રીતે યોગ્ય લાગે તે ધર્મ પાળવાનો મૂળભૂત અધિકાર આપ્યો. આ બતાવે છે કે ગાંધીજીનું બલિદાન એળે ગયું નથી. હકીકતમાં ગાંધીજીએ જીવનભર વિવિધ ધર્મોના અનુયાયીઓમાં સર્વધર્મસમભાવ દ્વારા ભાવાત્મક એકતા સ્થાપવા માટે જે પ્રયાસો કરેલા એનું જ આ પરિણામ કહી શકાય. એમના જેવા બીજા અનેક નેતાઓ અને નાગરિકોના પુરુષાર્થોને પ્રતાપે જ નાગરિકો ખેલદિલીથી તેમના અધિકારો ભોગવી શકે છે. દેશના ઊંચામાં ઊંચાં પદો અને હોદ્દાઓ પર ધાર્મિક ભેદભાવ વિના વ્યક્તિ ચૂંટાઈ શકે છે. ભારતની બિન-સાંપ્રદાયિકતાની નીતિનો અથવા તો ગાંધીજીના સર્વધર્મસમભાવનો આ જ્વલંત વિજય કહી શકાય.
મગનભાઈ જો. પટેલ