સર્વન્ટ્સ ઑવ્ ઇન્ડિયા સોસાયટી : દેશને માટે જીવન સમર્પણ કરે એવા માણસોને તાલીમ આપવાના હેતુથી ગોપાળ કૃષ્ણ ગોખલેએ 12 જૂન, 1905ના રોજ સ્થાપેલી સંસ્થા. તેના હેતુઓ ગોખલે દ્વારા પાછળથી વિકસિત કરવામાં આવ્યા હતા. લોકોમાં ઉદાહરણ દ્વારા અને ઉપદેશ આપીને માતૃભૂમિ માટે ઊંડી અને ઉત્કટ ભક્તિ પેદા કરવી, જેથી તેને માટે શ્રેષ્ઠ બલિદાન આપવાની અને સેવા કરવાની લાગણી ઉદ્ભવે. રાજકીય શિક્ષણ આપવું અને દેશનું જાહેર જીવન મજબૂત કરવું. વિવિધ કોમો વચ્ચે સંબંધો સુધારી લોકોમાં સહકાર અને શુભેચ્છાની ભાવના પેદા કરવી. કન્યાકેળવણી તથા દલિતોના શિક્ષણને તેમજ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શિક્ષણને ઉત્તેજન આપવું. દેશના ઔદ્યોગિક વિકાસ અને દલિત વર્ગોના ઉત્કર્ષને પ્રોત્સાહન આપવું.

શરૂઆતમાં આ સંસ્થા ઉપર સમગ્ર અંકુશ ગોખલેનો હતો. પાછળથી બંધારણમાં સુધારો કરીને પ્રમુખ અને સેક્રેટરી સહિત ત્રણ જણની સમિતિ સોસાયટીમાં નવા સભ્યોને પ્રવેશ આપતી. ઈ. સ. 1915માં દક્ષિણ આફ્રિકાથી પાછા ફર્યા બાદ આ સંસ્થામાં સભ્ય તરીકે પ્રવેશ મેળવવામાં ગાંધીજી સફળ થઈ શક્યા ન હતા. તેના સભ્યોએ પાંચ વર્ષની તાલીમ લેવી પડતી હતી. તેઓને ખાનગી કમાણી કરવા પર પ્રતિબંધ હતો અને સાદું જીવન જીવવાનું હતું. બીજી કોઈ આવક થાય તો તે સોસાયટીના સામાન્ય ફાળામાં જમા થતી હતી. સોસાયટીનું પ્રાથમિક કાર્ય રાજકારણ સાથેનું હતું, છતાં કોઈ રાજકીય પક્ષનો તેના ઉપર પ્રભાવ ન હતો. તેમાં સામાજિક, આર્થિક અને શૈક્ષણિક ઉપરાંત મજૂરો અને દલિતોના વિકાસ તથા કલ્યાણ ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો હતો. આ સોસાયટી આદિવાસીઓના કલ્યાણની પ્રવૃત્તિઓ પણ કરે છે.

તેનું મુખ્ય મથક પુણેમાં છે. મુંબઈ, ચેન્નાઈ, અલ્લાહાબાદ, દિલ્હી, નાગપુર વગેરે ઠેકાણે તેની શાખાઓ કામ કરે છે.

જયકુમાર ર. શુક્લ