સર્વજનસંકલ્પ (General will) : એક એવી વિભાવના, જે પ્રત્યેક વ્યક્તિની સદ્ભાવભરેલી સાચી ઇચ્છાઓનો સમૂહ હોય. ફ્રેન્ચ રાજકીય ચિંતક જ્યાં જેક્સ રૂસો(1712-1778)એ રજૂ કરેલ ‘’સર્વજનસંકલ્પ’નો ખ્યાલ રાજકીય ચિંતનમાં તેનું મૌલિક, મહત્ત્વનું અને વિશિષ્ટ પ્રદાન ગણાય છે.

સામાજિક કરારના સિદ્ધાંતકારો હૉબ્સ, લૉક અને રૂસોએ કુદરતી અવસ્થામાં રહેતી વ્યક્તિઓ વચ્ચે થયેલ સામાજિક કરાર ઉપર રાજ્યનો અથવા સાર્વભૌમ સત્તાનો આધાર રહેલો છે એમ સ્થાપિત કરવાનો પ્રયાસ કર્યો છે.

રૂસોએ એવો વિચાર રજૂ કર્યો છે કે કુદરતી અવસ્થામાં રહેતી બધી વ્યક્તિઓએ અરસપરસ કરાર અથવા સમજૂતી કરીને એક ‘સમગ્ર’ અથવા ‘સમુદાય’(‘કમ્યુનિટી’)ની રચના કરી છે, અને દરેકેદરેક વ્યક્તિએ પોતાની જાત અને પોતાના બધા કુદરતી અધિકારોનું રક્ષણ કરવાનું કાર્ય એ ‘સમુદાય’ને સુપરત કર્યું છે. બીજા શબ્દોમાં બધી વ્યક્તિઓએ પોતાની વૈયક્તિક ઇચ્છા અથવા સંકલ્પ(‘વિલ’)ને સહિયારા સંકલ્પ-સર્વજન-સંકલ્પમાં ભેળવી દીધેલ છે. આમ, રૂસોની દૃષ્ટિએ ‘સમુદાય’માં પ્રસ્થાપિત સર્વજનસંકલ્પ એ જ સાર્વભૌમ છે.

સર્વજનસંકલ્પ એ બધી વ્યક્તિઓની ઇચ્છાઓનો સરવાળો માત્ર નથી, પણ તે એ બધાંથી ‘વિશેષ’ છે. એ સૌનું હિત અથવા ભલું સિદ્ધ કરવા તાકે છે અને તેથી બધી વ્યક્તિઓની વૈયક્તિક ઇચ્છાઓથી નૈતિક રીતે ચઢિયાતો છે. પોતાની વૈયક્તિક-સ્વકીય ઇચ્છાને તાબે થવામાં વ્યક્તિનું ભલું નથી. સૌની ભલાઈના સાચા અધિષ્ઠાતા સર્વજનસંકલ્પને તાબે થવામાં જ વ્યક્તિનું સાચું ભલું અથવા કલ્યાણ રહેલું છે.

વૈયક્તિક ઇચ્છાઓ સારી કે ખરાબ હોઈ શકે પણ સર્વજનસંકલ્પ તો હંમેશાં સારો અને શુદ્ધ જ હોય, કારણ કે સૌનું ભલું એના કેન્દ્રમાં છે.

સર્વજનસંકલ્પના નિર્માણમાં સૌનું યોગદાન હોવાથી તે શુભ હોય છે. એના આદેશને તાબે થવાનો કોઈ વ્યક્તિ ઇનકાર કરી શકે નહિ. એ જ્યારે સર્વજનસંકલ્પના આદેશને તાબે થાય છે ત્યારે ખરેખર તો તેનામાં રહેલી સદ્ઇચ્છાને જ તાબે થાય છે. જો કોઈ અણસમજુ વ્યક્તિ એને તાબે થવાનો ઇનકાર કરે તો સર્વજનસંકલ્પ તેને તાબે થવાની ફરજ પાડી શકે કારણ કે એ સંકલ્પ વ્યક્તિના પોતાના હિત અથવા ભલામાં છે. પોતાની સંકુચિત, સ્વાર્થી વાસનાઓમાં રાચતી વ્યક્તિઓને દબાણ કરીને પણ તેની સંકુચિત ઇચ્છાથી મુક્ત થવાની ફરજ સર્વજનસંકલ્પ પાડી શકે. (forced to be free).

સર્વજનસંકલ્પ હંમેશાં સાચો અને ન્યાયી જ હોય. કોઈ વ્યક્તિને એ અન્યાયી અથવા ખોટો લાગે તો તે તેની અણસમજને કારણે. એ કદાપિ અન્યાયી અને ખોટો હોઈ શકે જ નહિ. માટે તેને તાબે થવામાં જ સાચી સ્વતંત્રતા છે, તેમાં જ સૌનું શ્રેય રહેલું છે. વ્યક્તિની ફાવે તેમ વર્તવાની ઉપરછલ્લી સ્વતંત્રતા અને સર્વજનસંકલ્પમાં વ્યક્ત થતી ‘સાચી’ સ્વતંત્રતા વચ્ચે રૂસો આમ ભેદ પાડે છે.

બહુમતીની ઇચ્છા અથવા બધા નાગરિકોની ઇચ્છા અને ‘સર્વજનસંકલ્પ’ એકરૂપ નથી. શક્ય છે કે બહુમતી અથવા બધા નાગરિકો જે વિચારતા હોય એ સાચું ન પણ હોય અથવા બધાંના હિતમાં ન પણ હોય. સૌનું શ્રેય તાકતો સર્વજનસંકલ્પ ક્યારેક કોઈ એકાદ વ્યક્તિ દ્વારા પણ વ્યક્ત થતો હોય. ચેપી રોગ ફેલાતો અટકાવવા ફરજિયાત રસી લેવાનો ડૉક્ટર અથવા સત્તાવાળાઓનો આદેશ સર્વજનસંકલ્પને વ્યક્ત કરે છે, કારણ કે એમાં સૌનું ભલું છે.

રૂસોની દૃષ્ટિએ સર્વજનસંકલ્પ અદેય અને અવિભાજ્ય છે. સંસદીય કે પ્રાતિનિધિક સંસ્થાઓ દ્વારા તે વ્યક્ત થઈ શકે નહિ. સાર્વભૌમત્વ સર્વજનસંકલ્પમાં પ્રસ્થાપિત થયેલું છે. તે ન તો લોકોના પ્રતિનિધિઓ દ્વારા ઘડી શકાય કે ન તો તેમના દ્વારા વ્યક્ત કરી શકાય. અને સૌથી મહત્ત્વનું તો એ કોઈને સોંપી (‘ડેલિગેટ’) શકાય નહિ. રૂસો પ્રતિનિધિઓ વગરની પ્રત્યક્ષ લોકશાહીનો હિમાયતી છે. નાના સમૂહોમાં આવી પ્રત્યક્ષ લોકશાહી શક્ય બને પણ આધુનિક મોટાં રાજ્યોમાં એવા પ્રકારની પ્રત્યક્ષ લોકશાહી, જેમાં બધા લોકો સમાન ધોરણે નિર્ણયપ્રક્રિયામાં ભાગ લેતા હોય એ શક્ય નથી, તેમજ વ્યવહારુ પણ નથી.

સાર્વભૌમ લોકો અને સરકાર વચ્ચે તેમ રાજ્ય અને સરકાર વચ્ચે પણ રૂસોએ સ્પષ્ટ ભેદ પાડ્યો છે. સાર્વભૌમ લોકોનું સામૂહિક રૂપ તે રાજ્ય, જે સર્વજનસંકલ્પને અભિવ્યક્ત કરે છે, જ્યારે સરકાર સર્વજનસંકલ્પને ચરિતાર્થ કરવા સમુદાયે નિશ્ચિત સમય માટે પસંદ કરેલી વ્યક્તિઓનો સમૂહ છે.

કેટલાક વિવેચકોએ સર્વજનસંકલ્પના ખ્યાલને અત્યંત સંકુલ, અસ્પષ્ટ અને સમજવો અત્યંત મુશ્કેલ કહીને તેની ટીકા કરી છે. વ્યવહારમાં સર્વજનસંકલ્પ કેવી રીતે ચરિતાર્થ થાય એ વિશે રૂસો ખુદ અસ્પષ્ટ છે. સર્વજનસંકલ્પને નામે કોઈ આપખુદ કે સરમુખત્યાર બધા લોકો ઉપર પોતાની સત્તા ઠોકી બેસાડે, તો એની સામે લોકો પાસે કોઈ બંધારણીય ઉપાય નથી; કારણ કે એ જે કંઈ કરે છે, તે સૌના ભલા માટે જ કરે છે, એવું જ લોકોએ માનવાનું.

આમ, સર્વજનસંકલ્પનો આ ખ્યાલ રાજકીય ચિંતનના ક્ષેત્રે રૂસોનું અનન્ય પ્રદાન છે.

દિનેશ શુક્લ