સર્ચ કૉનેલિયા (. 23 ઑક્ટોબર 1966, જેના, જર્મની) : તરણનાં જર્મનીનાં મહિલા ખેલાડી. 1982માં પ્રથમ વિશ્વવિજયપદકનાં વિજેતા બન્યાં ત્યારે તેઓ કેવળ 15 વર્ષનાં હતાં. 200 મીટર બૅકસ્ટ્રોકની સ્પર્ધામાં તેઓ તેમની પછીના સ્પર્ધકથી 5 સેકન્ડ આગળ નીકળી ગયાં હતાં. તેમનો એ વિશ્વવિક્રમ 2 : 09.91નો હતો. ફરીથી તેઓ આ સમય પાર કરી શક્યાં નહિ, પણ 1986માં તેઓ પોતાનું વિજયપદક જાળવી રાખી શક્યાં. 1983 અને 1985માં એ જ સ્પર્ધામાં તેઓ યુરોપિયન ચૅમ્પિયન બન્યાં. યુરોપિયન સ્પર્ધા ખાતે તેઓ 4 x 200 મિ. ફ્રી સ્ટાઇલમાં સુવર્ણચન્દ્રક તથા 100 મિ. બૅકસ્ટ્રૉકમાં રૌપ્ય ચંદ્રક (બંને 1983), 400 મિ. મિડલેમાં રજતચન્દ્રક (1985) અને 200 મિ. મિડલેમાં સુવર્ણચન્દ્રક(1987)નાં વિજેતા બન્યાં. 1986ની વિશ્વસ્પર્ધામાં તેઓ 400 મિ. મિડલેમાં ચોથા સ્થાને રહ્યાં. 100 મિ.માં રૌપ્ય ચંદ્રક તથા 200 મિ.માં કાંસ્ય ચન્દ્રક જીતીને 1988ના ઑલિમ્પિક રમતોત્સવથી તેમણે પોતાની કારકિર્દી સમાપ્ત કરી.

મહેશ ચોકસી