સર્ગેસમ : સમુદ્રમાં વસવાટ ધરાવતી એક પ્રકારની બદામી હરિત લીલ. તેને ફિયોફાઇટા વિભાગમાં મૂકવામાં આવે છે. આ લીલના કોષોના હરિતકણોમાં ક્લૉરોફિલ-a, b-કૅરોટિન, વાયોલોઝેન્થિન, ફ્લેવોઝેન્થિન, લ્યૂટિન અને ફ્યુકોઝેન્થિન (C40H54O6) નામનાં રંજકદ્રવ્યો હોય છે. ફ્યુકોઝેન્થિનને કારણે તેનો સુકાય બદામી રંગનો લાગે છે. ખોરાક-સંગ્રહ મેનિટોલ અને લેમિનેરિન સ્વરૂપે થાય છે.

સર્ગેસમની 150 જેટલી જાતિઓ થાય છે. ભારતમાં Sargassum tennerium અને S. cinerium વિપુલ પ્રમાણમાં મળી આવતી જાતિઓ છે. તે ગુજરાતમાં કચ્છ, ઓખા, પોરબંદર, માંગરોળ, જામનગર, બેડીબંદર, બેટદ્વારકાના દરિયામાં વધુ પ્રમાણમાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં તે ઓછા પ્રમાણમાં થાય છે. દરિયો જ્યાં સહેજ-સાજ ખડકાળ હોય ત્યાં તેનો વિકાસ સહેલાઈથી થાય છે. યુરોપ, વેસ્ટ ઇંડિઝ, ભૂમધ્ય સમુદ્ર, ઉત્તર ઍટલૅન્ટિક અને આફ્રિકાના 20°-35° અક્ષાંશ વચ્ચેના સમુદ્રકાંઠા ઉપર S. linifolium અને S. natansની પ્રાપ્તિ નોંધાઈ છે.

સર્ગેસમ : (અ) પર્ણાભ શાખાઓ, વાતાશયો અને ગ્રાહ્યક સહિતની શાખાઓ; (આ) મુખ્ય અક્ષનો નાનો ભાગ જેના ઉપર શાખાઓ, વાતાશયો, પર્ણાભ શાખાઓ અને ગ્રાહ્યક જોવા મળે છે; (ઇ) સુકાયનો છેદ; (ઈ) વંધ્ય નિધાની(cryptoblast)નો છેદ; (ઉ) માદા નિધાનીનો છેદ

સુકાય : અખાતી અપતૃણ (gulf weed) તરીકે જાણીતા સર્ગેસમ-નો સુકાય બહુકોષી, નિશ્ચિત આકારનો, કદમાં મોટો, સ્થાપિત ટટ્ટાર અથવા પાણીની સપાટી ઉપર તરતો જોવા મળે છે. S. vulgare અને S. filipendulaનો સુકાય દૃઢગ્રહ(holdfast)થી ખડકને ચોંટેલો રહે છે; જ્યારે S. natans અને S. baciferumના સુકાય પાણીની સપાટી ઉપર સમૂહમાં વિકાસ પામી મુક્ત રીતે તરતા રહે છે. સારગોસા સમુદ્રમાંથી આ લીલ વિપુલ પ્રમાણમાં નૈસર્ગિક રીતે મળતી હોવાથી તેનું નામ સર્ગેસમ રખાયું છે. સર્ગેસમનો બીજાણુજનક બહુકોષી મધ્યઅક્ષ ધરાવે છે. તેની લંબાઈ S. filipendulaમાં ક્યારેક 30 સેમી.થી વધુ હોય છે. મુખ્ય અક્ષમાંથી પાર્શ્ર્વીય પ્રાથમિક શાખાઓ  પર્ણવિન્યાસના ઢબે ગોઠવાયેલી હોય છે. ક્યારેક તેનો વિકાસ અપરિમિત હોવાથી તેનો લાંબો પ્રરોહ બને છે; જેમાંથી દ્વિતીય પાર્શ્ર્વીય શાખા કે જેનો વિકાસ પરિમિત હોવાથી-દ્વિતીય પાર્શ્ર્વીય-પરિમિત શાખા તરીકે ઓળખવામાં આવે છે તેના તલસ્થ ભાગે પર્ણાભ ચપટી રચના વિકસતી જોવા મળે છે. તે પણ શાખાસ્વરૂપી હોય છે. તેના કક્ષમાંથી વાયુ સંગ્રહ કરતી ગોળાકાર રચના વિકાસ પામે છે જેમાં આવેલી વાતસંગ્રાહક પેશીમાં વાયુ સંગૃહીત થતો હોવાથી વનસ્પતિને તરતી રાખે છે. તેમને વાતાશય (air bladder) કહે છે. કક્ષીય શાખાનો બાકીનો ભાગ નળાકાર અથવા ચપટો હોય છે, જેને ગ્રાહ્યક (receptacle) તરીકે ઓળખવામાં આવે છે. પુખ્તાવસ્થા દરમિયાન તેની અગ્રસ્થ સપાટી પર ચંબુ આકારની નિધાનીઓ (conceptacles) વિકાસ પામે છે.

પ્રજનન : સર્ગેસમ વર્ધી (vegetative) અને લિંગી (sexual) એમ બંને પદ્ધતિથી પ્રજનન કરે છે. સુકાયના આકસ્મિક ટુકડા થતાં તથા વૃદ્ધ ભાગ સુકાઈ જતાં કુમળા સુકાય નવોદિત સર્ગેસમમાં પરિણમે છે. આ પ્રકારનું અપખંડન (fragmentation) વર્ધી પ્રજનનનો એક પ્રકાર ગણાય છે. લિંગી પ્રજનનમાં કેટલીક જાતિ બંને પ્રકારનાં લિંગી અંગો એક જ સુકાય ઉપર ઉત્પન્ન કરતી હોવાથી તેમને સમસુકાયક (homothallic) કે એકગૃહી (monoecious) કહે છે. કેટલીક જાતિઓમાં નર અને માદા લિંગી અંગો જુદા જુદા સુકાય પર થાય છે; તેવી જાતિઓને દ્વિગૃહી (dioecious) કહે છે. જોકે નિધાની હમેશાં એકલિંગી હોય છે; એટલે કે પુંજન્યુધાનીઓ (antheridia) અથવા અંડધાનીઓ (oogonial) ધરાવે છે.

પુંજન્યુધાની ધરાવતા ગ્રાહ્યકની સપાટી લીસી હોય છે, જ્યારે અંડધાની ધરાવતા ગ્રાહ્યકની સપાટી ખરબચડી હોય છે. નિધાનીના કોટરમાં મોટી સંખ્યામાં પુંજન્યુધાનીઓ ઉત્પન્ન થાય છે. પરિપક્વ પુંજન્યુધાની નાની, લંબગોળાકાર રચના છે; જે વંધ્ય સૂત્રો (paraphyses) સાથે મિશ્રિત હોય છે. પ્રત્યેક પુંજન્યુધાની 64 જેટલા દ્વિકશાધારી (biflagellate) ચલપુંજન્યુઓ ઉત્પન્ન કરે છે; જે જમરૂખ આકારના હોય છે અને બે સમાન કશાઓ ધરાવે છે. માદા પ્રજનન-અંગને અંડધાની તરીકે ઓળખવામાં આવે છે. તેઓ નિધાનીના તલસ્થ ભાગે સામૂહિક રીતે વિકાસ પામે છે. તેઓ અદંડી કંઈક અંશે ગોળાકાર અંડધાની ઉત્પન્ન કરે છે; જે દ્વિગુણિત કોષકેન્દ્ર ધરાવે છે. તેના અર્ધસૂત્રી ભાજનથી ઉદભવતા આઠ અંડકોષોમાંથી ફક્ત એક જ સક્રિય રહે છે; જ્યારે બાકીના સાત નિષ્ક્રિય બની નાશ પામે છે. અંડકોષો પરિપક્વ થતાં નિધાનીના છિદ્રમાંથી બહાર આવે છે. પ્રારંભમાં તેઓ જિલેટિનના બનેલા દંડ સાથે જોડાયેલા રહે છે; પરંતુ પછી મુક્ત થાય છે. પુંજન્યુધાનીના ચલ પુંજન્યુઓ પણ મુક્ત થઈ અંડકોષની ફરતે કશા દ્વારા તરતા જોવા મળે છે અને એક ચલ પુંજન્યુ અંડકોષમાં પ્રવેશી ફલનની ક્રિયા કરે છે. આ દરમિયાન ફલિતાંડ નિધાનીની દીવાલ સાથે થોડા સમય માટે ચોંટેલો રહે છે, પરંતુ તેના અંકુરણનો પ્રારંભ થતાં તે દીવાલથી છૂટો પડે છે. આ ફલિતાંડમાંથી સર્ગેસમનો નવો સુકાય ઉત્પન્ન થાય છે.

સર્ગેસમની કેટલીક જાતિઓમાં ફળાઉ-નિધાની ઉપરાંત વંધ્ય ચંબુ જેવી રચના વિકાસ પામે છે, જેને વંધ્યનિધાની (cryptoblast) કહે છે. તેની રચના નિધાનીના જેવી હોય છે; પરંતુ તેમાં પુંજન્યુધાની કે અંડધાની જેવી લિંગી પ્રજનન કરતી રચના વિકાસ પામતી નથી. ક્યારેક આ રચનામાં વંધ્ય પુંજન્યુધાની અને અંડધાનીનો વિકાસ વૈજ્ઞાનિકોએ નોંધ્યો છે; પરંતુ વાસ્તવમાં તે વંધ્ય રચના જ છે.

સર્ગેસમમાંથી આલ્જિનેટ્સ (alginates) અને આલ્જિનિક ઍસિડ (alginic acid) કાઢવામાં આવે છે. ચૌહાણ અને કૃષ્ણમૂર્તિએ S. swartziiમાંથી ઉચ્ચ ગુણવત્તાવાળું આલ્જિન છૂટું પાડ્યું છે.

જૈમિન વિ. જોષી