સર્જકતા (creativity) : સાહિત્ય, કળાઓ કે વૈજ્ઞાનિક કે અન્ય કાર્યોમાં નવાં સ્વરૂપો ઉપજાવવાની અથવા સમસ્યાઓને નવી પદ્ધતિઓ વડે ઉકેલવાની શક્તિ.

સર્જક વ્યક્તિ પરિસ્થિતિની આગવી સમજ મેળવે છે અને તે માટેનો માત્ર નવો જ નહિ પણ નવો અને સુયોગ્ય (બંધબેસતો) ઉકેલ લાવે છે. તે જ્ઞાનેન્દ્રિયો વડે મળતી પ્રત્યક્ષ માહિતીનું પોતાના આગવા વિચારો અને કલ્પનાઓ વડે વિસ્તરણ કરે છે, તેનું રહસ્ય શોધી કાઢે છે અને તેનો વ્યવહારમાં સચોટ ઉપયોગ કરે છે.

ન્યૂટનની પહેલાં ઘણા લોકોએ ઝાડ પરથી ફળ નીચે પડતું જોયું હશે; પણ ન્યૂટનને જ પ્રશ્ન થયો કે એ ફળ ઉપર કે આસપાસ દિશાઓમાં ન ગયું, અને માત્ર નીચે જ કેમ પડ્યું ? તેણે સર્જકની રીતે વિચારીને શોધ્યું કે પૃથ્વીના તળમાં મુક્ત પદાર્થોને પોતાની તરફ ખેંચવાનું બળ હોય છે. એ રીતે ગુરુત્વાકર્ષણ બળની શોધ થઈ.

સર્જક કલાકારો અને વૈજ્ઞાનિકોની જીવનકથાઓમાં જણાય છે કે મોટેભાગે તેમના મનમાં સર્જક વિચારનો ઝબકારો અણધાર્યો અને કંઈક અપ્રસ્તુત લાગે એવા સંજોગોમાં થાય છે. જર્મન કવિ ગેટે, ગણિતમાં નવા સંબંધો શોધનાર ગૉસ, સંગીતની અદ્ભુત સૂરાવલિઓ સર્જનાર મોઝાર્ટ – એ બધાને આવો અનુભવ થયેલો નોંધાયો છે.

સર્જક વિચારણા સામાન્ય રીતે નીચેના તબક્કામાંથી પસાર થાય છે : શરૂઆતના તૈયારીના તબક્કામાં સર્જક વ્યક્તિ પોતાની સામેની વાસ્તવિકતા ઉપર લાંબા સમય સુધી સઘન ચિંતન, મનન અને મંથન કરે છે. ઘણી મથામણ કરવા છતાં એને નવી સૂઝ કે દિશા મળતી નથી. તેથી થાકીને એ પરિસ્થિતિ વિશે વિચારવાનું છોડી દે છે. એને લીધે સર્જક વિચારની શોધમાં મોડું થાય ખરું, પણ વ્યક્તિ ખોટા પ્રયાસોમાંથી બચી જાય છે. આને ગુપ્ત સેવન(incubation)નો બીજો તબક્કો કહે છે.

સર્જનાત્મક વિચારો શોધવા માટે વિચારમંથનનો તબક્કો નકામો તો નથી જ. કારણ કે એ તબક્કામાં વ્યક્તિ પરિસ્થિતિનો અનેક બાજુએથી વિચાર કરે છે અને તેથી પરિસ્થિતિની જટિલતા તેને બરોબર સમજાય છે. એ જટિલતાની સમજને લીધે પાછળના નવા વિચારની સ્ફુરણાના તબક્કામાં તેને આવતા વિચારો વાસ્તવિક બને છે.

ગુપ્ત સેવન દરમિયાન વ્યક્તિ આરામ કરે અથવા કોઈ બીજી પ્રવૃત્તિમાં મન પરોવે છે.

સ્ફુરણા કે પ્રકટીકરણ(illumination)ના ત્રીજા તબક્કે તેને અચાનક જ સર્જક વિચાર કોણ જાણે ક્યાંથી અને કેવા સંજોગોમાં જડે છે !

આર્કિમીડિઝને રાજમુગટની ધાતુની શુદ્ધતા કઈ રીતે નક્કી કરવી તેનો વિચાર બાથટબમાં નહાતી વખતે આવ્યો ! ડાર્વિનને ઉત્ક્રાંતિના વિચારની અને બીથોવનને સંગીતની તરજોની સ્ફુરણા ઘોડાગાડીમાં બેઠાં બેઠાં થઈ ! ગણિતજ્ઞ પોઇનકેરને બસમાં ચડતી વખતે સર્જક વિચાર આવ્યો, તો ભૌતિકશાસ્ત્રી હેલ્મહોટ્ઝને ઝાડીઓ વચ્ચે ચાલતી વખતે સર્જનાત્મક વિચારો આવ્યા ! એ રીતે રમત રમતાં, બાગકામ કરતાં, સંગીત સાંભળતાં કે ઊંઘમાંથી જાગતાં પણ નવીન વિચારો સ્ફુરે છે.

એમ મનાય છે કે ગુપ્ત સેવનના તબક્કા દરમિયાન ભલે સર્જક વ્યક્તિ થોડા સમય માટે પરિસ્થિતિ વિશે સભાનતાથી વિચારવાનું બંધ કરે, તોપણ તેનું અજ્ઞાત મન એના પર માનસિક કાર્ય (મનન) કરવાનું ચાલુ જ રાખે છે. વિચારમંથનના તબક્કામાં તેના નવસર્જનના પ્રયત્નો નિષ્ફળ જાય છે, કેમ કે, એણે ખોટી દિશા પકડી હોય છે. પછી જ્યારે તે ગુપ્ત સેવનની વિશ્રાંત (relaxed) સ્થિતિએ પહોંચે છે ત્યારે નકામા વિચારોની દખલ દૂર થાય છે અને અજ્ઞાત મન નવી દિશાઓમાં શોધ ચાલુ કરે છે. તેથી નવા વિચારો પ્રગટવાની તકો વધી જાય છે. આખરે તે સફળ સર્જનાત્મક વિચારથી સભાન બને છે. ઘણી વાર આવો સર્જક વિચાર ખૂબ સરળ અને જાણીતો લાગે છે. કળ્યો કોયડો કોડીનો !

ચકાસણીના ચોથા તબક્કામાં વ્યક્તિ સ્ફુરેલા નવા વિચારની યોગ્યતા, યથાર્થતા, વાસ્તવિકતા ચકાસે છે; જરૂર લાગે તો એમાં થોડું પરિવર્તન પણ કરે છે. આમ, સર્જનાત્મક વિચારો શૂન્યમાંથી સર્જન કરતા નથી, પણ હાલ જે અસ્તિત્વમાં છે એવી હકીકતો, વિચારો, ક્રિયાઓ અને શક્તિઓને માત્ર પસંદ કરે છે, પ્રકાશમાં લાવે છે, ભેગાં કરે છે અને નવી રીતે ગોઠવે છે. જેટલે અંશે સર્જક વિચારનાં તત્ત્વો વધારે જાણીતાં હોય તેટલે અંશે નવું સર્જન વધારે સચોટ અને આકર્ષક બની રહે છે. કવિઓ કુદરતનાં જાણીતાં દૃશ્યોનું વર્ણન અવનવી ઉપમાઓ અને કલ્પનાઓ ઉમેરીને કરે છે. સર્જક ગાયક ગીતની સાદી પંક્તિને અવનવાં અનેક સ્વરસંયોજનોમાં ગાઈને શ્રોતાઓને ડોલાવી દે છે.

સર્જકતાનાં કેટલાંક મહત્ત્વનાં પાસાં આ પ્રમાણે છે : પ્રવાહિતા, વિસ્તરણ, વિકેન્દ્રિતતા અને વૈવિધ્ય, લવચીકતા અને પરિવર્તન માટેની તૈયારી, મૌલિકતા અને સુંદરતા. સર્જક સાહિત્યકાર, કળાકાર કે વિજ્ઞાનીમાં વિચારોનો પ્રવાહ વહેતો જોવા મળે છે; કેટલાકના મનમાં તો અવનવા વિચારોનો જાણે કે ધોધ પડતો હોય છે ! સર્જક વ્યક્તિ પોતાના વિચારોને વિસ્તારે છે. તે મનમાં આવેલા પહેલા વિચાર સાથે જોડાયેલા અનેકવિધ વિચારો શોધી કાઢે છે. તે એક જ વસ્તુ કે વિષય ઉપર વિચારોને કેન્દ્રિત કરવાનો પ્રયત્ન કરતી નથી, પણ એ વસ્તુના અન્ય વિવિધ વસ્તુઓ સાથેના સંબંધો શોધે છે; દા.ત., સૂર્ય ડ્ડ સોનેરી ડ્ડ ગોળ ડ્ડ નદીમાં પડતું પ્રતિબિંબ ડ્ડ તડકો અને છાંયડો ડ્ડ ગરમી ડ્ડ સવાર-સાંજ વાદળોના વિવિધ રંગો. સર્જકતાને વિકેન્દ્રિત વિચારણા સાથે સંબંધ છે.

સર્જક વિચારો જડ ચોકઠામાં બેસાડેલા હોતા નથી. સર્જક વ્યક્તિનું મન ખુલ્લું હોય છે અને અનેક દિશામાં કામ કરતું હોય છે. સર્જક વિચારો આખરી નિર્ણય જેવા હોતા નથી. તેમાં જરૂર મુજબ ફેરફાર થતા રહે છે. સર્જક વિચારો એ વ્યક્તિના પોતાના આગવા અને તદ્દન નવા હોય છે. બીજા કોઈના વિચારોને ઉછીના લીધેલા હોતા નથી. સર્જક વિચારો સચોટ, સુંદર આકર્ષક રીતે રજૂ થયેલા હોય છે.

સર્જકતા અને બુદ્ધિ એકબીજીથી સ્વતંત્ર શક્તિઓ છે. સર્જનશીલ વ્યક્તિ તીવ્ર બુદ્ધિવાળી અથવા સરેરાશ બુદ્ધિવાળી પણ હોય. તીવ્ર બુદ્ધિશાળી વ્યક્તિમાં સર્જન અને સંશ્લેષણ (synthesis) કરવાની અને વિશ્લેષણ(analysis)ની શક્તિ હોય છે.

સર્જકતાનું માપન મુશ્કેલ છે, છતાં સર્જક શક્તિને માપવાના પ્રયાસો ગિલફર્ડે અને ટોરન્સે કર્યા છે.

સર્જનશીલતાને માપવા માટે ગિલફર્ડે રચેલી કસોટીઓમાં નીચેનાં જેવાં કાર્યોનો સમાવેશ થાય છે :

(1) વ્યક્તિને એક અક્ષર આપવામાં આવે છે. એણે એ અક્ષર ધરાવતા બને તેટલા વધારે શબ્દો મર્યાદિત સમયમાં લખવાના હોય છે; દા.ત., જેમાં ‘મ’ આવે એવા શબ્દો : મકાન, મગર, મચ્છર, મઝા, મણકા વગેરે; (2) વ્યક્તિને એક વર્ગનું નામ અપાય છે. એણે એ વર્ગમાં આવતી બને એટલી વધારે વસ્તુઓનાં નામ આપવાનાં હોય છે. દા.ત., જ્વલનશીલ વસ્તુઓ : પેટ્રોલ, કેરોસીન વગેરે, (3) આપેલા શબ્દના સમાનાર્થી શબ્દો લખવાનું જણાવાય છે; દા.ત., માણસ, માનવ, મનુષ્ય; (4) આપેલા દરેક અક્ષરથી શરૂ થતા શબ્દો શોધી વિવિધ વાક્યો બનાવવાનું જણાવાય છે; દા.ત., ર….. અ….. ગ…… પ…… છે. રમેશ અને ગણેશ પજવે છે. રતિલાલ અને ગટુભાઈ પલળે છે; (5) વસ્તુના શક્ય વિવિધ ઉપયોગો જણાવવાનું સૂચવાય છે; દા.ત., દેવદારના પાટિયાનું ખોખું; (6) એક કાલ્પનિક બનાવનાં સંભવિત પરિણામો જણાવવાનું કહેવાય છે; દા.ત., જો રોજ બપોરે 2થી 4 સુધી સંપૂર્ણ સૂર્યગ્રહણ થાય તો……; (7) ચીતરેલા આકારોનો ઉપયોગ કરીને વિવિધ આકારની વસ્તુઓનાં ચિત્રો બનાવવાનું જણાવાય છે; દા.ત., , , , , , ; (8) સરખી નાની આકૃતિઓના આધારે મોટું ચિત્ર બનાવવાનું જણાવાય છે; (9) રોજિંદી વસ્તુઓનાં ચિત્રો(દા.ત., કૂંડું, ખુરશી, થાળી)ને  ડિઝાઇનોથી શણગારવાનું કહેવાય છે.

ટોરન્સની સર્જકતા કસોટીમાં વ્યક્તિને એક જટિલ દૃશ્યનું ચિત્ર બતાવી તેને પ્રશ્નો પુછાય છે : (1) શું બની રહ્યું છે તે શોધવા માટેના પ્રશ્નો રચો. (2) જે કાંઈ બને છે તેનાં કારણો જણાવો. (3) બનાવનાં શક્ય પરિણામોની યાદી બનાવો.

અન્ય કસોટીમાં આવા પ્રશ્નો અપાય છે : (4) આપેલા રમકડાને કઈ રીતે સુધારવાથી બાળકોને તે રમવાની વધારે મજા આવે તે કહો. (5) કોરા કાગળ ઉપર વક્ર આકારનો રંગીન કાગળ તમે ગમે ત્યાં ચોંટાડો અને તેની આજુબાજુ એવું ચિત્ર દોરો જેમાંથી એક રસપ્રદ વાર્તા બને. (6) દોરેલી છૂટક છૂટક લીટીઓ ઉપરથી સંપૂર્ણ ચિત્ર બનાવો. (7) નોંધેલા અવાજો સાંભળીને કહો કે તમને તેને કારણે કેવા કેવા વિચારો આવે છે.

હજી આવા માપનની શરૂઆત થઈ છે. જરૂર પડે તેમ વિવિધ પ્રકારની સર્જકતા માપવા માટે અલગ અલગ કસોટીઓ વિકસાવાય છે.

ચંદ્રાંશુ ભાલચંદ્ર દવે