સરદેસાઈ, લક્ષ્મણરાવ (જ. 1904, સવાઈવેરમ, ગોવા; અ. ?) : કોંકણી ભાષાના જાણીતા વિવેચક, નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમના નિબંધસંગ્રહ ‘ખબરી’ માટે 1982ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો. તેમણે લિસિયમ ખાતે મરાઠી, કોંકણી અને પોર્ટુગીઝ ભાષાનો અભ્યાસ કર્યો તેમજ ફ્રેન્ચ, લૅટિન અને અંગ્રેજીમાં વિશેષજ્ઞતા મેળવી પછી અલમૈડા કૉલેજમાં શિક્ષક તરીકે જોડાયા.
1946માં ગોવા મુક્તિ ચળવળમાં જોડાયા અને બે વખત જેલયાત્રા ભોગવી. ત્યારપછી દિલ્હી ખાતે આકાશવાણીની વિદેશ સેવામાં પોર્ટુગીઝ અને કોંકણી વિભાગમાં સુપરવાઇઝર તરીકે કામગીરી કરી. 1963માં ગોવા પાછા ફર્યા.
તેમણે 15 વર્ષની વયે મરાઠીમાં લેખનકાર્ય શરૂ કરેલું. કેટલોક સમય ‘કેસરી’માં લેખો લખ્યા અને જાણીતાં બધાં મરાઠી સામયિકોમાં તેમની ટૂંકી વાર્તાઓ પ્રગટ થઈ. તેમણે 14 કૃતિઓ મરાઠીમાં અને 4 કોંકણીમાં આપી છે. 1951માં ન્યૂયૉર્ક હેરલ્ડ ટ્રિબ્યૂન દ્વારા પ્રયોજાયેલ આંતરરાષ્ટ્રીય ઇનામ તેમની એક ટૂંકી વાર્તાને મળ્યું. તેમની ઘણી ટૂંકી વાર્તાઓ ભારતીય તેમજ વિદેશી ભાષામાં અનુવાદ પામી છે. તેમને 1980માં સાહિત્યિક પ્રદાન માટે ગોવા કલા અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો અને 1981માં ગોવા સરકારે શ્રેષ્ઠ સાહિત્યકાર તરીકે તેમનું સન્માન કર્યું હતું.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ખબરી’માં વ્યક્ત થયેલી ક્રમશ: લોપાતા જતા સાંસ્કૃતિક વારસા અંગેના હાસ્યકરુણ મિશ્રિત તત્ત્વદર્શનની, જનસામાન્ય પ્રત્યેની સંવેદના, તેમાં પ્રતિબિંબિત માનવજીવન અને જીવંત રેખાચિત્રોને કારણે કોંકણી સાહિત્યમાં આગવું સ્થાન પામી છે.
બળદેવભાઈ કનીજિયા