સરન (Saran) : બિહારના પશ્ચિમ ભાગમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે આશરે 25o 36’થી 26o 23’ ઉ. અ. અને 84o 24’થી 85o 15’ પૂ. રે. વચ્ચેનો 2641 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરમાં ગોપાલગંજ, પૂર્વમાં ગંડક નદીથી અલગ પડતા મુઝફ્ફરપુર અને વૈશાલી જિલ્લા, દક્ષિણમાં પટણા અને ભોજપુર તથા પશ્ચિમે બલિયા (ઉ. પ્ર.) અને સિવાન જિલ્લાનો ભાગ આવેલા છે. સરન અને બલિયા વચ્ચે ઘાઘ્રા નદી કુદરતી સરહદ બનાવે છે. સરન જિલ્લો ત્રણ ઉપવિભાગોથી બનેલો છે. જિલ્લામથક છાપરા જિલ્લાની દક્ષિણે મધ્યભાગમાં આવેલું છે.

ભૂપૃષ્ઠ : જિલ્લો ત્રિકોણ આકારે ગોઠવાયેલો છે. આ ત્રિકોણની ઉત્તરતરફી ટોચ ગોપાલગંજ અને ગંડક નદીના સંગમસ્થળે આવેલી છે. પૂર્વ તરફ આખીય સરહદ ગંડક નદીથી બનેલી છે. ગંગા નદી જિલ્લાની દક્ષિણ સીમા રચે છે, જ્યારે સિવાન અને ગોપાલગંજ જિલ્લા આ ત્રિકોણનો પશ્ચિમ તરફી ભુજ બનાવે છે. જિલ્લાનો ભૂમિઢોળાવ અગ્નિ તરફનો છે, તેની બધી જ નદીઓ પણ અગ્નિ તરફના જળપરિવાહવાળી છે.

સરન જિલ્લો

આખાય જિલ્લાનું ભૂપૃષ્ઠ મેદાની છે. જિલ્લામાં બહુ જ ઓછાં થાળાં અને પંકભૂમિઓ આવેલાં છે. આ જિલ્લાનું ભૂપૃષ્ઠ ત્રણ બહોળા કુદરતી પ્રદેશોવાળું બની રહેલું છે : (1) મોટી નદીઓની ધારે આવેલા કાંપના મેદાની પ્રદેશથી અહીં વારંવાર પૂર ફેલાઈ જાય છે. (2) નદીઓ અંતરિયાળમાં દૂર જતાં ભૂપૃષ્ઠની ઊંચાઈ વધતી જાય છે, અહીં પૂરની અસર પહોંચતી નથી. (3) મોટી નદીઓ વચ્ચેના દોઆબ સમકક્ષ પ્રદેશો.

સરન જિલ્લાનો વિસ્તાર ભૂતકાળમાં ક્યારેક ગાઢાં જંગલવાળો હતો. હવે જંગલો રહ્યાં નથી. અહીં ભૂમિ ફળદ્રૂપ છે, તેથી વસ્તી પણ વધુ છે. વસ્તીવિતરણ એવી રીતે થયું છે કે જંગલવિકાસ કરી શકાય તેમ નથી. ખેડાણ હેઠળની ભૂમિમાં વચ્ચે વચ્ચે વાંસનાં વૃક્ષોનાં જૂથ, તાડનાં વૃક્ષો અને કેરીની વાડીઓ આવેલાં છે.

જળપરિવાહ : જિલ્લાની આખીયે દક્ષિણ સીમા પશ્ચિમથી પૂર્વ તરફ વહેતી ગંગા નદીથી રચાયેલી છે. ગંગા નદી કોટવાપટ્ટીરામપુરથી સોનેપુરનો પટ્ટો આવરી લે છે. ઉત્તર તરફથી આવતી ગંડક નદી સોનેપુર પાસે ગંગામાં ભળી જાય છે. ગંડકનો ઉપરવાસ નારાયણી નદીને નામે ઓળખાય છે. ગંગા નદી આખાય જિલ્લાને જળમાર્ગની સુવિધા પૂરી પાડે છે. અહીં નિયમિત રીતે સ્ટીમર સેવાઓનો પટણાના મહેન્દ્રઘાટથી સરનમાં પહેલેઝા ઘાટ સુધી લાભ મળે છે. આ ઉપરાંત નાની-મોટી નૌકાઓ પણ મુસાફરો તેમજ માલસામાનની અવરજવરમાં મદદરૂપ બની રહે છે. ગંડક નદી ઈશાન સરહદથી અગ્નિ સીમા સુધી-સોનેપુર સીધી જિલ્લાના 85 કિમી.નું અંતર કાપતી વહે છે. ઘાઘ્રા (અથવા સરયૂ) નદી નિમ્ન હિમાલયમાંથી નીકળે છે અને વળાંકો લઈને 56 કિમી. જેટલી સરન જિલ્લાની પશ્ચિમ સરહદ બનાવે છે.

ખેતીપશુપાલન : ખેતી આ જિલ્લાના લોકોનો મુખ્ય વ્યવસાય છે અને તેમના જીવનનિર્વાહનું સાધન છે. ડાંગર, ઘઉં અને શેરડી અહીંના મુખ્ય કૃષિપાકો છે. સરકારે આ જિલ્લામાં સિંચાઈ માટે નહેરો અને પૂરનિયંત્રણ માટે પાળા બનાવ્યા છે. પાળાઓમાંથી પાણી સિંચાઈ અર્થે વહેતું રાખવા માટે જલનિર્ગમન દ્વારો(sluice-gates)ની ગોઠવણ રાખી છે.

ગાય, ભેંસ, બળદ અહીંનાં મુખ્ય પાલતુ પશુઓ છે. અહીંના દરેક વિકાસઘટક ખાતે પશુદવાખાનાની વ્યવસ્થા છે. ગંગા, ગંડક અને ઘોઘ્રામાંથી જુદી જુદી જાતની માછલીઓ ઘર-જરૂરિયાત પૂરતી પકડવામાં આવે છે, પરંતુ અહીંથી માછલીઓની નિકાસ થતી નથી, તેમજ જિલ્લામાં તેનું વેચાણ પણ થતું નથી.

ઉદ્યોગવેપાર : જિલ્લામાં 450થી વધુ અધિકૃત કારખાનાં કાર્યરત છે. મરહોરા કન્ફેક્શનરી ઑવ્ મેસર્સ સી. ઈ. મૉર્ટોન (ઇન્ડિયા) લિ., સરન એન્જિનિયરિંગ કું. લિ., ધ કાનપુર સુગર વર્ક્સ લિ., ધ કાનપુર સુગર ડિસ્ટિલરી જેવા ઉદ્યોગો મરહોરા ખાતે આવેલા છે.

જિલ્લામાં સાબુ, ફુલાવર અને બિસ્કિટનું ઉત્પાદન લેવાય છે. અહીંથી ચોખા (સ્થાનિક જાત), સાબુ, તંબુ, ખાંડસરી, ચણા, કઠોળ, અળસી, રાઈ અને સ્પિરિટની નિકાસ થાય છે; જ્યારે ખાદ્યાન્ન, ડાંગર, ચોખા (સારી જાત), સુતરાઉ કાપડ, મીઠું, કેરોસીન અને કોલસાની આયાત કરવામાં આવે છે.

પરિવહન : આ જિલ્લો વેપાર-વાણિજ્યની દૃષ્ટિએ આ વિસ્તારમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે; તેથી રસ્તાઓનો વિકાસ થયેલો છે. અગાઉના સમયમાં અહીંનો વ્યવહાર મોટેભાગે જળમાર્ગે થતો હતો, પરંતુ હવે જળમાર્ગો પરનું ભારણ ઘટી ગયું છે. જિલ્લામથક છાપરા જિલ્લાનાં અગત્યનાં સ્થળો તથા આજુબાજુના જિલ્લાઓ સાથે સડકમાર્ગોથી સારી રીતે સંકળાયેલું છે. જિલ્લામાં રાજ્ય-પરિવહનની બસ-સુવિધાઓ ઉપલબ્ધ છે. ઈશાની રેલવિભાગનો રેલમાર્ગ આશરે 91 કિમી.નો છે. આ ઉપરાંત તેના ચાર અન્ય ફાંટા પણ છે. વળી જળમાર્ગોની પણ સુવિધા મળી રહે છે. ગંગા નદીકાંઠા પર આવેલાં છાપરા અને રેવેલગંજ બંને શહેરો વેપારનાં મથકો છે. છાપરા ખાતે હવાઈ ઉતરાણ-મથક વિકસાવાયું છે, ત્યાં નાના કદનાં વિમાનોનો ઉપયોગ થાય છે. હવે બધી ઋતુઓમાં ઉપયોગમાં આવી શકે એવી હવાઈપટ્ટી વિકસાવાઈ રહી છે.

પ્રવાસન : (1) છાપરા : જિલ્લામથક, વિભાગીય મથક અને જિલ્લાનું મહત્ત્વનું શહેર. તે ઘાઘ્રા નદીના ઉત્તર કાંઠે મુઝફ્ફરપુરથી 107 કિમી.ને અંતરે તથા સોનેપુરથી 51 કિમી.ને અંતરે આવેલું છે. તે મુખ્ય રેલજંક્શન અને મુખ્ય વાણિજ્યમથક છે, કારણ કે તે સડકમાર્ગ-રેલમાર્ગ અને જળમાર્ગના જંક્શન પર આવેલું છે.

(2) બાંકેરવા (Bankerwa) : પરસા વિભાગમાં આવેલું ગામ. તે છાપરાથી પૂર્વમાં 48 કિમી.ના અંતરે ગંડક નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. આ ગામ વિશેષે કરીને ખાંડનાં કારખાનાંને માલ પહોંચતો કરવા શેરડી એકત્ર કરવાનું અને તેનું વિતરણ કરવાનું મથક બની રહેલું છે.

(3) ધોઆસ્થાન : જિલ્લાના બનિયાપુરથી આ સ્થાન 16 કિમી.ને અંતરે આવેલું છે. તે પ્રાચીન શિવાલય માટે પ્રસિદ્ધ છે. તે છાપરા સાથે બસસેવાથી સંકળાયેલું છે.

(4) દિઘવારા : છાપરાથી અગ્નિકોણમાં 28 કિમી.ને અંતરે આવેલું ગામ. ગંગા-ગંડકના સંગમસ્થાનથી વચ્ચેના ઉપરવાસમાં તે સડક અને રેલમાર્ગના જંક્શન નજીક આવેલું છે. તે દિઘવારા વિભાગનું મુખ્ય મથક છે. દિઘવારા નામના એક સંત પરથી આ સ્થળનું નામ પડેલું છે. નદી પરના વ્યસ્ત રહેતા માર્ગ પરનું તે વાણિજ્યમથક છે.

(5) ડોરીગંજ : છાપરાથી પૂર્વ તરફ 11 કિમી.ને અંતરે આવેલું સ્થળ. પ્રાચીનકાળમાં તે ઘણું જ સમૃદ્ધ વેપારી મથક હતું. તે ગંગા-ઘાઘ્રાના સંગમસ્થાન પર આવેલું છે. અહીં રેતી અને અનાજનો વેપાર ચાલે છે. અહીંથી 3 કિમી. ઉપરવાસ તરફ શેરપુર ઘાટ આવેલો છે, ગંગા નદીમાં પ્રવાસ કર્યા બાદ અહીં ઊતરીને મુસાફરો અન્યત્ર જાય છે.

(6) એકમા-એકસર : છાપરાથી 28 કિમી.ને અંતરે વાયવ્યમાં એકમા આવેલું છે, તે એકમા વિભાગનું વડું મથક છે. આ સ્થળ છાપરા, સિવાન (જિલ્લો), માંઝી, દારૌલી અને મશરખ સાથે સંકળાયેલું બધી ઋતુઓ માટેનું તે વાણિજ્યમથક છે.

એકસર એકમાની નજીકમાં આવેલું છે. આ ગામ નજીકના ઉત્ખનનમાંથી મળેલી ત્રણ પાષાણમૂર્તિઓ માટે જાણીતું બનેલું છે. નૃત્ય કરતી મુદ્રાવાળા ગણેશ તથા ભગવાન વિષ્ણુનાં બે સ્વરૂપો અહીંથી મળેલાં છે. આ મૂર્તિઓ પટણાના સંગ્રહાલયમાં રાખેલી છે.

(7) કારિંગા : છાપરાથી 5 કિમી. દૂર વાયવ્યમાં આ સ્થળ આવેલું છે. ડચ લોકો દ્વારા સ્થપાયેલું આ સર્વપ્રથમ વેપારીમથક હોવાથી તેનું ઐતિહાસિક મહત્ત્વ ગણાય છે.

(8) મરહોરા (Marhora) : છાપરાથી ઈશાનમાં 27 કિમી. અંતરે આવેલું ગામ મરહોરા વિભાગનું સ્થળ અને વડું મથક. તે રેલમથક છે તથા ખાંડનાં કારખાનાં, ઇજનેરી વસ્તુઓ તથા દારૂ ગાળવાની ભઠ્ઠી માટે જાણીતું છે.

(9) પરસા (Parsa) : પરસા-આંચલ વિભાગનું મુખ્ય મથક. તે છાપરાથી 38 કિમી. અંતરે પૂર્વ તરફ આવેલું છે. અંગ્રેજોના શાસન દરમિયાન તે ગળીના વાવેતર માટેનું મહત્ત્વનું મથક હતું.

(10) કસબામેકર : છાપરાથી 54 કિમી.ને અંતરે ઉત્તર તરફ ગંડક્ધો કાંઠે પરસા વિભાગમાં આવેલું ગામ. અહીં ગ્યારહવિન શરીફનો મેળો ભરાય છે. દરેક કોમના પ્રવાસીઓ તેમાં ભાગ લે છે. આ મેળા માટે આ સ્થળ જાણીતું બનેલું છે.

(11) સોનેપુર : જિલ્લાના અગ્નિકોણમાં ગંગા-ગંડકના સંગમ નજીક ઉપરવાસમાં આવેલું ગામ. અહીં કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. આ મેળો ખૂબ જ જાણીતો બનેલો છે. વળી તે સોનેપુર વિભાગનું મુખ્ય મથક પણ છે. ભારતનું સૌથી મોટું રેલવે-પ્લૅટફૉર્મ અહીં આવેલું છે.

(12) હસનપુર : પરસા-આંચલ વિભાગમાં આવેલું ગામ. તે વિજયાદશમીને દિવસે ત્યાંના વડના વૃક્ષ નીચે ભરાતા મેળા માટે જાણીતું છે. અહીં વારતહેવારે મેળા અને ઉત્સવો યોજાય છે.

વસ્તી : 2001 મુજબ આ જિલ્લાની વસ્તી 32,51,474 જેટલી છે. તે પૈકી સ્ત્રી-પુરુષોની સંખ્યા લગભગ સરખી છે; જ્યારે ગ્રામીણ અને શહેરી વસ્તીનું સંખ્યાપ્રમાણ આશરે 90 % અને 10 % જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમ વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, જૈન, શીખ અને બૌદ્ધોનું વસ્તીપ્રમાણ ઓછું છે. જિલ્લામાં હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. સાક્ષરતાનું પ્રમાણ આશરે 35 % જેટલું છે. અહીંનાં બધાં જ નગરોમાં પ્રાથમિક-માધ્યમિક શિક્ષણ ઉપલબ્ધ છે. જિલ્લામાં 15 જેટલી કૉલેજો આવેલી છે. તબીબી સેવાની વ્યવસ્થા 35 % ગામોમાં ગોઠવેલી છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 3 ઉપવિભાગોમાં, 15 સમાજવિકાસઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 5 નગરો અને 1767 (207 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.

ઇતિહાસ : આ જિલ્લાનો ઇતિહાસ ‘આઇને અકબરી’માં લખેલો જોવા મળે છે. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના 1765ના ગાળામાં અહીં સરન અને ચંપારણ સહિત આઠ ‘સરકારો’ અસ્તિત્વ ધરાવતી હતી. આ બંને (સરન, ચંપારણ) પછીથી ભેળવીને તેનો એકમ કરવામાં આવેલો તથા તેને ‘સરન’ નામ અપાયેલું. 1829માં સરનને પટણા વિભાગમાં ગોઠવ્યો. પછીથી તે ચંપારણમાંથી 1866માં અલગ પડેલો. 1908માં તિરહત વિભાગ રચાયો ત્યારે સરનને તેનો એક ભાગ બનાવેલો; ત્યાં સુધી તો સરન, સિવાન અને ગોપાલગંજ નામના ત્રણ વિભાગો હતા.

1972માં તે ત્રણેને સ્વતંત્ર જિલ્લા બનાવાયા; તેમ છતાં, છાપરા હજી તે ત્રણેનું વડું વહીવટી મથક રહ્યું છે.

‘સરન’ નામ માટે જુદા જુદા મત પ્રવર્તે છે. જનરલ કનિંગહામે સૂચવ્યું છે કે તે જૂના વખતમાં શરણ અથવા અભયારણ્ય હતું. ત્યાં સમ્રાટ અશોકે બંધાવેલો સ્તૂપ (સ્તંભ) હતો. ત્યારે સ્તૂપનું નામ પણ શરણ હતું. અહીંના જે લોકો માંસાહારી હતા, તેમને સમ્રાટ અશોકે બૌદ્ધો બનાવ્યા તથા માંસનો ખોરાક બંધ કરાવેલો. કનિંગહામ એમ પણ કહે છે કે આ સ્તૂપનું સ્થળ કદાચ આરાહ નજીક હતું.

બીજો એક એવો મત પણ છે કે આ નામ સારંગ-અરણ્ય (મૃગવન) પરથી પડેલું છે. અહીં વિશાળ વનવિસ્તાર હતો; તેમાં મૃગો વિચરતાં હતાં.

ત્રીજો મત એવો હતો કે સરન શક્ર-અરણ્ય પરથી ઊતરી આવેલો શબ્દ છે. અહીં શક્ર(ઇન્દ્ર)નું વન હતું. રામ જ્યારે વિશ્વામિત્ર સાથે અયોધ્યાથી મિથિલા જતા હતા ત્યારે રાજા સુમતિએ તેમનું સ્વાગત કરેલું. આ દંતકથા આધારિત એક મંદિર હજી આજે પણ છે, તે ઘોઘ્રા નદીકાંઠે રેવેલગંજ ખાતે જોવા મળે છે.

કેટલાક એવો પણ મત ધરાવે છે કે ‘આરાહ’, ‘સરન’ અને ‘ચંપારણ’ એ બધાં ગીચ જંગલો માટેનાં અપભ્રંશ નામો છે; ખરાં નામ હતાં ‘અરણ્ય’, ‘શરણ્ય’ અને ‘ચંપારણ્ય’.

ગિરીશભાઈ પંડ્યા