સરદેસાઈ, મનોહરરાવ એલ.

January, 2007

સરદેસાઈ, મનોહરરાવ એલ. (. 18 જાન્યુઆરી 1925, પણજી, ગોવા) : કોંકણી ભાષાના કવિ અને અનુવાદક. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી 1949માં ફ્રેન્ચ અને મરાઠીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી. તેઓ 1949-52 સુધી વિલ્સન કૉલેજ, મુંબઈમાં ફ્રેન્ચ ભાષાના અધ્યાપક રહ્યા; 1960માં તેઓ દૂરદર્શન, દિલ્હી(બહારની સેવાઓ)ની સેવામાં; 1960-61 મુંબઈની સોમૈયા કૉલેજમાં ફ્રેન્ચના અધ્યાપક; 1964-70 દરમિયાન કોંકણી ભાષા-મંડળ, ગોવાના પ્રમુખ; 1979-85 સુધી મુંબઈ યુનિવર્સિટીમાં ફ્રેન્ચમાં રીડર; 1985-90 સુધી ફ્રેન્ચ અને પોર્ટુગીઝ વિભાગ, ગોવા યુનિવર્સિટીના સંકલનકાર; 1985-92 સુધી ગોવા કોંકણી અકાદમી, નવી દિલ્હીના ઉપપ્રમુખ; 1993-1997 સુધી કોંકણી સાહિત્ય અકાદમીના સલાહકાર બોર્ડના સભ્ય રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં 64 ગ્રંથો આપ્યા છે, તેમાં ‘ઐઝ રે ધોલર પોડ્ડલી બોડ્ડી’ (1961, કાવ્યાત્મક નાટક); ‘ગોયેમ-એ તુજિયા મોગખાતિર’ (1961); ‘ઝૈયત ઝાગે’ (1964); ‘રામગીતા’ (1968); ‘ઝઈઓ ઝુઈઓ’ (1970); ‘પિસોલ્લિમ’ (1978) તેમના લોકપ્રિય કાવ્યસંગ્રહો છે. ‘સ્મગ્લર’ (1975); ‘બિરાડુ બોડોલ્લેમ’ (1981) બંને એકાંકીસંગ્રહો છે. ‘સાહિત્ય સુવાદ’ (1993) નિબંધસંગ્રહ છે. તેમણે વૉલ્તેરનાં ફ્રેન્ચ લખાણોને અને વીરેન્દ્રકુમાર ભટ્ટાચાર્યનાં આસામી લખાણોને કોંકણીમાં અનૂદિત કર્યાં છે. તેમણે કોંકણી ફિચર ફિલ્મ માટે કથાવસ્તુ અને ઊર્મિકાવ્યો રચ્યાં છે.

1952માં તેઓ ફ્રાન્સ ગયા અને ‘ધી ઇમેજ ઑવ્ ઇન્ડિયા ઇન ફ્રાન્સ’ વિષય પર મહાનિબંધ રજૂ કરી સૉર્બોન યુનિવર્સિટીમાંથી 1958માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. ‘બેબિયાંચે કઝર’(મૅરેજ ઑવ્ ફ્રૉગ્ઝ, 1965)થી તેઓ બાળકોમાં ખૂબ લોકપ્રિય બન્યા. 1966માં તેમને ‘કવિરાજ’ તરીકે ચૂંટવામાં આવ્યા. ‘રામગીતા’ (1968) શ્રીરામના જીવન પરનાં ઊર્મિગીતો છે; જેને માટે તેમને કોંકણીમાં સ્વદેશભક્તિ પરનાં ગીતો માટે દૂરદર્શન દ્વારા પ્રથમ ઇનામ પ્રાપ્ત થયું. ‘ઝઈઓ ઝૂઈઓ’ (‘જસ્મિન ફ્લાવર્સ’) બદલ તેમને 1972માં ગોવા કલા અકાદમી ઍવૉર્ડ અને ‘પિસોલ્લિમ’ (બટરફ્લાઇઝ, 1978) બદલ તેમને 1980ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. કાવ્યકૃતિઓ માટે તેમને 1980ના વર્ષનો ગોવા કલા અકાદમી ઍવૉર્ડ અને 1991-92માં ગોવા રાજ્ય સાંસ્કૃતિક ઍવૉર્ડ આપવામાં આવેલા.

મહેશ ચોકસી