સરદારગઢ : જૂના જૂનાગઢ રાજ્યનો પાંચમા વર્ગનો એક તાલુકો અને એ નામનું ગામ. મૂળ જૂનાગઢના નવાબના ભાયાત મુખત્યારખાને બાંટવામાંથી પોતાનો હિસ્સો મેળવી ગીદડ નામના ગામમાં વસવાટ કર્યો (1898), જે પછી ‘સરદારગઢ’ તરીકે ઓળખાયું. સૌરાષ્ટ્રના જે નાનાં દેશી રાજ્યો ને તાલુકાઓ બ્રિટિશ એજન્સીની સીધી દેખરેખ હેઠળ હતાં, તેને પ્રથમ વર્ગના રાજાઓ-રાજ્યો સાથે જોડાવાની જે યોજના (અટેચ્ડ એરિયા સ્કીમ – 1943) ઘડાઈ તેના અનુસંધાને તા. 14-6-1943થી સરદારગઢ તાલુકાનું જૂનાગઢ રાજ્યમાં જોડાણ થયું. આ પછી ભારત સ્વતંત્ર થતાં 15-8-1947ના જૂનાગઢ રાજ્યે પાકિસ્તાન સાથે જોડાવાની કરેલ જાહેરાતના પગલે સરદારગઢ પણ તેને અનુસર્યું, પરંતુ તત્કાલીન આરઝી હકૂમત અને સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને કાર્યવાહીના ફળસ્વરૂપે અંતત: તેનું ભારત સરકાર સાથે જોડાણ થયું. 15-2-1948માં સરદાર પટેલના હસ્તે નવા ‘સૌરાષ્ટ્ર રાજ્ય’નો આરંભ થતાં સરદારગઢને તેના એક ભાગ રૂપે સમાવાયું. આ પછીથી ગુજરાત રાજ્યની થયેલ રચના અંતર્ગત જૂનાગઢ જિલ્લામાં તેનો સમાવેશ કરાયો.

હસમુખ વ્યાસ