સરદાર પટેલ ઍવૉર્ડ

January, 2007

સરદાર પટેલ ઍવૉર્ડ : ગુજરાત સરકાર દ્વારા રમતગમત ક્ષેત્રે ખેલાડીઓને અપાતો જૂનામાં જૂનો ઍવૉર્ડ. ખેલાડીઓને પ્રેરણા મળે તે દૃષ્ટિથી આ ઍવૉર્ડ ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના નામ સાથે સાંકળવામાં આવ્યો છે. જ્યારે રાજ્યનો કોઈ ખેલાડી રાષ્ટ્રીય કક્ષાએ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે ત્યારે તેની આ ઍવૉર્ડ માટે પસંદગી થાય છે. આ ઍવૉર્ડની શરૂઆત સન 197576થી કરવામાં આવી છે અને ત્યારથી મોટાભાગે દર વર્ષે આ ઍવૉર્ડ એકથી વધુ ખેલાડીઓને એનાયત કરવામાં આવે છે. આ ઍવૉર્ડની અંદર વિજેતાને રૂ. 50,000 રોકડા, સ્મૃતિચિહ્ન, બ્લેઝર અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે. વર્ષ 2000-2001થી જુનિયર કક્ષાએ પણ ‘સરદાર પટેલ જુનિયર ઍવૉર્ડ’ની શરૂઆત ગુજરાત સરકારે કરી છે; જેમાં ખેલાડીને રૂ. 25,000 રોકડા, સ્મૃતિચિહ્ન, બ્લેઝર તથા પ્રમાણપત્ર એનાયત કરવામાં આવે છે.

ઍવૉર્ડની પસંદગી માટે ગુજરાત સરકાર રમતગમત-ક્ષેત્રે અનુભવી અને તજ્જ્ઞ લોકોની સમિતિ બનાવે છે અને આ સમિતિ વિવિધ રમતોમાં ખેલાડીઓની સિદ્ધિઓ જોઈને ગુણવત્તાને આધારે પસંદગી કરે છે. મોટાભાગે વિવિધ રમતોમાં આ ઍવૉર્ડ દર વર્ષે એનાયત કરવામાં આવે છે, પરંતુ જો કોઈ વર્ષે યોગ્ય ખેલાડી ન હોય તો આ ઍવૉર્ડ આપવામાં નથી આવતો; દા.ત., 1977-78માં આ ઍવૉર્ડ માટે ગુજરાતમાંથી કોઈ પણ ખેલાડીની પસંદગી થઈ નહોતી. એવી રીતે જ દરેક રમત માટે દર વર્ષે આ ઍવૉર્ડ આપવામાં આવે તેવું પણ નથી; એટલું જ નહિ. પણ જો કોઈ વર્ષે એક જ રમતમાં જો એક કરતાં વધુ ખેલાડીઓ હોય તો એક કરતાં વધુ ખેલાડીઓને એક જ રમત માટે આ ઍવૉર્ડ આપવામાં આવે છે. ટૂંકમાં, આ ઍવૉર્ડનું ગૌરવ સચવાય તેની કાળજી ઍવૉર્ડ આપનાર સમિતિ રાખે છે. અત્યાર સુધી 70 કરતાં વધુ ખેલાડીઓને આ ઍવૉર્ડ એનાયત થયેલ છે. આ ઍવૉર્ડ ખૂબ જ માનપૂર્વક મોટાભાગે ગુજરાત રાજ્યના રાજ્યપાલ દ્વારા ગાંધીનગર મુકામે એનાયત કરવામાં આવે છે; એટલું જ નહિ, પણ તે વખતે આ ઍવૉર્ડ પ્રાપ્ત કરનાર ખેલાડીઓનો ટૂંકો પરિચય આપતી ‘પરિચયપત્રિકા’ પણ પ્રકાશિત કરવામાં આવે છે.

પ્રભુદયાલ શર્મા