સરદારખાનનો રોજો

January, 2007

સરદારખાનનો રોજો : અમદાવાદમાં ખમાસા ગેટથી જમાલપુર દરવાજા તરફ જતાં મુખ્ય રસ્તા પર ડાબી બાજુએ આવેલો, ઔરંગઝેબના માનીતા સરદાર નવાબ સરદારખાનનો રોજો. આ રોજામાં સરદારખાને જાતે બંધાવેલી મસ્જિદ તથા મકબરાનો સમાવેશ થાય છે. આ બંને ઇમારતો તેણે તેના અમદાવાદના નિવાસ દરમિયાન ઈ. સ. 1603 પહેલાં બંધાવી હતી. ઈ. સ. 1684માં સિંધના નગરઠઠ્ઠામાં તેનું અવસાન થતાં તેને અહીં લાવી મકબરામાં દફનાવ્યો હતો. આ વિશેનો તેમાં ઈ. સ. 1684નો અભિલેખ પણ છે.

સરદારખાનનો રોજો

મસ્જિદનું પ્રવેશદ્વાર ભવ્ય છે. મસ્જિદની આસપાસ ઊંચો કોટ છે. પ્રવેશદ્વારની ઉપર બે છેડાઓ પર છત્રીઓ કરેલી છે. એ છત્રીઓના છાવણનો ઘાટ મસ્જિદના ઘૂમટને મળતો આવે છે. મસ્જિદના આગળના ભાગમાં ત્રણ ઊંચી કમાન કાઢેલી છે અને બંને બાજુ ઊંચા ચાર મજલાવાળો એક એક મિનારો છે. મિનારાના ત્રણ મજલા અષ્ટકોણ તથા છેક ઉપરનો મજલો વૃત્તાકાર છે. મસ્જિદના લિવાનની બંને બાજુએ એક એક ઝરૂખો છે. મસ્જિદના લિવાન પર સરખા કદના જમરૂખ-ઘાટના ત્રણ ઘૂમટ છે, તે મુસ્લિમ સ્થાપત્યમાં વિશિષ્ટ ભાત પાડે છે. ઘૂમટની ટોચે પિત્તળનાં બીજચંદ્ર તથા તારો મૂકેલ છે, જે દર્શાવે છે કે સરદારખાનના પૂર્વજો ઈરાનના વતની હશે.

આ મસ્જિદ સાથે મકબરો સંકળાયેલ છે, પરંતુ તે જુદો કોટ ધરાવે છે. ઈંટેરી પીઠ પર બનેલા મકબરાની મધ્યમાં સફેદ આરસની સરદારખાનની પોતાની સુંદર કબર છે. કબરને ફરતા 12 સ્તંભો વડે ખંડ રચ્યો છે. તેની બાજુઓને નકશીદાર જાળીઓની પડદીથી ભરી દીધી છે. તેને ફરતો 20 સ્તંભોવાળો રવેશ છે. મધ્યખંડની ઉપર વિશાળ કદનો જમરૂખ-ઘાટનો ઘૂમટ કરેલો છે. તેની ટોચે ઉપર્યુક્ત મસ્જિદની માફક પિત્તળનાં બીજચંદ્ર અને તારો મૂકેલાં છે. આ મુખ્ય ઘૂમટને ફરતા એ જ ઘાટના પણ નાના કદના આઠ ઘૂમટો વડે રવેશનું છાવણ બનાવેલું છે.

જયકુમાર ર. શુક્લ