સરદારખાન (. ?; . 1684, નગરઠઠ્ઠા, સિંધપાકિસ્તાન) : ઔરંગઝેબના સમયમાં ભરૂચનો અને તે પછી સોરઠનો ફોજદાર. તે ઔરંગઝેબનો માનીતો સરદાર હતો. તેના કુશળ વહીવટ અને વફાદારી માટે ઔરંગઝેબને ઘણું માન હતું. મહાબતખાનના સમયમાં (ઈ. સ. 1662-68) ઈડર પરગણામાં માથાભારે કોળીઓ તથા બંડખોર લોકોએ મોટો ઉપદ્રવ મચાવ્યો, તેથી તે ઉપદ્રવને કચડી નાખવા માટે ભરૂચના ફોજદાર સરદારખાનની ઈડર બદલી કરવામાં આવી હતી. ત્યારબાદ સૌરાષ્ટ્રના લોકોની કુત્બુદ્દીનખાન વિરુદ્ધ ઘણી ફરિયાદો દિલ્હી પહોંચી હોવાથી, તેને દૂર કરીને, તેને સ્થાને સરદારખાનને મૂકવામાં આવ્યો હતો. નવેમ્બર 1664માં સરદારખાનને એક ફરમાન મોકલવામાં આવ્યું હતું, જેમાં તેના તાબા હેઠળના પ્રદેશની સ્થિતિ સુધારવા શક્ય એટલા બધા પ્રયાસો કરવા તથા એકસમાન ન્યાય આપી લોકોમાં ફરી વાર વિશ્વાસ પેદા કરવા અને વહીવટની આકરી પદ્ધતિથી બચવા જમીનો છોડી દઈને ચાલ્યા જતા ખેડૂતોને તેમ કરતાં રોકવા, તેને સૂચના આપવામાં આવી હતી.

જયકુમાર ર. શુક્લ