સરજૂગાન : સૌરાષ્ટ્રના વૈશ્યસુતાર, સોરઠિયા રબારી અને ભોપા રબારીઓમાં ગાવામાં આવતાં શક્તિસ્તોત્રો માંહેનો એક પ્રકાર. આ જાતિ-જ્ઞાતિમાં નવરાત્રિના સમયે તથા શેલણ/છેલણ, કળશ અને પૂજ જેવી બાધાની વિધિઓના સમયે શક્તિસ્તોત્રનો વિશિષ્ટ પ્રકાર ઊંચા અને આંદોલિત સ્વરે ગવાય છે અને તે ગાનરચનાના પ્રત્યેક શબ્દના પ્રત્યેક અક્ષરની વચ્ચે હા-હે-હો જેવા બીજમંત્રરૂપ અક્ષરો ઉમેરીને ગવાય છે, તેને સરજૂ કહેવામાં આવે છે. છંદ, અષ્ટક, ગરબો, વધાઈ, આરણ્યું અને આરતી-થાળ જેવો જ, મુખ્યત્વે શક્તિસ્તોત્રગાનનો આ પ્રકાર છે. છંદ, અષ્ટક, ગરબો, આરતી-થાળ ગુજરાતમાં સર્વત્ર ગવાતા શક્તિસ્તોત્રગાનના પ્રકારો છે; જે જાતિજ્ઞાતિના બાધ વગર હરકોઈ ગાય છે. પરંતુ સરજૂ, રેગડી (કે રેગ્ડી/રેલી/રેડી) અને આરણ્યું તથા સાવળ સ્તોત્રગાનના એવા પ્રકારો છે, જે અમુક નિશ્ચિત જાતિજ્ઞાતિ દ્વારા જ ગાવામાં આવે છે. સરજૂ જેમ સૌરાષ્ટ્રના વૈશ્યસુતાર અને સોરઠિયા તથા ભોપા રબારીઓમાં ગવાતા પ્રકારો છે તેમ રેગ્ડી મુખ્યત્વે ઉત્તર ગુજરાતના પાટણવાડિયા રબારીઓ દ્વારા ગાવામાં આવતો પ્રકાર છે. એનું ગાન પણ સરજૂની જેમ ઊંચા અને આંદોલિત સ્વરે થાય છે; પરંતુ તેમાં પ્રત્યેક શબ્દના પ્રત્યેક અક્ષરની વચ્ચે વિશેષ સ્વરો ભરવામાં આવતા નથી, તેથી સાંભળનાર જે ગવાતું હોય એના શબ્દો જાણી શકે છે; પરંતુ સરજૂ-ગાનમાં પ્રત્યેક શબ્દમાં હા-હે-હો ઉમેરાયેલાં હોવાથી શું ગવાય છે તે પારખી શકાતું નથી અને ગવાતા સ્તોત્રનો પાઠ ગુપ્ત રહે છે. સરજૂમાં જે કંઈ સ્તોત્ર ગવાય તેનો પાઠ જે દીક્ષિત નથી એનાથી ગુપ્ત જ રહેવો જોઈએ, એવી ધાર્મિક માન્યતા છે તેથી એનો પાઠ કોઈને પણ જણાવવામાં આવતો નથી કે એને લિખિત રૂપ પણ આપવામાં આવતું નથી.

સરજૂનો આરંભ સૌરાષ્ટ્રમાં દશમી સદીમાં થયો. ઘેડ પંથકમાં જરિયાવાડા નામના ગામમાં પરસોત્તમ મહેતા નામના વૈશ્યસુતારની પત્ની ગંગાબાઈએ પુત્રને જન્મ આપ્યો. એનું નામ જલ્હણ/જાલણ. એને એક સાધુ કૈલાસપર્વતના માનસરોવરે લઈ ગયા. અહીં જાલણે સારેરાવળ નામના માતાના પૂજારી પાસે સામગાનનું શિક્ષણ લીધું. બાર વર્ષ પછી શિક્ષણ પૂર્ણ કરી જાલણ પોતાની સાથે મોર, હંસ અને પાંચ શંખનાં પવિત્ર પ્રતીકો લઈ પોતાને વતન આવવા નીકળ્યા અને સાંગાવાડી ડેરી નામના ગામમાં પવિત્ર પ્રતીકોવાળી કાવડ વૃક્ષની ડાળ પર લટકાવી સ્નાન કરવા ગયા ત્યારે રમતાં રમતાં આવી ચડેલા રબારીઓનાં બાળકોએ કાવડ નીચે ઉતારી કરંડિયો ખોલ્યો. હંસ ઊડી ગયો, મોરને કૂતરાંએ ફાડી ખાધો અને પાંચ પવિત્ર શંખ ધૂળમાં પડ્યા. જાલણ નાહીને પાછા ફર્યા અને પવિત્ર પ્રતીકોની અવદશા જોઈ દુ:ખી થયા અને તે જગ્યાએ મમ્માઈ માતાના સાંગાવાડી ડેરીના આદિ મઢની સ્થાપના કરી. રબારીઓ પણ જાલણના શિષ્યો થયા. જાલણે તેમને તથા પોતાની જ્ઞાતિના વૈશ્યસુતારોને સામગાનની પદ્ધતિએ માતૃસ્તોત્રના ચર્યાગીતની ગાનપદ્ધતિ શીખવી. એ ગાનપદ્ધતિ સરજૂ-ગાન તરીકે ઓળખાય છે. ઈ. સ. 962માં જાલણે સમાધિ લીધી. ચોરવાડ, શિડોકર, લોંજ, બળેજ અને ઓડદર – એમ પાંચ મુખ્ય મઢ છે. તેમાં સરજૂ ગવાય છે. રબારીઓના મઢમાં સાંગાવડા ડેરીનો મઢ તે આદિમઢ અને શિડોકર, ચોરવાડ, લોંજ, બળેજ અને ઓડદરના મઢ મુખ્ય મઢ છે. આ ઉપરાંત વિસાવાડા અને વેરાવળ ખાતે પણ માતાના મઢ છે. આ મઢ મોહમાયા-મમ્માઈ માતાના છે; જે ‘તોતળાદેવી’ તરીકે પણ ઓળખાય છે. બળેજ, ઓડદર અને વેરાવળમાં જે ત્રણ મઢ છે તે રબારીઓના શિકોતર માતાના મઢ છે અને ત્યાં પણ સરજૂ ગવાય છે. મઢમાં મૂર્તિ હોતી નથી પરંતુ મોરપીંછની ધજા, શંખ, ત્રિશૂળ, ચૂંદડી અને જ્યોત હોય છે.

સામાન્ય રીતે નવરાત્રિમાં માતાના મઢે રબારીઓ અને વૈશ્યસુતારોનો ભક્તસમૂહ ઝાંઝ, કરતાલ અને શહનાઈ સાથે સરજૂ ગાય છે. તે સાંભળતાં જ તનમન પર અદ્ભુત અસર થાય છે. રબારીઓ નકળંકનો પાટ માંડે છે ત્યારે પણ સરજૂ ગવાય છે.

શેલણ/છેલણ પાવી તે બાધાનો ધાર્મિક વિધિ છે, જેમાં ઇચ્છિત ફળ માટે વ્યક્તિ પાંચની સંખ્યામાં બટુકોને જમાડે છે અને બાજોઠ પર જુવાર અથવા ચોખાનું સ્થાપન કરી મોરપીંછની ધજા, કળશ, શ્રીફળની સ્થાપના કરી જ્યોત પ્રગટાવે છે અને ધજાનું આંબાનાં પાન, આકડો અને ગુલાલથી પૂજન થાય છે. મોહમાયા કુંવારિકાનું રૂપ છે તેથી ક્યાંય કંકુનો ઉપયોગ થતો નથી, સર્વત્ર ગુલાલ જ વપરાય છે અને સરજૂ ગવાય છે.

કળશ મોટો વિધિ છે. એમાં જ્ઞાતિજનો ભાગ લે છે અને કળશ-પૂજન કરી સરજૂ ગાય છે. ભૂવાઆતા એટલે કે મુખ્ય ભૂવા જ જુવાર લઈને માતાની આજ્ઞા મળે તો કળશની અનુમતિ આપે છે અને પછી ચોખા-કાંગના સ્થાપન પર ધજા અને જ્યોત પધરાવી ઝાંઝ સાથે સરજૂ ગવાય છે. મધરાતથી આરંભાયેલો કળશવિધિ પ્રભાત સુધી ચાલે છે.

પૂજ મોટામાં મોટો વિધિ છે, જે માતાના મઢમાં જ યોજાય છે. સમગ્ર જાતિસમૂહ એમાં ઉત્સાહભેર ભાગ લે છે અને ઝાંઝ-શરણાઈ સાથે સરજૂ ગવાય છે.

સરજૂમાં જે રચના ગવાય છે તે મુખ્યત્વે દોહા-ચોપાઈમાં હોય છે; પરંતુ સરજૂ મુખ્યત્વે ગાનશૈલી છે એથી અન્ય કોઈ પણ માત્રિક છંદની કે દેશીના ઢાળની રચના પણ સરજૂ રૂપે ગવાય છે ત્યારે એના શબ્દના અક્ષરોમાં વચ્ચે હા-હે-હો ઉમેરવામાં આવે છે. સરજૂમાં ગવાતી રચનાનું કડવું બે, ચાર, આઠ, બાર કે સોળ પંક્તિઓનું હોય છે. કડીની સંખ્યાનો આધાર વિષય પર અવલંબે છે. પાટપૂજનમાં આરંભના ગણેશ-પૂજનની સરજૂ મધ્યમ કદની હોય છે, પરંતુ એમાં કૃષ્ણલીલા કે રામકથા ગવાતી હોય છે ત્યારે કડવાં લાંબાં હોય છે અને આખ્યાનનાં કડવાંની જેમ વલણ-ઊથલો પણ હોય છે. એના અંતની કડીના પૂર્વાર્ધ-ઉત્તરાર્ધમાં સાર પણ હોય છે. વલણને સરજૂ-ગાયકો ધોળ પણ કહે છે. દરેક સરજૂના અંતે ગવાતી લઘુ રચનાને ધોળ કહે છે.

સરજૂના સ્વરો અને ગાનશૈલી સમાન જ હોય છે પરંતુ ઢાળ બદલાય છે ત્યારે તેને ‘સુવેડા’ કહે છે. પ્રસંગને અનુરૂપ રચના સરજૂ રૂપે ગવાય છે અને એને ‘વાણ’ કહે છે. ભારની વાણ, ઓતારની વાણ, ઉતારની વાણ, સુવેડા, આંબારાયણ એ સરજૂના જુદા જુદા પ્રકારો છે; જે જુદા જુદા સમયે ને પ્રસંગે ગવાય છે; જેમ કે, આંબારાયણ શ્રાદ્ધપક્ષના પંદર દિવસોમાં ગાવામાં આવે છે. સુવેડા નવરાતમાં ગવાય છે. કડી અને કડવાના અર્થમાં ‘કડા’ એવો પ્રયોગ થાય છે. 2, 4, 6, 8 કડાની સરજૂ ગવાય તે પછી ધોળ બોલાય, જેમાં ગાયેલી સરજૂનો સાર હોય.

સૌરાષ્ટ્ર તથા રાજસ્થાનમાં ચારણો દ્વારા પણ પોતપોતાની કુળદેવીના ગોખ સામે માતૃસ્તવનની જે રચનાઓ ગવાય છે, તેમને પણ સરજૂ કહે છે; પરંતુ એમનો પાઠ ગુપ્ત હોતો નથી અને તેમાં વચ્ચે વધારાના સ્વરો ભરવામાં આવતા નથી; એથી એ પ્રકાર અસલી સરજૂ-ગાનનો નથી. સરજૂ માટે ‘સરજ’ એવો પણ પ્રયોગ થાય છે.

આમ, સ્તોત્રગાન અને સાંગીતિક જાતિની દૃદૃષ્ટિએ આ અત્યંત મહત્ત્વનો ગીતપ્રકાર છે.

હસુ યાજ્ઞિક