સરકાર, દિનેશચંદ્ર

January, 2007

સરકાર, દિનેશચંદ્ર [. 8 જૂન 1907, કૃષ્ણનગર (જિ. ફરીદપુર, બાંગ્લાદેશ); . 10 જાન્યુઆરી 1985] : ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને સંસ્કૃત-પ્રાકૃત-પાલિના મૂર્ધન્ય વિદ્વાન, પ્રસિદ્ધ અભિલેખવિદ અને પ્રાચીન લિપિવિદ તથા સિક્કાશાસ્ત્રી. પિતાનું નામ યજ્ઞેશ્વર અને માતાનું નામ કુસુમકુમારી. 1925માં ફરીદપુર જિલ્લાની શાળામાંથી મૅટ્રિક્યુલેશન પાસ કરી. 1929માં ફરીદપુરની રાજેન્દ્ર કૉલેજમાંથી સંસ્કૃત વિષય સાથે કોલકાતા યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી મેળવી. એમ.એ.ની પરીક્ષા પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયમાં (એપિગ્રાફી અને સિક્કાશાસ્ત્રના ગ્રૂપ સાથે) એ જ યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં પ્રથમ નંબર મેળવીને પાસ કરી અને યુનિવર્સિટીનો સુવર્ણચંદ્રક અને ઇનામો મેળવ્યાં. 1933માં ગયાના વકીલ લલિતકુમાર દાસનાં દીકરી મધુરિમા સાથે એમનાં લગ્ન થયાં.

સંશોધન તાલીમ : 1933થી 35 દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં પ્રો. ડી. આર. ભાંડારકરના માર્ગદર્શન હેઠળ ભારતીય અભિલેખવિદ્યા, લિપિવિદ્યા, સિક્કાશાસ્ત્ર જેવા વિષયોમાં સંશોધનની તાલીમ મેળવી અને સંશોધક તરીકે કાર્ય કર્યું. સાથે સાથે પ્રો. એચ. સી. રાયચૌધરી પાસે પ્રાચીન અને મધ્યકાલીન ભારતના રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ તથા ભૂગોળ વિશેની સંશોધન-તાલીમ મેળવી.

1936માં ‘The Successors of the Satavahanas in the Lower Deccan’ વિશે મહાનિબંધ તૈયાર કરી કોલકાતા યુનિવર્સિટીની પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1937માં ‘પ્રેમચંદ રાયચંદ સ્ટુડન્ટશિપ’ હેઠળ ‘Ruling Dynasties of the Eastern Deccan’ વિશે એમણે કરેલ સંશોધન બદલ એમને કોલકાતા યુનિવર્સિટી તરફથી સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો.

તેમણે 1937થી 1949 દરમિયાન કોલકાતા યુનિવર્સિટીમાં પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં વ્યાખ્યાતા તરીકે જવાબદારી સંભાળી. આર્કિયૉલૉજિકલ સર્વે ઑવ્ ઇન્ડિયામાં આસિસ્ટન્ટ સુપરિન્ટેન્ડેન્ટ અને પછી સુપરિન્ટેન્ડેન્ટ એપિગ્રાફી તરીકે અને સાથે સાથે ભારત સરકારના અભિલેખવિદ તરીકે પણ કાર્ય કર્યું. ડૉ. સરકાર કોલકાતા યુનિવર્સિટીના પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં કાર્મિકેલ પ્રોફેસર તરીકે (1961થી 72), વિભાગીય અધ્યક્ષ તરીકે (1965થી 72) અને સાથે સાથે એ જ વિભાગના સેન્ટર ઑવ્ એડવાન્સ્ડ સ્ટડીના નિયામક તરીકે (1965થી 1974) પણ રહ્યા હતા.

તેમણે મુલાકાતી પ્રાધ્યાપક તરીકે 1974 દરમિયાન યુનિવર્સિટી ઑવ્ પેન્સિલવેનિયા, ફિલાડેલ્ફિયા(યુ.એસ.)માં 1977-78 દરમિયાન ભાગલપુર યુનિવર્સિટીના ઇતિહાસ વિભાગમાં, 1978માં અલ્લાહાબાદ યુનિવર્સિટીના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ વિભાગમાં, 1978-79 દરમિયાન વિશ્વભારતી યુનિવર્સિટી, શાંતિનિકેતનના પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વ વિભાગમાં સેવાઓ આપી હતી.

આમ ચાર દાયકા દરમિયાન ડૉ. સરકારે શિક્ષણક્ષેત્રે અધ્યયન, અધ્યાપન, સંશોધન અને માર્ગદર્શનની ઉત્તમ કામગીરી બજાવી હતી. પ્રાચીનકાલના અનેક સુપ્રસિદ્ધ અભિલેખોનું વાંચન, લિપ્યંતર, સંપાદન અને વિવેચન કરી એ અભિલેખો પ્રકાશિત કર્યા તથા પ્રાચીન સિક્કાઓના સંશોધન દ્વારા સિક્કાશાસ્ત્રમાં પણ એમણે મહત્ત્વનું પ્રદાન કર્યું અને ભારતીય ઇતિહાસના ઘડતરમાં નવી દિશા ઉદ્ઘાટિત કરી. ઇતિહાસ, પુરાતત્ત્વ અને સંસ્કૃત-પ્રાકૃત-પાલિ સાહિત્યની સાથોસાથ અન્ય સંલગ્ન વિદ્યાઓનો પણ એમણે ઊંડો અભ્યાસ કર્યો.

ડૉ. સરકાર ઉત્તમ કોટિના માર્ગદર્શક શિક્ષક હતા. એમણે કોલકાતા યુનિવર્સિટીના માન્ય અનુસ્નાતક શિક્ષક તરીકે પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ વિષયમાં 16 વિદ્યાર્થીઓને પીએચ.ડી.નું માર્ગદર્શન આપવામાં સંશોધનાત્મક અધ્યાપનનો અભિગમ કેળવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન ડૉ. સરકારે દેશ અને વિદેશોની વિવિધ યુનિવર્સિટીઓ અને વિદ્યાસંસ્થાઓમાં અનેક મહત્ત્વના વિષયો પર સંખ્યાબંધ વિદ્વત્તાપૂર્ણ વ્યાખ્યાનો આપ્યાં હતાં.

સંશોધન અને લેખનક્ષેત્રે ડૉ. દિનેશચંદ્ર સરકારની સિદ્ધિઓ અપૂર્વ અને વિરલ છે. ઇતિહાસ, સંસ્કૃતિ, પુરાતત્ત્વ, સંસ્કૃત-પ્રાકૃત-પાલિ ભાષા અને સાહિત્ય, વ્યાકરણ, શબ્દકોશ, અભિલેખ અને લિપિવિદ્યા, સિક્કાશાસ્ત્ર, ઐતિહાસિક ભૂગોળ, મૂર્તિવિજ્ઞાન જેવાં અનેક ક્ષેત્રોમાં તેમણે આપેલા 75 જેટલા મૌલિક અને સંપાદિત ગ્રંથો તેમજ બારસો ઉપરાંત સંશોધનપૂર્ણ અને પરિચયાત્મક લેખો, સમીક્ષાઓ અને નોંધોની સૂચિ જોતાં એમની મેધા અનેક ક્ષેત્રોમાં વિસ્તરેલી જોવા મળે છે. એમના મૌલિક અને સંપાદિત મુખ્ય ગ્રંથો નીચે મુજબ છે :

‘સિલેક્ટ ઇન્સ્ક્રિપ્શન્સ, વૉલ્યુમ I અને II’ (1942, પુનર્આવૃત્તિ 1965 અને 1983), ‘અ ગ્રામર ઑવ્ ધ પ્રાક્રિત લેન્ગ્વેજ’ (1943), ‘શાક્તપીઠસ’ (પુનર્આવૃત્તિ, ધ જર્નલ ઑવ્ ધ રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, વોલ્યુમ XIV, નં. 1, 1948), ‘સ્ટડીઝ ઇન ધ રિલિજીયસ લાઇફ ઑવ્ એન્શિયન્ટ ઍન્ડ મિડીએવલ ઇન્ડિયા’ (1951), ‘ઇન્સ્ક્રિપ્શન્સ ઑવ્ અશોક’ (1957), ‘અર્લી ઇન્ડિયન ઇંડિજીનસ કૉઇન્સ’ (1970), ‘પોલિટિકલ ઍન્ડ એડમિનિસ્ટ્રેટિવ સિસ્ટીમ્સ ઑવ્ એન્શિયન્ટ ઍન્ડ મિડીએવલ ઇન્ડિયા’ (1974), ‘સ્ટડીઝ ઇન યુગપુરાણ ઍન્ડ અધર ટેક્સ્ટ્સ’ (1974), ‘સમ પ્રૉબ્લેમ્સ ઑવ્ ઇન્ડિયન હિસ્ટરી ઍન્ડ કલ્ચર’ (1974), ‘ધ કાન્યકુબ્જ ગોડા સ્ટ્રગલ ફ્રૉમ ધ સિક્સ્થ ટુ ધ ટ્વેલ્ફથ સેન્ચરી, એ.ડી.’ (1985) અને ‘પાલપૂર્વ યુગેર વાંમ્સાનુચરિત’ (બંગાળીમાં, 1945).

પાંત્રીસ વર્ષની ઉજ્જ્વલ કારકિર્દી દરમિયાન વિદ્યોપાસક ડૉ. સરકારે અનેક આંતરરાષ્ટ્રીય તેમજ રાષ્ટ્રીય કૉન્ફરન્સો અને સેમિનારોમાં વિભાગીય પ્રમુખ અને પ્રમુખ તરીકે સેવાઓ આપી હતી અને ઉત્કૃષ્ટ સન્માનો પ્રાપ્ત કર્યાં હતાં.

સમરેશ બંદ્યોપાધ્યાય

અનુ. ભારતી શેલત