સરકાર, જદુનાથ (સર)

January, 2007

સરકાર, જદુનાથ (સર) (. 10 ડિસેમ્બર 1870, કરચમારિયા, રાજશાહી જિલ્લો, હાલમાં બાંગ્લાદેશ; . 19 મે 1958) : ભારતના એક મહાન ઇતિહાસકાર. તેમના પિતા રાજકુમાર સારી સ્થિતિના, પ્રબુદ્ધ વિચારો ધરાવતા જમીનદાર તથા માતા હરિસુંદરી ધાર્મિક વૃત્તિનાં સદ્ગુણી મહિલા હતાં. જદુનાથે પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં, માધ્યમિક શિક્ષણ રાજશાહીમાં અને ઉચ્ચ શિક્ષણ પ્રેસિડેન્સી કૉલેજ, કોલકાતામાં લીધું હતું. તેમણે 1892માં કલકત્તા યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા અંગ્રેજી સાહિત્ય સાથે પાસ કરી પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યા અને અગાઉના બધા વિક્રમો તોડ્યા.

જદુનાથ સરકાર (સર)

ઇંગ્લૅન્ડ જઈને વધુ અભ્યાસ કરવા માટે મળતી સરકારી શિષ્યવૃત્તિનો તેમણે અસ્વીકાર કર્યો અને જૂન 1893માં કોલકાતાની રિપન કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક તરીકે તેઓ નિમાયા. 1897માં તેમને પ્રેમચંદ રાયચંદ શિષ્યવૃત્તિ મળી. બીજે વર્ષે પ્રાંતિક શિક્ષણ સેવામાં તેઓ પસંદ થયા અને પ્રેસિડેન્સી કૉલેજમાં અંગ્રેજીના અધ્યાપક નિમાયા. ઈ. સ. 1901માં તેમના સંશોધનનો પ્રથમ ગ્રંથ ‘ઇન્ડિયા ઑવ્ ઔરંગઝેબ’ પ્રગટ થયો. તેનાથી પ્રથમ કક્ષાના સંશોધક અને ઇતિહાસકાર તરીકે તેમણે પ્રતિષ્ઠા મેળવી. તે પછી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં ઇતિહાસના અધ્યાપક તરીકે સેવા આપ્યા બાદ, ઇન્ડિયન એજ્યુકેશનલ સર્વિસમાં તેમને બઢતી મળી. રેવનશા કૉલેજ, કટક અને પટણાની કૉલેજમાં સેવા આપ્યા બાદ તેઓ નિવૃત્ત થયા.

જદુનાથ અંગ્રેજી અને સંસ્કૃત ઘણું સારું જાણતા હતા. ઇતિહાસકાર બનવા વાસ્તે તેઓ ફારસી અને મરાઠી અને તે પછી જરૂરિયાત મુજબ રાજસ્થાની, હિંદી, ફ્રેન્ચ, જર્મન તથા પોર્ટુગીઝ ભાષાઓ શીખ્યા. તેમણે ભારત, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, પોર્ટુગલ તથા જર્મનીમાંથી મહત્ત્વની સંખ્યાબંધ ફારસી હસ્તપ્રતો શોધીને ભેગી કરી. તેમણે યુરોપનાં જાણીતાં ગ્રંથાલયોમાંથી અને દિલ્હી, લાહોર, પટણા, હૈદરાબાદ, રામપુર તથા પહેલાંનાં ઇસ્લામીક વિદ્યાનાં કેન્દ્રોમાંથી પોતાને ખર્ચે હસ્તપ્રતોની નકલો કરાવી લીધી. આ સર્વે મૂળ સ્રોતોના તલસ્પર્શી અભ્યાસના પરિણામે, પ્રેમચંદ રાયચંદ શિષ્યવૃત્તિથી તૈયાર કરેલી તેમની થીસિસ ‘ઇન્ડિયા ઑવ્ ઔરંગઝેબ, ઇટ્સ ટૉપોગ્રાફી, સ્ટેટિસ્ટિક્સ ઍન્ડ રોડ્ઝ’ 1901માં પ્રગટ કરવામાં આવી. આ સંશોધનાત્મક વિદ્વત્તાપૂર્ણ ગ્રંથ તૈયાર કરતાં તેમણે નવ વર્ષ ગાળ્યાં હતાં.

જદુનાથે સંશોધન વાસ્તે મુઘલ સમય તથા તેમાં ઔરંગઝેબની પસંદગી કરી હતી. શાહજહાંના અમલ દરમિયાન સૂબા તરીકે અને સમ્રાટ બન્યા બાદ છેલ્લાં પચીસ વર્ષ મળીને કુલ 40 વર્ષ તેણે દખ્ખણમાં વિતાવ્યાં હતાં. તેથી તેની હિલચાલ તથા દસ્તાવેજોમાંનાં સ્થળનામો અને વ્યક્તિનામો જાણવા, ઇતિહાસમાં રસ ધરાવતા મરાઠી ભાષા અને તે પ્રદેશના જાણકાર એવા જી. એસ. સરદેસાઈની તેમણે મદદ લીધી. તેઓ બંનેએ 54 વર્ષ સુધી સહકારથી કામ કરીને, 65 જેટલા ઇતિહાસના અમૂલ્ય ગ્રંથોની દેશને ભેટ ધરી.

થીસિસ પૂરો કર્યા પછી જદુનાથે ‘હિસ્ટરી ઑવ્ ઔરંગઝેબ’ વિશે પાંચ ગ્રંથો લખવાનું શરૂ કરી, તે માટે 24 વર્ષ મહેનત કરી. ઔરંગઝેબના અભ્યાસની સાથે તેમણે મરાઠાઓના ઇતિહાસ પર પણ સંશોધન કરીને, ‘શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ્સ’ શીર્ષક હેઠળ અભ્યાસપૂર્ણ ગ્રંથ પ્રસિદ્ધ કર્યો. ત્યારબાદ મુઘલ સામ્રાજ્યના પતનનું વર્ણન કરતા ચાર ગ્રંથો લખવાનું આરંભી, આ શ્રેણીનો છેલ્લો ગ્રંથ 1950માં પ્રગટ કર્યો. આ મહાન ઇતિહાસકારનું છેલ્લું પ્રદાન ‘મિલિટરી હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’નો ગ્રંથ તેમના અવસાન પછી, 1960માં પ્રગટ થયો. તેમના લખેલા 65 ગ્રંથો ઉપરાંત ‘કેમ્બ્રિજ હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’ ગ્રંથ 4માં ચાર પ્રકરણ, ‘મૉડર્ન રિવ્યૂ’ સામયિકમાં આશરે 60 સંશોધન-લેખો, ‘બેંગાલ પાસ્ટ ઍન્ડ પ્રેઝન્ટ’માં લેખો, ‘પ્રોસીડિંગ્ઝ ઑવ્ ધી ઇન્ડિયન હિસ્ટૉરિકલ રેકર્ડ્ઝ કમિશન’માં અનેક પેપરો તથા ‘હિંદુસ્તાન સ્ટાન્ડર્ડ’ સાપ્તાહિકમાં ઇતિહાસ વિષયના 35 લેખો તેમણે લખ્યા હતા. તેમણે બંગાળી ભાષામાં પણ અનેક લેખો લખ્યા હતા.

‘ઇન્ડિયા ઑવ્ ઔરંગઝેબ’ તેમનો માત્ર ઇતિહાસનો ગ્રંથ નથી; પરંતુ 17મા સૈકાના ઉત્તરાર્ધમાં ભારતના ભૌતિક પાસાનો તે પ્રાથમિક હેવાલ છે. તે ગ્રંથ લખવામાં તેમણે 1759માં લખાયેલા રાય છત્રમાનના ‘ચહર-એ-ગુલશન’ નામના ફારસી ગ્રંથનો આધાર લીધો છે. તેમાં 17મી સદી તથા 18મી સદીના પૂર્વાર્ધનો ભારતના ધાર્મિક સંપ્રદાયોનો ઇતિહાસ આલેખ્યો છે. તે પછી જદુનાથે ઔરંગઝેબનો ઇતિહાસ લખવા માંડ્યો. તેના પહેલા ગ્રંથમાં તેમણે શાહજહાનના વહીવટ તથા શાહજાદા અને સૂબા તરીકે કેટલાક પ્રાંતોમાં ઔરંગઝેબની કામગીરીનું વિવેચન કર્યું છે. તે શ્રેણીના બીજા ગ્રંથમાં વારસાવિગ્રહનું આબેહૂબ આલોચનાત્મક વર્ણન કર્યું છે; અને ઔરંગઝેબની સફળતાનાં કારણો જણાવ્યાં છે. ત્રીજા ગ્રંથમાં તેના શાસનકાળનાં શરૂનાં પગલાં, વહીવટના સિદ્ધાંતો અને નીતિઓ, ચોથામાં દખ્ખણનું રાજકારણ અને પાંચમા ગ્રંથમાં તેના મૃત્યુ સુધીની મરાઠાઓ પ્રત્યેની નિષ્ફળ નીતિ અને ઉત્તર ભારતમાં તેની ગેરહાજરી દરમિયાન પ્રવર્તેલી અરાજકતાનું વર્ણન કર્યું છે.

મરાઠાઓના ઇતિહાસનો પણ તેમણે ઊંડો અભ્યાસ કર્યો. તેના પરિણામે તેમણે ‘શિવાજી ઍન્ડ હિઝ ટાઇમ્સ’ નામનો ગ્રંથ 1919માં પ્રગટ કર્યો. તેમાં તેમણે જણાવ્યું હતું કે અદ્ભુત સફળતા મળવા છતાં તે મરાઠા નાયક રાષ્ટ્રનું સર્જન કરવામાં નિષ્ફળ ગયો, અને તેની મોટા-ભાગની સંસ્થાઓ મૌલિક ન હતી. આ વિધાનો મહારાષ્ટ્રના રાષ્ટ્રવાદી ઇતિહાસકારોની તથા શિવાજીની પ્રતિષ્ઠાને હાનિકારક હોવાથી, પુણેમાં ઉશ્કેરાટ ફેલાયો; પરન્તુ તેનાથી જદુનાથના પેટનું પાણી પણ હાલ્યું નહિ.

મુઘલ સામ્રાજ્યના પતનની મોટી યોજના હાથ ધરતાં પહેલાં, તેમણે ‘મુઘલ એડમિનિસ્ટ્રેશન’, ‘ઇન્ડિયા થ્રૂ ધ એઇજિઝ’ (આર્યો, બૌદ્ધો, મુઘલો તથા અંગ્રેજોનું પ્રદાન વર્ણવતો વિદ્વત્તાપૂર્ણ હેવાલ) અને ‘સ્ટડીઝ ઇન મુઘલ ઇન્ડિયા’ નામના ગ્રંથો પ્રગટ કર્યા. ‘ફૉલ ઑવ્ ધ મુઘલ એમ્પાયર’ના પ્રથમ ગ્રંથમાં 1739માં નાદીરશાહ પાછો ગયો ત્યાંથી આરંભીને બાદશાહ અહમદશાહનો જૂન, 1754 સુધીનો ઇતિહાસ છે. તેનો છેલ્લો અને ચોથો ગ્રંથ 1803માં અંગ્રેજોએ દિલ્હી અને આગ્રા જીતી લીધાં ત્યાં સુધીનો હેવાલ છે. આ ચિરસ્મરણીય કાર્ય કરવા સહિત જદુનાથે ‘હાઉસ ઑવ્ શિવાજી’ ગ્રંથ લખ્યો. આ કાર્ય, 17મી સદીના મરાઠા ઇતિહાસના દસ્તાવેજો તથા વ્યક્તિવિશેષોનો અમૂલ્ય ગ્રંથ છે. જદુનાથના અવસાન પછી, 1960માં પ્રગટ થયેલ ‘મિલિટરી હિસ્ટરી ઑવ્ ઇન્ડિયા’માં ભારતની ભૂમિ ઉપર લડાયેલ કેટલીક અગત્યની લડાઈઓનો આબેહૂબ ચિતાર આપી, ભારતમાં વિકસેલ યુદ્ધની કળાનો રસપ્રદ અભ્યાસ રજૂ કર્યો છે.

જદુનાથની સંશોધન-પદ્ધતિ વિશે જાણવું ઘણું મહત્ત્વનું છે. 19મી સદીના છેલ્લા દાયકામાં, ઔરંગઝેબના ઇતિહાસ વિશે સંશોધન કરતાં પહેલાં, સમકાલીન ઇતિહાસોનો ઉપયોગ કર્યો હોય તો, સારું કામ કર્યું ગણાતું. તે વખતે ફારસી ભાષાના દરબારના ઇતિહાસો ઉપરાંત, વધારે સાધનોની જાણ ન હતી. ઐતિહાસિક પત્રો, ડાયરીઓ, દરબારનાં બુલેટિનો અને ન્યૂઝ લેટર્સની ઘણા લોકોને ખબર ન હતી. વિવિધ ભાષાઓમાં, બધા અસલ (મૂળ) સમકાલીન સ્રોતો મેળવવાનો આગ્રહ રાખનાર જદુનાથ પ્રથમ હતા. દરબારના ઇતિહાસકારો (તવારીખકારો) તથા અન્ય લેખકોના ઇતિહાસોથી તેમને સંતોષ થતો નહિ. દરબારના ઇતિહાસકારોના ગ્રંથોની તેઓ ચકાસણી કરતા અને નિરાધાર લાગે તો તે સ્પષ્ટતાથી જાહેર કરતા. મરાઠી બખરો અને રાજસ્થાની કાવ્યોને તેઓ ‘અફીણિયાની વાર્તાઓ’ કહેતા. જદુનાથ માત્ર લેખિત સાધનો ઉપર સંપૂર્ણ આધાર રાખવાને બદલે ઐતિહાસિક સ્થળોની જાતે મુલાકાત લઈ માહિતી મેળવતા. તેમણે મુઘલ યુગના કિલ્લા, ખીણો તથા લડાઈઓનાં સ્થળોનું જાતે નિરીક્ષણ કર્યું હતું.

મરાઠી ઇતિહાસનાં મુખ્ય સાધનો – બખરોને જદુનાથે અવિશ્વસનીય માન્યાં હોવાથી, મહારાષ્ટ્રના ઇતિહાસકારો તેમના ઉપર ક્રોધે ભરાયા હતા. અલબત્ત, જદુનાથે તે માટે અનેક પુરાવા આપ્યા હતા. મંદિરોનો નાશ કરવાના તથા હિંદુઓને પજવવાનાં ઔરંગઝેબનાં કાર્યોને પુસ્તકમાંથી દૂર ન કરવા માટે અલ્લાહાબાદના ઇતિહાસકારો તેમને દોષ દે છે; પરન્તુ ઑક્સફર્ડના ડૉ. સી. સી. ડૅવિસે જદુનાથના પક્ષપાતવિહીન વલણ વિશે જણાવ્યું હતું કે ઉત્તર ભારતમાં મરાઠા હુમલાખોરોએ કરેલા અત્યાચારોનું વર્ણન વાંચીને વાચક કબૂલ કરશે કે જદુનાથે મુસ્લિમ શાસકો પ્રત્યે પૂર્વગ્રહ રાખ્યાનો આક્ષેપ ખોટો છે.

ભારતમાં તથા વિદેશોમાં જદુનાથની શૈક્ષણિક સિદ્ધિઓની પ્રશંસા થઈ હતી. રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડે 1923માં તેમને માનાર્હ સભ્ય તરીકે ચૂંટ્યા હતા. તે સમયે સમગ્ર વિશ્વમાં આ માન માત્ર ત્રીસ વિદ્વાનોને મળ્યું હતું. મુંબઈની રૉયલ એશિયાટિક સોસાયટીએ, તે પછી ત્રણ વર્ષે, તેમને કૅમ્પબેલ ગોલ્ડ મેડલ અને માનાર્હ ફેલોશિપ 1926માં આપ્યાં. જદુનાથને 1926માં સી. આઇ. ઈ. અને 1929માં ‘સર’નો ઇલકાબ મળ્યો. ઇંગ્લૅન્ડની ધ રૉયલ હિસ્ટૉરિકલ સોસાયટીએ 1935માં તેમને આજીવન માનાર્હ સભ્ય બનાવ્યા. વિદેશોની આ વિદ્યાકીય સંસ્થાઓ દ્વારા આવું બહુમાન મેળવનાર તેઓ એકમાત્ર એશિયન હતા.

જદુનાથ પોતાના સમયના ભારતના સૌથી મહાન ઇતિહાસકાર અને વિશ્વમાં મહાન ઇતિહાસકારોમાંના એક હતા. ડૉ. કે. આર. કાનુન્ગો અને ડૉ. એ. એલ. શ્રીવાસ્તવ (આગ્રા યુનિ.) જેવા પ્રસિદ્ધ ઇતિહાસકારો તેમના શિષ્યો હતા.

જયકુમાર ર. શુક્લ