સરકાર, બાદલ (. 1925) : બંગાળના જાણીતા નાટ્યકાર, નટ-દિગ્દર્શક, નાટ્યવિદ. મૂળ નામ સુધીન્દ્ર. વ્યવસાયનો આરંભ સિવિલ એન્જિનિયર તરીકે; પરંતુ કલાના રસને લીધે તેમણે નાટ્યલેખન અને પછી નાટ્યસર્જક તરીકે પ્રદાન કર્યું. 1967 સુધી પોતાની ‘ચક્ર’ નાટ્યસંસ્થા દ્વારા દર વર્ષે એક કૉમેડી નાટકનું લેખન અને પ્રસ્તુતિ એ કરતા, પણ એનો એકથી વધુ શો ક્યારેય કરતા નહિ. આ ‘ચક્ર’માં અર્થશાસ્ત્રીઓ, શિક્ષકો અને જાગ્રત રાજકારણીઓ સહકુટુંબ નાટકો જોવા આવતાં. એ નાટકોમાં ઠઠ્ઠાચિત્રો અને હાસ્યજનક પરિસ્થિતિ રજૂ થતી અને આ નાટ્યરસિક જૂથ એ માણતું. 1957થી 1967ની વચ્ચે બાદલ સરકાર વિદેશોના અનેક જાણીતા નાટ્યદિગ્દર્શકોના સંપર્કમાં આવ્યા. યુરિ લ્યુબિમૉવ, જોઆન લિટલવૂડ, પ્રાગના સિનોહર્ની ક્લબ થિયેટર અને પોલૅન્ડના વ્રોકલો શહેરના નાટ્યદિગ્દર્શક જર્ઝી, ગ્રેતૉવ્સકી વગેરેને લીધે રંગભૂમિ પ્રત્યેની એમની દૃષ્ટિ ખૂલી અને ‘શતાબ્દી’ નામનું નાટ્યજૂથ 1967માં સ્થાપ્યું. એ પહેલાં ‘પગલા ઘોડા’, ‘એવમ્ ઇન્દ્રજિત’, ‘બાકી ઇતિહાસ’ વગેરે નાટકોથી એ રાષ્ટ્રીય કક્ષાના નાટ્યકાર તો બની જ ગયા હતા, કારણ કે ‘એવમ્ ઇન્દ્રજિત’ નાટકનું મંચન બંગાળી ઉપરાંત હિન્દી, કન્નડ, અંગ્રેજી અને ગુજરાતી ભાષાઓમાં બી. વી. કારંથ, સત્યદેવ દૂબે, પ્રવીણ જોશી, શ્યામાનંદ જાલાન અને ગિરીશ કર્નાડ વગેરેએ રજૂ કર્યું હતું. એમનું ‘બાકી ઇતિહાસ’ નાટક પણ એવું જ દર્શકપ્રિય બન્યું હતું. એ નાટકોને હવે એ પોતાનાં નાટકો ગણાવતા નથી. બાદલદા કહે છે : ‘હું નાટ્યલેખક કે દિગ્દર્શક નથી, હું નાટ્યસર્જક (પ્લે-મેકર) છું.’ ‘શતાબ્દી’ દ્વારા એમણે લોકો હોય ત્યાં, એમના રહેણાક અને પ્રવૃત્તિની જગ્યાએ જઈને, મકાનોની કૉલોનીઓમાં, ફૅક્ટરીઓમાં, રસ્તાઓ ઉપર, બાગબગીચાઓ અને પુસ્તકાલયોમાં નાટકો ભજવવા માંડ્યાં. એમનું એ થિએટર ‘આંગણમંચ’ તરીકે જાણીતું બન્યું.

બાદલ સરકાર

એ પછી એમણે મંચ ઉપર નટો અને સામે પ્રેક્ષાગૃહમાં પ્રેક્ષકો – એ રીતે ‘આમને-સામનેના નટ-પ્રેક્ષકના સંબંધો/સંપર્કો’ થાય એવા પ્રોસેનિયમ આર્ક(proscenium arch)વાળાં થિયેટરોમાં નાટક ભજવવાનો સંપૂર્ણ ત્યાગ કર્યો. તે હવે પ્રેક્ષકો વચ્ચે, 360°ના ખૂણેથી પ્રેક્ષકો નિહાળી શકે એ રીતે, નાટકો ભજવે છે. દેશની નાટ્યપ્રણાલીનો અભ્યાસ કરીને એમણે એ પ્રવૃત્તિના બે ભાગ પાડ્યા અને કહ્યું કે વિદેશી ધૂંસરી નીચે અને એની સાંસ્કૃતિક અસર તળે ભારતમાં શહેરી અને ગ્રામ એવી બે પ્રકારની થિયેટર-પરંપરા છે, જેથી એ પોતાના થિયેટરને ‘ત્રીજું થિયેટર’ ગણાવતા;  જોકે એ પછી એને તેઓ ‘થિયેટર ઑવ્ સિન્થેસિસ’ (સમન્વયનું થિયેટર) ગણાવે છે. આ પ્રકારનું એમનું પહેલું નાટક તે ‘વલ્લભપુરની રૂપકથા’ (1970) અને પછીનું નાટક તે ‘સરઘસ’. એ બંનેમાં એમણે સામાજિક સંદર્ભને ધ્યાનમાં લઈ નવી જ નાટ્યપ્રણાલી ઊભી કરી. સમાજનાં શોષિત લોકોના પ્રશ્નોને એ વાચા આપતા અને અવનવી આકર્ષક અપૂર્વ કહેવાય એવી નાટ્યક્ષણ પકડતા – ‘સ્પૉર્ટક્સ’ (1973), ‘પ્રસ્તાવ’ (1973), ‘ભંગમાનુષ’ (1976), ‘ભોમા’ (1976), ‘વાસી ખબર’ (1979), ‘ભૂલ’, ‘રાસ્તા’ (1989) વગેરે એમનાં ખૂબ જાણીતાં મૌલિક નાટકો છે. એમણે વિદેશની કેટલીક પ્રશિષ્ટ કૃતિઓનું નાટ્યરૂપાંતર પણ કર્યું છે – ‘કોકેસિયન ચૉક સર્કલ’ (1978), ‘મરાત’, ‘સાદ’ (1980) વગેરે અને કેટલીક સાહિત્યકૃતિઓને પણ તખ્તે પ્રસ્તુત કરી છે.

બાદલ સરકારનું બીજું મહત્ત્વનું પ્રદાન તે તખ્તે તેઓ પ્રકાશ વેશભૂષા, રંગભૂષા કે સન્નિવેશની જંજાળ ઊભી નથી કરતા, અને નટોનાં શરીર અને અવાજ દ્વારા જ નાટ્યસર્જન કરે છે. બાદલ સરકારે આ વાતના વિચારપ્રસાર માટે એક રીતે તો દેશમાં એક અભિયાન જ ચલાવ્યું છે અને એ માટે અનેક શહેરો અને સંસ્થાઓમાં નાટ્ય- વર્કશૉપ કરી છે.

ગુજરાતને એમનો પહેલો પરિચય 1981માં નાટ્ય-વર્કશૉપ દ્વારા થયો. એમના વિચારને આગળ ધપાવવા એ પછી એમણે અમદાવાદમાં ત્રણ વર્કશૉપ કર્યાં. આજે અનેક સંસ્થાઓ ગુજરાતમાં અને દેશભરમાં બૉડી લૅંગ્વેજને (આંગિક અભિનયને) કેન્દ્રમાં રાખી નાટ્યલેખન અને પ્રસ્તુતિ કરે છે. અમદાવાદમાં ઇસરો, ગુજરાતી સાહિત્ય પરિષદ અને ‘ગૅરેજ સ્ટુડિયો’ થિયેટર માટે ‘સરઘસ’ (1983) નાટક કરાવ્યું હતું. ગુજરાતી સાહિત્ય પરિષદમાં બાદલ સરકારે ‘માણસ’ (1982) નાટક તૈયાર કર્યું હતું. બાદલ સરકારની સમગ્ર નાટ્યપ્રવૃત્તિનું બીજું મોટું પરિણામ એ પણ દેખાય છે કે વ્યાપારી રંગભૂમિને સમાંતર ચાલતી પ્રયોગશીલ નાટ્યપ્રવૃત્તિમાં પ્રેક્ષકોને એમણે કેન્દ્રસ્થાને મૂક્યા, અને લોકોની સામે, અને ક્યારેક તો લોકોની સાથે, એમણે નાટ્યપ્રયોગો કર્યા. શેરીનાટકોની આખી પ્રવૃત્તિ પર તેમણે બહુ જ મોટો પ્રભાવ પાડ્યો છે અને એનું પરોક્ષ માર્ગદર્શન કર્યું છે. નાટ્યલેખન અને નાટ્ય-પ્રસ્તુતિમાં ભારતીય રંગભૂમિના મશાલધારી રંગકર્મી તરીકે તેઓ અગ્રેસર છે.

હસમુખ બારાડી