સરકાર : રાજ્યનું એક અંગ તથા માનવજાતને વ્યવસ્થા પૂરી પાડતી સૌથી જૂની તથા સૌથી અગત્યની સંસ્થા. એકલદોકલ જીવન જીવતા માનવમાંથી સામૂહિક જીવનની શરૂઆત થતાં સમુદાય માટે કોઈ ને કોઈ પ્રકારના નિયમોની જરૂર ઊભી થઈ. આથી પ્રાથમિક સમાજોએ તેમનું સુવ્યવસ્થિત કે કાચુંપાકું વ્યવસ્થાનું માળખું ઊભું કર્યું ત્યારથી સરકારનો આરંભ થયો. સમાજની રચના થતાં અનેક સમજૂતી અને બાંધછોડ થતી રહી તેમ સરકારની રચનાની દિશામાં પણ બન્યું. માનવની સ્વતંત્રતા, સંપત્તિ અને સલામતીના પ્રશ્નો પેચીદા બનતાં, પ્રાથમિક વ્યવસ્થામાંથી સરકારની રચનાની દિશામાં ચોક્કસ ગતિ સાંપડી. એ સાથે કોઈક પ્રકારના નિયમો વિકસતાં, નિયમોનું પાલન કરાવવું એ વ્યવસ્થાપકની અનિવાર્યતા બની. આમ નિયમોનું પાલન કરાવનાર સરકાર સત્તા પામતી ગઈ, જેમાંથી રાજ્ય અને સરકારનો વ્યવસ્થિત ઢાંચો ક્રમશ: ઘડાતો ગયો. આ સંદર્ભમાં સરકાર એ માનવસમાજની અનિવાર્યતા છે. માનવીય વ્યવહાર અને સામાજિક વ્યવહાર કેટલાક મૂળભૂત નિયમો દ્વારા વ્યવસ્થિત બનતાં સરકારની સંસ્થા કાયમી બનતી ગઈ અને સત્તાની મદદથી નિયમોનું પાલન સમાજનું કાયમી લક્ષણ બની રહ્યું. ટૂંકમાં, સરકાર સત્તાની મદદથી નિયમોનું પાલન કરાવે છે. વ્યવસ્થાની અનિવાર્યતાને કારણે તેની આ સત્તા સર્વોચ્ચ સ્થાન પામી. સાર્વભૌમ સત્તાની મદદથી કોઈ પણ સરકાર શાસન ચલાવે છે. સત્તાની મદદથી ટકી રહેતી સરકારની મુખ્ય વિશેષતા એ છે કે તે બળના કાયદેસરના ઉપયોગની ઇજારાશાહી ધરાવે છે. કાયદેસરની સત્તાનો ઉપયોગ એકમાત્ર સરકાર જ કરી શકે છે, અન્ય કોઈ નહિ. બીજી તરફ સરકારની સૌથી મહત્ત્વની જરૂરિયાત એ હોય છે કે તે લોકસ્વીકૃતિ (legitimacy) ધરાવતી હોવી જોઈએ. લોકોની માન્યતા ન ધરાવતા સમ્રાટ, સલ્તનત કે શાસકને પ્રજા સત્તાસ્થાનેથી પદભ્રષ્ટ પણ કરી શકે છે. લોકસ્વીકૃતિ ન ધરાવતી સરકાર વિરુદ્ધ પ્રજા માથું ઊંચકે, બળવાનો કે ક્રાંતિનો પ્રયાસ કરે તેવી શક્યતા વધી જાય છે. આમ સત્તા અને લોકસ્વીકૃતિ કોઈ પણ સરકારના બે બાહુઓ છે, જે વિના શાસન સંભવિત નથી. આ સંદર્ભમાં પ્રત્યેક સરકારનું કાર્ય પ્રજાની તેમજ નાગરિકોની સ્વતંત્રતા, સ્થિરતા, સલામતી, આર્થિક તેમજ સામાજિક જરૂરિયાતો પૂરી કરવાનું છે. આ કાર્યો કરવા માટે કાયદો અને વ્યવસ્થાની મદદ લઈ સરકાર જે તે રાજ્યમાં શાંતિ જાળવી રાખવા સતત પ્રયાસ કરે છે. આથી જ કાયદા ઘડવા, કાયદાઓનો અમલ કરાવવો અને કાયદાના ભંગ બદલ શિક્ષા કરવી તે સરકારની મુખ્ય પ્રવૃત્તિ છે. બીજા શબ્દોમાં આ જ વાત વ્યક્ત કરીએ તો સરકાર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર દ્વારા શાંતિ અને સલામતી જાળવી રાખે છે. જે તે સમય અને સમાજના સંદર્ભમાં સરકારને વ્યાપક કાર્યક્ષેત્ર પ્રાપ્ત થાય છે. વળી, આધુનિક સરકારોને તો અતિશય વ્યાપક કાર્યક્ષેત્ર સાંપડ્યું છે. નાગરિકના વ્યક્તિગત જીવનથી માંડીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તર સુધી સરકારો ક્રિયાશીલ હોય છે. સામાન્યતયા ‘રાજ્ય’ અને ‘સરકાર’ શબ્દો લગભગ સમાનાર્થી માની લેવાય છે અને તે રીતે તેનો વપરાશ થાય છે; પરંતુ વાસ્તવમાં બંને શબ્દો અલગ અલગ અર્થ ધરાવે છે. રાજ્ય બને છે વસ્તી, વિસ્તાર, સરકાર અને સાર્વભૌમત્વથી. એટલે કે સરકાર રાજ્યનું એક અનિવાર્ય ઘટક છે. જ્યારે સરકાર (1) ધારાસભા, (2) કારોબારી અને (3) ન્યાયતંત્ર – એમ ત્રણ ઘટકો થકી સંચાલિત થાય છે. અલબત્ત, રાજ્યના અસ્તિત્વની પ્રતીતિ સરકારના આ ત્રણ ઘટકો દ્વારા થતી હોય છે. આ ઘટકોની કાર્યક્ષમતા પ્રજાની સુખાકારીનું નિમિત્ત બને છે. એ જ રીતે આ ત્રણ ઘટકોની બિનકાર્યક્ષમતા પ્રજાજીવનની સમસ્યાઓ બની રહે છે. આ સંદર્ભમાં સારી (કાર્યક્ષમ) સરકાર અને નરસી (બિનકાર્યક્ષમ) સરકાર વિશે પરાપૂર્વથી વિચારણા થતી રહી છે. આ અંગેનો સૌપ્રથમ, નોંધપાત્ર અને વ્યવસ્થિત પ્રયાસ ગ્રીક ચિંતક ઍરિસ્ટોટલે કર્યો હતો. ઍરિસ્ટોટલનું સરકારોનું વર્ગીકરણ આજે પણ પાયાનું અને આધારભૂત ગણાય છે. આ વર્ગીકરણમાં તે બે આધારભૂત માપદંડ રજૂ કરે છે : (1) સર્વોચ્ચ સત્તા ધરાવનાર શાસક વ્યક્તિ કે વ્યક્તિઓની સંખ્યા. (2) તેનો શાસન કરવાનો હેતુ. પ્રજાહિતમાં કામ કરતા શાસનને તે સરકારના શુદ્ધ સ્વરૂપ તરીકે ઓળખાવે છે, જ્યારે શાસકોના સ્વહિત યા સ્વાર્થ માટે કાર્ય કરતા શાસનને તે વિકૃત સ્વરૂપ તરીકે ઓળખાવે છે. એક સારણીની મદદથી ઍરિસ્ટોટલની રજૂઆત સમજવાનો પ્રયાસ અહીં પ્રસ્તુત છે :
શાસકની સંખ્યા | પ્રજાહિતમાં કાર્યરત શાસન (શુદ્ધ સ્વરૂપ) | શાસકના સ્વહિતમાં કાર્ય કરતું શાસન (વિકૃત સ્વરૂપ) |
એક વ્યક્તિ | રાજાશાહી | જુલ્મશાહી |
થોડીક વ્યક્તિઓ | કુલીનશાહી | અલ્પજનશાહી |
બહુ વ્યક્તિઓ | લોકશાહી | ટોળાંશાહી |
ઍરિસ્ટોટલના મતે એક વ્યક્તિથી પ્રજાહિતમાં ચાલતા શાસનને રાજાશાહી અને તેના વિકૃત સ્વરૂપને જુલ્મશાહી તરીકે ઓળખાવી શકાય. થોડીક વ્યક્તિઓ દ્વારા પ્રજાહિતમાં ચાલતા શાસનને કુલીનશાહી તથા તેના વિકૃત સ્વરૂપને અલ્પજનશાહી તરીકે ઓળખાવાયાં છે. એવી જ રીતે બહુ વ્યક્તિઓ દ્વારા પ્રજાહિતમાં ચાલતા શાસનને લોકશાહી અને તેના વિકૃત સ્વરૂપને ટોળાંશાહી તરીકે ઓળખાવવામાં આવ્યાં છે.
આ સંદર્ભમાં ઍરિસ્ટોટલે બીજી મહત્ત્વની વાત એ કહી હતી કે શાસનની આ છ પદ્ધતિ ચક્રાકાર કે વર્તુળાકાર ગતિ ધરાવે છે. રાજાશાહી પછી જુલ્મશાહી, કુલીનશાહી પછી અલ્પજનશાહી અને તેવી રીતે લોકશાહી પછી ટોળાંશાહીની શાસનપદ્ધતિઓ આવતી રહે છે. આમ શાસનપદ્ધતિ ચક્રાકારે પરિવર્તન પામે છે.
ગ્રીક શાસનપદ્ધતિની સરકારોનું આ વર્ગીકરણ ઍરિસ્ટોટલનો અનન્ય અને મૂળભૂત પ્રયાસ હતો. અભ્યાસીઓના મતે તેનું સૌથી સબળ પાસું એ છે કે તે સરકારનાં શુદ્ધ અને વિકૃત સ્વરૂપોને અલગ તારવી શક્યો હતો; પરંતુ આ વર્ગીકરણની મર્યાદાઓ પણ હતી. આથી અન્ય ઘણા વિદ્વાનોએ પણ આ દિશામાં તે પછી પ્રયાસો કર્યા હતા; જેમાં રુસો (Rousseu), મૉન્ટેસ્ક (Montesquieu), બ્લુનશલિ (Bluntschli), મેરિયટ (Marriot) અને લીકૉક(Leacock)નો ઉલ્લેખ કરી શકાય.
વિદ્વાનોની આ વિગતસભર અને શાસ્ત્રીય ચર્ચા છતાં સૌ નિર્વિવાદપણે સ્વીકારે છે કે સરકાર ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્રનાં ત્રણ અંગો દ્વારા સક્રિય કામગીરી બજાવે છે. સરકારનું કાયદા ઘડનાર અંગ ધારાસભા છે, કાયદાનો અમલ કરાવતું અંગ કારોબારી છે અને કાયદાના સંઘર્ષ અંગે પેદા થતા પ્રશ્નોનો ન્યાય ચૂકવતું અંગ ન્યાયતંત્ર છે. સરકાર લોકશાહી હોય, સરમુખત્યારશાહી હોય, રાજાશાહી હોય કે સામ્યવાદી હોય – કોઈ પણ પ્રકારની સરકાર આ ત્રણ કાર્યો દ્વારા તેની હયાતીની પ્રતીતિ કરાવે છે. બીજા શબ્દોમાં, આ ત્રણ કાર્યો જ્યાં જ્યાં ચાલતાં હોય – પ્રાથમિક સ્વરૂપે કે અદ્યતન સ્વરૂપે, ત્યાં સરકાર અવદૃશ્ય અસ્તિત્વમાં હોય છે.
ધારાસભા : સરકારની કાયદા ઘડનારી આ શાખા કેટલાક દેશોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવે છે. ભારત, ગ્રેટ બ્રિટન અને કૅનેડામાં આવી રાષ્ટ્રીય ધારાસભા ‘પાર્લમેન્ટ’ નામથી ઓળખાય છે, ભારતમાં તે ‘સંસદ’ નામથી પણ જાણીતી છે. અમેરિકાની ધારાસભા ‘કૉંગ્રેસ’ નામથી તથા સોવિયેત યુનિયનની ધારાસભા ‘સુપ્રીમ સોવિયેત’ નામથી જાણીતી છે. સામાન્ય રીતે દરેક દેશ તેની રાષ્ટ્રીય ધારાસભા માટે વિશેષ નામ પસંદ કરીને તેની આગવી ઓળખ જાળવી રાખવા ઉત્સુક હોય છે. આ રાષ્ટ્રીય ધારાસભાએ ઘડેલા કાયદા કે ધારાઓનું પાલન જે તે દેશના પ્રત્યેક નાગરિકે કરવાનું હોય છે. કાયદાનું પાલન પ્રત્યેક નાગરિકની મહત્ત્વની ફરજ હોય છે અને કોઈનીયે દ્વારા થતો કાયદાનો ભંગ ગુનો ગણાય છે.
આવી ધારાસભા સામાન્યતયા બે ગૃહોમાં વહેંચાયેલી હોય છે; જેમાં એક ઉપલું ગૃહ અને એક નીચલું ગૃહ હોય છે. પ્રત્યેક દેશનું ઉપલું ગૃહ વિવિધ પ્રકારનું પ્રતિનિધિત્વ વ્યક્ત કરે છે અને પ્રત્યેક નીચલું ગૃહ નાગરિકો દ્વારા સીધી રીતે ચૂંટાયેલા પ્રતિનિધિઓથી રચાય છે. કાયદા-ઘડતરની બાબતમાં બંને ગૃહો લગભગ સમાન સત્તા ધરાવતાં હોવા છતાં નીચલું ગૃહ નાણાકીય બાબતોમાં વિશેષ સત્તાઓ ધરાવે છે તેમ વિશેષ અંકુશો પણ ધરાવે છે. બે ગૃહો ધરાવતી ધારાસભાને દ્વિગૃહી ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. અપવાદરૂપે બહુ ઓછા દેશો એકગૃહી ધારાસભા ધરાવે છે. ભારતની સંસદનું ઉપલું ગૃહ ‘રાજ્યસભા’ તરીકે અને નીચલું ગૃહ ‘લોકસભા’ તરીકે ઓળખાય છે. ગ્રેટ બ્રિટનનું ઉપલું ગૃહ ‘હાઉસ ઑવ્ લૉર્ડ્ઝ’ અને નીચલું ગૃહ ‘હાઉસ ઑવ્ કૉમન્સ’ નામથી જાણીતાં છે. અમેરિકાનું ઉપલું ગૃહ ‘સેનેટ’ અને નીચલું ગૃહ ‘હાઉસ ઑવ્ રિપ્રિઝેન્ટેટિવ્ઝ’ નામથી જાણીતાં છે. કૅનેડાનું ઉપલું ગૃહ ‘સેનેટ’ અને નીચલું ગૃહ ‘હાઉસ ઑવ્ કૉમન્સ’ તરીકે ઓળખાય છે.
ભારત, ગ્રેટ બ્રિટન અને કૅનેડામાં સંસદીય લોકશાહી પ્રવર્તે છે. તેનો અર્થ એ છે કે સરકારનું ધારાસભા તરીકે કામ કરતું અંગ સંસદ સર્વોચ્ચ સ્થાન ધરાવે છે અને વડાપ્રધાન તથા કૅબિનેટ(મંત્રીમંડળ)ની નિમણૂક કરે છે. ધારાસભાના નીચલા ગૃહમાં બહુમતી ધરાવતા પક્ષની સરકાર કે કારોબારી રચાય છે – આ કારોબારી એટલે કે વડાપ્રધાન અને પ્રધાનમંડળ – ગૃહનો વિશ્વાસ અને બહુમતી ધરાવતી હોય ત્યાં સુધી જ હોદ્દા પર ટકે છે. આ પાર્લમેન્ટ પાંચ વર્ષની મુદત ધરાવે છે, પરંતુ જો ગૃહ અવિશ્વાસની દરખાસ્ત મંજૂર કરે તો જ્યારે પણ તે દરખાસ્ત મંજૂર થાય પછી તુરત જ તે હોદ્દા પરથી રાજીનામું આપી દે તેવી પરંપરા અને નિયમ – બંને છે.
અમેરિકા જેવા દેશમાં પ્રમુખીય લોકશાહી પ્રવર્તે છે. તેનો અર્થ એ છે કે ધારાસભા કાયદા ઘડે છે પણ કાયદાના અમલનું કાર્ય પ્રમુખ અને તેમનું મંત્રીમંડળ કરે છે. પ્રમુખ બંધારણે દર્શાવેલી નિશ્ચિત મુદત માટે હોદ્દા પર રહે છે. તે માટે તેમને ધારાસભાની બહુમતીની આવદૃશ્યકતા હોતી નથી.
ધારાસભા મોટેભાગે નિયમિત અંતરે બેઠકો યોજે છે. ધારાસભાનું સંચાલન જે તે દેશના આ અંગેના નિયમો અનુસાર ચાલે છે. ધારાસભાનાં બંને ગૃહો, ગૃહના સંચાલન માટે પોતાના અધ્યક્ષ ચૂંટે છે. ધારાસભાના સંચાલનનું કાર્ય અધ્યક્ષ હસ્તક હોય છે. નિશ્ચિત નીતિનિયમો દ્વારા અધ્યક્ષ ગૃહનું સંચાલન કરે છે.
ધારાસભા આ સંદર્ભમાં સરકારનું સૌથી અગત્યનું અંગ છે.
કારોબારી : સરકારનું આ બીજું અંગ મુખ્યત્વે કાયદાના અમલની કામગીરી ધરાવે છે. કારોબારી સરકારનું ધરીરૂપ ઘટક છે જેની આસપાસ આખું તંત્ર ઘૂમતું રહે છે. આ સંદર્ભમાં સમગ્ર વહીવટી તંત્ર કારોબારી તરીકે કામ કરે છે. સરકારના વડા વડાપ્રધાન કે પ્રમુખ કારોબારીના વડા તરીકે ઓળખાય છે. વહીવટી નીતિઓ ઘડવી, તેનો અમલ કરાવવો, તે માટે નાણાં ઊભાં કરવાં, નાણાનીતિ ઘડવી, વિદેશ-સંબંધોનું સંચાલન કરવું, યુદ્ધ કરવું, સંરક્ષણ પૂરું પાડવું જેવાં અત્યંત મહત્ત્વનાં કાર્યો કારોબારી કરે છે. કારોબારીના વડાને જે સત્તા સોંપાય છે તેનો ઉપયોગ કરનાર કારોબારી સાચી કારોબારી અને તેનો ઉપયોગ ન કરનાર કારોબારી ‘નામની કારોબારી’ તરીકે ઓળખાય છે. ઉદાહરણ તરીકે, વડાપ્રધાન કારોબારીના સાચા વડા છે; જ્યારે ઇંગ્લૅન્ડમાં રાણી કે ભારતમાં રાષ્ટ્રપ્રમુખ ‘નામની કારોબારી’ છે. અમેરિકા જેવા દેશમાં પ્રમુખ ‘સાચી કારોબારી’ છે. આ ઉપરાંત ‘સંસદીય કારોબારી’ અને ‘પ્રમુખીય કારોબારી’ તરીકે પણ તેને ઓળખી શકાય. સામૂહિક કારોબારીનો વધુ એક પ્રકાર સ્વિટ્ઝર્લૅન્ડ અને સોવિયેત સંઘ જેવા દેશો ધરાવે છે. સોવિયેત સંઘમાં ‘પ્રેસિડ્યુમ’ એ ‘સામૂહિક કારોબારી’ છે જેમાં વ્યાપક સત્તાઓ સમૂહ પાસે કેન્દ્રિત થયેલી હોય છે.
સંસદીય કારોબારીમાં સંસદના નીચલા ગૃહમાં બહુમતી મેળવનાર પક્ષ વડાપ્રધાન પસંદ કરી તેમની નિમણૂક કરે છે, જ્યારે પ્રમુખીય કારોબારીમાં ચૂંટાયેલા રાષ્ટ્રપ્રમુખ તેમના મંત્રીમંડળના સાથીઓને પસંદ કરે છે અને તેમાં ધારાસભાની ઇચ્છા ભાગ્યે જ ગણનામાં લેવાય છે. ભારત અને બ્રિટન સંસદીય કારોબારીનાં અને અમેરિકા પ્રમુખીય કારોબારીનાં ઉદાહરણો છે.
ન્યાયતંત્ર : કાયદા ઘડાય, તેનો અમલ થાય કે કરાવવામાં આવે તથા તે અંગે ઊભા થતા સંઘર્ષોમાં ન્યાય ચૂકવવાનું કામ દરેક દેશનું ન્યાયતંત્ર કરે છે.
ભારત અને અમેરિકાના ન્યાયતંત્રમાં સર્વોચ્ચ સ્થાને સર્વોચ્ચ અદાલત કામ કરે છે, જે સરકારના કાયદાઓ અને કામગીરી ફરિયાદોના આધારે તપાસે છે. આમ કરતાં કાયદાનો ભંગ કરનાર નાગરિક, જાહેર સંગઠન કે અન્ય કોઈ પણ સંસ્થાને તે સજા કરી શકે છે. આ કામ વિવિધ કક્ષાની અદાલતો દ્વારા થાય છે. વધુમાં જો સરકાર કે કોઈ નાગરિક દ્વારા બંધારણીય કલમો કે ધારાધોરણોનો ભંગ થાય તો તેવાં પગલાંને ગેરબંધારણીય ઠરાવી, રદબાતલ ઠેરવી શકે છે; જેને કાયદાની પરિભાષામાં ‘અદાલતી સમીક્ષા’ની સત્તા તરીકે ઓળખવામાં આવે છે. ઘડાયેલા કાયદાઓની બંધારણીયતા પણ ન્યાયતંત્ર તપાસે છે. જો કાયદો બંધારણીય નિયમોને અનુરૂપ ન હોય તો તેવા કાયદા રદબાતલ ઠરાવવાનો અધિકાર પણ ન્યાયતંત્રને હોય છે. અલબત્ત, સંસદીય પદ્ધતિની સરકારમાં, બ્રિટન જેવા દેશમાં-ન્યાયતંત્ર ન્યાય ચૂકવે છે પણ સંસદે ઘડેલા કાયદાને રદબાતલ ઠેરવી શકતું નથી.
આ સંદર્ભમાં ‘કાયદાનું શાસન’ લોકશાહીનો ન્યાયતંત્રને સ્પર્શતો એક વિશેષ ખ્યાલ છે; જેમાં કાયદાને કેન્દ્રીય સ્થાને મૂકી, વ્યક્તિઓને ગૌણ સ્થાને ગણી નિયમાનુસાર ન્યાય ચૂકવાય છે. તેના દ્વારા લોકશાહીની વાસ્તવિકતા અને સચ્ચાઈની પ્રતીતિ થતી હોય છે.
આ કારણોસર ન્યાયતંત્રના સ્વાતંત્ર્યને વિશેષ મહત્ત્વ આપવામાં આવે છે. લોકશાહી દેશો ન્યાયતંત્રના સ્વાતંત્ર્યના રક્ષણ દ્વારા લોકશાહીને જીવંત અને સમૃદ્ધ રાખે છે, પરંતુ બિનલોકશાહી દેશોની સરકારમાં ન્યાયતંત્રની કામગીરી અનેક પ્રશ્નો ઊભા કરતી હોય છે.
પારંપરિક રાજ્યશાસ્ત્ર ઉપર્યુક્ત ત્રણ શાખાઓ દ્વારા સરકારને માપવા, સમજવાનો પ્રયત્ન કરે છે. આધુનિક રાજ્યશાસ્ત્ર આ જ કાર્યોને નવી ઢબે રજૂ કરે છે. તેના મતે સરકારનાં મૂળભૂત કાર્યોમાં (1) વર્તનના સંચાલનના નિયમો (કાયદાઓ તથા પરંપરાઓ), (2) સાર્વભૌમત્વ, (3) લોકસ્વીકૃતિ, (4) વાસ્તવિક કાર્યક્ષેત્ર અને (5) કાયદાઓનો અમલ જેવી બાબતોનો સમાવેશ કરવામાં આવે છે.
વાસ્તવમાં સરકાર શાસન ચલાવે છે, છતાં સરકાર એટલે કોણ એવો મૂળભૂત પ્રશ્ન અભ્યાસીઓના મતે અનુત્તર છે. સમય અને સમસ્યાઓ અનુસાર સત્તાનું કેન્દ્ર બદલાતું રહે છે; તેથી જેની સત્તાથી સરકાર ચાલે તે જ વાસ્તવિક સરકાર તરીકેની ઓળખ પામે છે. આથી ક્યારેક વડાપ્રધાન તો ક્યારેક જનતા કે ક્યારેક પ્રમુખ કે ક્યારેક અમુક રાજકીય પક્ષ સત્તાનું કેન્દ્ર બની આખરી નિર્ણય કરતાં હોય છે. આ સંદર્ભમાં સરકારની વિભાવના જડ નથી, પણ પરિવર્તનશીલ છે.
સરકાર વિવિધ પ્રકારોની હોય છે. જેમાં રાજાશાહી, લોકશાહી (સંસદીય અને પ્રમુખીય), સરમુખત્યારશાહી, સામ્યવાદી, લશ્કરી શાસન, એકતંત્ર-સમવાયતંત્ર જેવા પ્રકારો ઉપરાંત આમાંના કોઈ પણ પ્રકારોનું મિશ્ર સ્વરૂપ પણ જોવા મળે છે. આમ, સત્તા દ્વારા સમાજને વ્યવસ્થિત બનાવવાનો પ્રયાસ સરકારની પ્રમુખ જવાબદારી છે.
રક્ષા મ. વ્યાસ