સરકસ : અંગ-કસરતના સાહસિક દાવ કરનારાઓ, પાલતુ અને જંગલી પશુઓના ખેલ કરનારાઓ તથા વિદૂષકોની, લોકરંજન માટે વ્યાવસાયિક ધોરણે ઊભી કરવામાં આવેલી હરતીફરતી મંડળી. સરકસની શરૂઆત થઈ તે ગાળામાં તેના ખેલ ઘોડેસવારીના ખેલ પૂરતા જ મર્યાદિત હતા અને તે ખેલ પાકાં મકાનોના અંદરનાં ગોળાકાર મેદાનોની મધ્યમાં કરવામાં આવતાં; મધ્યમાં એટલા માટે કે પ્રેક્ષકો તેની આજુબાજુ બેસીને એ ખેલ સહેલાઈથી જોઈ શકે અને તે ખેલ ગોળાકાર મેદાનોમાં કરતાં ખેલ કરનારાઓની ચપળતા અને ઝડપમાં વધારો થઈ શકે. એપ્રિલ 1793માં સ્કૉટલૅન્ડના જૉન બિલ રિકેટસે અમેરિકાના ફિલાડેલ્ફિયા ખાતે આવા ઘોડેસવારીના ખેલનો સર્વપ્રથમ વાર પ્રયોગ કરેલો, જેમાં તેણે વિવિધ પ્રકારની કરામતો પ્રસ્તુત કરી હતી અને તેના ભાઈએ કસરતના સાહસપૂર્ણ દાવ કરી બતાવ્યા હતા. ઉપર્યુક્ત ખેલ ‘સરકસ’ નામ ધરાવતી ઇમારતના અંદરના મેદાનમાં કરવામાં આવ્યા હતા; જેના પરથી આ પ્રકારના ખેલોને સરકસ નામ પ્રાપ્ત થયું. એક જ વર્ષ પછી 1794માં થૉમસ સ્વાન નામના સાહસિકે ન્યૂયૉર્ક ખાતે સરકસનો એક એવો ખેલ પ્રસ્તુત કર્યો જેમાં તેણે સૌપહેલી વાર બૅન્ડ દાખલ કર્યો અને વધારાની સરકસની કરામતો પણ દાખલ કરી. ત્યારથી મોટા પાયા પર, અવનવી કરામતો સાથે પ્રેક્ષકોને ઉત્તેજિત કરી શકે તેવો ખેલ પ્રસ્તુત કરવાની હોડનો પ્રારંભ થયો હતો.

આધુનિક પ્રકારના સરકસની શરૂઆત અઢારમી સદીમાં ઇંગ્લૅન્ડમાં ફિલિપ ઍસ્ટલે (1742-1814) નામના લશ્કરના એક સાર્જંટ મેજરે કર્યો હતો. લશ્કરની નોકરી દરમિયાન તેણે પોતાનું કૌશલ્ય ઘોડેસવારીની કરામતોમાં તથા ઘોડાઓને તાલીમ આપવામાં પુરવાર કરી બતાવ્યું હતું. લશ્કરમાંથી છૂટા થયા બાદ તેણે પ્રેક્ષકો સમક્ષ ઘોડેસવારીના દાવપેચ અને કરામતો કરવાની શરૂઆત કરી, જેને પ્રેક્ષકો તરફથી સારો પ્રતિસાદ મળતો ગયો. તેનાથી પ્રોત્સાહિત થયેલા ઍસ્ટલેએ યુરોપના જુદા જુદા દેશોમાં તેવા ખેલોનું આયોજન કર્યું. તેમ છતાં આ અંગેના કૌશલ્યમાં વિવિધતા દાખલ કરવાનો જશ ઇંગ્લૅન્ડના અશ્વારોહક જેકબ બેટસને ફાળે જાય છે. યુરોપમાંના જર્મન વિસ્તારમાં રહેતા બેટસે 1768માં કાયમી નિવાસ માટે લંડન આવતાં પહેલાં રશિયા અને અમેરિકાનો પ્રવાસ ખેડી પોતાના કૌશલ્યનું પ્રદર્શન કર્યું હતું. તેના અનુગામીઓ પ્રાઇસ, જૉન્સન, બાલ્પ, કનિંઘમ, ફૉક્સ વગેરેએ જાહેર ઉદ્યાનોમાં ઘોડેસવારીના આવા ખેલ નિયમિત રીતે કરવાની શરૂઆત કરેલી. ફિલિપ્સ ઍસ્ટલેએ તેમાંથી પ્રેરણા પ્રાપ્ત કરી લંડનમાં ઘોડેસવારીની તાલીમશાળા શરૂ કરી અને બપોરના ફાજલ સમયમાં તેઓ પણ તાલીમશાળાના પ્રાંગણમાં ઘોડેસવારીના ખેલ કરવા લાગ્યા. આ પ્રાંગણ વર્તુળાકાર હોવાથી ફિલિપ્સ તેને ‘સરકલ’ અથવા ‘રિંગ’ કહેવા લાગ્યો અને તેમાંથી જ આગળ જતાં ‘સરકસ’  શબ્દ પ્રચલિત બન્યો. શરૂઆતમાં ઍસ્ટલેના રિંગનો વ્યાસ 62 ફૂટ જેટલો હતો, પરંતુ સમય જતાં તે 42 ફૂટ નિર્ધારિત થવા લાગ્યો. હાલનાં સર્કસોના કૂંડાળાનો વ્યાસ 42 ફૂટ જેટલો હોય છે.

દોરડા પર હીંચકવાની અને અન્ય શારીરિક કવાયતોનું પટાંગણ

સમયાંતરે ઍસ્ટલેએ તેના ખેલમાં વૈવિધ્ય દાખલ કરવા માટે તેમાં કસરતબાજો, બજાણિયાઓ, લટકતા દોરડા પર નૃત્ય કરનારાઓ તથા મદારીઓનો ઉમેરો કર્યો, જે ઘોડેસવારીના ખેલના મધ્યાંતર કે વિરામના સમયમાં પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરતા. સમય જતાં તેમાં વિદૂષકો પણ સામેલ કરવામાં આવ્યા. આધુનિક સરકસમાં આ બધાંનો સમાવેશ થાય છે.

1782માં ઍસ્ટલેએ પૅરિસ ખાતે સરકસના ખેલનું પહેલી વાર આયોજન કર્યું, જેને સારો પ્રતિસાદ મળ્યો. તે જ વર્ષે તેના એક પૂર્વ સાથી ચાર્લ્સ હ્યુએ પોતાના અલાયદા સરકસનો પ્રારંભ કર્યો, સાથોસાથ તેણે લંડનમાં પણ સમાંતર સરકસની શરૂઆત કરી.

સાઇકલ પર ખેલ કરતી બાળાઓ

આ બધા પ્રયાસોમાંથી સરકસનું એક નિશ્ચિત માળખું ઊપસી આવ્યું. તેમાં હરીફાઈનું તત્ત્વ પણ દાખલ થવા લાગ્યું. સમય જતાં તેને માત્ર મનોરંજનનું સાધન જ નહિ, પરંતુ વ્યવસાયનું સ્વરૂપ પણ પ્રાપ્ત થવા લાગ્યું. હરીફાઈ દાખલ થવાથી સરકસના ખેલ કરનારાઓ પોતપોતાના સરકસમાં અવનવી કરામતો દાખલ કરતા ગયા; જેમાં પાલતુ અને જંગલી પશુઓના ખેલ અને કરામતો પણ સમાવેશ પામ્યાં. સરકસનો વ્યાપ વધતાં, એમાં કામ કરતાં જંગલી પશુઓથી પ્રેક્ષકોને રક્ષણ મળે તે હેતુથી મોટા મોટા તંબૂઓ અને લોખંડના સળિયાનાં બનેલાં પાંજરાં સરકસમાં દાખલ થયાં. 1825માં સરકસમાં પહેલી વાર તંબૂઓનો ઉપયોગ કરવામાં આવ્યો. તે પૂર્વે લાકડાની પટ્ટીઓના બનેલા વર્તુળાકાર કૂંડાળામાં સરકસના ખેલ કરવામાં આવતા. તંબૂઓના ઉપયોગને લીધે એક સ્થળેથી બીજા સ્થળે સરકસના રસાલાની હેરફેર તથા નવા સ્થળે તેની ગોઠવણ સુગમ બની. લોખંડનાં પાંજરાંઓને કારણે હિંસક પશુઓની કરામતો વધુ સુરક્ષિત બની. હવે દરેક સરકસમાં ત્રણ વર્તુળાકાર કૂંડાળાં હોય છે; જેમાંથી દરેકમાં અલગ અલગ ખેલ અને કરામતોનું પ્રદર્શન થતું હોય છે. આ ત્રણેય કૂંડાળાંનું સંયુક્ત સંચાલન કરનારાને ‘રિંગ-માસ્ટર’ કહેવામાં આવે છે. તેના હાથમાં લાંબો ચાબુક હોય છે, જે સરકસની આગવી વિશેષતા ગણાય છે.

સરકસમાં અધ્ધર લટકતા દોરડા અને ઝૂલાઓ પર ખેલ કરનારા કલાકારો પોતાની વિવિધ કરામતોમાં સમતુલા જાળવી શકે તે માટે તેમને મદદરૂપ થવા સરકસમાં 1794માં બૅંડનો સમાવેશ કરવામાં આવ્યો; જેના તાલના ઇશારાથી કલાકારો પોતાની કરામતોનું સંયોજન કરતા હોય છે. સરકસના કલાકારોને સંભવિત અકસ્માતોમાંથી ઉદભવતી હોનારતોમાં રક્ષણ મળે તે હેતુથી ઝૂલાઓની ઊંચાઈથી નીચે પરંતુ સપાટ જમીનથી ઉપર જાડા દોરડાની બનેલી જાળીઓ અધ્ધર લટકાવવામાં આવતી હોય છે અથવા નીચે જમીન પર જાડાં ગાદલાં મૂકવામાં આવતાં હોય છે. આવી લટકતી જાળીઓ કે નીચે પાથરવામાં આવેલ ગાદલાં પર અવારનવાર વિદૂષકો પોતાની રમૂજી કરામતોનું પ્રદર્શન કરતા દેખાય છે. સામાન્ય રીતે અસાધારણ ઠીંગણા અથવા અન્યથા વિચિત્ર શરીરયદૃષ્ટિ ધરાવતા માણસોને વિદૂષક તરીકે સરકસમાં સામેલ કરવામાં આવતા હોય છે અને તેમને પણ વિવિધ પ્રકારના ખેલ કરવાની તાલીમ કે પ્રશિક્ષણ આપવામાં આવતું હોય છે. અમેરિકા, ચીન અને યુરોપના રશિયા જેવા કેટલાક દેશોમાં સરકસના કલાકારોને પ્રશિક્ષણ આપવા માટે અલાયદી પ્રશિક્ષણ-સંસ્થાઓ ઊભી કરવામાં આવી છે, જેમને સરકારી અનુદાન મળતું હોય છે. પરદેશોમાં સરકસના ખેલ ઍમ્ફી થિયેટરમાં કરવાની પણ પરવાનગી હોય છે. જંગલી જાનવરો અને વિદૂષકો બાળકોની પસંદગીની ખાસ વાનગી હોય છે.

સરકસમાં દીપમાળાની કરામત

પ્રેક્ષકો માટે સરકસના ખેલ ભલે વિસ્મય અને આનંદ આપતી બાબત હોય, પરંતુ તેની સાથે કેટલીક મુશ્કેલીઓ અને જોખમો અંતર્નિહિત હોય છે. કોઈ પણ એક સરકસનો એકમ એક સ્વતંત્ર અને સ્વયંપૂર્ણ કહી શકાય તેવું ‘સામ્રાજ્ય’ હોય છે, જેનું સંયોજન અને વ્યવસ્થાપન કરવા માટે અસાધારણ કૌશલ્ય અને મહેનતની આવદૃશ્યકતા રહે છે. કોઈ એક નવા સ્થળે ખેલ શરૂ કરવાની પૂર્વતૈયારી રૂપે હાથ ધરવામાં આવતી પ્રક્રિયા અને તે સ્થળે તેનો સમયગાળો પૂરો થયા બાદ તેને સમેટી લેવાની પ્રક્રિયા – આ બંને અત્યંત જટિલ હોય છે. જ્યારે પાકા રસ્તાઓ કે રેલવેની સુવિધા ન હતી ત્યારે સરકસનું સ્થળાંતર કાચા રસ્તાઓ પરથી કરવું પડતું. હવે પરિવહન-ક્ષેત્રે ઊભી થયેલી સુવિધાઓને કારણે સ્થળાંતરની પ્રક્રિયા સરળ, સુગમ અને સમયની દૃષ્ટિએ ઓછી ખર્ચાળ બની છે. તેમ છતાં કેટલીક મુશ્કેલીઓ નિવારણથી પર જ રહેવાની. સરકસ એક સતત સ્થળાંતર કરતો ઘટક હોવાથી તેમાં પ્રત્યક્ષ રીતે જોડાયેલા કલાકારો અને કામદારો કૌટુંબિક જીવનના આનંદથી વિમુખ રહેતા હોય છે, જેનું દુ:ખ તેઓ પોતે જ જાણતા હોય છે. સરકસમાં કામ કરતા કલાકારોના વ્યાવસાયિક જીવનનો ગાળો અત્યંત ટૂંકો હોય છે. વધતી ઉંમર સાથે તેમની વ્યાવસાયિક ક્ષમતા અને ઉપયોગિતા ઘટતી જાય છે. સરકસમાંથી છૂટા થયા પછી અન્ય કોઈ વ્યવસાયમાં ગોઠવાવાની પ્રક્રિયા અત્યંત જટિલ અને લગભગ અસંભવ જ હોય છે. પરિણામે જીવનના ઉત્તરાર્ધમાં તેમને બેકારી અને ગરીબીનો ભોગ બનવું પડે છે. સંગઠિત વ્યવસાયોમાં કામ કરતા કર્મચારીઓને જે વ્યાવસાયિક લાભ અને રક્ષણ મળતાં હોય છે તેવા કોઈ લાભ સરકસના કલાકારો કે કર્મચારીઓને મળતા હોતા નથી. મહારાષ્ટ્રના સાતારાની મૂળ નિવાસી કમલાબાઈ તેની યુવા-અવસ્થામાં ખૂબ દેખાવડી અને ચપળ હતી, જેથી તેને સરકસમાં કલાકાર તરીકે સહેલાઈથી પ્રવેશ મળ્યો; પરંતુ છૂટા થયા પછી તેને અનેક વિટંબણાઓનો સામનો કરવો પડ્યો હતો. વતન પાછા આવ્યા પછી તે ગામના મંદિરના પ્રાંગણમાં કાબૂલી ચણા વેચીને ગુજરાન કરવાનો પ્રયાસ કરતી હતી અને છેવટે કારમી ગરીબીમાં તેનો અંત આવ્યો હતો. સરકસ એક અત્યંત ખર્ચાળ વ્યવસાય છે. તેના કલાકારોની અને પ્રાણીઓને અપાતી તાલીમ પર થતો ખર્ચ તથા પ્રાણીઓનો નિભાવ-ખર્ચ ખૂબ જ હોય છે. તેમાં પણ જ્યારે તેમાંથી કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેના પર અગાઉ કરવામાં આવેલો ખર્ચ માલિકના માથે પડે છે. સરકસના વ્યવસાય સાથે કેટલાંક જોખમો મૂળભૂત રીતે સંકળાયેલાં હોય છે; દા.ત., અકસ્માતનાં જોખમો, જંગલી જાનવરોની સુરક્ષિતતા સાથે સંકળાયેલાં જોખમો, વગેરે. સરકસના કેટલાક કલાકારો મૃત્યુના જોખમ સાથે સતત ઝૂઝતા હોય છે. કાનપુરમાં સરકસના એક ખેલ દરમિયાન વીજળીના પુરવઠામાં ઊભા થયેલ વિક્ષેપને કારણે ‘મોતના કૂવા’માં મોટર સાઇકલનો ખેલ કરી રહેલા સવારનું સ્થળ પર જ મૃત્યુ થયું હતું. ચેન્નઈમાં સરકસના એક ખેલ દરમિયાન મોરપીંછાનું આવરણ સજીને સિંહની હાજરીમાં નૃત્ય કરતી એક બાળા પર સિંહે ઝડપ મારી અને તેના શરીરના ટુકડા કરી નાંખ્યા. સરકસ એ ઋતુગત વ્યવસાય છે. વરસાદની ઋતુમાં તેના ખેલ બંધ કરવા પડતા હોય છે, પરંતુ તે સમય દરમિયાન પણ સરકસના માલિકને કેટલાક ખર્ચાઓ અનિવાર્ય રીતે કરવા પડતા હોય છે; દા.ત., પશુઓના ખોરાક પર થતો ખર્ચ, કર્મચારીઓનો પગાર, વગેરે. દરેક સરકસમાં આશરે 125-150 કલાકારો હોય છે, જેમનો દરેકનો માસિક પગાર બે હજારથી આઠ હજાર રૂપિયા જેટલો હોય છે. સરકસનો રોજનો ખર્ચ આશરે 50 હજારથી 80 હજાર વચ્ચે હોય છે. તંબૂની કિંમત 3થી 4 લાખ રૂપિયા હોય છે. આ ખર્ચાઓની સામે તેમાંથી થતી ચોખ્ખી આવક ખૂબ જ ઓછી હોય છે. અત્યારના જમાનામાં મનોરંજનનાં વૈકલ્પિક સાધનોના વિસ્તરણ વચ્ચે સરકસ જેવા મનોરંજનના સાધન પ્રત્યે લોકોની ઉદાસીનતા વધી રહી છે. સરકસમાં એક જમાનામાં જંગલી પ્રાણીઓના ખેલ પ્રત્યે મોટું આકર્ષણ રહેતું, પરંતુ હવે પ્રાણીઓ પર કરવામાં આવતી ક્રૂરતાની સામે જે ઝુંબેશ ઉપાડવામાં આવી છે, તેને કારણે સરકસમાંથી પ્રાણીઓના ખેલ ક્રમશ: લોપ પામી રહ્યા છે. મોટાં શહેરોમાં મેદાનનું રોજનું ભાડું જ 25-30 હજાર જેટલું હોય છે. જંગલી પ્રાણીઓની અવેજીમાં નવા ખેલ દાખલ કરવા માટે મોટા પાયા પર મૂડીરોકાણની જરૂર પડે છે.

પ્રેક્ષકોને હસાવવાનું કાર્ય કરતો વિદૂષક

ભૂતકાળમાં ભારતમાં કેરળ, મહારાષ્ટ્ર અને બંગાળ – આ ત્રણ રાજ્યો સરકસની કંપનીનાં ઉદ્ભવસ્થાન હતાં. સરકસના મોટાભાગનાં કલાકારો નેપાળ, બંગાળ અને કેરળમાંથી આવતાં. કેરળનું એક ગામ સરકસના કલાકારોને કારણે જ જાણીતું બન્યું હતું. તે ગામના મોટાભાગના પરિવારો એક યા બીજી રીતે સરકસના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. ભારતીય સરકસોમાં નેપાળી છોકરીઓની સંખ્યા પણ નોંધપાત્ર હોય છે, કારણ કે કેરળની છોકરીઓની જેમ નેપાળી છોકરીઓ પણ નમણી, ચપળ અને મહેનતુ હોય છે.

ભારતની સરકસની કંપનીઓમાં જેમિની સરકસ, પ્રભાત સરકસ, કમલા સરકસ, ગ્રેટ ગોલ્ડન સરકસ, જંબો સરકસ, છત્રેનું સરકસ, વાલાવલકરનું સરકસ, કાર્લેકર સરકસ વગેરે નામ મોખરે હતાં. કાર્લેકર સરકસ વિદેશના પ્રવાસે જઈ રહ્યું હતું ત્યારે તે દરિયામાં ડૂબી ગયું હતું. પરદેશનાં સરકસોમાં અમેરિકા, રશિયા અને કોરિયાનાં સરકસોનાં નામ મોખરે હતાં. વર્ષ 2006માં ભારતમાં રેમન, ગ્રેટ રૉયલ, જમ્બો, જેમિની, ગ્રેટ બૉમ્બે, રાજકમલ, ઑલિમ્પિક, રૅમ્બો, ઍમ્પાયર, અમર અને ગ્રેટ ગોલ્ડન સરકસ કંપનીઓ હયાત છે. તેમાંની ત્રણ કંપનીઓમાં 20 રશિયન કલાકારો પોતાની કલા પ્રદર્શિત કરતા હોય છે. ઇન્ડિયન સરકસ ફેડરેશનમાં 28 સરકસ કંપનીઓ સભાસદ છે.

બીજા વિશ્વયુદ્ધ (193945) પછીના ગાળામાં સરકસ પર ચલચિત્રો પણ નિર્માણ કરવામાં આવ્યાં છે; દા.ત., ‘ધ ગ્રેટ અમેરિકન સરકસ’, ‘ધ ગ્રેટ રશિયન સરકસ શો’ વગેરે. ભારતના ખ્યાતનામ ચલચિત્ર-નિર્માતા અને દિગ્દર્શક રાજકપૂર દ્વારા નિર્મિત ચલચિત્ર ‘મેરા નામ જોકર’ સરકસની સાથે સંકળાયેલું અને જીવનના મૂળભૂત સ્વરૂપ વિશે વિચારતા કરી મૂકે એવું પ્રભાવક ચલચિત્ર છે. તેમાં જોકરનું પાત્ર ઘણું મર્મસ્પર્શી છે.

ગુજરાત સરકારે સરકસ કંપનીઓને કેટલીક છૂટછાટો આપી છે. દા.ત., નદીના પટમાં સરકસના તંબૂ ઠોકી શકાય અને તેથી અન્ય રાજ્યો કરતાં ગુજરાતમાં સરકસ કંપનીઓ વધારે આવતી હોય છે. બીજું, ગુજરાત સરકાર સરકસ કંપનીઓ પાસેથી માસિક ભાડા પેટે માત્ર રૂપિયા 300ની આકારણી કરે છે તથા વીજળીના બિલમાં 15 ટકા છૂટ આપે છે. અન્ય કોઈ રાજ્યમાં આવી કોઈ રાહત અપાતી નથી. અલબત્ત, છેલ્લાં બે-ત્રણ વર્ષથી પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશને ડેક્કન જિમખાના વિસ્તારમાં આવેલ નદીના પટમાં સરકસ કંપનીઓને પોતાના ખેલ કરવાની પરવાનગી આપેલ છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે