સમ્સા (. 1898, આગરા, જિ. મૈસૂર, કર્ણાટક; . 1939) : કન્નડ કવિ, વાર્તાકાર અને અસામાન્ય પ્રતિભાશાળી નાટ્યકાર. તેમણે અંગ્રેજી, કન્નડ અને સંસ્કૃતમાં વિદ્વત્તા મેળવી, થોડાં વર્ષ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ સમગ્ર ભારતનો પ્રવાસ ખેડ્યો. તેમનું ખરું નામ એ. એસ. વેંકટાદ્રી અય્યર હતું.

1936માં તેઓ મૈસૂર પાછા ફર્યા ત્યારે વિચાર, આચાર અને ભાવનાઓ વચ્ચે અસંગતિવાળી માનસિક વિકૃતિ તેમનામાં વિકસી અને ગંભીર માંદગીમાં પટકાયા તથા કરુણ એકાંતવાસ ભોગવ્યા બાદ તેમણે આપઘાત કર્યો.

તેમણે અણનમ સંકલ્પ સાથે વિપુલ પ્રમાણમાં ગ્રંથો રચ્યા હોવા છતાં તેમનાં મોટાભાગનાં લખાણો કાં તો ગુમ થયાં છે કે નાશ કરવામાં આવ્યાં છે. તે પૈકી થોડાં હયાત છે. ‘કૌશાલા’ (1914) તેમનો વાર્તાસંગ્રહ છે. ‘શ્રીમંતોદ્યાનવર્ણનમ્’ (1918), શ્રી એમ. વિશ્વેશ્વરૈયા પરનો કાવ્યસંગ્રહ છે. તેમણે 6 ઐતિહાસિક નાટકો પણ આપ્યાં છે. તેમનાં ઐતિહાસિક નાટકોમાં તેમણે મૈસૂરના રાજાઓના સદ્ગુણોનો મહિમા વ્યક્ત કર્યો છે. રણધીર (કાન્તિરાવ નરસરાજ વડિયાર) તેમનો મહાન સમ્રાટનો આદર્શ છે અને તેમનાં નાટકો પૈકી 3માં તેઓ કેન્દ્રસ્થાને છે. ‘વિજયનરસિંહ’ સમ્સાની પ્રભાવી શક્તિ અને તેમના આદર્શ વીરનો મહિમા વ્યક્ત કરે છે. ‘મંત્રશક્તિ’માં રણધીરનાં વીર-શૃંગારનાં સાહસો પ્રગટ થાય છે. ‘સગુણગંભીરા’ રાજા બોલા કામરાજ વડિયાર વિશે છે. ‘વિરુદેન્તેમ્બારગન્ડા’ થિમ્મરાજ વડિયાર-ત્રીજાના કાળમાં રમૂજી ઘટના પર આધારિત સુંદર એકાંકી છે.

સમ્સાનાં નાટકો સુખાન્ત તથા પ્રભાવશાળી દૃશ્યથી સમૃદ્ધ છે. આમ, તેઓ કન્નડમાં ખરેખર ઐતિહાસિક નાટકો રચનારા એકમાત્ર નાટ્યકાર છે.

બળદેવભાઈ કનીજિયા