સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ)

January, 2007

સમ્મઇપગરણ (સન્મતિપ્રકરણ) (. ચોથી-પાંચમી સદી) : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. શ્વેતામ્બર જૈનાચાર્ય સિદ્ધસેન દિવાકરની (ઈ. સ. ચોથી-પાંચમી શતાબ્દી) આ એક ઉત્કૃષ્ટ કૃતિ છે. તેમાં કુલ 167 પ્રાકૃત ગાથાઓ છે. તત્ત્વાર્થસૂત્રની જેમ જ તે શ્વેતામ્બર અને દિગમ્બર – બંને સંપ્રદાયોને માન્ય છે; તેથી ‘ષટ્ખંડાગમ’ની ‘ધવલા’ ટીકામાં તેનાં ઉલ્લેખો અને ઉદ્ધરણો છે તથા વાદિરાજે પોતાના ‘પાર્શ્ર્વનાથચરિત’(શક 947)માં તેનો અને તેના ઉપરની સન્મતિ(સુમતિદેવ)કૃત વિવૃતિનો ઉલ્લેખ કર્યો છે અને શ્વેતામ્બરાચાર્ય અભયદેવે તેના ઉપર વિશાલકાય મહત્ત્વપૂર્ણ સંસ્કૃત ટીકા ‘તત્ત્વબોધવિધાયિની’ અપરનામ ‘વાદમહાર્ણવ’ લખી છે, જેનું સંપાદન પં. સુખલાલજીએ કર્યું છે.

આ સન્મતિપ્રકરણ ત્રણ કાંડોમાં વિભક્ત છે : પ્રથમ કાંડમાં 54, બીજામાં 43 અને ત્રીજામાં 69 (કે 70) પ્રાકૃત ગાથાઓ છે. પ્રથમ કાંડનું નામ નયકાંડ છે. તેમાં દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયોનું તર્કબુદ્ધિગમ્ય સરસ નિરૂપણ છે. તેમાં સપ્તભંગીનું પણ પ્રતિપાદન છે. બીજા કાંડનું નામ જીવકાંડ છે. તેમાં જ્ઞાન અને દર્શનની સમસ્યા અંગે વિવેચન છે. કેવળજ્ઞાન અને કેવળદર્શન અંગે ત્રણ વાદો હતા – ક્રમવાદ, સહવાદ અને અભેદવાદ. પ્રથમ બે વાદોનું ખંડન કરી સિદ્ધસેને અભેદવાદની સ્થાપના કરી. વળી, અહીં તેમણે મતિ આદિ પાંચ જ્ઞાનોનું નિરૂપણ કર્યું છે. ત્રીજા કાંડને નામ આપવામાં આવ્યું નથી, પરંતુ તેને કેટલાક વિદ્વાનો ‘અનેકાન્તકાંડ’ નામ આપે છે. એકાન્તવાદો આંશિક સત્યો છે અને અનેકાન્તવાદ તેમનો સુચારુ સમન્વય કરી પૂર્ણસત્યસ્વરૂપ પામે છે. અહીં પરસ્પર વિરુદ્ધ વાદોનો સમન્વય કરવામાં આવ્યો છે; દાખલા તરીકે, સત્કાર્યવાદ અને અસત્કાર્યવાદ, નિત્યત્વવાદ અને અનિત્યત્વવાદ, હેતુવાદ અને અહેતુવાદ વગેરે. આ કાંડમાં તેમણે ગુણનો પર્યાયથી અભેદ સિદ્ધ કર્યો છે અને કહ્યું છે કે ગુણો પર્યાયોથી ભિન્ન હોત તો ભગવાન મહાવીરે ગુણાર્થિક નયનો ઉપદેશ દીધો હોત.

સિદ્ધસેને અવધિ અને મન:પર્યાયને એક અને અભિન્ન સિદ્ધ કરવાનો પ્રયત્ન કર્યો છે. જ્ઞાન અને શ્રદ્ધાનો અભેદ પણ સિદ્ધ કર્યો છે. જૈન આગમોમાં પ્રસિદ્ધ નૈગમ આદિ સાત નયોના સ્થાને છ નયોની સ્થાપના તેમણે કરી છે. નૈગમને સ્વતન્ત્ર નય ન માનીને તેનો સમાવેશ તેમણે સંગ્રહનય અને વ્યવહારનયમાં કરી દીધો છે. તેમણે એ પણ કહી દીધું કે જેટલા પ્રકારો વચનના થઈ શકે છે તેટલા જ પ્રકારો નયના થઈ શકે છે અને જેટલાં નયવચનો તેટલા મતમતાન્તરો સંભવે છે.

સન્મતિપ્રકરણ વિશે પં. સુખલાલજી કહે છે : એમાં ઉપદેશનો છાંટોયે નથી. એમાં તો શુદ્ધ જૈન તત્ત્વો પોતાની ઢબે દિવાકરશ્રી પ્રવાહબદ્ધ વર્ણવ્યે જ જાય છે. એને સાંભળતાં એમ લાગે છે કે જાણે કોઈ પ્રતિભામૂર્તિ તાર્કિકશિરોમણિના મુખેથી જૈન તત્ત્વો સાંભળી રહ્યા છીએ.

નગીન જી. શાહ