સમ્બાશિવરાવ, પોતુકુચી

January, 2007

સમ્બાશિવરાવ, પોતુકુચી (. 27 જાન્યુઆરી 1928, આલમુરુ, જિ. પૂર્વ ગોદાવરી, આંધ્રપ્રદેશ) : તેલુગુ લેખક. તેમણે આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને કલાપ્રપૂર્ણ તથા ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની ડિગ્રી મેળવી. વકીલાતની સાથોસાથ સાહિત્યિક પ્રવૃત્તિ કરી. 199397 સુધી તેઓ તેલુગુ સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બોર્ડના સભ્ય; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમીના કારોબારી-સભ્ય; ‘નાટ્યકલા’ માસિકના સંપાદક, ઓસ્માનિયા યુનિવર્સિટીના સેનેટ-સભ્ય; નવ-સાહિતીના જનરલ સેક્રેટરી; વિશ્વ સાહિતી  સિકંદરાબાદના પ્રમુખ; સાહિતી વિદ્યાલયના નિયામક; સાંજના વર્તમાનપત્ર ‘વિશ્વરચના’ના સંપાદક’; પખવાડિક ‘વિશ્વરચના’ તથા અંગ્રેજી માસિક ‘અન્લિટ’ના સંપાદક અને આંધ્રપ્રદેશ સ્ટેટ તેલુગુ સ્મૉલ પેપર્સ ઍસોસિયેશનના માનાર્હ પ્રમુખ રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં તેલુગુમાં 80 ગ્રંથો આપ્યા છે. ઉદય કિરાનાલુ (1956) અને ‘અન્વેષણ’ (1958) બંને નવલકથાઓ છે. ‘ઇદી તંતુ’ (1956); ‘એકપત્રાભિનયુલુ’ (1979) અને ‘મૂદુ નાટિકલા’ (1979) તેમનાં જાણીતાં એકાંકીઓ છે. ‘હૈદરાબાદુલો’ (1957); ‘શેખારામ કથાલુ’ (બે ભાગમાં 1964); ‘સમ્બાશિવરાવ કથાલુ’ (1978) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘રાસી-સિરા’ (1965); ‘પોતુકુચીયામ’ (1968); ‘સમ્બાશિવ-નંદલહરિ’ (1976); ‘સિખરાલુ’ (1978) અને ‘ચૈતન્યકિરાનાલુ’ (1985) તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે; જ્યારે ‘કલાસિવુન્તે કલાડુ સુખમ’ (1954); ‘તન્દ્રુલુ-કોડુકુલુ’ (1956) (ચિત્રપટ પર આધારિત) નવલકથાઓ છે.

તેમના વિવિધ પ્રકારના સાહિત્યિક પ્રદાન બદલ તેમને ભારતીય નિકોલાઈ ઍવૉર્ડ; પી. પર્વત રાજુ ઍવૉર્ડ; મદપતિ સુકુમાર ઍવૉર્ડ આપવામાં આવ્યા. અખિલ ભારતીય ભાષા-સાહિત્ય સંમેલન દ્વારા તેમને ‘ભારત ભાષાભૂષણ’નો ખિતાબ આપી સન્માનિત કરવામાં આવ્યા.

બળદેવભાઈ કનીજિયા