સમુદ્રફળ : દ્વિદળી વર્ગમાં આવેલા બેરિંગ્ટોનિયેસી (મિરટેસી) કુળની વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Barringtonia racemosa (Linn.) Spreng. (બં. સમુદ્રફલ; હિં. ઇજ્જુલ; મલ. કટામ્પુ, સમુદ્રાપ્પુ; મ. નિવર; સં. સમુદ્રફલ; ત. સમુથ્રમ; તે. સમુદ્રપોન્નાચેટ્ટુ; અં. ઇંડિયન ઓક) છે. તે એક મધ્યમ કદનું અથવા નાનું વૃક્ષ છે અને બદામી રેસામય છાલ ધરાવે છે. તે ભારતના પશ્ચિમ દરિયાકિનારે કોંકણથી દક્ષિણ તરફ કેરળ સુધી જોવા મળે છે. તેને શોભન વનસ્પતિ તરીકે ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તે સુંદરવન (પશ્ચિમ બંગાળ) અને આંદામાનમાં પણ થાય છે. તેનાં પર્ણો મોટાં સાદાં, પ્રતિઅંડાકાર (obovate), 15-30 સેમી. લાંબાં, કુંઠદંતી (crenulate) અને પર્ણદંડ આગળ ખાંચાવાળાં હોય છે. પુષ્પો ગુલાબી હોય છે અને તેઓ લાંબી લટકતી કલગી (raceme) સ્વરૂપે ગોઠવાયેલાં હોય છે. દલપત્રોની ટોચો સહેજ વળેલી હોય છે. ફળો અંડાકાર અને છીછરી કટક (ridge) અને ખાંચવાળાં (grooved) હોય છે.

કુમળાં પર્ણો રાંધીને શાકભાજી તરીકે ખાવામાં આવે છે. ફળ કફ, દમ અને અતિસાર(diarrhoea)ની ચિકિત્સામાં ઉપયોગમાં લેવામાં આવે છે. ત્વચાનો મલમ  બનાવવામાં એક ઘટક તરીકે તે ઉપયોગી છે.

સમુદ્રફળના વૃક્ષનાં પર્ણ અને પુષ્પ

બીજ સુગંધિત હોય છે અને તેનો શૂલ (colic) અને નેત્રશોથ(ophthalmia)માં ઉપયોગ થાય છે. કમળો અને અન્ય પિત્ત સંબંધી રોગમાં તેનાં મીંજ (kernal) દૂધ સાથે આપવામાં આવે છે. તે કૃમિનાશક (vermifuge) અને માછલી માટે વિષાળુ છે. તેનો ઉપયોગ કીટનાશક તરીકે પણ થાય છે. બીજ મેદીય તેલ ઉત્પન્ન કરે છે, જેમાં ઓલિક અને પામિટિક ઍસિડ હોય છે. મીંજ દ્વારા અશુદ્ધ સેપોનિન (3 %) ઉત્પન્ન થાય છે. ઓળખાયેલું એક સેપોનિન બેરિંગ્ટોનિન છે. સેપોનિનના જલાપઘટન(hydrolysis)થી ચાર ટ્રાઇટર્પેનોઇડ સેપોજેનિન ઉત્પન્ન થાય છે : બેરિંગ્ટોજેનોલ (C30H50O4), બેરિંગ્ટોજેનિક ઍસિડ (C30H46O6), R1બેરિજેનોલ અને R2બેરિજેનોલ.

સમુદ્રફળ

છાલ કૃમિનાશક, કીટનાશક અને મત્સ્ય-વિષ તરીકે વપરાય છે. તે 18 % ટેનિન ધરાવે છે. છાલના આલ્કોહૉલીય અને જલીય નિષ્કર્ષો લીંબુ(Citrus)ની મોલોમશી (Toxoptera aurantii Boyr.) માટે વિષાળુ છે.

પુષ્પ સાયનિડિન અને ડેલ્ફિનિડિન-3-સેમ્બુબાયોસાઇડ ધરાવે છે. કાષ્ઠ મૃદુ હોય છે. તેનો ખાસ ઉપયોગ થતો નથી. મૂળનો ઉપયોગ આંતરાયિક (intermittent) તાવની ચિકિત્સામાં થાય છે.

આયુર્વેદ અનુસાર તે તીખું અને ઉષ્ણ છે; અને ત્રિદોષ, દાવાનલદોષ, કફ, ભ્રમ તેમજ શિરોરોગનો નાશ કરે છે. પાણીમાં ઘસીને પાવાથી કૃમિનો નાશ કરે છે.

તેનો ઉપયોગ બાળકોના કફવિકાર, પેટમાં લોહીની ગાંઠ પડે તેના ઉપર, આંખોના પડળ ઉપર, કમળો, આધાશીશી, આંખોનાં ફૂલ અને ઉધરસ ઉપર તેમજ ધતૂરાનાં વિષ, સન્નિપાત અને સર્પદંશ ઉપર થાય છે.

સમુદ્રફળની અન્ય જાતિ Barringtonia acutangula Gaertn. (બં., હિં. હિજ્જલ, ઇજલ; ગુ. સમુદ્રફળ; મ. દત્તેફલ, સમુદ્રફલ; સં. સમુદ્રફલ; અં. ઇંડિયન ઓક) સદાહરિત વૃક્ષ છે અને ભારતમાં બધે જ થાય છે. B. asiatica Kruz. syn. B. speciosa J. R. & G. Frost. (ક. સમુદ્રફળ, અં. ધ ક્વિન્સ ઑવ્ ધ શોર્સ) આંદામાનમાં દરિયાકિનારે થાય છે. તે કેટલીક વાર વાડ તરીકે ઉછેરાય છે.

મ. ઝ. શાહ

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ