સમુદ્રપ્રવાહો (Ocean Currents)

January, 2007

સમુદ્રપ્રવાહો (Ocean Currents) : સમુદ્રજળનું સમક્ષૈતિજ અને લંબ રૂપે પરિભ્રમણ. ભૂપૃષ્ઠ પર વહેતા નદીપ્રવાહની જેમ મહાસાગરોમાં પણ વિશાળ જળજથ્થા હજારો વર્ષથી નિયત દિશામાં વહે છે, તેને સમુદ્રપ્રવાહ તરીકે ઓળખવામાં આવે છે. આ પૈકી કેટલાક પ્રવાહો ખૂબ જ ઝડપી છે, જ્યારે કેટલાક ભાગ્યે જ વહેતા જણાય છે. સમુદ્રપ્રવાહ તરીકે વહેતાં જળ સ્થળભેદે ગરમ અથવા ઠંડાં હોય છે. ભૌગોલિક દૃષ્ટિએ કેટલાક સમુદ્રપ્રવાહોનું ઘણું મહત્ત્વ છે; જેમ કે, ગરમ અખાતી પ્રવાહ, ગરમ ક્યુરોસિવો પ્રવાહ, ઠંડો લાબ્રાડોર પ્રવાહ, ઠંડો ક્યુરાઇલ પ્રવાહ વગેરે.

સમુદ્રપ્રવાહોની ઉત્પત્તિ માટે ઘણાં પરિબળો જવાબદાર લેખાય છે. એ પૈકી સૂર્યઊર્જા, ગ્રહીય પવનો અને પૃથ્વીનું અક્ષભ્રમણ મુખ્ય છે. સૂર્યની ગરમીને કારણે સમુદ્રજળનાં તાપમાન, ક્ષારતા અને ઘનતામાં ફેરફાર થતો રહે છે. પૃથ્વી તેની ધરી પર નમેલી હોવાથી સૂર્યનાં કિરણો પૃથ્વી પરની બધી જગાએ સીધાં પડતાં નથી. પરિણામે સમુદ્રજળના તાપમાનમાં અને બાષ્પીભવનમાં સ્થળભેદે ફેરફાર જોવા મળે છે; ધ્રુવો કરતાં વિષુવવૃત્તીય પ્રદેશોમાંના સમુદ્રજળમાં ક્ષારતાનું પ્રમાણ વિશેષ રહે છે. ગરમ થયેલાં ઊંચી ક્ષારતાવાળાં વિષુવવૃત્તીય જળ ધ્રુવો તરફ જતાં ઠંડાં પડે છે અને તેથી તેમની ઘનતા વધે છે, ભારે થયેલાં આ જળ ધ્રુવપ્રદેશ નજીક નીચે ઊતરીને વિષુવવૃત્ત તરફ પાછાં ફરે છે.

આમ, તાપમાન અને ઘનતાના તફાવતને કારણે વિષુવવૃત્ત તરફથી ગરમ અને હલકાં પાણી ધ્રુવો તરફ તથા શીતકટિબંધનાં ઠંડાં અને ભારે પાણી સમુદ્રની નીચે તરફની સપાટીએ ધ્રુવો તરફથી વિષુવવૃત્ત તરફ સતત વહ્યાં કરે છે. આ રીતે તાપમાન, ક્ષારતા અને ઘનતાના તફાવતોને કારણે સમુદ્રોમાં પ્રવાહો ઉત્પન્ન થાય છે.

પૃથ્વીનું અક્ષભ્રમણ, વાતા પવનો, કાંઠાની ભૂમિની આકારિકી વગેરે સમુદ્રપ્રવાહોના નિર્માણ, વહનદિશા અને ઝડપ પર ઘણી અસર કરે છે. સમુદ્રપ્રવાહો ઉત્તર ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ચકરાવો મારે છે.

સમુદ્રપ્રવાહો ઉપર દર્શાવેલાં પરિબળોની સંયુક્ત અસરને લીધે ઉત્પન્ન થાય છે. પ્રવાહો એક નિયમિત પદ્ધતિને અનુસરે છે. વિષુવવૃત્તીય પ્રવાહો વ્યાપારી પવનોને અનુસરે છે. ઍટલૅન્ટિક, પૅસિફિક અને હિન્દી મહાસાગરોમાં પશ્ચિમ તરફ વહેતા વિષુવવૃત્તીય પ્રવાહોની વચ્ચે પૂર્વ દિશામાં વહેતા પ્રતિપ્રવાહો આવેલા છે. મધ્ય અક્ષાંશોમાં પ્રવાહો પશ્ચિમિયા પવનોને અનુસરે છે. પૃથ્વીના અક્ષભ્રમણથી તેમજ ભૂમિખંડોના અવરોધથી આ પ્રવાહો ગોળાકારમાં વહે છે. ગરમ પ્રવાહો ઠંડા સમુદ્ર તરફ અને ઠંડા પ્રવાહો ગરમ સમુદ્ર તરફ વહે છે. ગરમ પ્રવાહો ખંડોના પશ્ચિમ કિનારે અને ઠંડા પ્રવાહો ખંડોના પૂર્વ કિનારે વહે છે. ખંડોના પશ્ચિમ કાંઠા પાસે વિષુવવૃત્ત નજીકનાં સમુદ્રસપાટીનાં પાણી પશ્ચિમ તરફ ધકેલાતાં તેની જગા લેવા નીચેનાં ઠંડાં પાણી ઉપર આવે છે. ધ્રુવીય પ્રદેશો પાસે સપાટીનાં પાણી ભારે બનતાં તે ઉપરથી નીચે તરફ વહે છે.

સમુદ્રસપાટીના પ્રવાહો : સમુદ્ર અને મહાસાગરોમાં સપાટી પર વહેતા પ્રવાહો મુખ્યત્વે બે પ્રકારના છે : (1) ગરમ પ્રવાહો, (2) ઠંડા પ્રવાહો. સામાન્ય રીતે ઉષ્ણ કટિબંધમાંથી સમશીતોષ્ણ કટિબંધ અને શીત કટિબંધ તરફ વહેતા પ્રવાહો ગરમ હોય છે; જ્યારે ઊંચા અક્ષાંશોવાળા પ્રદેશોમાંથી વિષુવવૃત્ત તરફ વહેતા પ્રવાહો મહદ્અંશે ઠંડા હોય છે.

ઍટલૅન્ટિક મહાસાગરના પ્રવાહો : મહાસાગરો પૈકી ઍટલૅન્ટિક મહાસાગરનું પ્રવાહતંત્ર સ્પષ્ટ અને નમૂનેદાર ગણાય છે. ઉત્તર ગોળાર્ધમાં અહીંના પ્રવાહો ઘડિયાળના કાંટાની દિશામાં જ્યારે દક્ષિણ ગોળાર્ધમાં તે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ગોળાકાર સ્વરૂપમાં વહે છે. વિષુવવૃત્તીય પ્રદેશમાં વ્યાપારી પવનોના પટ્ટામાં ઉત્તર અને દક્ષિણના ગરમ વિષુવવૃત્તીય પ્રવાહો પૂર્વથી પશ્ચિમ દિશા તરફ વહે છે. ઉત્તર ઍટલૅન્ટિકમાં ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ આશરે 0°થી 15° ઉત્તર અક્ષાંશ વચ્ચે દિવસ દરમિયાન સૂર્યતાપવાળા સમયગાળામાં અંદાજે 25 કિમી.ની ઝડપે વહે છે, એમાં આશરે 200 મીટરની સરેરાશ ઊંડાઈ સુધીનાં પાણીની વહનક્રિયા થાય છે.

ઍટલૅન્ટિક મહાસાગરમાં કેટલીક પ્રવાહશાખાઓ ભેગી મળે છે અને છૂટી પણ પડે છે. આ પ્રવાહશાખાઓ જે જે પ્રદેશ પાસેથી પસાર થાય છે તેને તે પ્રાદેશિક નામથી ઓળખવામાં આવે છે; જેમ કે ‘એન્ટિલીસ’ અને ‘ફ્લોરિડા પ્રવાહ’. તે આગળ જતાં ‘ગરમ અખાતી પ્રવાહ’ નામથી ઓળખાય છે. આ પ્રવાહ ઍટલૅન્ટિકનો મહાપ્રવાહ ગણાય છે. તે આશરે 80 કિમી.ની પહોળાઈ તથા 400 મીટર જેટલી ઊંડાઈ ધરાવે છે. અખાતી પ્રવાહનાં પાણીની ગતિ કલાકના 605 મીટર જેટલી રહે છે. આ પ્રવાહમાં મિસિસિપી નદીમાં વહેતાં પાણીની તુલનામાં હજારોગણું પાણી વહે છે. વિષુવવૃત્ત નજીક ઉત્પન્ન થયેલો આ પ્રવાહ પશ્ચિમ તરફ આગળ વધીને બ્રાઝિલની ભૂશિરનો અવરોધ આવતાં બે ફાંટામાં વહેંચાય છે, એક ફાંટો કૅરિબિયન સમુદ્રમાં થઈ મેક્સિકોના અખાતને કાંઠે કાંઠે ચકરાવો મારી ફ્લોરિડા પાસે થઈ ઉત્તર અમેરિકાના પૂર્વ કાંઠા નજીકથી ઉત્તર ઍટલૅન્ટિકમાં જાય છે. મેક્સિકોના અખાતમાંથી બહાર નીકળ્યા પછી તે અખાતી પ્રવાહના નામથી ઓળખાય છે. અખાતી પ્રવાહ ઉત્તર તરફ આગળ વધે છે ત્યારે તેને ન્યૂફાઉન્ડલૅન્ડ નજીક લાબ્રાડોરનો ઠંડો પ્રવાહ મળે છે. અહીં ગરમ અને ઠંડા પ્રવાહોનાં પાણી ભેગાં થવાથી વાતાવરણમાં ધુમ્મસ ઉત્પન્ન થાય છે. અહીં ઠંડા પ્રવાહના ખેંચાણ સાથે તણાઈ આવેલી હિમશિલાઓ (તરતા હિમગિરિ  icebergs) પણ ઓગળે છે. આ અખાતી પ્રવાહ ન્યૂફાઉન્ડલૅન્ડ વટાવ્યા પછી ઉત્તર તરફના ગ્રીનલૅન્ડના ભૂમિઅવરોધને કારણે પૂર્વ તરફ ફંટાય છે અને ત્યાંથી આગળ વધતાં યુરોપના પશ્ચિમ ભાગમાં બેથી વધુ શાખાઓમાં વહેંચાઈ જાય છે. આ પૈકીની એક શાખા ઉત્તરમાં આઇસલૅન્ડ અને નૉર્વે તરફ વહે છે જ્યારે બીજી શાખા યુ. કે. તરફ અને ત્રીજી દક્ષિણ તરફ સ્પેન અને વાયવ્ય આફ્રિકાને કિનારે વહે છે, અને છેવટે ઉત્તર વિષુવવૃત્ત પ્રવાહમાં ભળી જાય છે. આ રીતે તેનું ચક્ર પૂરું થાય છે.

દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ : દક્ષિણ ઍટલૅન્ટિકમાં આશરે 10° દ. અને 15° દ. અક્ષાંશવૃત્તો વચ્ચે પૂર્વથી પશ્ચિમ તરફ વહે છે. આ પ્રવાહ ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ કરતાં વધુ ગતિ ધરાવે છે. આ પ્રવાહ પણ વિવિધ શાખાઓમાં વહેંચાતાં તે ‘બ્રાઝિલના પ્રવાહ’, ‘ફૉકલૅન્ડના પ્રવાહ’ અને ‘બૅન્ગ્વેલાના ઠંડા પ્રવાહ’ તરીકે પણ ઓળખાય છે.

ઉત્તર અને દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહોની વચ્ચે વિષુવવૃત્તીય નિર્વાત પ્રદેશ અથવા ઊંઘતા પવનો(doldrums)ના ભાગમાં વિષુવવૃત્તીય પ્રતિપ્રવાહ પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે. ઍટલૅન્ટિકના સીમાન્ત સમુદ્રોમાં પણ કેટલાક પ્રવાહો જોવા મળે છે. ગ્રીનલૅન્ડના પૂર્વ કિનારા પાસે ‘ગ્રીનલૅન્ડ પ્રવાહ’ દક્ષિણ દિશામાં વહે છે, પશ્ચિમ કિનારા પાસે પશ્ચિમ ગ્રીનલૅન્ડનો પ્રવાહ ઉત્તર દિશામાં વહે છે.

ઍટલૅન્ટિકના બે વિસ્તારો એવા છે, જ્યાં લગભગ કોઈ પ્રવાહ વહેતો નથી; અર્થાત્ અહીં 20°થી 40° ઉ. અ. અને 55°થી 75° પ. રેખાંશો વચ્ચે તદ્દન શાંતપ્રદેશ આવેલો છે, જે ‘સારગાસો સમુદ્ર’ કહેવાય છે. દક્ષિણ ઍટલૅન્ટિકમાં પણ આવા પ્રવાહવિહીન પ્રદેશો આવેલા છે.

પૅસિફિક મહાસાગરના પ્રવાહો : પૅસિફિક મહાસાગર ઘણો વિશાળ હોવાથી તેના પ્રવાહતંત્ર પર ભૂમિખંડોની ખાસ અસર થતી નથી, આથી તેનું પ્રવાહતંત્ર આદર્શ ગણાય છે.

પૅસિફિક મહાસાગરના વિષુવવૃત્તીય પ્રવાહો સારી રીતે વિકસેલા છે. ઉત્તર પૅસિફિક વિષુવવૃત્તીય પ્રવાહ 8° ઉ. અ.થી 20° ઉ. અ. વચ્ચે તથા દક્ષિણ પૅસિફિક વિષુવવૃત્તીય પ્રવાહ 3° ઉ. અ. અને 8°/10° દ. અ. વચ્ચે પશ્ચિમ દિશા તરફ વહે છે. આ બે પ્રવાહોની વચ્ચે વિષુવવૃત્તીય પ્રતિપ્રવાહ પૂર્વ દિશામાં વહે છે. વિષુવવૃત્તીય પ્રવાહો પનામાના અખાતથી પશ્ચિમે ફિલિપાઇન્સ સુધી લગભગ 12,000 કિમી.ના અંતરમાં વહેતા જોવા મળે છે.

ઉત્તર પૅસિફિક વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ કિનારે પહોંચતાં ઉત્તર અને દક્ષિણ શાખાઓમાં વહેંચાય છે. દક્ષિણ શાખા પ્રતિપ્રવાહમાં ભળી જાય છે; જ્યારે ઉત્તર શાખા ઉત્તર તરફ વળાંક લઈ ક્યુરોસિવો પ્રવાહ બને છે. આ પ્રવાહ અખાતી પ્રવાહને સમકક્ષ ગણાય છે અને ફ્લોરિડા પ્રવાહને ઘણો મળતો આવે છે તે ફૉર્મોસા અને જાપાનના કાંઠા પાસેથી પસાર થાય છે અને આગળ વધે છે. ઉત્તર તરફ તેને ઓયાસિવો(Oyashio)નો ઠંડો પ્રવાહ મળે છે. આ પ્રવાહમાં પુષ્કળ પ્રમાણમાં તરલ જીવો સામેલ થતા હોવાથી તેનાં પાણી લીલા રંગનાં દેખાય છે. આ બંને પ્રવાહો ભળી જતાં તે ઉત્તર પૅસિફિક પ્રવાહ બને છે. પૂર્વમાં વાનકુવરના ટાપુ પાસે તે બે ભાગમાં ફંટાય છે, જેની એક શાખા ઉત્તરે ઍલ્યુશિયન પ્રવાહ તરીકે અલાસ્કાના અખાતમાં વહે છે, તેને કારણે કિનારા પર ધુમ્મસ અને વરસાદ થાય છે. બીજો ભાગ કૅલિફૉર્નિયાનો પ્રવાહ બની દક્ષિણ દિશામાં વહે છે, તે છેવટે ઉત્તર પૅસિફિક વિષુવવૃત્તીય પ્રવાહને મળે છે.

દક્ષિણ પૅસિફિકમાં પેરુ અથવા હમ્બોલ્ટના નામથી ઓળખાતા ઠંડા પ્રવાહ વિશે ઘણો અભ્યાસ થયો છે, તે ચિલી અને પેરુના કિનારા પાસે ઉત્તર દિશામાં વહે છે અને દક્ષિણ પૅસિફિક વિષુવવૃત્તીય પ્રવાહમાં ભળી જાય છે.

દક્ષિણ પૅસિફિકને પશ્ચિમ કિનારે ઘણા ટાપુઓ આવેલા છે, તેમાંનો એક પ્રવાહ  ઑસ્ટ્રેલિયન પ્રવાહ  દક્ષિણ પૅસિફિકના પશ્ચિમી પ્રવાહમાં ભળે છે. પશ્ચિમી પ્રવાહ પૂર્વ દિશામાં વહે છે, જેમાંથી એક શાખા આગળ જતાં હમ્બોલ્ટના પ્રવાહ તરીકે ઓળખાય છે.

હિન્દી મહાસાગરના પ્રવાહો : હિન્દી મહાસાગરનો ઉત્તરનો જળવિસ્તાર ઘણો નાનો છે, પરંતુ દક્ષિણ તરફનો જળવિસ્તાર વિશાળ છે. હિન્દી મહાસાગરમાં સપાટીના પ્રવાહો ઘડિયાળના કાંટાની ઊલટી દિશામાં વહે છે, પરંતુ ઋતુના ફેરફાર મુજબ તે બદલાય પણ છે.

દક્ષિણ વિષુવવૃત્તીય પ્રવાહ 8° દ. અ.થી 20° દ. અ. વચ્ચે બારે માસ પશ્ચિમ દિશામાં વહે છે; પરંતુ અગ્નિકોણી વ્યાપારી પવનોના ફેરફારો સાથે તેની ગતિ પણ બદલાતી રહે છે. કિનારે પહોંચતાં તે ફંટાય છે, તેનો મુખ્ય ભાગ દક્ષિણ તરફ વળે છે, જેને આગુલ્હાસ પ્રવાહ કહે છે. આફ્રિકાના દક્ષિણ છેડા પાસે આગુલ્હાસ પ્રવાહના પૂર્વ તરફના વળાંકથી ત્યાં સમુદ્રની ઘૂમરીઓ (eddies) ઉત્પન્ન થાય છે.

દક્ષિણના વિષુવવૃત્તીય પ્રવાહની એક નાની શાખા મોઝામ્બિકની ખાડીમાંથી ‘મોઝામ્બિક પ્રવાહ’ના નામથી વહે છે. તે દક્ષિણમાં આગુલ્હાસ પ્રવાહમાં ભળી જાય છે.

હિન્દી મહાસાગરનો ઉત્તરનો વિસ્તાર ઘણો નાનો છે, તેના પ્રવાહતંત્ર પર ભૂમિભાગોની અસર થાય છે. શિયાળુ અને ઉનાળુ મોસમી પવનોથી તેના પ્રવાહોની સ્થિતિ તદ્દન ઊલટી થઈ જાય છે. ઉનાળામાં મોસમી પવનોની દિશા બદલાય છે, તેથી પ્રવાહમાં પણ ફેરફાર ઊભો થાય છે. એપ્રિલથી નૈર્ઋત્યના મોસમી પવનો વાય છે. ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં ઉત્તરનો વિષુવવૃત્તીય પ્રવાહ અદૃશ્ય થાય છે, તેની જગા નૈર્ઋત્યનો મોસમી પ્રવાહ લે છે. તે પૂર્વ દિશામાં વહે છે, જે મોસમી પ્રવાહમાં ભળી જાય છે. આ પ્રવાહોની સ્થિતિ નૈર્ઋત્યના મોસમી પવનો વાય છે ત્યાં સુધી જળવાઈ રહે છે.

ઉનાળામાં દક્ષિણના વિષુવવૃત્તીય પ્રવાહની એક શાખા ઉત્તર દિશામાં ફંટાય છે અને સોમાલી પ્રવાહમાં ભળી જાય છે, તેની ઝડપ દર સેકંડે 200 સેમી. જેટલી હોય છે.

ઍન્ટાર્ક્ટિક અથવા દક્ષિણ મહાસાગરના પ્રવાહો : ઍન્ટાર્ક્ટિક મહાસાગરના સપાટી-પ્રવાહોમાં ભૂમિખંડ અને પવનનાં પરિબળો મુખ્ય ભાગ ભજવે છે. ખંડની આજુબાજુ કાંઠા પાસે ‘પૂર્વીય પ્રવાહ’ પૂર્વ દિશામાં વહે છે, જ્યારે પશ્ચિમી પ્રવાહ પશ્ચિમ દિશામાં વહે છે, તે ધ્રુવીય વર્તુળાકાર પ્રવાહ (circumpolar current) તરીકે પણ ઓળખાય છે. આ પ્રવાહ દક્ષિણ અમેરિકા અને ઍન્ટાર્ક્ટિકા ખંડની વચ્ચેની ડ્રેઇકની સામુદ્રધુનીમાંથી પસાર થાય છે. તેની ગતિ સ્થાન સાથે બદલાતી રહે છે; તેનું કારણ સમુદ્રના તળિયાના ભૂપૃષ્ઠની અસર માનવામાં આવે છે. આ પ્રવાહનો કેટલોક ભાગ મહાસાગરોની દક્ષિણની મુખ્ય પ્રવાહરચનાનો ભાગ બને છે. તેથી હમ્બોલ્ટ, બૅન્ગ્વેલા અને ફૉકલૅન્ડ પ્રવાહોમાં આ પ્રવાહોની શાખા ભળવાથી પાણીની ઠંડક વધે છે.

ઊંડા સમુદ્રના પ્રવાહો : સમુદ્રના ઊંડાણમાં વહેતા પ્રવાહો સમુદ્રના રહસ્યમય પ્રવાહો ગણાય છે. સપાટીથી અમુક ઊંડાઈ હેઠળ વહેતા આ પ્રવાહો મુખ્યત્વે ઘનતાના તફાવતથી અને કાયમી પવનોની અસરથી ઉદ્ભવે છે. આ પ્રવાહોની વહનગતિ તદ્દન મંદ હોય છે. એક એવો અંદાજ મુકાયેલો છે કે ઍન્ટાર્ક્ટિકાના ઠંડા, ભારે પાણીના પ્રવાહને વિષુવવૃત્ત સુધી પહોંચવામાં 300 વર્ષ લાગે છે, જ્યારે બીજા એક અંદાજ પ્રમાણે 1,500 વર્ષ લાગે છે. આ માહિતી સમુદ્રજળમાં રહેલા તત્ત્વ કાર્બન-14ના વિઘટનના અભ્યાસ પરથી મેળવાયેલી છે.

પાણીમાં ક્ષાર વધુ હોય તો તે ભારે બને છે. દુનિયાના સમુદ્રોની સરેરાશ ક્ષારતા 34.75 % છે; પરંતુ ધ્રુવો પાસે જ્યાં બરફ ઓગળે છે ત્યાં તાજું પાણી ઉમેરાતું હોવાથી ત્યાં ક્ષારતા ઓછી હોય છે. આથી ઊલટું, પાણીમાંથી બરફ થતાં તેમાંથી ક્ષાર છૂટો પડે છે, તેથી ધ્રુવો પાસે બરફની નીચે ભારે ક્ષારતાવાળાં પાણી બને છે, તે સમુદ્રતળ પરથી વિષુવવૃત્ત તરફ વહે છે.

દુનિયામાં સૌથી ભારે સમુદ્રજળ ઍન્ટાર્ક્ટિકા ખંડની પાસેના વેડેલ સમુદ્રમાં છે ત્યાં તાપમાન 1.9° સે.થી પણ નીચું હોય છે, તેથી ત્યાં પાણીનું બરફમાં રૂપાંતર થાય છે. ક્ષાર છૂટો થઈ ગયેલું પાણી વધુ ક્ષારતાવાળું બનતાં તે ભારે થઈ નીચે તરફ જાય છે. આ પાણી ઍન્ટાર્ક્ટિકાના તળિયાનું પાણી કહેવાય છે. ઍન્ટાર્ક્ટિકાનાં તળિયાનાં અને મધ્ય ઊંડાઈનાં પાણી ઉત્તરમાં ત્રણેય મહાસાગરોમાં પ્રસરે છે. તેની ક્ષારતા ઓછી હોય છે.

ઍટલૅન્ટિક મહાસાગરના ઊંડાણમાં વહેતા પ્રવાહનો અભ્યાસ વિગતે થયેલો છે, પરંતુ હિન્દી મહાસાગર અને પૅસિફિક મહાસાગરમાં ઊંડાણમાં વહેતા પ્રવાહોનો અભ્યાસ ઘણા ઓછા પ્રમાણમાં થયેલો છે.

પ્રવાહોની અસરો : સમુદ્રના પ્રવાહોમાં કોઈ ગરમ તો કોઈ ઠંડા પ્રવાહો છે; કોઈ સપાટી પર વહે છે તો કોઈ ઊંડાણમાં વહે છે; કોઈ ઉપરથી નીચે તરફ તો કોઈ નીચેથી ઉપર તરફ વહે છે.

અખાતી પ્રવાહ જેવા ગરમ પ્રવાહો ઠંડા દેશોના કાંઠાઓ પાસેથી પસાર થાય ત્યારે ત્યાંના હવામાનને હૂંફાળું બનાવે છે, કાંઠાનાં જળને થીજી જતાં અટકાવે છે જે સમુદ્રના ધોરી જળમાર્ગો તરીકે ઉપયોગી બની રહે છે. આ કારણે યુ.કે. અને નૉર્વેનાં પશ્ચિમ કાંઠાનાં બારાં વહાણવટા માટે બારે માસ ખુલ્લાં રહે છે.

પ્રવાહોથી સમુદ્રનાં પાણી વલોવાય છે. નીચેથી ઉપર આવતાં પાણીમાં તરલ જીવસૃદૃષ્ટિ માટેનો પોષકતત્ત્વોનો વિશાળ જથ્થો ઉપર તરફ આવે છે. હમ્બોલ્ટના પ્રવાહમાં આવું બને છે. ચિલી અને પેરુના કાંઠાના સમુદ્રમાં પુષ્કળ માછલાં થાય છે. માછલાં પર નભતાં પક્ષીઓના મળ‘ગ્વાનો’માંથી ફૉસ્ફેટનું ખાતર બનાવવાનો ઉદ્યોગ વિકસ્યો છે.

ઉપરથી નીચે વહેતા પ્રવાહોની સાથે હવામાંના પ્રાણવાયુનો વિશાળ જથ્થો સમુદ્રતળ સુધી પહોંચે છે, જેથી તળનું પાણી બંધિયાર કે વાસી થતું અટકે છે. જ્યાં પ્રવાહ પહોંચતો નથી ત્યાં પાણી ઝેરી થતાં જીવસૃદૃષ્ટિ જીવી શકતી નથી. આવું પાણી સપાટી પર આવતાં હજારો જીવો મરી પણ જાય છે.

ક્ષારતાના તફાવતને કારણે ઉત્પન્ન થતા પ્રવાહનો લાભ જર્મનીની એક સબમરીન લેતી હતી અને બ્રિટિશરોના કિલ્લા સમાન જિબ્રાલ્ટરની ખાડીમાંથી ઝડપથી પસાર થઈ જતી હતી. આમ પ્રવાહનું વ્યૂહાત્મક મહત્ત્વ પણ છે. કેટલીક વાર પ્રવાહને કારણે ઊભી થતી ઘૂમરીઓ વહાણવટાને અવરોધરૂપ બની રહે છે. આવી ઘૂમરીઓ નૉર્વેના કાંઠા પાસે, દક્ષિણ આફ્રિકા પાસે અને અમેરિકાના છેડા પાસે મુશ્કેલીઓ ઊભી કરે છે.

નીતિન કોઠારી