સમુદ્રબંધ : આલંકારિક લેખક. આચાર્ય રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર તેમણે સંસ્કૃતમાં ટીકા એટલે સમજૂતી લખી છે. પોતાની ટીકામાં પોતાના આશ્રયદાતા રાજા રવિવર્મન્ ઉર્ફે સંગ્રામધીર નામના રાજાની પ્રશંસા કરતાં ઉદાહરણો સમુદ્રબંધે આપ્યાં છે. તેથી તે રાજાના સમયમાં તેઓ થઈ ગયા મનાય છે. આ રાજાનો સમય 13મી સદીના અંત અને 14મી સદીના આરંભમાં હોવાથી સમુદ્રબંધનો સમય પણ તે જ અનુમાની શકાય. સમુદ્રબંધ કેરળ એટલે મલબારમાં કોલંબ પ્રદેશમાં વેગવતી નદીના તટે રહેતા હતા. પોતાની ટીકામાં આલંકારિક આચાર્યોમાં ભામહ, ઉદ્ભટ, વામન, રુદ્રટ, આનંદવર્ધન, ભટ્ટનાયક, કુંતક, મહિમ ભટ્ટ, રાજા ભોજ અને મમ્મટના નિર્દેશો તેઓ આપે છે. ભામહના ‘કાવ્યાલંકાર’ પર ઉદ્ભટે રચેલી હાલ અપ્રાપ્ય એવી વૃત્તિનો નિર્દેશ પણ સમુદ્રબંધે કર્યો છે. આચાર્ય રુય્યકના ‘અલંકારસર્વસ્વ’ પર તો તેમણે ટીકા રચી છે કે જેમાં રુય્યકના ગ્રંથ પર ટીકા લખનારા અન્ય લેખકોના મતોની અને તેમણે લીધેલાં પાઠાન્તરોની ચર્ચા પણ તેમણે કરી છે. આમ તેમણે રચેલી ટીકા મહત્ત્વની અને પાંડિત્યપૂર્ણ છે. અલબત્ત, જયરથની ‘અલંકારસર્વસ્વ’ પરની ટીકા સમુદ્રબંધની ટીકા કરતાં ઘણી વિસ્તૃત અને ઉદાહરણપ્રચુર છે એમ કહેવું ખોટું નથી.

પ્ર. ઉ. શાસ્ત્રી