સમાનતા (રાજ્યશાસ્ત્ર) : કશાયે ભેદભાવ વિના પ્રત્યેક મનુષ્યને અને રાજ્યને વિવિધ સંદર્ભે સમાન ગણવા પર ભાર મૂકતી અત્યંત અઘરી અને વિવાદાસ્પદ વિભાવના.
સામાજિક વિજ્ઞાનોમાં સમાનતાનો ખ્યાલ અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. સમાનતા એક સામાજિક, આર્થિક, રાજકીય સિદ્ધાંત પણ છે અને એક સામાજિક મૂલ્ય પણ છે. સમાજમાં અસમાનતા કેમ છે, તે શા માટે દૂર કરવી જોઈએ, એ દૂર કરવાના વિવિધ ઉપાયો કેવા હોવા જોઈએ વગેરે બાબતોનું સૈદ્ધાંતિક ચિંતન સામાજિક વિજ્ઞાનો કરે છે; તો એક સામાજિક (વિશાળ અર્થમાં) મૂલ્ય તરીકે સમાનતા શા માટે ઇષ્ટ અથવા ઇચ્છનીય છે, તેનું ચિંતન સામાજિક-રાજકીય તત્ત્વચિંતન કરે છે. આમ, સમાનતાના વિમર્શમાં સિદ્ધાંતકારો અને તત્ત્વચિંતકો બંનેનો ફાળો રહેલો છે.
સ્વતંત્રતાની જેમ સમાનતાની ઝંખનાએ મનુષ્યને સદાય આંદોલિત કર્યો છે, આંદોલનો અને સંઘર્ષ (ક્યારેક લોહિયાળ) કરવાની પ્રેરણા આપી છે. અસમાનતાના એક યા બીજા સ્વરૂપ સામે સામાજિક અને રાજકીય ચળવળો હંમેશાં ચાલતી રહી છે. ક્યારેક તેમાં સફળતા મળી છે, તો ક્યારેક તેને કચડી નાંખવામાં આવી છે.
ફ્રેન્ચ રાજક્રાંતિએ સ્વતંત્રતા અને બંધુતા સાથે સમાનતાને એક ધ્યેય અને મૂલ્ય તરીકે સ્થાપિત કરવામાં મહત્ત્વનો ફાળો આપ્યો છે. ઔદ્યોગિક ક્રાંતિ અને મૂડીવાદી-યથેચ્છવાદે (‘લેઝેઝ્ ફેર’) મધ્યયુગીન-સામંતવાદી વ્યવસ્થામાં પ્રવર્તમાન જમીનમાલિક અને અર્ધગુલામ જેવા ખેતમજૂરો વચ્ચેના અસમાન સંબંધોનાં બંધનો ઢીલાં પાડ્યાં તો બીજી બાજુ મૂડીવાદી માલિકો અને શ્રમજીવીઓ વચ્ચેની નવી અસમાનતાને જન્મ આપ્યો. ઉદારમતવાદી-લોકશાહી વિચારધારાએ ‘કાયદાના શાસન’નો ખ્યાલ રજૂ કર્યો અને કાયદા સમક્ષ સૌ સમાન છે અને સૌ સાથે કોઈ પણ જાતના ભેદભાવ વિના સમાન વ્યવહાર કરવો જોઈએ, એ ખ્યાલ ઉપર ભાર મૂક્યો. મનુષ્યને કેન્દ્રસ્થ ગણતી માનવવાદી વિચારધારાએ વ્યક્તિસ્વાતંત્ર્ય ઉપરાંત મનુષ્ય મનુષ્ય વચ્ચેની પાયાની સમાનતા ઉપર ભાર મૂક્યો. સમાજવાદી-માર્ક્સવાદી વિચારધારાએ સામાજિક-આર્થિક સમાનતા ઉપર વિશેષ ભાર મૂક્યો. રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે, ભલે બીજી બધી બાબતોમાં અસમાનતા હોય, પણ આંતરરાષ્ટ્રીય કાનૂનની દૃષ્ટિએ બધાં સાર્વભૌમ રાષ્ટ્રોને સમાન ગણવાનું સ્વીકારવામાં આવ્યું અને સંયુક્ત રાષ્ટ્રો(યુનાઇટેડ નૅશન્સ)ની મહાસભામાં દરેક સભ્ય રાષ્ટ્રને સરખું પ્રતિનિધિત્વ હોવું જોઈએ, એનો સ્વીકાર કરવામાં આવ્યો. ભારતના બંધારણમાં સ્વતંત્રતા અને ન્યાયની સમકક્ષ સમાનતાના ધ્યેય અથવા આદર્શને સ્થાન આપવામાં આવ્યું છે.
એક સિદ્ધાંત અને મૂલ્ય તરીકે સમાનતાનું આટલું મહત્ત્વ હોવા છતાં તેની વ્યાખ્યા, અર્થ અને સ્વરૂપ વિશે રાજકીય સિદ્ધાંતકારો અને ચિંતકોમાં ઠીક ઠીક પ્રમાણમાં મતભેદ જોવા મળે છે. બ્રિટિશ રાજકીય ચિંતક હેરલ્ડ લાસ્કીએ રાજકીય સિદ્ધાંતના અભ્યાસવિષયમાં સમાનતાને સૌથી મુશ્કેલ અને વિવાદાસ્પદ વિચાર તરીકે ઘટાવ્યો છે.
સમાનતા એ અત્યંત મુશ્કેલ અને બહુપરિમાણલક્ષી ખ્યાલ છે અને સ્વતંત્રતા, ન્યાય, બંધુતા જેવા ખ્યાલો સાથે ગાઢ રીતે સંકળાયેલો છે, પણ એનો અર્થ એવો થતો નથી કે તેની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાય તેમ નથી. એક સાદી સમજ પ્રમાણે સમાનતા એક એવી સામાજિક પરિસ્થિતિ છે જેમાં દરેકેદરેક વ્યક્તિ પોતાના વ્યક્તિત્વનો શ્રેષ્ઠ વિકાસ સાધી શકે એ માટે કેટલીક પાયાની શરતો અથવા પરિસ્થિતિઓની હાજરી અને તેના સાતત્યની ખાતરી આપવામાં આવી હોય. બીજા શબ્દોમાં, વ્યક્તિ માત્રને પોતાનો વિકાસ કરવાની પર્યાપ્ત તકો ઉપલબ્ધ થવી જોઈએ અને એવી ઉપલબ્ધિ, કોઈ પણ જાતના ભેદભાવ વિના, સૌને હોવી જોઈએ. વ્યક્તિ માત્રને સ્વવિકાસ માટે જરૂરી બધી તકોની ઉપલબ્ધિ એટલે સમાનતા, એવી એક સર્વસામાન્ય વ્યાખ્યા આપી શકાય.
પણ સમાનતાનો અર્થ યંત્રવત્ (‘મિકેનિકલ’) સમાનતા એવો કરવાનો નથી. બધાંને એક જ લાકડીએ હાંકવાં, એટલે કે બધાં સાથે, બધા જ સંજોગોમાં એકસરખો વ્યવહાર કરવો એ સમાનતા નથી. રુચિ, જરૂરિયાતો, જાણકારી, ક્ષમતા, કુનેહ વગેરે બાબતોમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે ઘણા તફાવતો છે, એને નજરઅંદાજ કરી બધી વ્યક્તિઓ સાથે એકસરખો (‘યુનિફૉર્મ’) વ્યવહાર કરીએ, એ સમાનતાનો યંત્રવત્ ખ્યાલ થયો ગણાય. ઍરિસ્ટોટલના શબ્દોમાં ‘‘સમાનો વચ્ચે સમાન વ્યવહાર અને અસમાનો વચ્ચે અસમાન વ્યવહાર’’ – એમાં ન્યાય રહેલો છે. આમ છતાં, એટલું ઉમેરવું જોઈએ કે સમાનતાના ખ્યાલમાં અમુક પ્રકારની સમથળ કરવાની પ્રક્રિયા (‘લેવલિંગ પ્રોસેસ’) અભિપ્રેત છે. એક બાજુ ઊંચા પર્વતો હોય અને બીજી બાજુ ઊંડી ખાઈઓ હોય તેને આપણે સમથળ પ્રદેશ કહેતા નથી, તેમ સમાજમાં પણ કેટલાક લોકો બધી રીતે સાધનસંપન્ન હોય અને બીજા (મોટાભાગના) લોકો બધી રીતે સાધનવિહીન હોય તો એ સમાજમાં સમાનતાનો ભારે અભાવ છે, એમ ચોક્કસ કહી શકાય.
કેટલાક રાજકીય ચિંતકો સમાનતાના હકારાત્મક પાસા ઉપર તો કેટલાક તેના નકારાત્મક પાસા ઉપર ભાર મૂકે છે. હકારાત્મક ખ્યાલમાં વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે કોઈ પણ પ્રકારના કૃત્રિમ ભેદભાવ વિના સૌને પોતાનો વિકાસ કરવાની પૂરતી તકો હોવી જોઈએ એના ઉપર વિશેષ ઝોક છે. પણ ‘પૂરતી તકો’નો અર્થ ‘એકસરખી તકો’ એવો થતો નથી.
સમાનતા એટલે સૌને પૂરતી તકોની ઉપલબ્ધિ એવો અર્થ કરીએ તો એક બીજો પ્રશ્ન ઊભો થાય. બધાંને પૂરતી તકો ઉપલબ્ધ કરી શકાય એટલાં સાધનસ્રોતો સમાજ કે રાજ્ય પાસે ન હોય તો શું કરવું ? હેરલ્ડ લાસ્કીએ તેનો જવાબ આપવાનો પ્રયાસ કર્યો છે; જ્યારે સાધનસ્રોતો મર્યાદિત હોય ત્યારે સાર્વજનિક અને તાકીદની બાબતોમાં સૌને પૂરતી તકો ઉપલબ્ધ થાય તેને અગ્રિમતા આપવી જોઈએ. સૌને શુદ્ધ પીવાનું પાણી મળે, એને અગ્રિમતા આપવી જોઈએ, નહિ કે આનંદપ્રમોદ માટેના વૉટર પાર્કને.
સમાનતાનો આ ખ્યાલ સ્વતંત્રતાના ખ્યાલ સાથે બરાબર બંધ-બેસતો આવે છે. સ્વતંત્રતામાં પણ ‘સમાનતા’ હોવી જોઈએ, મતલબ કે જે પાયાની સ્વતંત્રતાઓ છે તે બધાં કોઈ પણ જાતના ભેદભાવો વિના ભોગવી શકે, એમ હોવું જોઈએ. સ્વતંત્રતા મુઠ્ઠીભર લોકોનો ઇજારો હોઈ શકે નહિ. સમાજમાં સ્વતંત્રતાનું પણ સમાન વિતરણ થયેલું હોવું જોઈએ.
સમાનતાના નકારાત્મક ખ્યાલમાં જન્મ-આધારિત (વંશ, કુટુંબ, જ્ઞાતિ-જાતિ, ધર્મ, રંગ, લિંગ વગેરે) વિશેષ અધિકારોના ઇનકાર ઉપર ખાસ ભાર મૂકવામાં આવે છે. જન્મ-આધારિત આ તફાવતોને કારણે સમાજમાં કેટલાક લોકોના હાથમાં સત્તા, સંપત્તિ, મોભા કે લાભપ્રદ હોદ્દાઓનું કેન્દ્રીકરણ થાય છે અને મોટાભાગના લોકો તેનાથી વંચિત રહે છે. આ તફાવતો ઉપર આધારિત સામાજિક ભેદભાવોની શક્ય હોય ત્યાં સુધી નાબૂદી ઉપર નકારાત્મક ખ્યાલમાં ભાર મૂકવામાં આવે છે.
પણ નકારાત્મક સમાનતાનો અર્થ બધા પ્રકારના ભેદભાવોની સંપૂર્ણ નાબૂદી એવો થતો નથી. અમુક ખાસ સંજોગોમાં ભેદભાવ આચરવામાં આવે તો તેને સમાનતાનો ભંગ ગણી શકાય નહિ. દાખલા તરીકે સમાજમાં જે દબાયેલા, કચડાયેલા વંચિત સમૂહો છે, તેમના રક્ષણ કે ઉત્કર્ષ માટે ખાસ પગલાં ભરવામાં આવે તો તેને સમાનતાના ભંગ તરીકે ગણી શકાય નહિ. આવી નીતિને ‘હકારાત્મક ભેદભાવ’ અથવા ‘રક્ષણાત્મક ભેદભાવ’ની નીતિ કહેવામાં આવે છે.
સમાનતાનાં વિવિધ પરિમાણોને આધારે સમાનતાના જુદા જુદા પ્રકાર પાડવામાં આવે છે; જેમાં મુખ્યત્વે કુદરતી સમાનતા, રાજકીય સમાનતા, સામાજિક સમાનતા, આર્થિક સમાનતા, કાનૂની સમાનતા અને રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની સમાનતા. આ દરેક પ્રકારની સમાનતા એકાદ વિશેષ પરિમાણ ઉપર ભાર મૂકે છે. કુદરતે બધા મનુષ્યોને સરખા બનાવ્યા છે. મનુષ્ય માત્ર સમાન છે, એવું પ્રતિપાદન કેટલાક ધર્મો કરે છે. આ થઈ કુદરતી સમાનતા. કોઈ પણ જાતના ભેદભાવો વિના બધા નાગરિકોને રાજકીય પ્રથામાં, રાજકીય નિર્ણયપ્રક્રિયામાં ભાગ લેવાનો અધિકાર એ થઈ રાજકીય સમાનતા. તેમાં વિવિધ રાજકીય હકોનો સમાવેશ થાય છે. સમાજના સભ્ય તરીકે બધા મનુષ્યો કેટલાક પાયાના હકો, કોઈ પણ જાતના ભેદભાવો વિના ધરાવે છે, તે થઈ સામાજિક સમાનતા. ભારતમાં વર્ણવ્યવસ્થા અને તેમાંથી ઊતરી આવેલી જ્ઞાતિપ્રથા એ સામાજિક અસમાનતાનું સંસ્થીકૃત સ્વરૂપ છે. સામાજિક સુધારકોએ એ અસમાનતા દૂર કરવા સમાજસુધારાની ચળવળો ચલાવી છે.
દેશના અર્થતંત્રમાં ભાગીદાર થવા અને એ દ્વારા જીવનનિર્વાહ ચલાવવાનો સૌને અધિકાર છે, એ આર્થિક સમાનતામાં અભિપ્રેત છે. માર્ક્સવાદી વિચારધારા બધી અસમાનતાનાં મૂળ આર્થિક અસમાનતા(વર્ગભેદ)માં રહેલાં છે, એમ માને છે, તેથી વર્ગભેદ દૂર કરી આર્થિક સમાનતા સિદ્ધ કરવા ઉપર વિશેષ ભાર મૂકે છે. કામ કરવાનો, રોજગારી મેળવવાનો હક, સમાન કામ માટે સમાન વેતન મેળવવાનો હક, સામાજિક સલામતીનો હક વગેરેનો સમાવેશ આર્થિક સમાનતામાં થાય છે.
મનુષ્યો ભલે બીજી અનેક બાબતોમાં અસમાન હોય પણ કમ સે કમ કાનૂનની (રાજ્યની) નજરમાં તો સમાન જ ગણાવા જોઈએ. સૌને કાનૂનનું રક્ષણ મેળવવાનો હક હોવો જોઈએ, એ કાનૂની સમાનતામાં અભિપ્રેત છે.
મનુષ્યોમાં જેમ કેટલીક પાયાની સમાનતા છે, તેમ બધાં રાષ્ટ્રો સાર્વભૌમત્વની બાબતમાં સમાન છે, એ વિચાર રાષ્ટ્ર-રાષ્ટ્ર વચ્ચેની સમાનતા અથવા આંતરરાષ્ટ્રીય સમાનતામાં અભિપ્રેત છે. રાષ્ટ્રો વચ્ચે સમાનતાનો અર્થ તેમની સાથેનો વ્યવહાર સમાનતાપૂર્વકનો હોવો જોઈએ અને કોઈ રાષ્ટ્રે બીજાની આંતરિક બાબતોમાં દખલગીરી ન કરવી જોઈએ. આંતરરાષ્ટ્રીય કાનૂનની નજરે સૌ સાર્વભૌમ રાષ્ટ્રો સમાન છે. જોકે ઘણા વિદ્વાનો આ સમાનતાને નામ પૂરતી અથવા સૈદ્ધાંતિક માને છે કારણ કે આ સમાનતાને ચરિતાર્થ કરે એવી કોઈ સર્વોપરી સત્તા નથી.
રાજકીય ચિંતનની બે મુખ્ય વિભાવનાઓ સ્વતંત્રતા અને સમાનતા વચ્ચેના સંબંધો વિશે ચિંતકોએ ઊંડાણથી વિશ્લેષણ કર્યું છે. એક અભિપ્રાય અનુસાર આ બંને એકબીજાનાં વિરોધી છે, જેમની વચ્ચે સમન્વય શક્ય નથી. એકને સિદ્ધ કરવા બીજાનો ભોગ આપવો પડે અથવા સમાધાન કરવું પડે છે. જ્યારે બીજો અભિપ્રાય એવું સૂચવે છે કે બંને વચ્ચે મેળ બેસે તેમ છે; એટલું જ નહિ, બંને એકબીજાનાં પૂરક છે. સ્વતંત્રતા વિના સમાનતા અધૂરી છે, તો સમાનતા વિનાની સ્વતંત્રતા વ્યર્થ છે. સિદ્ધાંતની દૃષ્ટિએ એમ જરૂર કહી શકાય કે સ્વતંત્રતાની બાબતમાં સૌ સમાન હોવાં જોઈએ અને સૌ મનુષ્યો કોઈ પણ જાતના ભેદભાવ વિના સ્વતંત્રતા ભોગવતાં હોવાં જોઈએ; પણ વ્યવહારમાં આ પાયાની વિભાવનાઓ વચ્ચે કેવી રીતે મેળ બેસાડવો એ અત્યંત મુશ્કેલ છે, છતાં અશક્ય નથી.
સમાનતા અને સ્વતંત્રતા વચ્ચેની આ પ્રકારની સમજને કારણે લોકશાહી દેશોમાં સ્વતંત્રતાને તથા સમાનતાને નાગરિકોના મૂળભૂત અધિકારોની યાદીમાં સ્થાન આપવામાં આવે છે.
દિનેશ શુક્લ