સમાનધર્મી શ્રેણી : કાર્બનિક રાસાયણિક સંયોજનોમાં અનુક્રમિક રીતે મિથીલીન CH2 સમૂહ ઉમેરતા જવાથી બનતાં સંયોજનોની શ્રેણી. આમ તે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી છે કે જેમાંનો પ્રત્યેક સભ્ય તેના પાડોશ(આગળના અથવા પાછળ)ના સમૂહ કરતાં પરમાણુઓના ચોક્કસ સમૂહ વડે અલગ પડે છે. શ્રેણીમાંના સભ્યોના રાસાયણિક ગુણધર્મો સમાન હોવાથી તેમને સમાનધર્મી (homologous) કહે છે. સંતૃપ્ત હાઇડ્રોકાર્બન અથવા આલ્કેનમાં મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન, પેન્ટેન વગેરે પ્રત્યેકમાં અનુક્રમિક રીતે CH2 સમૂહ ઉમેરાતો જાય છે; દા.ત.,

આ બધા સભ્યોના અણુભારમાં ક્રમિક વધારાને કારણે તેમના ભૌતિક ગુણધર્મો – જેવા કે ઉત્કલનબિંદુ, ગલનબિંદુ વગેરે  ક્રમિક રીતે વધતા જણાય છે.

સમાનધર્મી શ્રેણી માત્ર આલ્કેન પૂરતી જ મર્યાદિત નથી, પરંતુ વિવિધ પ્રકારના ક્રિયાશીલ સમૂહો ધરાવતા વ્યુત્પન્નોમાંના કોઈ એક સમૂહમાં પણ આ ઘટના જોવા મળે છે.

નીચે કેટલાંક ઉદાહરણો દર્શાવ્યાં છે :

આલ્કીન સમૂહ : ઇથીન, પ્રોપીન, બ્યુટીન વગેરે.

આલ્કોહૉલ સમૂહ : મિથેનોલ, ઇથેનોલ, પ્રોપેનોલ, બ્યુટેનોલ વગેરે.

આલ્ડિહાઇડ સમૂહ : ફૉર્માલ્ડિહાઇડ, એસેટાલ્ડિહાઇડ, પ્રોપિયોનાલ્ડિહાઇડ વગેરે.

એમાઇન સમૂહ : ઍમિનોમિથેન, ઍમિનોઇથેન, ઍમિનોપ્રોપેન વગેરે.

ઍસિડ સમૂહ : ફૉર્મિક ઍસિડ, એસેટિક ઍસિડ, પ્રોપિયોનિક ઍસિડ, બ્યુટીરિક ઍસિડ વગેરે.

આ રીતે પ્રત્યેક સમૂહમાંનાં ઉદાહરણો તે શ્રેણીમાંના સમાનધર્મી સભ્યો કહેવાય છે. શ્રેણીની લાક્ષણિકતા સમજવા માટે તેમાંના કોઈ પણ એક સભ્યના ગુણધર્મો, તેને બનાવવાની રીત વગેરે દ્વારા આખી શ્રેણીના સભ્યો અંગે ખ્યાલ મેળવી શકાય છે.

જ. પો. ત્રિવેદી