સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર)

January, 2007

સમાનતા (equality) (કાયદાશાસ્ત્ર) : વ્યક્તિઓ કે સંસ્થાઓ સાથેના વર્તન અને વ્યવહારમાં ભેદભાવનો અભાવ હોવો તે સ્થિતિની હાજરી. તેમાં કાયદા સમક્ષ સમાનતા અભિપ્રેત છે. ભારતના બંધારણના અનુચ્છેદ 14 પ્રમાણે દરેક નાગરિકને મળતો સમાનતાનો અધિકાર. આર્ટિકલ 14 અને 16નો પાઠ આ સંબંધમાં નીચે પ્રમાણે છે :

અનુચ્છેદ 14 : કાયદા સમક્ષ સમાનતા : ભારતના કોઈ પણ પ્રદેશમાં, રાજ્ય કોઈ પણ વ્યક્તિને, કાયદા સમક્ષ સમાન ગણવાનો અથવા તો તેને કાયદાનું સમાન રક્ષણ આપવાનો ઇનકાર કરી શકશે નહિ.

અનુચ્છેદ 16 : જાહેર નોકરીમાં સમાન તક : (1) રાજ્ય હેઠળની કોઈ પણ નોકરીમાં નોકર તરીકે નિમણૂક પ્રાપ્ત કરવાની પ્રત્યેક નાગરિકને સમાન તક રહેશે.

(2) રાજ્યની કોઈ પણ નોકરી માટે કોઈ પણ નાગરિકને માત્ર ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, વંશ, જન્મસ્થળ, નિવાસસ્થાન અથવા તે પૈકી કોઈ પણ કારણસર ગેરલાયક ઠરાવવામાં આવશે નહિ અથવા તો ભેદભાવ કરવામાં આવશે નહિ.

(3) આ અનુચ્છેદને કારણે, કોઈ પણ પ્રકારના વર્ગ અગર વર્ગોની નોકરી માટે, પ્રથમ પરિશિષ્ટમાં આપવામાં આવેલાં રાજ્યોમાં અથવા અન્ય પ્રાદેશિક સત્તાઓના વિસ્તારમાં, નોકરીમાં નિયુક્તિ પામતી વેળાએ, અમુક પ્રકારના વસવાટની લાયકાત ઠરાવવા માટે કાયદા બનાવવાની અથવા તેવો પ્રબંધ કરવાની સંસદની સત્તામાં બાધ આવશે નહિ.

(4) જ્યારે રાજ્યને એમ લાગે કે અમુક નોકરીઓમાં નાગરિકોનો કોઈ પછાત વર્ગ યોગ્ય પ્રતિનિધિત્વ ધરાવતો નથી ત્યારે એવા પછાત નાગરિકો રાજ્યની નોકરીમાં અમુક નિમણૂકો અનામત રાખવાનો નિયમ અથવા કાયદો કરવામાં રાજ્યના અધિકાર પર આ અનુચ્છેદથી પ્રતિબંધ આવતો નથી.

(5) કોઈ એવો કાનૂન કે જેની પ્રક્રિયાથી કોઈ અમલદાર અથવા કર્મચારી, જે કોઈ ધાર્મિક કે સાંપ્રદાયિક સંસ્થા માટે નિયુક્ત થયેલો હોય અથવા જેના વહીવટમંડળમાં અમુક સંખ્યા, અમુક ધર્મ અથવા સંપ્રદાય પાળતા સભ્યોની હાજરી હોવાનું જરૂરી હોય, ત્યારે તેવા કાયદાના અમલને આ અનુચ્છેદથી બાધ આવશે નહિ.

કાયદા સમક્ષ સમાનતા એ કાયદાનું લક્ષ્ય છે, જે મેળવવા તે મથે છે. સમાનતાનાં અનેક પાસાંઓ છે. સમાનતાના આ લક્ષ્યમાંથી ચલિત થવું પડે તેવો પ્રસંગ ઉત્પન્ન થાય ત્યારે તે માટે બુદ્ધિગમ્ય અને તર્કસંગત એવો ખુલાસો આપવો પડે.

‘કાયદા સમક્ષ સમાનતા’ અને ‘કાયદાનું સમાન રક્ષણ’ – એ શબ્દાવલીઓ અનુક્રમે બ્રિટિશ અને અમેરિકન બંધારણમાંથી લેવામાં આવી છે. આ બંને વચ્ચેનો તફાવત સૂક્ષ્મ છે. બંને શબ્દરચનાઓનું ધ્યેય નાગરિકોમાં દરજ્જાની સમાનતા સ્થાપિત કરવાનું છે. કાયદાની દૃષ્ટિએ સમાનતા એટલે ભારતમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારના વિશિષ્ટ અધિકારો પ્રાપ્ત નથી, અને પ્રત્યેક નાગરિક રાષ્ટ્રના સામાન્ય કાયદાને આધીન છે. ‘કાયદાનું સમાન રક્ષણ’ એ શબ્દાવલીનો અર્થ એવો થાય છે કે સામાન્ય સંજોગોમાં પ્રત્યેક વ્યક્તિને રાજ્ય તરફથી સમાન વર્તાવ પ્રાપ્ત થશે. ટૂંકમાં, કાયદાની સમક્ષ સમાનતા એટલે સમાન વ્યક્તિઓ માટે સમાન કાયદો, જેનું ન્યાયની દૃષ્ટિએ સમાન સંચાલન થવું જોઈએ અને રાષ્ટ્રનો વ્યવહાર સમાજ પ્રત્યે સમાન હોવો જોઈએ.

અનુચ્છેદ 14માં સમાનતાનો ખંડ એ દર્શાવે છે કે જેઓ અમુક કાયદાને આધીન છે તે બધાંની સાથે સમાન સંજોગો અને પરિસ્થિતિઓમાં સમાન વ્યવહાર થવો જોઈએ  Equals have to be treated equally. અનુચ્છેદ 14 વર્ગીય કાયદો બનાવવાની તરફેણમાં નથી; પરંતુ અનુચ્છેદથી અપાયેલા સમાનતાના અધિકારના અમલ માટે યોગ્ય વર્ગીકરણ (classification) કરવાનો તે નિષેધ કરતો નથી; જોકે આવું વર્ગીકરણ બુદ્ધિગમ્ય/યુક્તિસંગત તફાવત પર આધારિત હોવું જોઈએ કે જેના આધારે અમુક સમૂહમાં આવરી લેવાયેલા લોકો અથવા વસ્તુઓ, બાકીના ન આવરી લેવાયેલા લોકો કે વસ્તુઓથી અલગ પડતા હોય. વળી આવો તફાવત કાયદો બનાવીને જે બાબત પ્રાપ્ત કરવાની છે તેની સાથે કોઈ તર્કસંગત આધારથી સંબંધ ધરાવતો હોવો જોઈએ. આમ, બનાવેલા કાયદાનો હેતુ અને વર્ગીકરણનો આધાર – એ બંને વચ્ચે સંબંધ સ્થાપિત થતો હોવો જોઈએ. અનુચ્છેદ 14ની શરતોનું ઉલ્લંઘન કરીને બનાવેલો કોઈ પણ કાયદો અમાન્ય ગણાશે અને અમલી બની શકશે નહિ.

ભારતના દરેક નાગરિકને, પોતે ગમે ત્યાં વસવાટ કરતો હોય તે છતાં, ભારત સરકાર હેઠળ ગમે તે સ્થળે નિમણૂક પ્રાપ્ત કરવાનો અધિકાર છે; પરંતુ અનુચ્છેદ 16ની પેટા કલમ (3) પ્રમાણે આ સામાન્ય સિદ્ધાંતમાં પ્રથમ અપવાદ એવો છે કે નોકરીમાં નિયુક્તિ પામતી વેળાએ જે તે રાજ્યમાં વસવાટ હોવો એ એક લાયકાત તરીકે ગણવું એવો કાયદો બનાવી શકાશે અને તેથી સમાનતાના સિદ્ધાંતનો ભંગ થતો નથી. અનુચ્છેદ 16નો બીજો અપવાદ એ છે કે રાજ્યનો પોતાની નોકરીઓમાં પછાત વર્ગના નાગરિકો માટે અમુક જગાઓ અનામત રાખવાનો હક છે. આ માટે પણ કાયદા બનાવી શકાશે અને તેથી સમાનતાના સિદ્ધાંતનો ભંગ થતો નથી. જોકે નોકરીઓની વહેંચણી જ્ઞાતિવાર કે જાતિવાર કરાશે તો તે સમાનતાના સિદ્ધાંતનો ભંગ ગણાશે. ત્રીજો અપવાદ પૂર્ણ ધાર્મિક અથવા સાંપ્રદાયિક સંસ્થાઓમાં થતી નિમણૂકો માટેનો છે. દરેકને સમાન તક મળવી જોઈએ એનો અર્થ એવો નથી કરવાનો કે એક ધર્મ કે સંપ્રદાયની સંસ્થામાં બીજા ધર્મ કે સંપ્રદાયની વ્યક્તિની નિમણૂક કરી શકાય. આમ કરવા દેવાય તો તેથી ધાર્મિક સ્વાતંત્ર્યનો ભંગ થશે. તેથી આ માટે બનાવવામાં આવેલા કાયદા કે નિયમો સમાનતાના સિદ્ધાંતનો ભંગ કરે છે એમ ગણાશે નહિ.

ભાનુપ્રસાદ મ. ગાંધી